નવી દિલ્હીઃ ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને હિન્દી ફિલ્મોની સુપ્રસિદ્ધ અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચન સોમવારે ૨૦૧૬ના બહુચર્ચિત પનામા પેપર્સના વૈશ્વિક ટેક્સ લીક કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ઓફિસમાં પૂછપરછ માટે હાજર રહી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ આ જ કેસમાં ઐશ્વર્યના અભિનેતા પતિ અભિષેક બચ્ચનની પૂછપરછ થઇ ચૂકી છે. વિદેશી કંપનીઓમાં ખોટી રીતે ફંડ ટ્રાન્સફર કરવા સહિતના કેસમાં બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ૪૮ વર્ષીય પૂત્રવધુની આશરે છ કલાક સુધી પૂછપરછ કરાઈ હતી. ઇડીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં અમિતાભ બચ્ચનને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવે તેવી શક્યતા છે. ઐશ્વર્યાનું નિવેદન ફોરેન એક્સ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટ (‘ફેમા’) હેઠળ નોંધવામાં આવ્યું છે. ઐશ્વર્યાએ ઇન્ડિયા ગેટ નજીક આવેલી ઇડીની ઓફિસમાં આવ્યા બાદ કેટલાક દસ્તાવેજો પણ સુપ્રત કર્યા હતા.
ઐશ્વર્યા સફેદ કારમાં આવી હતી અને ઇડી ઓફિસના પાછળના દરવાજેથી અંદર ગઇ હતી. મીડિયાના સેંકડો લોકો એક્ટ્રેસ સાથે વાત કરવા તેની રાહ જોિને ઉભા રહ્યા હતા. જોકે તેણે પત્રકારો સાથે વાત કરવાનું ટાળ્યું હતું.
૨૦૧૬માં વોશિંગ્ટનમાં આંતરરાષ્ટ્રીય પત્રકારોના સંગઠન ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (આઇસીઆઇજે) દ્વારા પનામાની લો ફર્મ મોસેક ફોન્સેકો પાસેથી મળેલા રેકોર્ડ્સના જથ્થાની ચકાસણી કરાતા ‘પનામા પેપર્સ’ પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું. આ દસ્તાવેજોમાં ઓફશોર કંપનીઓ થકી વિદેશમાં કથિત રીતે નાણાં લઇ ગયેલા કેટલાક વૈશ્વિક નેતાઓ અને સેલિબ્રિટીઝના નામો ઉછળ્યા હતા. જોકે આમાંના કેટલાક માન્ય વિદેશી એકાઉન્ટ ધરાવતા હોવાનું પણ કહેવાય છે.
ઇડી દ્વારા ૨૦૧૬-૧૭થી બચ્ચન પરિવાર સાથે સંકળાયેલા કેસની તપાસ ચાલી રહી છે. ઇડીએ બચ્ચન પરિવારને ૨૦૦૪થી તેમને રિઝર્વ બેન્કના લિબરલાઇઝ્ડ રેમિટેન્સ સ્કીમ અને ‘ફેમા’ હેઠળના નિયમો મુજબ મળેલા વિદેશી નાણાં અંગે ખુલાસો કરવા નોટિસ મોકલી છે. અગાઉ બચ્ચન પરિવારે અનેક દસ્તાવેજો સંસ્થાને મોકલી આપ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે પરિવાર સાતે કથિત અનિયમિતતાના અન્ય કેટલાક મામલા પણ ફેડરલ તપાસ સંસ્થાની નજરમાં છે.
ઐશ્વર્યા ૨૦૦૫માં રચાયેલી બ્રિટીશ વર્જિન આઇલેન્ડ્સમાં એક ઓફશોર કંપની સાથે લિન્ક ધરાવે છે તેમ આઇસીઆઇજેનું કહેવું છે. તેનો પરિવાર આ ઓફશોર કંપનીનો ભાગ હોવાનું કહેવાય છે. તેની પ્રારંભિક સત્તાવાર મૂડી ૫૦ હજાર યુએસ ડોલર છે. આ કંપની ૨૦૦૮માં કથિત રીતે વિસર્જિત કરી દેવાઇ હતી. એક અહેવાલ અનુસાર કંપનીને માત્ર ૧૫૦૦ ડોલરની નજીવી કિંમતે દુબઇની એક વ્યક્તિને વેંચી દેવાઇ હતી. ઉલ્લેખનીય છે કે ઓફશોર લીક્સ કેસ સાથે સંબંધિત એક અન્ય મામલામાં ઇડીએ અગાઉ અભિષેક બચ્ચનની પૂછપરછ કરી હતી.
ભારતના ૯૩૦ કંપની શંકાના ઘેરામાં
પનામા અને પેરેડાઇઝ પેપર્સ લીકેજ બાબતે ભારતની જ આશરે ૯૩૦ કંપનીએ ૨૦,૩૫૩ કરોડ રૂપિયાની વણજાહેર રકમ એકત્ર કરી છે. અને આમાં કેટલાયે નેતાઓ, અભિનેતાઓ, બિઝનેસમેન સહિત કેટલીય ખ્યાતનામ વ્યક્તિઓ સંડોવાયેલી હોવાની શક્યતા છે. પનામા પેપર્સ પ્રકરણ એપ્રિલ ૨૦૧૬માં જાહેર થયું ત્યારે કંપનીની ડિજિટલ આર્કાઇવ્ઝમાંથી આશરે ૧.૧૫ કરોડ ફાઈલ લીક થઈ હતી.
દિગ્ગજો કાનૂની ભીંસમાં
આ પેપર્સ-લીકકાંડને લીધે કેટલાયે દેશોના શાસકોને સત્તા છોડવાની ફરજ પડી હતી. તો ઉપરાંત કેટલીયે મોટી હસ્તીઓની પ્રતિષ્ઠા ખરડાઇ હતી. આ લીક થયેલ ફાઈલો જર્મનીના અખબારને મળી હતી. પછીથી તે અખબારે ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટને સોંપી દીધી હતી.
આ લીકને લીધે આઈસલેન્ડના વડા પ્રધાન સિગ્મુંદુર ડેવીડ ગુનલોગસનને ત્યાગપત્ર આપવું પડયું હતું. જ્યારે પાકિસ્તાનની અદાલતે તે સમયના વડા પ્રધાન નવાઝ શરીફને ટોચના રાજકીય પદ માટે અયોગ્ય જાહેર કર્યા હતા.
આ ઉપરાંત બ્રિટનના પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરન, ફૂટબોલ સ્ટાર લિયોનલ મેસી, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મોરિસિઓ માસરી વગેરેનાં નામ પણ આ કાંડમાં બહાર આવ્યા છે. અમેરિકન સેન્ટર ફોર પબ્લિક ઇન્ટિગ્રિટીના કહેવા પ્રમાણે આ સંબંધે ૭૯ દેશોમાં ઓછામાં ઓછી ૧૫૦ વ્યક્તિઓ અંગે તપાસ ચાલી રહી છે.
શ્રાપ આપું છું, તમારા ખરાબ દિવસો આવશેઃ જયા બચ્ચન
ઐશ્વર્યા રાયની ઇડી દ્વારા પૂછપરછ થઈ તેના ગણતરીના કલાકોમાં સમાજવાદી પાર્ટી (સપા)ના સાંસદ જયા બચ્ચન સંસદમાં સત્તાધારી પક્ષ ભાજપ પર અકળાયા હતા અને તેના ખરાબ દિવસો શરૂ થશે તેમ આક્રોશ સહ જણાવ્યું હતું. રાજ્યસભાના સાંસદ જયા બચ્ચન સોમવારે નાર્કોટિક્સ ડ્રગ્સ બિલ પર ચર્ચા દરમિયાન શાસક પક્ષના એક સભ્યની વ્યક્તિગત ટિપ્પણીથી અકળાઇ ગયા હતા. તેમણે ગૃહના ચેરમેન પર વિપક્ષની વાત ન સાંભળવાનો આરોપ મૂક્યો હતો. જયા બચ્ચને કહ્યું હતું આપણે એક બિલ પર ચર્ચા કરી રહ્યા છીએ જે સરકાર પોતાની ભૂલો સુધારવા માટે લાવી છે... તમે અમારા બધાનું ગળું દબાવી દો. ભાજપના સાંસદ રાકેશ સિંહે જેવો વ્યવસ્થાનો મુદ્દો ઉઠાવ્યો અને સપા સાંસદ પર ચેરની તરફ ઇશારો કરવાનો આરોપ લગાવ્યો તો વિવાદ શરૂ થઇ ગયો. સત્તાધારી પક્ષ પર નિશાન તાકતા જયાએ કહ્યું હતુંઃ તમારા લોકોના ખરાબ દિવસો આવશે, હું તમને શ્રાપ આપું છું.’
ઐશ્વર્યાને પૂછાયેલાં વેધક પ્રશ્નો
પનામા પેપર્સના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા સોમવારે બચ્ચન પરિવારની વહુ એટલે કે ઐશ્વર્યા રાય-બચ્ચનની આકરી ઉલટતપાસ થઇ હતી. ઇડીના અધિકારીઓ દ્વારા ઐશ્વર્યાને પૂછવામાં આવેલાં કેટલાંક વેધક પ્રશ્નો આ મુજબ છે.
• ૨૦૦૫ની સાલમાં બ્રિટીશ વર્જિનિયા ખાતે એમિક પાર્ટનર્સ નામની એક કંપની રજિસ્ટર્ડ થઇ હતી. આ કંપની સાથે તમારો શું સંબંધ હતો?
• લો ફર્મ મોસેક ફોન્સેકાએ આ કંપનીને કયા દેશમાં રજિસ્ટર્ડ કરાવી હતી તે અંગે તેમને કોઇ જાણ છે ખરી?
• આ કંપનીના ડાયરેક્ટરોએ તમને, તમારા પિતા કે. ક્રિશ્ના રાય, તમારા માતા કવિતા રાય અને તમારા ભાઇ આદિત્ય રાયને પણ બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે સમાવી લીધા હતા, આ અંગે તમારું શું કહેવું છે?
• આ કંપનીની પ્રાથમિક ભરપાઇ થયેલી મૂડી ૫૦ હજાર ડોલર હતી. પ્રત્યેક શેરનું મૂલ્ય ૧ ડોલર હતું અને પ્રત્યેક ડાયરેક્ટર પાસે ૧૨,૫૦૦ શેર હતા. એક ડાયરેક્ટરનો હોદ્દો હોવા છતાં તમે શેર હોલ્ડર કેમ બન્યા?
• ૨૦૦૫ની સાલમાં તમારું ડાયરેક્ટરનું સ્ટેટસ બદલીને શેરહોલ્ડર કેમ કરી નાંખવામાં આવ્યું હતું? • ૨૦૦૮ની સાલમાં આ કંપની નિષ્ક્રિય કેમ થઇ ગઇ?
• આ તમામ પ્રકારની નાણાંકીય લેવડદેવડ માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) તરફથી મંજૂરી લેવામાં આવી હતી ખરી?