નવી દિલ્હીઃ ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા 156 દેશના નાગરિકો માટે તાત્કાલિક અસરથી પાંચ વર્ષની મુદ્દતની ટૂરિસ્ટ વિઝા સુવિધા ફરી શરૂ કરી છે. આ વિઝાને માર્ચ 2020માં સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ અંગે પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં જણાવાયું છે કે સરકારે તમામ 156 દેશના નાગરિકોને પાંચ વર્ષની વેલિડિટી સાથે ઇશ્યૂ કરાતા નિયમિત ટૂરિસ્ટ વિઝા ફરી શરૂ કર્યા છે.
એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે અમેરિકા અને જાપાનના નાગરિકો માટે લાંબી મુદ્દતના (10 વર્ષ માટે) નિયમિત (પેપર) વિઝાની સુવિધા ફરી શરૂ કરવામાં આવી છે. સરકારના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે આ 156 દેશના નાગરિકો વિઝા મેન્યુઅલ 2019 પ્રમાણે નવા ઇ-ટૂરિસ્ટ વિઝા માટે લાયક રહેશે. કેન્દ્ર સરકારે 16 માર્ચે જાહેર કરેલી આ નવી સૂચનાઓ જોકે અફઘાનિસ્તાનના લોકો માટે લાગુ નહીં પડે. અફઘાનિસ્તાનના લોકોનું નિયમન કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ઇ-ઇમરજન્સી X-Misc વિઝા અંગે પ્રસિદ્ધ કરાયેલા દિશાનિર્દેશો અને સૂચનો હેઠળ થશે.
ઉલ્લેખનીય છે કે વિદેશી પર્યટકો માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટોનું સંચાલન આગામી 27 માર્ચથી રાબેતા મુજબ શરૂ થઈ રહ્યું છે. જેની જાહેરાત તાજેતરમાં જ કેન્દ્રીય પ્રર્યટન પ્રધાન જી. કિશન રેડ્ડીએ ગ્વાલિયરમાં કરી હતી. તેમણે કહ્યું હતું કે પર્યટકો ભારત ફરવા આવી શકે, તે માટે તેમને કેટલીક છૂટ અપાઈ રહી છે. તેમણે કહ્યું કે પહેલા પાંચ પર્યટકોને વિઝા ફીમાં છૂટ અપાશે.
નિયત સી ઇમિગ્રેશન ચેક પોસ્ટ્સથી જ પ્રવેશ
ટૂરિસ્ટ તેમજ ઇ-ટૂરિસ્ટ વિઝા સાથે ભારતમાં પ્રવેશ કરવા ઇચ્છુક વિદેશી નાગરિકો તેમના માટે નિર્ધારિત સી ઇમિગ્રેશન ચેક પોસ્ટ્સ (IPs) અથવા એરપોર્ટ ICPs થકી જ, વંદે ભારત મિશન અથવા એર બબલ સ્કીમ હેઠળ ડીજીસીએ અથવા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા મંજૂરી ધરાવતી માન્ય ફ્લાઇટ દ્વારા જ ભારતમાં પ્રવેશ કરી શકશે. કોઈ પણ સંજોગોમાં વિદેશી નાગરિકો જમીન સરહદ અથવા નદીના માર્ગે ભારતમાં પ્રવેશ નહીં કરી શકે.
59 દેશમાં ભારતીયોને મળે છે વિઝા ફ્રી પ્રવાસની સુવિધા
ભારતના નાગરિકોને 59 દેશમાં કોઈ પણ પ્રકારના વિઝાની ઝંઝટનો સામનો નહીં કરવો પડે. ભારતનો પાસપોર્ટ ધરાવતા લોકો દુનિયાના 59 દેશમાં વિઝા વિના પ્રવાસ કરી શકે છે. આ દેશોમાં માઇક્રોનેશિયા, પીજી, સિએરા લિયોન, માર્શલ આઇલેન્ડ, પલાઉ આઇલેન્ડ, સમોઆ, તુવાલુ, વાનુઆતુ, ઇરાન, જોર્ડન, કતર, અલ્બેનિયા, બાર્બાડોઝ, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ, ડોમિનિકા, ગ્રેનેડા, માલદીવ, ટયૂનિશિયા, જમૈકા, સેન્ટ કિટ્સ, ટ્રિનિદાદ એન્ડ ટોબેગો, ભૂતાન, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મકાઉ, નેપાળ, મ્યાંમાર, થાઇલેન્ડ, તિમોર, અલ-સાલ્વાડોર, બોત્સાવાના, કેપ વર્ડે આઇલેન્ડ્સ, કોમોરેસ ટાપુઓ, ઇથિઓપિયા, ગેબોન, ગિની-બિસાઉ, મડાગાસ્કર, મોરિયાનિયા, મોરેશિયસ, શ્રીલંકા, રવાન્ડા, બોલિવિયા, સેશલ્સ, સોમાલિયા, તાન્ઝાનિયા, ટોગો, ઓમાન, સેનેગલ, યુગાન્ડા અને ઝિમ્બાબ્વે સહિતના દેશ સામેલ છે.