નવી દિલ્હી: સુનંદા પુષ્કરના મૃત્યુનું રહસ્ય સાત વર્ષે પણ અકબંધ રહ્યું છે. એ કેસનો આખરે ચુકાદો આવ્યો છે અને આ કેસમાં જેમની સામે પ્રારંભથી જ શંકાની સોઇ તકાઇ રહી હતી તેવા કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરુરને નિર્દોષ જાહેર કરાયા છે. શશી થરુરે કોર્ટના ચુકાદાને આવકારતાં આનંદની લાગણી વ્યક્ત કરી છે તે સમજાય તેવું છે, પરંતુ કેટલાક સવાલો એ પછી પણ અનુત્તર રહ્યા છે. જો સુનંદાએ આપઘાત કર્યો હતો તો પછી તેના શરીર પરથી જે નિશાન મળી આવ્યા હતા તે શેના હતા?
દિલ્હીની કોર્ટે સુનંદા પુષ્કર મુદ્દે શશી થરુર પર લાગેલા આરોપ નકારી દીધા હતા અને તેમને આરોપમુક્ત કર્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતાને કોર્ટે સાત વર્ષ પછી રાહત આપી છે. થરુરે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે સાડા સાત વર્ષથી પીડા સહન કરતો હતો.
કોર્ટે કહ્યું હતું કે પોલીસ સાત વર્ષ પછી પણ પુરતા પુરાવા એકઠા કરી શકી નથી. કોર્ટે કહ્યું હતું કે ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ના તબીબોએ ઓટોપ્સી રીપોર્ટ કર્યો એ પછી નોંધમાં લખ્યું હતું કે મોત પાછળ ઝેર અને અલ્પ્રાઝોલમ (ઊંઘની ગોળીઓ)નું વધારે પડતું સેવન જવાબદાર હતું. પરંતુ આ ઘટના હત્યા, આત્મહત્યા કે દુર્ઘટના હતી એ મુદ્દે કોઈ સ્પષ્ટતા થઈ ન હતી.
આ બધા વચ્ચે હજુય કેટલાય સવાલોના જવાબો મળ્યા નથી. તેના કારણે આ કેસનું રહસ્ય હજુય અકબંધ રહ્યું છે. ઓટોપ્સી રીપોર્ટમાં શરીર પર ૧૨ નિશાન હોવાનું કહેવાયું હતું, પરંતુ એનો કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો ન હતો. પાકિસ્તાનની પત્રકાર અને શશી થરુરની સ્ત્રીમિત્ર મેહર તરાર સાથે ટ્વિટરમાં તેનો ઝઘડો થયો હતો. એના ગણતરીના દિવસોમાં જ એક હોટેલ રૂમમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો. જોકે, મૃત્યુના એક દિવસ પહેલાં સુનંદાએ ખૂબ જ હકારાત્મક ટ્વિટ્સ કરી હતી.
આપઘાતના આવા કિસ્સામાં રહસ્યો હંમેશા વણઉકેલ્યા રહે છે. સુશાંતસિંહ રાજપૂતનો કેસ પણ આ જ દિશામાં જઈ રહ્યો હોય તેવું અત્યારે તો લાગી રહ્યું છે. સંદિગ્ધ સ્થિતિમાં તેનો મૃતદેહ મળ્યો હતો, પરંતુ એમાં પણ ડ્રગ્સ સહિતના ઘણાં પરિબળો ભળ્યા હતા અને કેસ વધુ ગૂંચવાયો હતો. આ ગૂંચ હજુ સુધી તો ઉકલી નથી
વર્ષો પહેલાં મોડેલ જેસિકા લાલની હત્યા મામલે ચુકાદો આવ્યો હતો ત્યારે કોઈને સજા મળી ન હતી. મીડિયામાં એ મુદ્દે ભારે હોબાળો થયો હતો. દેશભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનથી માંડીને કેસ ફરી ચલાવવાની પ્રચંડ માગ ઉઠી હતી. શાસકોને લોકમાગણી સામે ઝૂકવુ પડ્યું હતું અને વગદાર યુવાનોને જેલભેગા કરવા પડ્યા હા. આ કેસ ફરીથી કોર્ટમાં પહોંચ્યો હતો અને ટોચના વકીલો વચ્ચે કાનૂની જંગ ખેલાયા બાદ કોંગ્રેસના જાણીતા નેતા વિનોદ શર્માનો પુત્ર મનુ શર્મા એમાં દોષિત ઠર્યો હતો, અને તેને તિહાર જેલભેગો કરાયો હતો.
સુનંદાનું મૃત્યુ પણ રહસ્યના અનેક વમળ સર્જે છે, પરંતુ કોઇએ આ કેસની ફેરતપાસ માટે માગ કરી હોવાનું જાણવા મળતું નથી.
શશી થરુર અત્યારે ભલે રાહતનો શ્વાસ લેતા હોય, પરંતુ સુનંદાનો આત્મા યોગ્ય ન્યાય ન થયાની લાગણી અનુભવતો હશે તેવું માનવામાં લેશમાત્ર અતિશ્યોક્તિ નથી.