એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર દ્વારા રોયલ એર ફોર્સના સહયોગ થકી ‘પરિવર્તનની મિસાલ બનો, તફાવત સર્જો’ પહેલ સ્વરૂપે હાઉસ ઓફ લોર્ડ્સમાં 6 એપ્રિલ,2022ના દિવસે પ્રથમ નેટવર્કિંગ અને પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચર્ચાનો વિષય ‘ડાયવર્સિટી એન્ડ ઈન્ક્લુઝન- વિવિધતા અને સમાવેશિતા’ હતો.
લોર્ડ રાજ લૂમ્બા CBEએ ઓડિયન્સને આવકારતા જણાવ્યું હતું કે’ હું 20 કરતાં વધુ વર્ષથી એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર અને તેમના ચેરમેન સીબી પટેલને જાણું છું. મને બરાબર જાણ છે કે આ પ્રતિષ્ઠિત પ્રકાશનો ઘણા સામાજિક ઉદ્દેશો માટે કેમ્પેઈનિંગમાં મોખરે રહેલા છે. આજની પેનલચર્ચાનો વિષય ‘ડાયવર્સિટી એન્ડ ઈન્ક્લુઝિવિટી’ છે જે ઉદ્દેશ મારા હૃદયની ઘણી નિકટમાં રહ્યો છે અને જેના માટે હું લૂ્મ્બા ફાઉન્ડેશન મારફત વિશ્વભરના ઉદ્દેશ સાથે સંકળાયેલો છું.
લૂ્મ્બા ફાઉન્ડેશન તેની 25મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આ સમયગાળામાં અમે ભારતમાં ગરીબ વિધવાઓના 10,000થી વધુ બાળકોને શિક્ષણ અપાવ્યું છે તેમજ ધર્મ, પંથ, જાતિ કે જ્ઞાતિના ભેદભાવને ધ્યાને લીધા વિના જ શ્રી લંકા, બાંગલાદેશ, ભારત, નેપાળ, કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, સાઉથ આફ્રિકા, માલાવી, ગ્વાટેમાલા અને ચિલીની 20,000થી વધુ ગરીબ વિધવાઓનું સશક્તિકરણ કર્યું છે. હવે તમે સમજી શકશો કે મેં શા માટે ડાયવર્સિટી અને ઈન્કલુઝન મારા હૃદયની નિકટ હોવાનું કહ્યું હતું.’
લોર્ડ રાજ લૂમ્બાએ ઉમેર્યું હતું કે,‘ જાતિ, વર્ણ-રંગ, લૈંગિક ઓળખ અને લૈંગિક પૂર્વગ્રહો પર આધારિત પૂર્વગ્રહ અને ભેદભાવનો તે સમાજમાંથી સંપૂર્ણપણે નાબૂદ ન થઈ જાય ત્યાં સુધી મક્કમતાથી સામનો કરવો જોઈએ. જ્યારે પણ તક મળે ત્યારે આમ કરવાની આપણી સામૂહિક જવાબદારી છે અને મને આનંદ છે કે રોયલ એર ફોર્સના વિંગ કમાન્ડર ટ્રેસી બ્રૂમ અને પેનલ પરના પ્રસિદ્ધ વક્તાઓ આ મહત્ત્વપૂર્ણ વિષય પર પ્રકાશ પાથરવા આજની સાંજે આપણી સાથે છે.’
રોયલ એર ફોર્સના વિંગ કમાન્ડર ટ્રેસી બ્રૂમે RAFમાં ડાયવર્સિટી અને ઈન્કલુઝન બાબતે રજૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘હું જ્યારે રોયલ એર ફોર્સમાં જોડાઈ હતી ત્યારે વિશ્વનો માહોલ જ અલગ હતો. મારી વય 19 વર્ષની હતી અને આજે હું માતા છું અને મારી દીકરી પણ RAFમાં છે. અમે RAFમાં સતત અવરોધો દૂર કરતાં- તોડતાં રહીએ છીએ. મારી ભૂમિકા વિવિધ કોમ્યુનિટીઓમાંથી લોકોને આકર્ષવાની અને રોયલ એર ફોર્સમાં કારકિર્દી બનાવવા વિશે તેમને વિચાર કરતા કરવાની છે કારણકે RAF દ્વારા મને જેવી ઓફર કરાઈ હતી તે તક આજે પણ છે.’
સલૂણી સાંજના પેનલિસ્ટોમાં પોતાના જ આયર્વેદિક વારસાથી પ્રેરિત સ્વસંભાળની પ્રોડક્ટ્સની બ્રિટિશ બ્રાન્ડ મૌલી રિચ્યુઅલ્સની સહસ્થાપક અનિતા કૌશલ અને બે ડોક્ટરેટ્સ અને 200થી વધુ પ્રકાશિત કાર્યો સાથેના એવોર્ડવિજેતા એકેડેમિક પ્રોફેસર જોનાથન એ.જે. વિલ્સન હતા.
આ બંને પેનલિસ્ટોએ વંશીય લઘુમતી સમુદાયો સાથે સંકળાયેલા હોવાથી તેમની સમક્ષના પડકારોનો સામનો કરવા વિશે અને અવરોધો પાર કરવાના જીવનના અનુભવો જણાવ્યાં હતાં.
અનિતા કૌશલે જણાવ્યું હતું કે,‘ કદાચ હું અર્ધજાગ્રતપણે એવા બિઝનેસમાં આવી છું જે મારાં વારસાનો એક હિસ્સો છે અને ત્યાં હોવું તે સલામત સ્થળ હોવાનું અનુભવાતું હતું? મારાં પેરન્ટ્સ કોર્નર શોપ્સના માલિક હતા કારણકે તેના માટે હિંમતની આવશ્યકતા રહી હતી, છતાં અન્ય ઘણાં દ્વાર બંધ હતાં ત્યારે આ દ્વાર ખુલ્લું હતું. મોટાં થવાં સાથે મારે પણ રેસિઝમનો સામનો કરવો પડ્યો હતો અને હું એકધારી ઘરેડમાં જીવતી હતી. આમ છતાં, મારાં પેરન્ટ્સે જે કર્યું તે મેં પણ કર્યું, ભારે મહેનત સાથે કામ કરવું તેમજ ભય અને તિરસ્કારથી પર રહીને પ્રેમ સાથે આગળ વધતાં રહેવું. હું માનું છું કે આપણે જાગૃત રહેવાની અને પરિવર્તન લાવવાની જરૂર છે અને આમ કરવાં માટે ઘણા માર્ગ છે.’
શિક્ષણક્ષેત્રમાં અશ્વેત પુરુષ તરીકે જે પડકારોનો સામનો કરવો પડ્યો તેના વિશે બોલતા પ્રોફેસર જોનાથન એ.જે. વિલ્સને કહ્યું હતું કે, ‘યુકેમાં આશરે ક્વાર્ટર મિલિયન -250,000 એકેડેમિક્સ છે. પ્રોફેસર્સની વાત કરીએ તો ઉપલા સ્તરે 23,000 પૂર્ણકાલીન પ્રોફેસર્સ છે. આ 23000માંથી આશરે માત્ર160 પ્રોફેસર અશ્વેત છે. એશિયનો સાથેં સરખામણીએ કરીએ તો અશ્વેત કરતાં એશિયનો લગભગ10 ગણા વધુ છે. આમ છતાં, તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં વંશીય પ્રતિનિધિત્વના ઊંચા પ્રમાણની ગણતરી કરીએ તો તેઓ પણ ઘણાં જ ઓછાં છે.’ પ્રોફેસર વિલ્સને કહ્યું હતું કે આ બધાં કારણોસર તેઓ પોતાને ઘણા ભાગ્યશાળી માને છે..
એશિયન બિઝનેસ પબ્લિકેશન્સના ચેરમેન સીબી પટેલે પોતાના સંદેશામાં જણાવ્યું હતું કે,‘એનોક પોવેલના 1968ના ઉશ્કેરણીસભર અને વિભાજનકારી ‘લોહીની નદીઓ’ના વક્તવ્ય પછી તો આપણે ઘણી પ્રગતિ સાધી છે. આજે કોઈ પણ શંકા વિના કહી શકાય કે યુકેમાં ઘણી વ્યાપક સમાવેશી સોસાયટી છે અને વિંગ કમાન્ડર ટ્રેસી બ્રૂમ, પ્રોફેસર વિલ્સન અને અનિતા કૌશલે દર્શાવ્યું છે તેમ તમામ પશ્ચાદભૂના લોકો માટે વિપૂલ તક રહેલી છે. પ્રોફેસર જોન વિલ્સન અને અનિતા કૌશલના સ્પષ્ટવાદી મંતવ્યોને હું આવકારું છું. આ દેશમાં પડકારો હોવાં છતાં શું હાંસલ કરી શકાય છે તેના તેઓ જીવંત અને ઉજ્જવળ ઉદાહરણો છે.’
પેનલચર્ચાના મોડરેટર તરીકેની કામગીરી પબ્લિક રીલેશન્સ અને મીડિયા ક્ષેત્રના એવોર્ડવિજેતા પ્રોફેશનલ સંગીતા વાલ્ડ્રોને બજાવી હતી.