પાક.નું રૂ. 19 હજાર કરોડનું દેવું વસૂલવા ચીન ગિલગિટ પર કબજો કરવાની ફિરાકમાં

Saturday 09th July 2022 07:09 EDT
 
 

નવી દિલ્હી: દેવાળિયા થવાની અણીએ પહોંચેલા પાકિસ્તાને ચીન પાસેથી લીધેલી 19 હજાર કરોડ રૂપિયાની લોનના બદલામાં ગિલગિટ અને બાલ્ટિસ્તાન સોંપી દેવાની તૈયારી કરી લીધી છે. પાક.નું વિદેશી હૂંડિયામણ રિઝર્વ સતત ઘટી રહ્યું છે.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) દ્વારા 90 હજાર કરોડની મદદ ન મળતી જોઈ પાકિસ્તાન પીઓકેના વિસ્તારો પણ ચીનને સોંપવા જઈ રહ્યું છે. આ મામલે પાકિસ્તાને ગિલગિટ, બાલ્ટિસ્તાન અને પીઓકેના 52 કાયદા પોતાના હાથમાં લઈ લીધા છે. તે હેઠળ પાક. સરકારને ત્યાંની જમીનને કોઈ પણ દેશને લીઝ પર સોંપવાનો અધિકાર મળી ગયો છે. 2018માં પાક. સરકારે ગિલગિટ, બાલ્ટિસ્તાન અને પીઓકેને વધુ અધિકાર આપવાની જાહેરાત કરી હતી. ગિલગિટ અને બાલ્ટિસ્તાનના મુખ્યમંત્રી ખાલિદ ખુરશીદ ખાને પાક. સરકાર પર 30 અબજ રૂપિયાની સહાયને માત્ર 12 અબજ રૂપિયા કરવાનો પણ આરોપ મૂક્યો છે.
દેવાના બદલે યુએઇને સરકારી કંપનીઓના શેર વેચ્યા
પાક.એ યુએઈ સાથે 8 હજાર કરોડ રૂપિયાના દેવાના બદલામાં 20 સરકારી કંપનીઓના 12 ટકા વધુ શેર આપવાનો કરાર કર્યો છે. સાઉદીને પણ પાક.એ 2018થી 40 હજાર કરોડ રૂપિયાની સરળ શરતો પર લોનની અરજી કરી હતી. ફેબ્રુઆરીમાં જ સાઉદી અરબથી પાક.ને 10 હજાર કરોડનું ધિરાણ મળ્યું છે.
ચીન ગ્વાદર, ગિલગિટ-બાલ્ટિસ્તાનને
લીઝ પર લઈ લેવા માગે છે
• ચીને પાક.ને કેમ મદદ કરી? ચીન ગ્વાદર પોર્ટ, ગિલગિટ-બાલ્ટિસ્તાનને 99 વર્ષની લીઝ પર લેવા માગે છે.
• સીપેકનું ભાવિ શું છે? સીપેક નિષ્ફળ પ્રોજેક્ટ છે. 8 વર્ષથી ખાસ પ્રગતિ થઇ નથી. આગળ પણ આશંકા છે.
• ભારતને કેટલો ખતરો છે? ચીન-પાક.નું ગઠબંધન ભારત વિરુદ્ધ જ બન્યું છે. ચીનની પાક.ને દરેક મદદ ભારતને ધ્યાનમાં રાખી જ કરાય છે.
• ગિલગિટમાં ચીનનો એજન્ડા શું છે? ચીનનો એજન્ડા ગિલગિટથી પોતાને ત્યાં ઈસ્લામિક કટ્ટરપંથને રોકવાનો પણ છે. અહીં ચીન પોતાનો દબદબો ઈચ્છે છે.
હુંજામાં ઇવી ચિપ માટે ચીનનું નિયોબિમનું ખોદકામ
દેવાના બદલામાં ચીન પાક.ના ગિલગિટ-બાલ્ટિસ્તાનના હુંજામાં નિયોબિમનું મોટા પાયે ખોદકામ કરી રહ્યું છે. હુંજામાં માણેક-મોતી અને કોલસાનો 120 લાખ મેટ્રિક ટનનો ભંડાર છે. ચીનને હુંજામાં મોટી જમીન લીઝ પર મળી છે. તાજેતરમાં અહીંના સ્થાનિકોએ ચીનને લીઝ જારી થવાના વિરોધમાં ભારે દેખાવો કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter