લંડનઃ ભારતમાં બે વર્ષ બાદ ફરી એક વાર કાળા નાણાં અંગે મોટો પર્દાફાશ થયો છે. પનામા પેપર્સ નામે ચર્ચાસ્પદ બનેલા આ દસ્તાવેજોના બીજા જથ્થામાં ભારતના અનેક ધનિકોના નામ જોવા મળે છે તો દાઉદ ઇબ્રાહિમના એક સમયના ખાસ સાથીદાર ગણાતા મિરચી અને તેના પરિવાર સભ્યો પાસે પણ મોટા પાયે કાળું નાણું હોવાનો કેટલાક દસ્તાવેજોના આધારે દાવો થયો છે.
ભારત સહિત દુનિયાના અનેક મોટાં માથાંઓ, વેપારીઓએ ટેક્સ હેવન એવા દેશોમાં અઢળક કાળું નાણું છુપાવ્યું હોવાના અહેવાલ છાશવારે અખબારોમાં ચમકતા રહ્યા છે.
હવે આ જ ફર્મના બીજા કેટલાક એવા દસ્તાવેજો જાહેર થયા છે કે જેના કારણે જૂના બિઝનેસમેન સામેના ટેક્સ ચોરીના આક્ષેપોને બળ મળ્યું છે. આ નવા ખુલાસામાં એરટેલના માલિકના પુત્ર કેવીન મિત્તલ અને ભાજપના એક નેતાનું નામ પણ પ્રકાશમાં આવ્યું છે.
નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે નવા ખુલાસામાં કાયદાનું પાલન કરતી સંસ્થાઓએ તપાસ શરૂ કરી દીધી છે. પશ્ચિમ બંગાળના ખ્યાતનામ વેપારી શિશિર કે. બજોરિયાએ ‘હેપ્ટિક' નામની કંપની ઊભી કરી હતી. એક વખત પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્ય પ્રધાન જ્યોતિ બસુના ખાસ મનાતા બજોરિયા ૨૦૧૪માં ભાજપમાં જોડાયા હતા.
૧૨ હજાર દસ્તાવેજોનું ભારત કનેક્શન
ઇન્ટરનેશલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટે ૧૨ લાખથી વધુ નવા દસ્તાવેજોની તપાસ કરી છે. જેમાં ઓછામાં ઓછા ૧૨,૦૦૦ નવા દસ્તાવેજો ભારતીયો સાથે સંકળાયેલા છે.
આજથી બે વર્ષ અગાઉ મોસ્સાક ફોન્સેકાના દસ્તાવેજોમાં ૫૦૦ ભારતીયોના નામ હતા. ઉલ્લેખનીય છે કે પનામા પેપર્સ સૌથી પહેલાં જર્મનીના અખબાર ‘સ્યૂજ ડોયચે જેઇટુંગ’ને મળ્યા હતા. ૨૦૧૬માં પનામાએ ૧.૧૫ કરોડ દસ્તાવેજો જારી કરીને દુનિયામાં હલચલ મચાવી હતી.
મળતી માહિતી મુજબ, ભારત સરકારે એક મલ્ટિ એજન્સી ગ્રૂપ (એમએજી) બનાવ્યું છે. જે યાદીમાં સામેલ ૪૨૬ ભારતીયો અંગે તપાસ કરી રહ્યું છે. આ તપાસના આધારે આશરે ૧,૦૦૦ કરોડ રૂપિયાના કાળા નાણાંની માહિતી મળી છે.
દિગ્ગજોના નામ સામેલ
લીક થયેલા પનામા પેપર્સમાં અનેક દિગ્ગજ ભારતીયોના નામ જોવા મળે છે. જેમાં પીવીઆર સિનેમાના માલિક અજય બીજલી અને તેમના પરિવારના સભ્યો, હાઇક મેસેન્જરના સીઇઓ અને ટેલિકોમ કંપની એરટેલના સુનીલ મિત્તલના પુત્ર કેવીન મિત્તલ, એશિયન પેઇન્ટ્સના સીઆઇઓ અશ્વિન દાણીના પુત્ર જલજ દાણી વગેરે સામેલ છે.
પનામા પેપર્સના પ્રથમ લીકમાં કેટલાક ભારતીય વેપારીઓ દ્વારા ટેક્સ હેવન દેશોમાં કંપની સ્થાપીને બિનહિસાબી નાણાં છુપાવવામાં આવ્યાની વાતનું ભારપૂર્વક ખંડન થયું હતું. જોકે હવે નવા લીક થયેલા દસ્તાવેજોમાં જૂના આરોપોને વધુ મજબૂત કરે તેવા પુરાવા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે બે વર્ષ અગાઉ લીક થયેલા પેપર્સમાં અમિતાભ બચ્ચનનું નામ ત્રણ કંપનીઓ લેડી શિપિંગ, ટ્રેઝર શિપિંગ અને સી બલ્ક શિપિંગ સાથે જોડવામાં આવ્યું હતું. તે સમયે તેમણે આ કંપનીઓ અથવા ટેક્સ હેવન દેશમાં કોઇ પણ એસેટ સાથે જોડાયેલા હોવાનો ઇનકાર કર્યો હતો.
નવા દસ્તાવેજો મુજબ, બ્રિટિશ વર્જિન આઇસલેન્ડ કંપની માર્ડી ગ્રેસ હોલ્ડિંગ્સના માલિક લોકેશ શર્માએ ૨૦૧૬માં પનામા પેપર્સ લીક બાદ કંપનીમાં પોતાની ભાગીદારી ૩૦ ગણી વધારી છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬માં પનામા પેપર્સ મામલે ખુલાસો થયો હતો તો તેની અસર પણ દેખાઇ હતી. વૈશ્વિક સ્તરે ૧૫૦થી વધુ તપાસ શરૂ થઇ હતી. જેમાં ફસાયેલા ૪૨૬ ભારતીયો સામે તપાસમાં કેન્દ્રીય તપાસ સંસ્થાઓ જોડાયેલી છે. આ મામલે ભારતમાં અત્યાર સુધી ૫૮થી વધુ સર્ચ અને સંપત્તિ જપ્તીની કાર્યવાહી થઇ ચૂકી છે. ભારતીય કોર્ટોમાં ૧૫થી વધુ કેસો દાખલ થઇ ચૂક્યા છે.
પનામા પેપર્સમાં જાણીતા નામો
• કેવીન મિત્તલ - એરટેલ કંપનીના માલિક સુનીલ મિત્તલના પુત્ર
• અજય બીજલી - પીવીઆર સિનેમાના માલિક
• શિવ વિક્રમ ખેમકા - સન ગ્રૂપના વડા નંદલાલ ખેમકાના પુત્ર
• અમિતાભ બચ્ચન - સુપરસ્ટાર એક્ટર
• જહાંગીર સોરાબજી - પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીના પુત્ર
• કે. પી. સિંહ - ડીએલએફના પ્રમુખ
• અનુરાગ કેજરીવાલ - લોકસત્તા પાર્ટીના નેતા
• નવીન મહેરા - મહેરા સન્સ જ્વેલર્સના માલિક