દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ માટે ભાજપના પીઢ નેતા અને ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી સતત છ વાર ચૂંટાયેલા લાલકૃષ્ણ અડવાણી, જીવંત દંતકથારૂપ ફિલ્મ અભિનેતા દિલીપ કુમાર, સહસ્ત્રાબ્દીના મહાનાયક અમિતાભ બચ્ચન, જગદગુરુ રામનંદાચાર્ય સ્વામી, રામભદ્રાચાર્ય અને પંજાબના મુખ્ય પ્રધાન પ્રકાશસિંહ બાદલની પસંદગી થઈ છે. જાણીતા વકીલ કે. કે. વેણુગોપાલ, કર્ણાટકના પ્રખ્યાત ધર્મસ્થળ જૈન મંદિરના ડી. વીરેન્દ્ર હેગડે, ખ્યાતનામ પરમાણુ વિજ્ઞાની એમ. આર. શ્રીનિવાસન અને ખોજા મુસ્લિમોના ધર્મગુરુ પ્રિન્સ આગા ખાન (ફ્રાંસ-યુકે)ને પણ પદ્મ વિભૂષણથી નવાજવામાં
આવ્યા છે.
જ્યારે મૂળ ગુજરાતી અને મુંબઈવાસી ફિલ્મકાર સંજય લીલા ભણશાળી તથા દાઉદી વ્હોરાઓના દિવંગત ધર્મગુરુ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીનને પણ પદ્મ શ્રી પુરસ્કાર વિજેતાઓમાં સમાવેશ થાય છે.
વિશેષમાં કેટલાક પ્રવાસી ભારતીયો તથા વિદેશીઓને પણ તેમના ક્ષેત્રમાં પ્રદાન બદલ પદ્મ એવોર્ડ માટે પસંદ કરાયા છે. જેમાં ડો. સૌમિત્ર રાવત- મેડિકલ(યુકે), પ્રો. મંજુલ ભાર્ગવ-વિજ્ઞાન-એન્જિનિયરીંગ (અમેરિકા), બિલ અને તેમનાં પત્ની મેલિંડા ગેટ્સ-સામાજિક કાર્ય (અમેરિકા), તૃપ્તિ મુખરજી-કળા (અમેરિકા), ડો. નંદરાજન ‘રાજ’ ચેટ્ટી-વ્યાપાર અને ઉદ્યોગ (અમેરિકા) વગેરેનો સમાવેશ થાય છે.
પદ્મભૂષણથી સન્માનિત ૨૦ મહાનુભાવોમાં પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એન. ગોપાલસ્વામી, લોકસભાના પૂર્વ સેક્રેટરી જનરલ સુભાષ કશ્યપ, પત્રકારો રજત શર્મા અને સ્વપ્ન દાસ ગુપ્તા, વકીલ હરીશ સાલ્વે, કાર્ડિયોલોજિસ્ટ આલોક શેઠ, ફિલ્મકાર જાહનુ બરૂઆ, સુશીલકુમારના કોચ એવા પૂર્વ રેસલર સતપાલસિંહ સહિતની હસ્તીઓ સામેલ થાય છે.
અન્ય વિદેશીઓમાં અમેરિકાના ડેવિડ ફ્રાવલે, જાપાનના સૈચિરો મિસમુ, ચીનના હવાંગ બાઓસેંગ, વિજ્ઞાન અને એન્જિનિયરીંગ ક્ષેત્રે ફ્રાંસના જેક્સ બલેમોન, સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ફ્રાંસના જીન-ક્લાઉડ કેરીયે, ભારતના સ્વ. કાર્ટુનિસ્ટ પ્રાણકુમાર શર્મા વગેરેને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે