નવી દિલ્હીઃ મિની લોકસભા ચૂંટણીઓ તરીકે ઓળખાવાતી પાંચ રાજ્યો - આસામ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ અને પોંડિચેરી વિધાનસભાની ચૂંટણીના જાહેર થયેલા પરિણામો મોટા ભાગે એક્ઝિટ પોલના તારણ અનુસાર છે. ભાજપનો પૂર્વોતરમાં પ્રવેશ થયો છે, કોંગ્રેસના મૂળિયા વધુ બે રાજ્યોમાંથી ઉખડી ગયા છે, કેરળમાં ફરી ડાબેરીઓનું જોર વધ્યું છે અને પશ્ચિમ બંગાળ તથા તામિલનાડુમાં અનુક્રમે ‘દીદી’ અને ‘અમ્મા’એ ફરી એક વખત વિજયપતાકા લહેરાવ્યા છે. રાજકીય વિશ્લેષકોએ બિલોરી કાચ લઇને આ પરિણામોનો અભ્યાસ કરીને જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા રાજકીય પક્ષોની જીત અને હારના કારણોનું વિશ્લેષણ કર્યું છે.
આસામમાં ભાજપના પગરણ
ભાજપની આગેકૂચનાં કારણ
• ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે પહેલી વખત ૭ બેઠકો જીતી હતી. મોદીલહેર ટકી રહી.
• ભાજપે ૧૯૫૧થી પહેલાં બાંગ્લાદેશથી આવેલા શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ આપવાનો મુદ્દો ઉઠાવ્યો હતો જે સફળ રહ્યો.
• મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં લગભગ ૯૦ ટકા વોટિંગ થયું. લોકસભાની ચૂંટણીમાં ૬૦ લાખ આદિવાસીઓ ભાજપ તરફ ઢળ્યા હતા.
• છેલ્લા ૧૫ વર્ષથી અહીંયા કોંગ્રેસની સરકાર હતી તેથી ભાજપને એન્ટિઇન્કમ્બન્સીનો ફાયદો થયો.
• સર્વાનંદ સોનોવાલ યુવા નેતા તરીકે લોકપ્રિય છે. ૧.૯૮ કરોડ મતદારોમાંથી ૭૬ ટકા મતદારો ૫૦ વર્ષથી નીચેના છે જ્યારે ૩૧ ટકા ૩૦ વર્ષથી ઓછા છે.
કોંગ્રેસની પીછેહઠનાં કારણ
• એન્ટિઇન્કમ્બન્સી કોંગ્રેસ માટે સૌથી મોટું કારણ બન્યું.
• મુસ્લિમ વોટવેંક પર કોંગ્રેસની પકડ ઢીલી થઈ ગઈ. ભાજપને પ્રવાસીનો દાવ ભારે પડી ગયો.
• મુખ્ય પ્રધાન તરુણ ગોગોઈની શાખને સર્વાનંદ સોનોવાલની યુવા અને સ્વચ્છ છબીએ ઝાંખી પાડી દીધી.
• લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો સાથ છોડનારા આદિવાસીના મત પાછા લાવવામાં કોંગ્રેસના પ્રયાસ સંદતર નિષ્ફળ રહ્યા.
• નરેન્દ્ર મોદીએ જ્યાં ચૂંટણી પ્રચાર કર્યો ત્યાં પોતાને ‘ચાવાલા’ જણાવીને આસામની ચાનાં સતત વખાણ કર્યા. સોશિયલ મીડિયા પર ચાલેલા કેમ્પેઇન સાથે યુવાનો જોડાય તે માટે લગભગ દરેક તબક્કે ભાજપના દાવ પાસા સીધા પડ્યા અને કોંગ્રેસના હાથમાંથી સત્તા છિનવાઈ ગઈ.
પશ્ચિમ બંગાળમાં ‘દીદી’નો ડંકો
તૃણમૂલ કોંગ્રેસની આગેકૂચનાં કારણ
• મમતા બેનરજીની સરકારનાં કામકાજને લોકોએ પસંદ કર્યું. ભ્રષ્ટાચારના ઘણા આરોપ હોવા છતાં લોકોએ મમતા પર પસંદગી ઉતારી.
• મમતા બેનરજીની બંગાળના ગ્રામ્ય વિસ્તારોમાં મજબૂત પકડ છે. તેના કારણે સ્ટિંગ અને ભ્રષ્ટાચારના મુદ્દા માત્ર શહેરોમાં જ ગાજતા હતા.
• દરેક વર્ગ, યુવાન, વૃદ્ધ, મહિલાઓએ મમતાને સાથ આપ્યો. મમતાની સાદગી અને ડાઉન ટુ અર્થ નેતાની છાપ કામ કરી ગઈ.
• રાજ્યમાં લગભગ ૩૦ ટકા મુસ્લિમ વસ્તી છે. આ વખતે આ વર્ગે મોટી સંખ્યામાં મત આપ્યા.
• મમતાએ રાજ્યમાં વિકાસના મુદ્દા સાથે મતદારો વચ્ચે જવાનું શરૂ કર્યું. આ મુદ્દો તેમના માટે કામ કરી ગયો.
કોંગ્રેસ-લેફ્ટની પીછેહઠનાં કારણ
• ચૂંટણી પહેલાં કોંગ્રેસનું તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) સાથે જોડાણ હતું. થોડા સમય બાદ કોંગ્રેસે ડાબેરીઓ સાથે જોડાણ કર્યું અને બંનેને ભોગવવું પડ્યું.
• નારદા - શારદાકાંડ હોય કે કોલકાતાનો બ્રિજ પડવાની ઘટના હોય. ભ્રષ્ટાચારના બંને મુદ્દાને વોટમાં પરિવર્તિત કરવામાં કોંગ્રેસ અને ડાબેરી નિષ્ફળ રહ્યાં.
• જે રીતે મજૂર અને પછાત વર્ગના મત ડાબેરીઓ પાસેથી ગયા, તે મત તેને કોંગ્રેસ સાથેનાં જોડાણ દ્વારા પરત મળ્યા નહીં. પરાજય પાછળનું આ મોટું કારણ છે.
• રાજ્યમાં ભાજપને જે મત મળ્યા તે ડાબેરી પક્ષો અને કોંગ્રેસે ગુમાવેલાં હતા. બંને રીતે તૃણમૂલ કોંગ્રેસને જ ફાયદો થયો હતો.
• જેએનયુ પ્રકરણ અને કનૈયા કુમારને ઉપર લાવવાથી ડાબેરી પક્ષોને ફાયદો થવાની આશા હતી, પણ તેવું થયું નહીં.
કેરળમાં ડાબેરીઓની સરકાર રચાશે
એલડીએફની આગેકૂચનાં કારણ
• કોંગ્રસની સામે એન્ટિ-ઇન્કમ્બન્સી ફેક્ટર કામ કરી ગયું
• મુખ્ય પ્રધાન ઓમેન ચાંડીની કામગીરી વિપક્ષનાં નિશાને હતી. ખાસ કરીને રાજ્યમાંથી સૌથી વધારે ચર્ચા સોલારકાંડની થઈ હતી. ખાસ તો સરિતા નાયરે જે રીતે તેમના પર જાતીય શોષણના આરોપ મૂક્યાં હતા તેના કારણે ચાંડીની છબી ખરડાઈ હતી.
• રાજ્યમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સક્રિયતાએ ભાજપને મત અપાવ્યા. જે મતોનું વિભાજન થયું તે કોંગ્રેસના મત હતા.
• સંઘના કાર્યકર્તાઓની હત્યા અને ચર્ચિત જિશા હત્યાકાંડે ઓમેન ચાંડી સરકારને બેકફૂટ પર લાવી દીધી.
• ઓગસ્ટા વેસ્ટલેન્ડ જેવા ગોટાળામાં કોંગ્રેસી નેતાઓ પર મુકાયેલા આરોપોએ ડાબેરીઓ તરફ વોટનું વિભાજન કરી દીધું.
કોંગ્રેસની પીછેહઠનાં કારણ
• કોંગ્રેસના નેતા શશી થરુરના મતે કેરળમાં કોઈ પણ સરકાર ફરીથી નથી આવતી. એન્ટિ-ઇન્કમ્બન્સી ફેક્ટર દરેક ચૂંટણીમાં ભાગ ભજવે છે.
• ભાજપને લગભગ ૧૧ ટકા મત મળ્યા. માનવામાં આવે છે કે આ વોટ કોંગ્રેસના જ હતા.
• કોંગ્રેસની સરકારે રાજ્યમાં તબક્કાવાર દારૂબંધી લાગુ કરી. મોટો વર્ગ સરકારના આ નિર્ણયથી નારાજ હતો.
• કેરળમાં લઘુમતીઓ સંખ્યા કુલ વસ્તીના ૪૫ ટકા છે. લોકસભાની ચૂંટણીમાં લઘુમતીઓએ કોંગ્રેસને સમર્થન કર્યું હતું. જોકે વિધાનસભામાં લોકોએ એલડીએફનું સમર્થન કાયમ રાખ્યું.
• ૯૩ વર્ષના વૃદ્ધ નેતા અચ્યુતાનંદનના આક્રમક પ્રચારે મતદારોને રિઝવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
તામિલનાડુમાં ‘બ્રાન્ડ અમ્મા’ સફળ
અમ્માની આગેકૂચનાં કારણ
• જયલલિતા જેલથી છૂટ્યા બાદ તેમની સાથે લોકોની સહાનુભૂતિ જોડાઈ.
• મફત મોબાઈલ ફોન અને ૧૦૦ યુનિટ વીજળી વિનામૂલ્યે આપવાના વાયદાં ફળ્યાં.
• વિદ્યાર્થીઓને માસિક શિષ્યવૃત્તિ અને લેપટોપ વહેંચવાની રણનીતિ પણ ફળી.
• ૬૦ લાખ યુવા મતદારોના મત સૌથી વધુ અમ્માની પાર્ટી જ મળ્યા છે.
• અમ્માએ નાના પક્ષો સાથે જોડાણ કર્યું, જે તેમના માટે ફાયદાકારક રહ્યું.
ડીએમકેની પીછેહઠનાં કારણ
• જયલલિતાને ખોટાં સાબિત કરવાની રણનીતિ ઉંધી વળી ગઈ.
• ૯૧ વર્ષના કરુણાનિધિની વધતી ઉંમર અને રજકીય પ્રભાવમાં ઘટાડો.
• ડીએમકે સ્થાનિક મુદ્દાઓને વટાવવામાં સંદતર નિષ્ફળ રહ્યો.
• ડીએમકે યુવાન મતદારોને રિઝવવામાં નિષ્ફળ રહી.
• લોકોને આકર્ષવાની જાહેરાતોમાં જયલલિતા પ્રસ્પર્ધી ડીએમકે કરતાં આગળ રહ્યાં.
પોંડિચેરીમાં કોંગ્રેસની આબરૂ બચી
કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે સ્થાપિત થયો. કોંગ્રેસે ડીએમકે સાથે જોડાણ કરીને વિકાસનું સૂત્ર આપ્યું જે સફળ રહ્યું. વર્તમાન મુખ્ય પ્રધાન એન. રંગાસ્વામી ૨૦૧૧ સુધી કોંગ્રેસમાં જ હતાં. એન્ટિ-ઇન્કમ્બન્સી અને પરંપરાગત કોંગ્રેસ મતોએ તેમને પાછળ રાખી દીધા. તો ૨૦૧૧ની ચૂંટણીમાં એઆઈડીએમકે સાથે જોડાણ કરનારા એઆઇએનઆરના રંગાસ્વામીએ બહુમત મળ્યા બાદ તેમનું સમર્થન લીધું નહીં. તેમણે અપક્ષોના સમર્થનથી સરકાર બનાવી. આ કારણે આ વખતે એઆઇએડીએમકેનો સાથ મળ્યો નહીં. એન્ટિ-ઇન્કમ્બન્સીએ તેમની બાજી બગાડી.