નવી દિલ્હીઃ ભારતની સર્વોચ્ચ અદાલતે એક સિમાચિહનરૂપ ચુકાદામાં ઉચ્ચ ન્યાયતંત્રમાં ન્યાયાધીશોની નિયુક્તિ કરતી બે દસકા જૂની પાંચ જજોની બનેલી કોલેજિયમ સિસ્ટમના સ્થાને નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન (એનજેએસી) રચવાના કેન્દ્ર સરકારે ઘડેલા કાયદાને ગેરબંધારણીય ઠરાવ્યો છે.
અલબત્ત, સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપતાં ન્યાયાધિશોની નિમણૂક કરતી કોલેજિયમ સિસ્ટમને પણ ખામીપૂર્ણ ગણાવીને તેમાં જરૂરી સુધારાવધારા કરવા માટેના સૂચનો પર સુનાવણી યોજી છે. જોકે દેશની સર્વોચ્ચ અદાલતે શુક્રવારે આપેલા આ ચુકાદાએ એક પ્રકારે ન્યાયતંત્ર અને સરકાર વચ્ચે તનાવ સર્જયો છે તેમાં બેમત નથી.
સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતાં સ્પષ્ટ જણાવ્યું છે કે જજોની નિયુક્તિમાં સરકારી દખલ ગેરબંધારણીય છે. જ્યારે ભારત સરકારનું કહેવું છે કે તેણે જનતાની ઇચ્છા મુજબ કાયદો ઘડયો હતો. સંસદમાં સર્વાનુમતે મંજૂર થયેલા આ કાયદાને ૨૦ રાજ્યોની વિધાનસભાનું પણ સમર્થન હતું.
સુપ્રીમ કોર્ટના પીઢ વકીલ અને મોદી સરકારના નાણા પ્રધાન અરુણ જેટલીએ તો સુપ્રીમ કોર્ટના ચુકાદાને ‘કુ-તર્ક’ ગણાવતા ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લાના સિવિલ જજે તેમની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધવા આદેશ કરીને તેમને ૧૯ નવેમ્બરના રોજ કોર્ટમાં હાજર થવા ફરમાન કર્યું છે.
સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે તેના ચુકાદામાં એનજેએસીને રદ કરતા ચુકાદામાં કોલેજિયમ સિસ્ટમનું સ્થાન લેતો કાયદો ઘડી કાઢવા બંધારણમાં કરાયેલા ૯૯મા સુધારાને પણ ગેરબંધારણીય ગણાવ્યો હતો. ન્યાયમૂર્તિઓ જે. એસ. કેહર, જે. ચેલમેશ્વર, એમ. બી. લોકુર, કુરિયન જોસેફ અને એ. કે. ગોયલની બંધારણીય બેન્ચે હાયર જ્યુડિશિયરીમાં ન્યાયાધીશોની નિયુક્તિ પર સુપ્રીમ કોર્ટે આપેલા ૧૯૯૩ અને ૧૯૯૮ના ચુકાદાને સમીક્ષા માટે લાર્જર બેન્ચને રિફર કરવાની ભારત સરકારની અરજી પણ નકારી કાઢી છે. પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચમાંના ચાર સભ્યોએ એનજેએસી એક્ટ વિરુદ્ધ જ્યારે જસ્ટિસ જે. ચેલમેશ્વરે એનજેએસીની યોગ્યતા યથાવત્ રાખતો ચુકાદો આપ્યો હતો.
‘ચુકાદો આશ્ચર્યજનક’
સુપ્રીમ કોર્ટના ચુકાદા પર આશ્ચર્ય વ્યક્ત કરતાં કાયદા પ્રધાન સદાનંદ ગૌડાએ જણાવ્યું કે હું વડા પ્રધાન અને કાનૂનવિદોનો સંપર્ક કરીશ. અમને આ ચુકાદાથી ઘણું આશ્ચર્ય થયું છે. જનતાની ઇચ્છા અદાલત સમક્ષ રજૂ કરાઇ હતી. લોકસભા અને રાજ્યસભામાં આ ખરડાને સંપૂર્ણ સમર્થન હાંસલ થયું હતું. ૨૦ વિધાનસભાએ ખરડાને માન્યતા આપી હતી.
સંસદીય સ્વાયત્તતાની પીછેહઠ
કેન્દ્રીય પ્રધાન રવિ શંકર પ્રસાદે જણાવ્યું હતું કે કોલેજિયમ સિસ્ટમમાં સુધારો કરવા માટે સૂચનો મગાવવાની સુપ્રીમ કોર્ટની ઇચ્છા દર્શાવે છે કે આ પ્રક્રિયામાં કશુંક તો ખોટું છે જ. એનજેએસી દેશમાં ન્યાયિક સુધારાનો જ એક હિસ્સો હતું, જેને સંસદ અને જાણીતા કાયદાનિષ્ણાતોએ સમર્થન જાહેર કર્યું હતું. મને ખેદ છે કે અદાલતે ન્યાયતંત્રની સ્વતંત્રતાના સિદ્ધાંતને જાળવ્યો છે, પણ સંસદીય સ્વાયત્તતાની પીછેહઠ થઇ છે.
શું છે કોલેજિયમ સિસ્ટમ?
કોલેજિયમ સિસ્ટમમાં ચીફ જસ્ટિસ સહિતના પાંચ ન્યાયાધીશો દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો, હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ અને અન્ય ન્યાયાધીશોની નિયુક્તિ અને બદલીઓ અંગેના નિર્ણયો લેવામાં આવે છે. આ નિર્ણયોની ભલામણ વડા પ્રધાન અને રાષ્ટ્રપતિને મોકલી અપાય છે. તેમની મંજૂરીથી નિયુક્તિ કરાય છે. બે દસકાથી આ સિસ્ટમ અમલમાં છે, પરંતુ ન્યાયાધીશોની નિયુક્તિમાં વહાલાદવલાની નીતિ સામે
ઘણા લાંબા સમયથી અંગુલિનિર્દેશ થતો હોવાથી નવી વ્યવસ્થા ગોઠવવા વિચારણા કરાઇ હતી.
શું છે એનજેએસી?
કાયદાની જોગવાઇ અનુસાર નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન (એનજેએસી)માં ભારતના ચીફ જસ્ટિસ સહિત સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશો, કેન્દ્રીય કાયદા પ્રધાન અને સમાજના બે અગ્રણીની નિયુક્તિની જોગવાઇ કરાઇ હતી. આ બે અગ્રણીઓની નિયુક્તિ ચીફ જસ્ટિસ, વડા પ્રધાન અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા દ્વારા થવાની હતી.
જેટલીની ટિપ્પણી રાષ્ટ્રદ્રોહ
ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લાના કુલપહાડના સિવિલ જજ જુનિયર ડિવિઝન અંકિત ગોયલે નાણા પ્રધાન અરુણ જેટલી વિરદ્ધ કોર્ટની અવમાનનાનો કેસ દાખલ કરવા આદેશ આપ્યો છે. જજોની નિયુક્તિ મામલે કોર્ટે કોલેજિયમ સિસ્ટમને યોગ્ય ઠેરવતો નિર્ણય આપ્યો હતો, જેની વિરુદ્ધ જેટલીએ કરેલી ટિપ્પણીના મામલે આ કેસ કરાયો છે. જજ ગોયલે આ મામલે સુઓ મોટો એક્શન લેતાં નાણા પ્રધાન વિરુદ્ધ કેસ દાખલ કરવાનો અને ૧૯ નવેમ્બરના રોજ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારની ટિપ્પણીથી દેશદ્રોહ અને સમાજમાં કાયદા દ્વારા સ્થાપિત સરકાર પ્રત્યે ધૃણા ઉત્પન્ન કરવા સહિત અદાલતની અવમાનનો કેસ બને છે.
એનજેએસીને અયોગ્ય અને કોલેજિયમ સિસ્ટમને યોગ્ય ઠરાવતા ચુકાદાને જેટલીએ 'કુ-તર્ક' ગણાવ્યો હતો. જજ ગોયલને નિવેદનની સમીક્ષામાં જણાયું હતું કે, તેમના નિવેદનમાં કાયદા દ્વારા સ્થાપિત સરકારના વિરોધમાં ધૃણા તેમ જ અવમાનનાનો ભાવ છે. નોંધનીય છે કે, જજ ગોયલ સમાજવાદી નેતા મુલાયમ સિંહને રેપ પર વિવાદાસ્પદ ટિપ્પણી અંગે સમન્સ પાઠવી ચૂક્યા છે.
વિવાદાસ્પદ ટિપ્પણી
અરુણ જેટલીએ રવિવારે ફેસબુક પોસ્ટમાં સુપ્રીમ કોર્ટના એનજેએસી કાયદા પરના ચુકાદાને કુ-તર્ક ગણાવ્યો હતો. તેમણે લખ્યું હતું, ભારતીય લોકશાહી બિનનિયુક્ત લોકોનું નિરંકુશ તંત્ર બની શકે નહીં. ‘ધ એનજેએસી જજમેન્ટ - એન ઓલ્ટરનેટિવ વ્યૂ’ નામના લેખમાં વર્ણવેલી બાબતો જેટલીએ અંગત ગણાવતા લખ્યું હતું કે, એવો કોઇ બંધારણીય સિદ્ધાંત નથી જેમાં લોકશાહી અને તેની સંસ્થાના ચૂંટાયેલા પ્રતિનિધિને બચાવવાની વાત હોય.
ચુકાદા અંગે મિશ્ર પ્રત્યાઘાત
• ‘આપ’ના નેતા આશુતોષે જણાવ્યું કે સરકારને પ્રતિબદ્ધ હોય તેવું ન્યાયતંત્ર સર્જવાના કેન્દ્રના પ્રયાસને સુપ્રીમના ચુકાદાથી મોટો ફટકો પડયો છે.
• વરિષ્ઠ કાનૂનવિદ્ પ્રશાંત ભૂષણે જણાવ્યું કે રાજકારણીઓ જજોની નિયુક્તિ પર નિયંત્રણ મેળવવા માગતા હતા, જોકે કોલેજિયમ સિસ્ટમમાં ઘણી ખામી છે.
• કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલે જણાવ્યું કે લોકશાહીમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા મહત્ત્વનું પરિબળ છે.
વિદેશોમાં આ રીતે થાય છે જજની નિમણૂક
• બ્રિટનઃ સિલેક્શન કમિશન દ્વારા નક્કી કરાયેલા ઉમેદવારોની યાદી વડા પ્રધાન નામદાર મહારાણીને સોંપે છે. તેઓ યોગ્યતા અને કાયદાના આધારે જજની તબક્કાવાર પસંદગી કરે છે.
• અમેરિકાઃ રાષ્ટ્રપ્રમુખ દ્વારા તમામ ફેડરલ જજની નિમણુંક કરવામાં આવે છે. અમેરિકી સેનેટ બંધારણ પ્રમાણે આ નિમણુંકને મંજૂરી આપે છે. આ મંજૂરી બાદ નિમણુંક માન્ય ગણાય છે.
• રશિયાઃ સુપ્રીમ ક્વોલિફિકેશન કોલેજિયમ દ્વારા જજની નિમણુંક અંગે યાદી તૈયાર કરી રાષ્ટ્રપ્રમુખને સોંપાય છે. તેઓ આ ઉમેદવારોની પસંદગી કરીને ફેડરેશન કાઉન્સિલને મોકલે છે જેઓ નિમણુંકને માન્ય કરે છે.
• ફ્રાન્સઃ હાઈ કાઉન્સિલ ઓફ જ્યુડિશિયરી દ્વારા ફ્રાન્સના નાગરિકની જ કાયદાકીય ધારાધોરણોના આધારે જજ તરીકે નિમણુંક કરવામાં આવે છે. તેના આધારે જ તેનું પ્રમોશન પણ કરવામાં આવે છે.
• ચીનઃ રાષ્ટ્રપ્રમુખ દ્વારા તમામ તબક્કાના જજની નિમણુંક કરવામાં આવે છે. તે ઉપરાંત તમામ સ્તરના જ્યુડિશિયલ અધિકારીઓની નિમણુંક પણ રાષ્ટ્રપ્રમુખ જ કરે છે.