નવી દિલ્હી: રશિયા-યુક્રેન યુદ્ધ અંગે વિવિધ દેશો વચ્ચે મોટા મતભેદો છતાં જી-20 શિખર સંમેલનનાં પ્રથમ દિવસે જ સર્વસંમતિથી ન્યૂ દિલ્હી ડેક્લેરેશન સ્વીકારવામાં આવતા ભારતે મહત્ત્વની રાજદ્વારી જીત મેળવી છે. આફ્રિકન યુનિયનને જી-20ના કાયમી સભ્યપદ તરીકે માન્યતા આપવાની ભારતની દરખાસ્ત પણ સ્વીકારી લેવાતા સમિટનો પ્રથમ દિવસ અત્યંત ફળદાયી રહ્યો હતો.
વડાપ્રધાન મોદીએ 37 પાનાના ડેક્લેરેશન અંગે સધાયેલી સમજૂતી અંગેની જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે ‘મિત્રો, આપણને અત્યારે જ સારા સમાચાર મળ્યા છે, અમારી ટીમની અથાગ મહેનત અને તમારા તમામના સહકારથી નવી દિલ્હી જી-20 સમિટ લીડર્સ ડેક્લેરેશન અંગે સર્વસંમતિ સધાઇ છે. હું જાહેરાત કરું છું કે આ ડેક્લેરેશન અપનાવી લેવાયું છે.’
જી-20ના નેતાઓએ તમામ સ્વરૂપના આતંકવાદને વખોડી કાઢ્યા હતા અને આતંકી જૂથોને ‘સેફ હેવન ન મળે તે માટે આંતરરાષ્ટ્રીય સહકારની અસરકારકતા વધારવા તમામ પ્રયાસો મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. આતંકીઓને નાણાકીય, શસ્ત્રોની રીતે કે રાજકીય સમર્થન કોઇ પણ રીતે ન પહોંચે તેની પણ હાકલ કરાઇ હતી. તેમાં એક સૂરે આહ્વાન કરાયું હતું કે આ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી સામે ગંભીર ખતરો છે.
વડાપ્રધાન મોદીએ વિશ્વના નેતાઓને અપીલ કરી હતી કે તેઓ વિશ્વાસમાં વૈશ્વિક સ્તરે રહેલા અવકાશને ભરે. તેમણે આફ્રિકન યુનિયનને સભ્ય દેશોના કાયમી સભ્યપદ તરીકે મંજૂરી મળી હોવાની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે હવે આને કારણે ગ્લોબલ સાઉથનો અવાજ પણ મજબૂત બનશે. આફ્રિકન યુનિયન 55 દેશોનું બનેલું છે.
ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સની રચના થશે
જી-20 સમિટમાં સ્વચ્છ ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ બનાવવા પર સંમતિ સધાઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અમે વૈશ્વિક જૈવિક ઇંધણ ગઠબંધન શરૂ કરી રહ્યા છીએ. અને ભારત દુનિયાભરના દેશોને આ પહેલમાં સામેલ થવા માટે આમંત્રિત કરે છે. મોદીએ ઉમેર્યું કે જી-20 શિખર સંમેલનમાં ભારત પર્યાવરણ અને જળવાયુ અવલોકન માટે જી-20 સેટેલાઇટ મિશન લોન્ચ કરવાની દરખાસ્ત કરે છે. આની સાથે જ ભારતે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણને 20 ટકા સુધી વધારવા માટે વૈશ્વિક સ્તરની પહેલની દરખાસ્ત કરી છે.
વિશ્વનેતાઓ સાથે મોદીનો ઉષ્માભર્યો નાતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જી-20 સમિટ માટે ભારત મંડપમમાં મહેમાનોને આવકાર્યા હતા. અહીં તેઓ મહેમાન નેતાઓ સાથે ઉમળકાભેર મળ્યા હતા. જે નેતાઓ સાથે મોદીના સંબંધોમાં વધારે ઉષ્મા જોવા મળી હતી તેમાં અમેરિકાના પ્રમુખ બાઇડેન, ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક અને સાઉદી અરબના કાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ખાસ હતા. અમેરિકન રાષ્ટ્રપતિને મળવા પીએમ આગળ વધ્યા હતા અને તેમણે બાઇડેનને કોણાર્ક ચક્ર વિશે માહિતી આપી હતી. બ્રિટિશ પીએમ સુનક સાથે હસ્તધૂનન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ તેમને ગળે લગાવ્યા હતા. તો ઇટાલીના પીએમ મેલોની અને મોદી મુક્તમને હસતા જોવા મળ્યા હતા.
પીએમ મોદીએ જર્મન ચાન્સલર સ્કોવ્ઝના હાલચાલ પણ પૂછયાહતા. ઇન્ડોનેશિયન રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ વડાપ્રધાનને નમસ્તે કર્યુ હતું. જ્યારે આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ફર્નાન્ડેઝને તેમણે ગળે લગાવ્યા હતા.
વિશ્વભરમાં ભારતની પ્રશંસા
જી-20 શિખર સંમેલનની સફળતા બાદ દુનિયામાં ભારતનું સન્માન વધ્યું છે. નવી દિલ્હી ઘોષણાપત્રને સર્વસંમતિ મળી છે ત્યારે આંતરરાષ્ટ્રીય મીડિયાએ ભારતની સિદ્ધિને બિરદાવી છે. ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’એ વૈશ્વિક ચિંતાઓને દૂર કરવા અને તમામ વિકાસલક્ષી તેમજ ભૂ-રાજકીય મુદ્દાઓ ૫૨ સર્વસંમતિ સાધવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બિરદાવ્યા છે. દુબઇના ‘ગલ્ફ ન્યૂઝે’ આ બાબતને વાચા આપી છે કે કઇ રીતે સમિટે સદભાવ અને વિવિધતામાં દુનિયાને આકાર આપવામાં ભૂમિકા ભજવી છે. બ્રિટિશ અખબાર ‘ધ ટેલિગ્રાફે’ નવી વિશ્વવ્યવસ્થાનું મુખ્ય આકર્ષણ બનવા બદલ ભારતની વાત કરી છે. ‘અલ જજીરા’એ લખ્યું છે કે, રશિયાએ સંતુલિત ઘોષણાની પ્રશંસા કરી છે.
સંસ્કૃતિને પ્રદર્શિત કરવાની તકઃ જયશંકર
વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે જી-20 અસામાન્ય, સામાજિક ભાગીદારી અને આપણી સંસ્કૃતિને પ્રદર્શિત કરવાની તક છે. તેણે ભારતને વિશ્વ માટે તૈયાર કર્યુ છે. ન્યૂ દિલ્હી ડિકલેરેશન મજબૂત ટકાઉ સંતુલન પર કેન્દ્રિત છે. તેમાં હરિત વિકાસ સમજૂતીની કલ્પના છે. ઘોષણાપત્રમાં પરિવર્તન, ડિજિટલ સાર્વજનિક પાયાના માળખા પર ધ્યાન આપવાની સાથે ટેક્નોલોજીની સમાવેશી ભૂમિકા પર પ્રકાશ નખાયો છે.
ચીન નુકસાનના ભયથી પરેશાન
જી-20 સંમેલનમાં ભારતની તાકાત જોઈને ચીન ફરી એક વાર ચિડાઈ ગયું છે. સંમેલન શરૂ થયા પહેલાં જ ચીન ભારતની ઈર્ષ્યા કરવા લાગ્યું છે. પહેલાં શી જિનપિંગે દિલ્હી આવવાની ના પાડી દીધી. હવે જ્યારે સંમેલનના પહેલા દિવસે નવી દિલ્હી ઘોષણાપત્ર જાહેર કરી દેવાયું છે તો તેનાથી દેશની મજબૂતી આખી દુનિયા સમક્ષ સ્પષ્ટ થઈ ગઈ છે. બીજી તરફ આફ્રિકન યુનિયનને પણ ભારતના જ પ્રયાસથી જી-20માં જગ્યા મળી ગઈ છે, જે ચીન માટે એક મોટા ફટકા સમાન મનાય છે. આ વાતોથી ચિડાયેલા ચીનનું કહેવું છે કે જી-20માં ભારત પોતાનો એજન્ડા મનાવવા અને ચીનને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી રહ્યું છે. ચાઇના ઇન્સ્ટિટ્યૂટ ઓફ કન્ટેપરી ઇન્ટરનેશન રિલેશન તરફથી કહેવાયું છે કે એક વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારત પોતાનો અંગત ફાયદો શોધી રહ્યું છે.