નવી દિલ્હી: બુદ્ધપૂર્ણિમાનો દિવસ ભારત માટે ઘણો મહત્ત્વપૂર્ણ છે. આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નેપાળ યાત્રા પણ બુદ્ધપૂર્ણિમાના દિવસે યોજાઇ, જે એકસાથે ઘણા સંદેશ આપી રહી છે. દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયીથી લઇને નરેન્દ્ર મોદી સુધીની સરકારોને બુદ્ધપૂર્ણિમાનો દિવસ વધારે પસંદ આવે છે.
વાસ્તવમાં ભગવાન બુદ્ધે વિશ્વને શાંતિ અને કરુણાનો સંદેશ આપ્યો છે. ભારત આઝાદી બાદ અત્યાર સુધી વિશ્વમાં બુદ્ધના સંદેશ મારફત જ રાજનીતિ કરતું આવ્યું છે. મામલો યૂક્રેન-રશિયા યુદ્ધનો હોય કે પછી પેલેસ્ટાઇન-ઇઝરાયેલનો હોય, ભારતે હંમેશાં શાંતિનો જ પક્ષ લીધો છે. ભારતે પરમાણુ હથિયારોના મામલે પણ સ્પષ્ટ કહી દીધું છે કે તે આ વિનાશક પરમાણુ હથિયારોનો પ્રથમ ઉપયોગ ક્યારેય નહીં કરે.
1950માં નેહરુએ લેહ-લદ્દાખના લોકોને એક કર્યા
આઝાદી બાદ પાકિસ્તાને લદ્દાખ પર હુમલો કર્યો હતો અને લદ્દાખના લોકો ભારે મુશ્કેલીમાં હતા. જુલાઇ 1949માં નેહરુ લેહના ચાર દિવસના પ્રવાસે પહોંચ્યા. ત્યાંના આગેવાનોએ વડા પ્રધાનને ભગવાન બુદ્ધના બે ખાસ અનુયાયીને લદ્દાખ મોકલવા વિનંતી કરી હતી. નેહરુએ બૌધ સમુદાયના આ મોટા નેતાની વાત માનીને 1950માં બૌધ ભિક્ષુઓના મોટા જૂથને લદ્દાખ મોકલવાની વ્યવસ્થા કરી હતી. તેમને શ્રીનગરથી લશ્કરના ખાસ વિમાનમાં લદ્દાખ મોકલવામાં આવ્યા. તે પછી લોકો પોતાની સમસ્યા ભૂલીને લોકોની મદદમાં લાગી ગયા હતા.
1974માં બુદ્ધપૂર્ણિમાએ જ પ્રથમ પરમાણુ પરીક્ષણ
દેશની આઝાદી અગાઉથી એટલે કે 1944થી ડો. હોમી જહાંગીર ભાભા પરમાણુ શક્તિ પર કામ કરી રહ્યા હતા. 1974માં દેશના પ્રથમ પરમાણુ પરીક્ષણના હીરો હતા હોમી સેઠના, પીકે આયંગર, રાજ ગોપાલ ચિદમ્બરમ, રાજા રામન્ના અને વિક્રમ સારાભાઇ. ત્યારે હોમી સેઠના પરમાણુ ઊર્જા આયોગના અધ્યક્ષ હતા. તેમણે તે સમયના વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની મંજૂરી લઇને 18 મે 1974ના રોજ પરમાણુ પરીક્ષણ કરીને વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું હતું.
અટલજીએ પણ અણુ ધડાકો કરી બતાવ્યો
1998માં વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ પોખરણ-2 સફળતાપૂર્વક પાર પાડીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું હતું. અચાનક કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણથી અમેરિકા, પાકિસ્તાન સહિતના તમામ દેશો દંગ રહી ગયા હતા. ડો. એ.પી.જે. અબ્દુલ કલામની આગેવાની હેઠળની વૈજ્ઞાનિકોની ટુકડીએ આ મિશનને એવી રીતે સફળ બનાવ્યું હતું કે તેની કોઇને ગંધ પણ આવી ન હતી.
બુદ્ધપૂર્ણિમા પર નેપાળ પહોંચ્યા મોદી
તાજેતરમાં વડા પ્રધાન મોદી બુદ્ધપૂર્ણિમાના અવસરે ભગવાન બુદ્ધના જન્મસ્થળ લુમ્બિની ગયા. નેપાળની યાત્રા પહેલાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત અને નેપાળના સંબંધો અદ્વિતીય છે. તેમણે ઉમેર્યું હતં કે નેપાળ યાત્રા પાછળ તેમનો ઉદ્દેશ સમયની કસોટી પર ખરા ઉતરેલા બન્ને દેશના સંબંધોને વધારે ઊંડા કરવાનો છે. વડા પ્રધાન લુમ્બિનીમાં બૌધ સંસ્કૃતિ અને વિરાસત કેન્દ્રના નિર્માણની આધારશિલા રાખી હતી અને બંને દેશોના સંબંધો મજબૂત બનાવ્યા હતા.