નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમેરિકાના મશહૂર રિસર્ચર, પોડકાસ્ટર લેક્સ ફિડમેન સાથેનું ત્રણ કલાકનું વિસ્તૃત પોડકાસ્ટ રવિવારે રજૂ થયું. જેમાં વડાપ્રધાન મોદીના જીવન, વિચારધારા અને વૈશ્વિક મુદ્દાઓ પર તેમના દૃષ્ટિકોણની ઝલક જોવા મળી. મોદીએ તેમના બાળપણ, સંઘ પરિવાર અને હિન્દુ રાષ્ટ્રવાદ મુદ્દે પોતાના વિચારો વ્યક્ત કર્યા. સાથે જ ભારત-પાક. સંબંધો, યુક્રેનમાં શાંતિ પ્રયાસો, ચીન સાથેના સંબંધો, 2002ના ગુજરાતના રમખાણો, લોકશાહી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને શિક્ષણ અંગે પણ વાત કરી. વડાપ્રધાને કહ્યું કે મારી તાકાત મારા નામમાં નહીં પણ 1.4 બિલિયન ભારતીયો અને દેશની કાલાતીત સંસ્કૃતિ અને વારસાના સમર્થનમાં રહેલી છે.
પાકિસ્તાન સાથેના શાંતિ પ્રયાસો અંગે...
વડાપ્રધાને પાકિસ્તાન સાથે શાંતિ માટેના તેમના પ્રયાસો અંગે વાત કરતા કહ્યું કે તેમણે 2014માં તેમના શપથ ગ્રહણ સમારોહમાં પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફને આમંત્રિત કર્યા હતા પરંતુ પાકિસ્તાન સાથે શાંતિ માટેના દરેક ઉમદા પ્રયાસના બદલામાં આપણે દુશ્મનાવટ અને વિશ્વાસઘાતનો સામનો કરવો પડયો. પાકિસ્તાનના લોકો પણ શાંતિ ઇચ્છે છે પરંતુ તેમની સરકાર આતંકવાદનું સમર્થન કરે છે. ભારત હંમેશાં શાંતિનું હિમાયતી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક કહ્યું કે આતંકવાદના મૂળ ક્યાં છે તે અંગે વિશ્વ હવે શંકામાં નથી. મોદીએ કહ્યું હતું કે, પાકિસ્તાન સાથે શાંતિ અને સૌહાર્દ માટે જેટલી પણ વખત હાથ લંબાવ્યા છે, તેટલી વખત માત્ર દગો અને નફરત મળ્યા છે. બન્ને દેશના સંબંધ સુધારવાની સદ્બુદ્ધિ ક્યારેક તો ઈસ્લામાબાદના શાસકોને મળશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.
ભારત-ચીન સંબંધ અંગે...
ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં જે ટેન્શન છે તેના સંદર્ભમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે બે પડોશીઓમાં મતભેદ વાજબી છે. એક પરિવારમાં પણ મતભેદ હોય છે. પરંતુ અમારું ધ્યાન એ બાબત સુવિશ્ચિત કરવા પર છે કે આ મતભેદ વિવાદમાં તબદીલ ના થાય. અમે એ દિશામાં જ સક્રિય પ્રયાસો કરી રહ્યા છીએ. મોદીએ મુલાકાતમાં આગળ જણાવ્યું હતું કે જૂના રેકોર્ડ દર્શાવે છે કે ભારત અને ચીન એક સમયે દુનિયાની જીડીપીમાં 50 ટકા કરતાં પણ વધુનું યોગદાન આપતાં હતાં. તેમણે ઉમેર્યું હતું કે બન્ને દેશ વચ્ચે ગાઢ સાંસ્કૃતિક સંબંધ પણ છે જેને અમે ભવિષ્યમાં પણ મજબૂત રાખવા માંગીએ છીએ.
રશિયા-યુક્રેન યુદ્ધ અંગે...
રશિયા-યુક્રેન યુદ્ધ સંદર્ભે મોદીએ કહ્યું હતું કે, યુદ્ધ એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. બન્ને દેશ મંત્રણાઓમાં જોડાશે ત્યારે જ આ સંઘર્ષનો વિરામ થશે. આજે વિશ્વને સંઘર્ષની નહીં, સહકારની જરૂર છે. ભારતને તટસ્થ દેશ ગણાવવાના બદલે મોદીએ શાંતિના સમર્થક રાષ્ટ્ર તરીકે ઓળખાવ્યુ હતું. રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથેના સારા સંબંધોનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે, તેમણે રશિયાને વિનંતી કરી હતી કે, યુદ્ધમાં સમસ્યાનો ઉકેલ નથી.
મહત્ત્વના સરકારી સુધારા અંગે...
પોતાની સરકારે કરેલા મહત્ત્વપૂર્ણ સુધારાને હાઇલાઇટ કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, ઓફિસ સંભાળ્યા બાદ તેમની સરકારે વિવિધ કલ્યાણકારી યોજનાઓના 10 કરોડ નકલી લાભાર્થીઓની ઓળખ કરીને તેમને હટાવ્યા હતા અને સુનિશ્ચિત કર્યુ હતું કે સરકારી યોજનાઓના લાભ ડાઇરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફત સાચા લોકો સુધી પહોંચે અને તેમ કરીને સરકારે 3 લાખ કરોડ રૂપિયા બચાવ્યા હતા. વધુમાં તેમની સરકારે જૂના 1,500 કાયદાને દૂર કર્યા હતા.
ટ્રમ્પ સાથે મિત્રતા અંગે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોડકાસ્ટ દરમિયાન કહ્યું હતું કે, હું અને ટ્રમ્પ પરસ્પર વિશ્વાસના તાંતણે જોડાયેલા છીએ. અમે બંને રાષ્ટ્રહિત સર્વોપરીના સિદ્ધાંતને માનીએ છીએ. પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાહસિક વ્યક્તિ છે અને પોતાના નિર્ણયો જાતે લે છે. તેઓ અમેરિકાને સમર્પિત છે અને ગત વર્ષે પ્રચાર અભિયાન દરમિયાન બંદૂકધારીએ ગોળી મારી ત્યારે પણ તેમનું સમર્પણ ડગ્યુ ન હતું.
ગોધરા રમખાણો અંગે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોડકાસ્ટમાં ગુજરાતમાં 2002માં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી રમખાણો અંગે જણાવ્યું કે 2002 પહેલાં દેશમાં સતત આતંકી હુમલા અને અસ્થિરતાનો માહોલ હતો, જેના કારણે તંગદિલી ચરમસીમાએ હતી. ગુજરાતના રમખાણો પૂર્વે દેશમાં મોટા આતંકી હુમલા થયા. 1999માં કંદહાર વિમાન અપહરણ, 2000માં લાલ કિલ્લા પર હુમલો, 2001માં જમ્મુ-કાશ્મીર વિધાનસભા અને ભારતીય સંસદ પર હુમલા જેવી ઘટનાઓ દેશને હચમચાવી ચૂકી હતી. આ દરમિયાન ગુજરાત પણ 2001ના વિનાશકારી ભૂકંપ બાદ બેઠું થઇ રહ્યું હતું. 7 ઓક્ટોબર, 2001ના રોજ મેં પહેલીવાર મુખ્યમંત્રીપદ સંભાળ્યું. ત્યારે મને વહીવટનો કોઈ અનુભવ નહોતો. 24 ફેબ્રુઆરી, 2002ના રોજ હું પહેલીવાર ચૂંટાયેલો પ્રતિનિધિ બન્યો અને તેના ત્રણ દિવસ બાદ 27 ફેબ્રુઆરીએ ગોધરાકાંડ થયો, જેણે સમગ્ર રાજ્યમાં હિંસા ભડકાવી. 2002 અગાઉ પણ ગુજરાતમાં 250થી વધુ રમખાણો થઇ ચૂક્યા હતા. 1969ના રમખાણો 6 મહિના સુધી ચાલ્યા હતા. 2002ના રમખાણો દુઃખદ હતા પણ ત્યાર પછી રાજ્યમાં સ્થાયી શાંતિ જળવાઇ રહી. મોદીએ એમ પણ કહ્યું કે તેમની સરકાર સામે ઘણા આરોપ લગાવાયા પરંતુ ન્યાયતંત્રએ બે વખત તપાસ બાદ તેમને નિર્દોષ ઠેરવ્યા અને જે લોકો દોષિત હતા તેમને કાયદા મુજબ સજા કરાઇ.
મૃત્યુના ભય અંગે...
મોદીને મોતની બીક લાગે છે કે નહીં, તેવા સવાલના જવાબમાં કહ્યું હતું કે, આપણે સૌ જાણીએ છીએ કે જીવન પોતે જ મોતનું ધીમું આગમન છે. આમ છતાં, સતત પાંગરતા રહેવું તે જીવનની નિયતિ છે. જીવન અને મૃત્યુના નૃત્યમાં માત્ર મૃત્યુ જ નિશ્ચિત છે. તો જે બાબત નક્કી જ છે, તેની ચિંતા શું કરવી? તેથી તમારે મોતની ચિંતા કર્યા વગર જીવનને ગળે લગાવવું જોઈએ. જીવન આ રીતે જ વિકસતું અને પાંગરતું રહે છે.
સંઘ પરિવાર અંગે...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવા પવિત્ર સંગઠન પાસેથી જીવનના મૂલ્યો શીખવાની તક મળવા બદલ મોદીએ પોતાને ભાગ્યશાળી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આરએસએસના કારણે જીવનનો હેતુ મળ્યો હતો અને સંઘ સાથે જોડાયેલા લોકો સમાજના દરેક વર્ગમાં છે અને વિવિધ ક્ષેત્રોમાં જોડાયેલા છે. ભાજપમાં જોડાતા પહેલા મોદી સંઘના પ્રચારક રહી ચૂક્યા છે. બાળપણમાં તેમના ઘરની નજીક સંઘની શાખા યોજાતી હતી અને તેમાં ગવાતા રાષ્ટ્રભક્તિના ગીતે મન પર ઊંડી અસર કરી હતી
જ્યારે સ્કૂલના દિવસોમાં પહેલા શૂઝ મળ્યા
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, બાળપણમાં હું એક દિવસ સ્કૂલે જતો હતો ત્યારે રસ્તામાં મારા કાકા મળ્યા અને મને જોઇને બોલ્યા - અરે, તું શૂઝ પહેર્યા વિના સ્કૂલે જાય છે? ત્યારે તેમણે મને કેનવાસના એક જોડી શૂઝ ખરીદી આપ્યા અને તે પહેરી લેવા કહ્યું. ત્યારે તે શૂઝ લગભગ 10-12 રૂપિયાના હશે પણ તકલીફ એ હતી કે તે સફેદ કેનવાસના શુઝ હતા અને જલદી ગંદા થઇ જતા હતા. તેથી હું સાંજે સ્કૂલ છૂટયા બાદ બધા ક્લાસરૂમમાં ફરીને શિક્ષકોએ ફેંકેલા ચોકના ટુકડા ભેગા કરતો અને ઘરે લઇ જતો. તેમને પાણીમાં પલાળી તેની પેસ્ટ બનાવી તેનાથી મારા શૂઝ ચમકાવતો હતો.
મોદી ટ્રમ્પની માલિકીના ટ્રુથ સોશિયલમાં જોડાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ટ્રુથ સોશિયલ સાથે જોડાયા છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રમ્પ મીડિયા અને ટેક્નોલોજી ગ્રૂપની માલિકીનું છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે મોદીની પોડકાસ્ટ શેર કર્યાના બીજા દિવસે જ તેઓ પ્લેટફોર્મ સાથે જોડાયા છે. પોતાના પ્લેટફોર્મ પર પ્રથમ પોસ્ટમાં મોદીએ લખ્યું હતું કે ‘સોશિયલ ટ્રુથ પર આવી જવાનો આનંદ! આવનારા સમયમાં અહીંના તમામ ઉત્સાહી અવાજ સાથે વાર્તાલાપ કરવા અને અર્થપૂર્ણ વાતચીતમાં જોડાવા માટે આતુર છું.’