વોશિંગ્ટનઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ચોંકાવનારી કબૂલાત કરતા જણાવ્યું છે કે અફઘાનિસ્તાન કે કાશ્મીરના કેટલાક ભાગોમાં તાલીમ મેળવેલા અને લડેલા ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ આતંકીઓ પાકિસ્તાનમાં છે. આ કબૂલાતનામાથી ભારતે વારંવાર કરેલા દાવાને સમર્થન મળે છે કે તેના પર હુમલા કરનારા આતંકી જૂથોનું સંચાલન પાકિસ્તાનમાંથી થાય છે.
અમેરિકામાં એક કાર્યક્રમ દરમિયાન ઇમરાન ખાને પાકિસ્તાનની અગાઉની સરકારો પર આરોપ મૂક્યો હતો કે તેમણે દેશમાં ચાલતા આતંકી સંગઠનો અંગે અમેરિકા સમક્ષ ખોટું બોલ્યું હતું.
ભારત અને અફઘાનિસ્તાન લાંબા સમયથી પાકિસ્તાન પર આરોપ મૂકી રહ્યાં છે કે તે અફઘાન તાલિબાન, હક્કાની નેટવર્ક, જૈશે મોહંમદ, લશ્કરે તૈયબા અને અન્ય આતંકી સંગઠનોને સલામત આશ્રયસ્થાન પૂરું પાડે છે.
અમેરિકાની ત્રણ દિવસના સત્તાવાર પ્રવાસે ગયેલા ઇમરાન ખાને અમેરિકાના સાંસદો સમક્ષ કબૂલ કર્યુ હતું કે છેલ્લા ૧૫ વર્ષમાં પાકિસ્તાનમાં સત્તા પર રહેલી સરકારોએ અમેરિકાને સત્ય બતાવ્યું ન હતું કે પાકિસ્તાનમાં જુદા જુદા ૪૦ આતંકી સંગઠનો કાર્યરત છે.
અમેરિકન સંસદના ભંડોળની ચાલતી યુએસ ઇન્સ્ટિટયૂટ ઓફ પીસ સમક્ષ ખાને જણાવ્યું હતું કે અમે સત્તામાં આવ્યા તે પહેલાની સરકારો પાસે આતંકવાદનો સફાયો કરવાની ઇચ્છાશક્તિ જ નહોતી. કોઇ પણ આતંકી સંગઠનને દેશમાં ચાલુ રાખવાથી પાકિસ્તાનને જ નુકસાન થશે. અમારી સરકાર પ્રથમ છે જેણે આતંકી સંગઠનો પર પ્રતિબંધ મૂકવાનું શરૂ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે સત્તા પર આવ્યા પછી ઇમરાન ખાને જમાત ઉદ દાવા પર અંકુશ મેળવી લીધો છે અને તેની ચેરિટી વિંગ ફલાહે ઇન્સાનિયત ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતી વિવિધ સંસ્થાઓ પોતાના હસ્તક લઇ લીધી છે.
પુલવામા હુમલામાં જૈશનો હાથ
ઈમરાન ખાને તેના દેશમાં આતંકી સંગઠનોની હાજરી કબૂલી લીધી છે. હવે તેમણે આ દાવાની સાથે વધુ એક વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું છે. પુલવામા આતંકી હુમલા અંગે ઈમરાન ખાને કહ્યું કે આવી એક ઘટના હતી, જેમાં સ્થાનિક આતંકીઓનો હાથ હતો. તેમણે દાવો કર્યો કે જૈશ-એ-મોહમ્મદ માત્ર પાકિસ્તાનમાં હયાત જ નથી, પરંતુ કાશ્મીરમાં પણ છે અને ત્યાંથી કામ કરે છે.
ઈમરાન ખાનના સ્વીકારે છે કે પુલવામા આતંકી હુમલા પાછળ જૈશ-એ-મોહમ્મદનો જ હાથ હતો, જેનો વડો મસૂદ અઝહર છે. જોકે, આ પહેલા આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાન પોતાની જમીન પર જૈશ-એ-મોહમ્મદની હાજરી નકારતું રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં પણ તેની ભલામણથી ચીને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો વિરોધ કર્યો હતો.
આ વર્ષે ૧૪મી ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા, જેમાં જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાના ભારતે પાકિસ્તાનને પુરાવા આપ્યા હતા. એટલું જ નહીં જે આતંકી અડ્ડાઓ પરથી આ હુમલાનું કાવતરૂં રચાયું હતું, ત્યાં બાલાકોટમાં ભારતીય હવાઈદળે એરસ્ટ્રાઈક કરી હતી અને તે કેમ્પોનો નાશ કર્યો હતો.
પુલવામા જ નહીં ન્યૂ યોર્કમાં થયેલા ૯-૧૧ના આતંકી હુમલા અંગે પણ તેમણે ટીપ્પણી કરી હતી. આ હુમલા અંગે પાકિસ્તાનને કોઈ લેવા-દેવા નથી તેમ તેમણે એક ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે પાકિસ્તાનની અગાઉની સરકારોએ અમેરિકાને આતંકી સંગઠનો અંગે સાચું જણાવ્યું નહોતું.
ઇમરાન મહાજૂઠ્ઠાઃ આતંકવાદના સમર્થક
અમેરિકામાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને આતંકવાદ અંગે આપેલા નિવેદનથી જોકે તેમના દેશમાં જ તેમની ટીકા થઇ રહી છે. પાકિસ્તાનના વિપક્ષોએ તેમની ટીકા કરતા જણાવ્યું છે કે તેમણે આતંકવાદ મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાયને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો છે.
વિપક્ષે તેમને મોટા જૂઠ્ઠા અને આતંકીઓના સમર્થક ગણાવ્યા છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સેક્રેટરી જનરલ નફિસા શાહે ઇમરાન ખાનને દાઢી વગરના તાલિબાન ખાન ગણાવ્યા છે.
નફીસાએ વધુમાં જણાવ્યું છે કે પસંદ કરાયેલા વડા પ્રધાન ભ્રષ્ટ છે અને આતંકીઓના સમર્થક છે. ઇમરાન જે આત્મવિશ્વાસથી જૂઠ બોલે છે તેમને જૂઠનું ગોએબલ્સ એેવોર્ડ આપવો જોઇએ. વિશ્વાસની સાથે જૂઠ બોલવું પ્રેક્ટિસથી આવે છે અને ઇમરાન છેલ્લા ઘણા વર્ષોથી આ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે જોસેફ ગોએબલ્સ હિટલરના કુખ્યાત પ્રચાર પ્રચાર હતાં.
પાકિસ્તાનની બીજી પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (પીએમએલ-એન)ના અધ્યક્ષ અને નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા શાહબાઝ શરીફે જણાવ્યું છે કે ઇમરાન ખાનની તાનાશાહી માનસિકતાનો એ નિવેદનથી ખુલાસો થાય છે જેમાં તેમણે જણાવ્યું છે કે દેશના મીડિયાને નિયંત્રિત કરવાની જરૂર છે.