નોઇડાઃ ઉત્તર પ્રદેશના નોઇડામાં રેસિડન્ટ એસોસિયેશનની નવ વર્ષની લાંબી કાનૂની લડાઈ પછી ભ્રષ્ટાચારની ગગનચુંબી ઇમારત ઇતિહાસ બની છે. આશરે 3,700 કિગ્રા વિસ્ફોટકોના શ્રેણીબદ્ધ બ્લાસ્ટ સાથે માત્ર 12 સેકન્ડમાં સુપરટેકના 100 મીટર ઊંચા ટ્વીટ ટાવર્સ કાટમાળ થઇ ગયા હતા.
આ ઘટનાએ દેશભરમાં ભારે ઉત્તેજના ઊભી કરી હતી અને ઊંચા ટાવરને ધ્વંસ થતા જોવા માટે હજારો લોકો એકઠા થયા હતા. ઘણા લોકો લાંબી મુસાફરી કરીને કલાકો પહેલા દૂરથી આવ્યા હતા. લાખ્ખો લોકોએ ટીવીમાં પણ જીવંત પ્રસારણ જોયું હતું. ઘટનાસ્થળે એકઠા થયેલા લોકોએ ટાવરને ધરાશાયી થતાં જોઇને ચિચિયારીઓ પાડી હતી. આવી ઊંચી બિલ્ડિંગને કાયદેસર રીતે ધરાશાયી કરવાની દેશની આ પ્રથમ કવાયત હતી.
ઘટનાના સાક્ષી પુરષોત્તમ મિશ્રાએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારના ઊંચા ટાવર ધ્વંસ થતાં હોય તેવું લાગ્યું હતું.
સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ
સુપ્રીમ કોર્ટે બિલ્ડર્સ અને નોઇડા ઓથોરિટીના અધિકારીઓ વચ્ચે સાંઠગાંઠ ગણાવી ટ્વીટ ટાવરને ગેરકાયદે ગણાવ્યા હતા. ભ્રષ્ટાચારને કારણે રિયલ્ટી કંપની સુપરટેક આ ટાવર્સનો નિર્માણ કરવામાં સફળ થઈ હતી. સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવીને 31 ઓગસ્ટ 2021ના રોજ આ ટાવર્સના ડેમોલિશનનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે નોઇડા ખાતેના આશરે 100 મીટર ઊંચા ગેરકાયદે ટ્વીન ટાવર્સ રવિવારે બપોરે 2.30 કલાકે આશરે 3,700 કિગ્રા વિસ્ફોટકોનો ઉપયોગ કરી સુરક્ષિત રીતે જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. પત્તાના મહેલની જેમ ૧૨ સેકન્ડથી ઓછા સમયમાં ટ્વીન ટાવર ધ્વંસ થતા જ ધૂળના ગોટેગોટા ઉડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટાવર્સની બીજી હાઇરાઇઝ બિલ્ડિંગની બારીઓ અને બાઉન્ડ્રી વોલમાં તિરાડ પડી હતી, પરંતુ બીજી કોઇ મોટું નુકસાન થયું ન હતું.
હવેનો પડકાર કાટમાળ હટાવવાનો
નોઇડા ઓથોરિટી સામેનો હવેનો પડકાર આશરે 55,000 ટન કાટમાળને દૂર કરવાનો છે. કાટમાળ દૂર કરતા આશરે ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. ટ્વીન ટાવર ધ્વંસ કરવા માટે તેના પિલ્લરના આશરે 7,000 હોલમાં વિસ્ફોટકો મૂકવામાં આવ્યા હતા અને 20,000 સર્કિટ લગાવવામાં આવી હતી.
બટન દબાવતા ડર લાગતો હતોઃ દત્તા
નોઈડામાં સુપરટેકના ટ્વિન ટાવરનું ડિમોલિશન ભારતના ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓમાંથી એક બની ગઈ છે. આ ટ્વિન ટાવર્સ તોડવાની જવાબદારી સંભાળી રહેલી કંપની એડિફિસના બ્લાસ્ટર ચેતન દત્તાએ બંને ટાવરને તોડી પાડવા માટે રિમોટ કંટ્રોલનું બટન દબાવ્યું હતું. તેમણે કહ્યું કે ડિમોલિશન ૧૦૦ ટકા સફળ રહ્યું છે. બંને ઈમારતોને તૂટી પડતાં 9-12 સેકન્ડનો સમય લાગ્યો. અમે જેવું વિચાર્યું હતું તેવું જ પરિણામ સામે આવ્યું. જોકે, ટાવર તોડી પાડવા માટે રિમોટનું બટન દબાવતી વખતે તેમને હવે શું થશે તેનો ડર લાગ્યો હતો. અમે પાંચ લોકો ટાવરથી માત્ર ૭૦ મીટર દૂર હતા. બંને ટાવર્સને તોડી પાડવા માટે ત્રણ વખત સાયરન વગાડવાની હતી. સાયરન વગાડવાના અડધા કલાક પહેલાં અમારા પાંચમાંથી કોઈએ એકબીજા સાથે કોઈ વાત કરી નહોતી. અમે માત્ર એકબીજાના ચહેરા જોઈ રહ્યા હતા. વિસ્ફોટના એક દિવસ પહેલાં આખી રાત તેઓ ઊંઘી શક્યા નહોતા.
સમય ભૂલી જતાં એક માણસ સુઈ ગયો
નોઈડામાં એમરાલ્ડ કોર્ટ હાઉસિંગ સોસાયટીમાં 15 રહેણાંક ટાવર છે. ટ્વિન ટાવરને તોડતા પહેલાં આ સોસાયટીની એક વિશેષ ટૂકડીએ એક મહિના પહેલાથી ખૂબ જ ઝીણવટપૂર્વક બનાવેલી યોજના હેઠળ સોસાયટીના બધા જ લોકોને શુક્રવારથી જ બહાર કાઢવાનું શરૂ કરાયું હતું. યોજના મુજબ રવિવારે ૭.૦૦ વાગ્યા પહેલાં બધાએ તેમના મકાનો ખાલી કરી દેવાના હતા.
આ માટે સોસાયટીની વિશેષ ટીમે પુષ્ટીકરણની બેવડી પ્રક્રિયા અપનાવી હતી. આ પ્રક્રિયાના અમલ વખતે એક સુરક્ષા ગાર્ડના ધ્યાનમાં આવ્યું હતું કે, હજુ એક વ્યક્તિ ટાવરની અંદર જ છે. સુરક્ષા ગાર્ડે વિશેષ ટૂકડીને કહ્યું કે એક ટાવરમાં એક વ્યક્તિ હજુ પણ અંદર છે. આ વ્યક્તિ ટાવરમાંથી નિકળવાનો સમય ભૂલી જતાં સૂઈ ગઈ હતી. આ વાત ધ્યાનમાં આવતા દોડાદોડી થઈ ગઈ હતી અને સુરક્ષા ગાર્ડે તેને જગાડી અને બહાર લઈ આવ્યા હતા.
ટ્વિન ટાવર્સ આંકડામાં
• 9 વર્ષની કાનૂની લડાઇ બાદ ટાવર્સ ધ્વસ્ત
• 3700 કિલોગ્રામ વિસ્ફોટકો ઉપયોગમાં લેવાયા
• 7000 હોલમાં વિસ્ફોટકો મૂકવામાં આવ્યા
• 20 કરોડ રૂપિયા ટાવર્સ તોડવાનો ખર્ચ
• 500 કરોડ રૂપિયાનું બિલ્ડરને નુકસાન
• 32 અને 29 માળના બે ટાવર્સ તૂટ્યા
• 55,000 ટન કાટમાળને દૂર કરાશે
• 100 કરોડ રૂપિયાની વીમા પોલીસી લેવામાં આવી
• 400 પોલીસ તથા પીએસી અને એનડીઆરફના જવાનો તૈનાત