લંડનસ્થિત નીસડન ટેમ્પલમાં બુધવાર 7 જૂન 2023ના રોજ દીક્ષા મહોત્સવમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે ‘સત્પુરુષ’ વિશેષાંકનું વિમોચન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાંચ સપ્તાહના આધ્યાત્મિક પ્રવાસ નિમિત્તે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા આ વિશેષાંકનું સર્જન કરવામાં આવ્યું હતું જે સંગ્રહ કરવાને લાયક છે. ‘સત્પુરુષ’ વિશેષાંકમાં ભગવાન સ્વામિનારાયણ , ગુરુ પરંપરા, BAPS અને વિશ્વભરમાં તેના માનવતાવાદી કાર્યો વિશે મૂલ્યવાન માહિતી આપવામાં આવી છે.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને એડિટર-ઈન-ચીફ સી.બી. પટેલ, ગ્રૂપ એડિટર મહેશ લિલોરિયા અને સીનિયર એડવર્ટાઈંઝિંગ મેનેજર કિશોર પરમારને આ વિમોચન પ્રસંગે મંચ પર ખાસ આમંત્રિત કરાયા હતા. નીસડન મંદિરના વડા સાધુ યોગવિવેકદાસજી સ્વામીએ પુષ્પમાળાથી સીબીનું સ્વાગત કર્યું હતું. મેગેઝિનનું આશીર્વાદસહ વિમોચન કરાયા પછી ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના તમામ લવાજમી ગ્રાહકોને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, નીસડન ટેમ્પલ, વિવિધ ધાર્મિક સંસ્થાઓ અને કોમ્યુનિટી સેન્ટર્સને વિશેષાંકનું વિતરણ કરાઈ રહ્યું છે.
આ પ્રસંગે સીબીએ જણાવ્યું હતું કે, ‘પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાંન્નિધ્યમાં આસ્થાને મજબૂત બનાવવા, કોમ્યુનિટી સેવાને ગતિશીલ બનાવવા તેમજ તમામ વય અને પશ્ચાદભૂ સાથેના લોકોમાં સંવાદિતાની પ્રેરણા પૂરવા પર ધ્યાન કેન્દ્રિત કરતા વિવિધ કાર્યક્રમો અને પારિવારિક સમારંભોનું આયોજન કરાયું છે તેમાંથી અમને પ્રેરણા પ્રાપ્ત થઈ છે. યોગવિવેકદાસજી, પ્રબુદ્ધમુનિદાસજી અને તમામ સંતો અને BAPS UKના ટ્રસ્ટીઓ તેમજ અમારો વિશાળ વાચકગણ આ મહાન પહેલ માટે પ્રેરણાદાયી પરિબળ બની રહ્યા છે.’
દીક્ષા મહોત્સવઃ આગે આગે ગોરખ જાગે.. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ
‘સત્પુરુષ’ વિશેષાંકનું વિમોચન કરાયા પછી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે યુકેના ત્રણ યુવકને હિન્દુ સાધુસંત પરંપરામાં દીક્ષિત કર્યા હતા. તેમણે ગુરુમંત્ર આપવાની સાથે સંતજીવન જીવવા નવાં નામ પણ આપ્યા હતા.
જુનું નામ નવું નામ
1. શામિલભાઈ વિભિષણ ભગત
2. હરિભાઈ એકલવ્ય ભગત
3. હર્ષિલભાઈ ઋજુ ભગત
આ પ્રસંગે મહંત સ્વામી મહારાજે જણાવ્યું હતું કે, ‘તમારા જૂના નામ નાશવંત છે. પરંતુ, સમાજની સેવા કરવા માટે તમારો આ નવો જન્મ થયો છે અને આ નવાં નામ હરહંમેશ રહેશે. આ તમારી કાયમી ઓળખ છે. તમારા માતાપિતાએ સમાજની સેવા કરવા તમને અર્પણ કરી દીધા છે. આ માટે અમે તેમના આભારી છીએ. આ રીતે સત્સંગ આગળ વધતો જ રહેશે. ‘આગે આગે ગોરખ જાગે’નો શુભારંભ 51 સાથે થયો હતો અને આજે 1100 સાધુઓ થયા છે. શાસ્ત્ર, મંદિર અને સંતો આપણા સમાજના ત્રણ સ્તંભ છે. ગુરુ ઈશ્વરના આદર્શ ભક્ત છે. ગુરુ અધ્યાત્મના ઈચ્છુકોને આધ્યાત્મિક સ્વર્ગીય સુખના માર્ગ પર વધવામાં માર્ગદર્શન આપે છે. એક સંત 1000 લોકોનું કાર્ય કરે છે અને એક પુસ્તક સમગ્ર સમાજનો માર્ગ પ્રકાશિત કરી શકે છે.
એક સત્પુરુષ, દિવ્ય સુખના 38 દિવસ અને આજીવન સંસ્મરણો
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાંન્નિધ્યમાં અવિસ્મરણીય સંભારણાના આખા મહિનાની પરાકાષ્ઠા આનંદપૂર્ણ સમર્પણના ઉત્સવમાં પરિણમી હતી જ્યારે હજારો ભાવિકો રંગ અને આધ્યાત્મિક સ્વર્ગીય સુખની છોળોમાં નહાયા હતા. નીસડન ટેમ્પલ ખાતે બુધવાર 7 જૂનની સાંજે રંગોત્સવની ઉજવણી કરાઈ હતી.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જણાવ્યું હતું કે યુવાનો તેમના સત્સંગ, અભ્યાસ અને કારકિર્દીઓમાં પ્રગતિ કરે તેમ તેઓ ઈચ્છે છે. તેમણે કહ્યું હતું કે ,‘ તમે સામાન્ય નથી, તમે મહાન આત્માઓ છો કારણકે તમે ભગવાન અને સત્પુરુષને પ્રાપ્ત કર્યા છે. તમારી અંદર અસીમિત શક્તિઓ છે આથી, આનું તમે મહાન ગૌરવ લેજો. હંમેશાં મજબૂત, હિંમતવાન અને ધૈર્યવાન રહેવાનું યાદ રાખજો. કશું પણ થઈ જાય, કદી હિંમત ગુમાવશો નહિ. ભગવાન અને સત્પુરુષ શક્તિ અને સુખના પરમ સ્રોત છે અને તેઓ તમારા જ છે. તમારા માટે અમારી એકમાત્ર ઈચ્છા તમને શાશ્વત આનંદ મળે તેવી જ છે.’
ગુરુવાર ૮ જૂને આભાર સભાનું આયોજન કરાયું હતું. હજારો ભાવિકો એકત્ર થયા હતા અને પૂજ્ય મહંત સ્વામીની યુકે-યુરોપ મુલાકાત દરમિયાન સંપૂર્ણ દિવ્ય સુખની અનુભૂતિ, પ્રગાઢ પ્રેરણા અને અવિસ્મરણીય સંભારણાઓ આપવા બદલ મહારાજશ્રી પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
ગુરુહરિ મહંત સ્વામી મહારાજ શુક્રવાર 9 જૂન 2023થી ચાર સપ્તાહ કરતાં વધુ સમય માટે ટોરોન્ટો, કેનેડાના ભક્તજનોને અધ્યાત્મ લાભ આપશે.