પતંગનો ઈતિહાસ એટલો જ પૌરાણિક છે જેટલો આપણા કેલેન્ડરનો ઈતિહાસ છે. પતંગ હજારો વર્ષની સફર કરીને આજે અહીં પહોંચ્યો છે. પતંગનો ઈતિહાસ ઈસુ પૂર્વેનો છે. કેટલાક ધર્મશાસ્ત્રીઓના મતે પતંગનું અસ્તિત્વ મહાભારત તથા રામાયણ કાળમાં પણ હતું. ‘અમરકોશ’ જેવા પ્રાચીન ગ્રંથમાં પતંગનો ઉલ્લેખ જોવા મળે છે તો બીજી તરફ પશ્ચિમના ઈતિહાસકારો પતંગની શોધને મોહેં-જો-દરો અને હડપ્પાની સિંધુ સંસ્કૃતિના મળી આવેલા અવશેષો સાથે સરખાવે છે. સિંધુ સંસ્કૃતિના મળી આવેલા અવશેષોમાં અમુક ચિત્રલિપિમાં પતંગની આકૃતિ જોવા મળી હતી.
આકાશમાં ઊડતી કોઈ પણ વસ્તુ પછી એ પેરાગ્લાઈડિંગ, પેરાશૂટ, વિમાન કે રોકેટ હોય દરેક શોધ-સંશોધન પતંગ પર આધારિત હોય છે. એક ઉલ્લેખ એવો પણ છે કે રામાયણમાં ભગવાન રામ પુષ્પક વિમાનમાં અયોધ્યા આવ્યા હતા. આ પુષ્પક વિમાનને પણ પતંગ સાથે સીધો સંબંધ છે.
જોકે, ભારતમાં ‘પતંગ’ નામનો સર્વપ્રથમ ઉલ્લેખ મંઝન નામના કવિએ પોતાની કવિતા ‘મધુમાલતી’માં કર્યો હતો એવી ધારણા છે. આ કવિએ પતંગને પ્રેમી અને પ્રેમિકાના પ્રેમ-સંદેશ એકબીજા સુધી પહોંચાડવાના એક કાલ્પનિક વાહન કહીને ઉલ્લેખ કર્યો હતો. અલબત્ત, ત્યારથી આપણે ત્યાં ‘પતંગ’ નામ પ્રચલિત થઈ ગયું છે. આ ઉપરાંત મરાઠી કવિ એકનાથ અને તુકારામે પોતાના શ્લોકોમાં પતંગનો ઉલ્લેખ ‘વાવડી’ નામે કર્યો હોવાનું શાસ્ત્રોમાં છે.
ભારતમાં પતંગની વ્યાપક શરૂઆત ઈ.સ. ૧૭૫૦ની આસપાસ થઈ હોવાનો અંદાજ છે. એ સમયે પતંગ રાજા-મહારાજ અને નવાબોના શોખનો વિષય બની ચૂકી હતી. પતંગને પ્રોત્સાહન આપવામાં મુસ્લિમ શહેનશાહ શાહ આલમ અને વાજીદઅલી શાહની ભૂમિકા મહત્ત્વની રહી છે, એટલે જ તો આજે પતંગના ધંધામાં મુસલમાન કારીગરોનું વર્ચસ્વ દેખાય છે. મોગલકાળને પતંગનો સુવર્ણકાળ માનવામાં આવે છે. કહેવાય છે કે વાજીદઅલીને કેન્સર જેવી કંઈક બીમારી હતી તેથી વૈદ્ય અને હકીમોએ તેમને ખુલ્લામાં આકાશ તરફ ધ્યાન કેન્દ્રિત કરીને શ્વાસચ્છોશ્વાસ લેવાનું કહ્યું હતું એને બંને તેટલો સમય કુદરતના સાંનિધ્યમાં ગાળવાની સલાહ આપી હતી. તેથી વાજીદઅલીના સલાહકારોએ તેમને પતંગ ચગાવવાની સલાહ આપી હતી. લગભગ ઈ.સ.૧૬૦૦ની આસપાસ મોગલકાળમાં પતંગનો શોખ વ્યાપક થઈ ગયો હતો.
એવું કહેવાય છે કે મોગલકાળમાં શહેનશાહ દ્વારા પતંગની હરીફાઈ યોજવામાં આવતી હતી, જેથી અનેક નામી ‘પતંગબાજો’ વચ્ચે જામીને પતંગબાજી થતી હતી. શહેનશાહ આ પતંગબાજીનો લુફ્ત ઉઠાવ્યા બાદ વિજેતાઓને સોનામહોરોથી નવાજતા હતા. આ ઉપરાંત મોગલકાળમાં પતંગનો ઉપયોગ પ્રેમી અને પ્રેમિકા એકબીજાને સંદેશો પાઠવવા માટે કરતાં હોવાનાં પૌરાણિક પેઇન્ટિંગ્સ પણ મળી આવ્યાં હતાં.
પતંગના આ રોચક ઇતિહાસમાં લખનઉના નવાબોનો કિસ્સો જરા હટકે છે. લખનઉના નવાબ પોતાના ગઢ પરથી જ્યારે પતંગ ઉડાડતા ત્યારે પતંગ સાથે સોનાના સિક્કા લટકાવતા હતા. જે નવાબના ગઢ પરથી ચગેલા પતંગને કાપી શકે તે આ ઇનામનો હકદાર ગણાતો હતો. આવા રિવાજને કારણે નવાબોના સમયમાં લખનઉમાં પતંગબાજી સોળે કળાએ ખીલી ઊઠી હતી.
જયપુરમાં મળી આવેલા ૧૬મી સદીના અમુક પેઇન્ટિંગમસાં એવું સ્પષ્ટ દેખાય છે કે પોર્ટુગિઝે જ્યારે જયપુરની મુલાકાત લીધી હતી ત્યારે પતંગ ચગાવવામાં આવ્યો હતો.
જોકે આ જે પણ પતંગની શોધને લઈને અનેક મતમતાંતરો પ્રવર્તે છે. પતંગની શોધ ખરેખર ચીનના એક ખેડૂતે કરી હોવાનો દાવો છે. ગ્રીસના ઇતિહાસકારોએ નોંધ્યું છે કે ટોરમેન નામના એક ગ્રીક વિજ્ઞાનીએ ઈ.સ. પૂર્વે ચોથી કે પાંચમી સદીમાં પતગંની શોધ કરી હતી. જ્યારે ચીનના ઇતિહાસકારો પતંગની શોધને ઈસુના જન્મની બે સદી પૂર્વેની ગણાવે છે. તેઓએ નોધ્યું છે કે કર્નલ હાનસિન નામના ચીનના એક લશ્કરી અધિકારીએ પતંગની મદદથી તેમના અલગ અલગ સ્થળોએ ગોઠવાયેલા સૈનિકોને ગુપ્ત સંદેશાઓ પાઠવ્યા હતા. આ ઉપરાંત કર્નલ હાનસિનની બીજી એક વાત પણ પ્રચલિત છે.
કહેવાય છે કે કર્નલે એક સમયે પોતાના દુશ્મનોના કિલ્લાઓ કેટલે દૂર છે તે માટે પતંગનો ઉપયોગ કર્યો હતો. કર્નલ પોતાના બળવાન દુશ્મનને સામી છાતીએ પહોંચી શકે તેમ ન હતા તેથી તેઓએ પોતાના ફળદ્રુપ ભેજાની કમાલ દ્વારા સૌ પ્રથમ પતંગ ઉડાડીને દુશ્મનનો કિલ્લો કેટલે દૂર છે તે માપી લીધું અને ત્યાર બાદ જમીનમાં ભોંયરુ બનાવીને એ ભોંયરાની મદદથી છેક દુશ્મનોના કિલ્લામાં પોતાના લશ્કરને ઘુસાડી દીધું હતું.
જ્યારે પશ્ચિમના દેશોમાં આ રમતને પહોંચાડવાનું શ્રેય મોકો પોલો નામના એક રખડુ પ્રવાસીના ફાળે જાય છે. આ પ્રવાસી જ્યારે પૂર્વના દેશો તરફ રખડપટ્ટી કરવા આવ્યો હતો ત્યારે તેણે આ રમતને અહીં નિહાળી હતી અને પોતાના વતન પરત ફરીને પશ્ચિમના લોકોને પતંગ ચગાવવાની રમતથી વાકેફ કર્યા હતા. અલબત્ત, ત્યારબાદ પતંગની રતમનો ઉપયોગ યુરોપ અને અમેરિકાના ભેજાબાજ વિજ્ઞાનીઓએ વિવિધ રીતે મગજ લડાવીને પોતાના બુદ્ધિ-કૌશલ્યના જોરે વિવિધ શોધ માટે કર્યો હતો. ઈ. સ. ૧૭૫૨ની સાલમાં પ્રખ્યાત વિજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલીને પતંગની મદદથી વાયુમાંથી વીજળી ઉત્પન્ન કરવાનો પ્રયોગ કર્યો હતો. તો બીજી તરફ પતંગની દોરી સાથે થર્મોમીટર બાંધીને અદ્ધર આકાશનું તાપમાન માપવાના પ્રયાસ પણ થયા હતા. જોકે, ત્યારબાદ વીજળીના તારની શોધથી લઈને જગતના સૌપ્રથમ પુલનું નિર્માણ અને પતંગને આભારી છે. નદી-નાળાં અને ડેમ પરનાં નાના મોટા પુરની યુક્તિ પણ ઊડતા પતંગની દોરી પરથી જ જન્મી હતી જ્યારે પોલ ગાર્બર નામના વ્યક્તિએ બનાવેલી અમુક પ્રકારની પતંગનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીના નૌકાકાફલાએ પોતાનો ટાર્ગેટ સિદ્ધ કરવા માટે કર્યો હતો. હવાઈ સફરની શોધના જનેતા રાઈટબંધુઓએ વિમાન બનાવતાં પહેલાં તેની પ્રેરણા પતંગ પરથી લીધી હતી. અલબત્ત, લાંબી મજલ કાપીને આવેલો પતંગ આજે વિશ્વની અનેક આધુનિક સુખ સગવડની શોધ માટે આભારી છે.
પતંગની જન્મકુંડલી
• ૨૦૦ બી.સી. પતંગની શોધ સૌપ્રથમ ચીનમાં એક ખેડૂતે કરી
• ૨૦૦ બી.સી.થી ૫૦૦ એ.ડી. પતંગનો ઉપયોગ લશ્કરના જનરલો દ્વારા તેના થાણાંઓને સંદેશાઓ મોકલવામાં અને દુશ્મનોના કિલ્લાઓ કેટલા દૂર છે તેનો અંદાજ મેળવવા થતો રહ્યો હતો.
• ઈ.સ. ૯૩૦ જાપાના સાહિત્યમાં પતંગનો ઉલ્લેખ જોવા મળ્યો હતો.
• ઈ.સ. ૯૬૦ થી ૧૧૨૬ ચીનમાં પતંગને ખૂબ જ પ્રખ્યાતિ મળી. અહીંના લોકો નવમા મહિના દિવસે પતંગ ચગાવીને દુશ્મનો પરના વિજયને ઊજવતા હતા.
• ઈ.સ. ૧૫૪૨ સૌ પ્રથમ વખત ભારતના સાહિત્યમાં પતંગનો ઉલ્લેખ ‘મધુમાલતી’માં જોવા મળ્યો.
• ઈ.સ. ૧૭૪૯માં અંગ્રેજ ડો. એલેકઝાન્ડરે પતંગની મદદથી આકાના તાપમાનની આગાહી કરી હતી.
• ઈ.સ. ૧૭૫૨માં પ્રખ્યાત વિજ્ઞાનિક બેન્જામીન ફ્રેન્કલીને પતંગની મદદથી વાયુમાંથી વીજળી ઉત્પન્ન કરવાનો પ્રયોગ કર્યો હતો.
• ઈ.સ. ૧૮૩૩માં આર્કિબાલ્ડ નામના હવામાનશાસ્ત્રીએ સૌપ્રથમ વખત પતંગની મદદથી વર્તારો આપ્યો હતો.
• ઈ.સ. ૧૮૪૭માં અમેરિકા અને કેનેડા વચ્ચે નાયગરા ધોધ પર થયેલું પુલનું નિર્માણ પણ પતંગને આભારી છે.
• ઈ.સ. ૧૮૭૦માં ઓસ્ટ્રેલિયન શોધક લોરેન્સ હાર્ગેવ્યએ પતંગ સાથે બાસ્કેટ બાંધીને લોકોને હવાઈ સફર કરાવી હતી.
• ઈ.સ. ૧૯૦૨માં ઇટાલીના વિજ્ઞાનિક માર્કોનીએ વાયરલેસ સંદેશાને ઝીલવા પતંગ સાથે એન્ટેના બાંધ્યું હતું.
• ઈ.સ. ૧૯૦૩-૦૪માં વિમાનની શોધ કરતાં પહેલાં શોધક રાઇટબંધુઓએ પતંગ પરથી પ્રેરણા લીધી.
તમે પતંગ ઉડાડ્યો છે, હવે પતંગ જાણો
• સંત તુકારામે તેમના પદોમાં પતંગ માટે ‘વાવડી’ શબ્દનો ઉપયોગ કર્યો છે.
• જયપુરના મહારાજાને પતંગનો ભારે શોખ હતો. તેઓ ખાસ દોરી તૈયાર કરાવતા અને અઢી તોલાની સોનાની, ચાંદીની, કાંસાની ઘૂઘરી અને પતંગને ફૂમતે બાંધતા હતા. જેના હાથમાં પતંગ આવે તેને બાર મહિનાની ખાધાખર્ચી નીકળી જતી હતી.
• દિલ્હીમાં ૧૫મી ઓગસ્ટે, બિકાનેરમાં અખાત્રીજ અને તામિલનાડુમાં ઓણમના દિવસે પતંગ ચડાવવાનો રીવાજ છે.
• મહારાષ્ટ્રમાં ઉત્તરાયણના દિવસે ઊધીયું ખાવાનો નહીં. પણ તલના લાડુ ખાવાનો રિવાજ છે.
• ૧૯મી સદીના સંત ભાગાજી ગેનાઈ નામના માણસે બનાવેલા પતંગની પહોળી ૨૪ મીટર અને તેની પૂંછડી ૧૪૬ મીટર લાંબી હતી. આ પતંગનું વજન માત્ર ૨.૮૦ મેટ્રિક ટન હતું અને એને ઉડાડવા ૧૫૦ માણસોની જરૂર પડી હતી.
• ચીનના ડ્રેગન નામનો પતંગ બનાવવામાં આવે છે. ૩૦ સેન્ટીમીટર વ્યાસવાળો આ પતંગ ૨૪ નાના પતંગોના તોરણ સાથે બનાવાય છે. આ પતંગ સતત ગોળ ગોળ ફરતો રહે છે.
• ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા કાનપુરમાં પતંગ દ્વારા પવનશક્તિના પ્રયોગ કરવામાં આવ્યા હતા. વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રાયોગિક ધોરણે વીજળી ઉત્પન્ન કરવાના, અનાજ દળવાના અને કૂવામાંથી પાણી ખેંચવાના પ્રયોગો થયા હતા.
• કોરિયામાં પતંગરસિયાઓ પતંગ પર નવા વર્ષના દિવસે પોતાના દિકરાનાં નામ, જન્મતારીખ લખે છે અને પછી પતંગ ઉડાડે છે.
• જાવામાં પતંગને દેવી-દેવાઓના પ્રતીકરૂપે ગણવામાં આવે છે.
• ઇન્ડોનેશિયામાં માછીમારો હોડીમાં બેસી પતંગ ઉડાડે છે. આ ક્રિયાને તેઓ પ્રાર્થનાસમ ગણે છે.
• બૈજિગ (ચીન)ની પૂર્વે આવેલા તીઆન જિલ નામનો એક પતંગ ઉત્સાદ અને અનેક આકારના પતંગ શોધી કાઢવા માટે વિખ્યાત હતો. તેની ડિઝાઈનોની આજે પણ નકલ થાય છે.
• ચીની ફિલ્મનિર્માતા જિન ફુગોંગ અઠંગ પતંગપ્રેમી હતો. તેણે ૧૯૫૮માં બનાવેલી એક ફિલ્મ પતંગ પર આધારિત હતી.
• પતંગની સોધનો દાવોગ્રીકો અને ચીનાઓની જેમ આરબો પણ કરે છે. એમની માન્યતા એવી છે કે પહેલોપતંગ બનાવનાર પુરુષ હકીમ લુકમાન હતા.
• પતંગ અન્ય રીતે પણ ઘણી સેવા કરે છે. ઇજનેરો નદીઓની આરપાર બંધો બાંધવા અને પુલો બાંધવા પતંગો વડે પાતળી દોરી નદીને એક કાંઠેથી બીજે કાંઠે પહોંચડતા હતા અને પછી એ દોરીની પાછળ જાડા દોરડા મોકલતા હતા. નાયગ્રા ધોધ પર જે ઝૂલતો પુલ બાંધવામાં આવ્યો છે તેની બાંધણી શરૂ કરતાં પહેલાં પતંગો વડે દોરડાં લટકાવામાં આવ્યા હતાં.
• ટેલિફોનના શોધક એલેકઝાંડર ગ્રેહામ બેલે ૬ઠ્ઠી ડિસેમ્બર, ૧૯૦૭ના રોજ ૪૨ ફૂટ લાંબો, ૧૦ ફૂટ ઊંચો અને ૩૩૯૩ ખાનાંવાળો સીગ્રેટ પતંગ લેફટેનન્ટ થોમસ સેફરીજને બેસાડી સ્ટીમબોટની મદદથી ૧૬૮ ફૂટ ઊંચે ઉડાડ્યો હતો.
• અમેરિકાના જે.પી.ફિલિપે ૮૬૫૦ મીટ ઊંચે પતંગ ઉાડી ૧૯૬૭માં સૌથી ઊંચોપતંગ ઉડાડવાનો વિક્રમ સર્જયો છે. અમેરિકાની સનરાઈઝ ઇન ટીમના નામે વધારે સમય એટલે કે ૨૭મી એપ્રિલથી ચોથી મે સુધી ૧૭૪ કલાક પતંગ ચગાવવાનો વિક્રમ નોંધાવ્યો છે.
• અમદાવાદના આંતરરાષ્ટ્રિયખ્યાત કલાકાર ભાનુભાઈ શાહે અમદાવાદના ગૌરવસમાન ‘પતંગ’ મ્યુઝિયમ ઊભું કર્યું છે.
• દુનિયાનો સૌથી મોટોપતંગ ૫૯૫૨ ચોરસ ફૂટના એટલે કે ૫૫૩ ચોરસમીટરના કદનો નોંધા છે. આ પતંગ નેધરલેન્ડના પતંગબાજોની એક બીજે ૮મી ઓગસ્ટ, ૧૯૮૧માં ચગાવ્યો હતો. અગાઉ ૨,૩૧૩ ફૂટ લાંબો પતંગ ફ્રાન્સના માઇકલ ડાયલેટ અને તેના સાથીઓએ ૧૫મી નવેમ્બર, ૧૯૭૯માં ઉડાડ્યો હતો.
• ઉત્તર ગુજરાતના કેટલાંક ગામોમાં આજે પણ વર્ષમાં બે વાર પતંગની મોજ માણવામાં આવે છે. સિદ્ધપુરથી પાલનપુર સુધીની પટ્ટીના લોકો ઉત્તરાયણના દિવસે અને દશેરાના દિવસે પતંગો ચડાવે છે. જો કે આ રિવાજ દિવસે દિવસે લુપ્ત થતો ગયો છે.
• અમદાવાદમાં માત્ર જમાલપુરમાં જ વિવિધ પતંગો બનાવવાનાં ત્રણસોથી અધિક કારખાનાં છે.
• ઇતિહાસકારોના જણાવ્યાનુસાર મોગલયુગમાં પણ પતંગની બોલબાલા હતી. દિલ્હીમાં નામી પતંગબાજો હતાં તેમની વચ્ચે પતંગ ચગાવવાની સ્પર્ધા હતી. બાદશાહ શાહઆલમના વખતમાં પહેલી વાર પતંગની દિલધડક સ્પર્ધા યોજવામાં આવી હતી અને વિજેતા ટીમને સોનામહોરો આપી સન્માનિત કરવામાં આવી હતી.
• સૌથી પહેલો પતંગ ત્રણ હજાર વર્ષ પૂર્વે પાંદડાંમાંથી બનાવવામાં આવ્યો હતો એવું માનવામાં આવે છે.
• વિશ્વનો સૌથી નાનો પતંગ પાંચ મિલીમીટર જેટલું ઊંચો ઊડયો હતો.
• વિશ્વના સૌથી વિશાળ પતંગને મેગા ફ્લેગ તરીકે ઓળખવામાં આવે છે. તે ૬૩૦ ચોરસ મીટરનું કદ ધરાવે છે. પીટર લીન નામની વ્યક્તિએ આ પતંગ બનાવ્યો હતો.
• વિશ્વનો સૌથી લાંબો પતંગ ૧૦૩૪ મીટર લંબાઈ ધરાવે છે.
• જાપાનના પતંગબાજ દ્વારા એક જ દોરી પર ૧૧,૨૮૪ પતંગ ઉડાડવાનો વિક્રમ સ્થાપિત કરવામાં આવ્યો હતો.
• એકદમ દૂર પતંગ ઉડાડવાની હરીફાઈ જમાવતા હો છો ને! અત્યાર સુધીમાં સૌથી દૂર એટલે કે સૌથી વધુ ઊંચાઈ પર પતંગ ઉડાડવાનો વિક્રમ ૩૮૦૧ મીટરનો છે.
• અત્યાર સુધીમાં સૌથી ઝડપી ઉડાડવામાં આવેલો પતંગ ૧૯૩ કિમી પ્રતિ કલાકની ઝડપે આકાશમાં ઉડાડવામાં આવ્યો હતો.
• ન્યૂઝીલેન્ડના માઓરી જાતિના લોકો વૃક્ષની છાલ અને પાંદડાંમાંથી અદ્ભુત પક્ષીઓના આકારના પતંગ બનાવવા માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છે.
• કોડી મેનલિફ્ટિંગ કાઇટ સિસ્ટમ શોધનારા સેમ્યુઅલ ફ્રેન્કલિન કોડી ૧૯૦૩માં પતંગની મદદથી ઇંગ્લિશ ચેનલ પાર કરનારી પ્રથમ વ્યક્તિ બન્યા હતા.
• થાઇલેન્ડમાં પતંગ ઉડાડવા માટે ૭૮ જેટલા નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
• ૧૭૬૦માં જાપાનમાં પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો, કારણ કે લોકો કામ કરવાનું છોડીને આખો દિવસ પતંગ ઉડાડતા હતા.
• અમેરિકામાં જ્યારે આંતરવિગ્રહ થયો ત્યારે અમેરિકન સૈન્ય અધિકારીઓ પતંગનો ઉપયોગ સંદેશાવ્યવહાર માટે કરતા હતા.
• ૧૯૦૧માં માર્કોનીએ પતંગની મદદથી પહેલી વાર રેડિયો તરંગોના માધ્યમથી સંદેશાને એટલાન્ટિક સમુદ્રની પાર મોકલવામાં સફળતા મેળવી હતી.ચીનના ડ્રેગન આકારના પતંગ ખૂબ જાણીતા છે.
• પૂર્વ જર્મનીમાં પણ એક જમાનામાં મોટાં મોટાં પતંગ ઉડાડવા પર પ્રતિબંધ હતો, કારણ કે જર્મન શાસકોનું માનવું હતું કે આવા વિશાળ પતંગોના સહારે લોકો ર્બિલનની દીવાલ પાર કરીને પશ્ચિમ જર્મનીમાં પહોંચી શકે છે.
• ચીનમાં પણ એક સમયે પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જો કોઈ વ્યક્તિ પતંગ ઉડાડતી નજરે ચડે તો તેને ત્રણ વર્ષ સુધી કારાવાસની સજા ફરમાવવામાં આવતી. પતંગનું ચીની નામ ફેન ઝેંગ છે.
• સૌથી લાંબો સમય પતંગ ઉડાડવાનો વિક્રમ ૧૮૦ કલાકનો છે.
• પેરાગ્લાઇડિંગ એટલે પેરાશૂટની મદદથી હવામાં ઉડાડવાની જે રમત છે તે રોગાલો નામના પતંગની પ્રેરણાથી અસ્તિત્વમાં આવી છે. ૧૯૪૮માં ફ્રાન્સિસ રોગાલોએ આ પતંગની ડિઝાઇન તૈયાર કરી હતી.
• વિશ્વના જુદા જુદા દેશોમાં ઓક્ટોબર મહિનાના બીજા રવિવારે, ‘વન સ્કાય વન વર્લ્ડ’ સૂત્રને સાર્થક સાબિત કરવા અને વિશ્વમાં શાંતિ, ભાઈચારા અને એકતાનો સંદેશો પ્રસરાવવા પતંગ ઉડાડવામાં આવે છે.
ઇન્ડિયન એરક્રાફ્ટ એક્ટમાં પતંગને વિમાન મનાયું છે
• ઇન્ડિયન એરક્રાફ્ટ એક્ટ ૧૯૩૪માં પતંગને વિમાન માનવામાં આવ્યું છે, કારણ કે પતંગોના વિકાસથી જ વિમાનની શોધ થઈ છે.
• પતંગથી થયેલી દુર્ઘટનાઓ બદલ પતંગ ઉડાડનારને બે વર્ષની સજા અથવા ૧૦ લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે.
• બે હજાર વર્ષ પહેલા ચીનમાં પતંગ બની. ત્યાંના તીર્થયાત્રી તેને ભારત લઈ આવ્યા.
• ઉત્તર ભારતમાં ૧૫ ઓગસ્ટે, હરિયાણામાં ત્રીજે, પંજાબમાં વૈશાખીએ, ગુજરાત, બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં ઉત્તરાયણે પતંગ ઉડાવવામાં આવે છે.
પતંગ ઉડાવવા પર અહીં પ્રતિબંધ
• પૂર્વ જર્મનીમાં મોટી પતંગો પર પ્રતિબંધ છે, કારણ કે તેની મદદથી લોકો બર્લિનની દિવાલ કૂદી પશ્ચિમ જર્મનીમાં દાખલ થઈ જતા હતા.
• ૧૭૬૦માં જાપાનમાં પતંગ ઉડાવવા પર પ્રતિબંધ મુકાયો હતો. પતંગ ઉડાવવાથી કામ પર અસર થતી હતી.
• સાંસ્કૃતિક ક્રાંતિ દરમિયાન પતંગ ઉડાવવા ચીનમાં પ્રતિબંધિત છે, જેલની તરફ અથવા તેના પર પતંગ લઈ જવાવાળાને ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.
• થાઈલેન્ડમાં પતંગ ઉડાવવા માટે ૭૮ પ્રકારના નિયમો મૂકાયા છે.