નવી દિલ્હી: પાકિસ્તાનમાં લોટની અછતને પગલે લોકો ભૂખ્યા રહેવા મજબુર છે, એવામાં પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે) અને ગિલગિટ-બાલ્ટિસ્તાન (જી-બી)ના નાગરિકો સાથે પાકિસ્તાન સરકાર ભેદભાવ કરી રહી હોવાથી તેઓ હવે પોતાની સ્વતંત્રતાની લડાઇ માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં લોકો રસ્તા પર ઉતરીને પાક.વિરોધી સુત્રોચ્ચાર કરે છે. સાથે જ આ પ્રાંતના લોકોએ પોતાને ભારત સાથે ભેળવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેઓ લદ્દાખમાં ભારત સાથે ફરી ભળવા માગે છે. જોકે પાક. સરકાર લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે.
વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
બન્ને પ્રાંતના નાગરિકો મોટી સંખ્યામાં આંદોલન કરવા રસ્તા પર ઉતરી આવ્યા હોવાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે. અનેક આંતરરાષ્ટ્રીય હસ્તીઓ દ્વારા આ પ્રાંતના લોકોના આંદોલનના વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરીને અપીલ કરાઇ છે કે આ પ્રાંતના લોકોની માગણીઓ પર ધ્યાન અપાય. એક વીડિયોમાં લોકો પાકિસ્તાન વિરુદ્ધના બેનર સાથે જોવા મળી રહ્યા છે અને ભારતના લદ્દાખ સાથે તેઓને ભેળવવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે. છેલ્લા સતત 12 દિવસથી પાકિસ્તાનના કબજાવાળા આ બન્ને પ્રાંતમાં લોકો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે.
પાકિસ્તાની સૈન્યના જોરજુલમ
પાકિસ્તાની સૈન્ય આ વિસ્તારમાં નાગરિકોની જમીન પચાવી રહ્યું છે, મહિલાઓ - યુવતીઓ પર બળાત્કાર -અપહરણની ઘટના વધી છે. સરકાર, સૈન્ય અને આતંકીઓથી પરેશાન આ વિસ્તારના નાગરિકો હવે ભારતમાં ફરી ભળવા માગે છે. તેઓએ માગણી કરી છે કે લદ્દાખના કારગિલ જિલ્લામાં સકરદૂ કારગિલ રોડને ફરી ખોલવામાં આવે અને લદ્દાખમાં બાલ્ટિસ્તાનના લોકો રહે છે તેમની સાથે મળીને અમને પણ રહેવા દેવામાં આવે. પાકિસ્તાનની સરકાર દ્વારા અમારી જમીન ઉપર કરાયેલો કબજો છોડવામાં આવે અને અમને અમારી જમીનનો અધિકાર સોપાય. મોંઘવારીને કારણે અમે ઘઉં કે લોટ પણ નથી ખરીદી શકતા માટે સરકાર સબસિડી આપે અને જીવનજરૂરી વસ્તુઓને સસ્તી કરાય.
2015થી જમીનવિવાદ વધ્યો
ગિલગિટ અને બાલ્ટિસ્તાન વિસ્તારમાં 2015થી જમીનનો વિવાદ છે. લોકો દાવો કરે છે કે આ વિસ્તાર પીઓકેનો જ હિસ્સો હોવાથી જમીન અમારી છે. સરકાર દાવો કરી રહી છે કે આ વિસ્તારની જમીન પર પાકિસ્તાન સરકારનો જ પહેલો અધિકાર છે. એવામાં હવે આ પ્રાંતના લોકો પાકિસ્તાન સાથે છેડો ફાડવા માગે છે અને ફરી ભારતમાં ભળવા માગે છે.
હુંજા ઘાટી ચીનને સોંપવા હિલચાલ
પાકિસ્તાન સરકાર પીઓકેમાં આવેલી હુંજા ઘાટીને ચીનને સોંપવા હિલચાલ કરી રહી હોવાના સંકેત મળતાં જ લોકો રોષે ભરાયા છે. પાકિસ્તાન પોતાના પર ચીનનું જે દેવુ છે તેને ઓછુ કરવા માટે આ વિસ્તારને ચીનના હવાલે કરવા જઇ રહ્યું છે. આ પ્રાંતમાં ખનીજ પદાર્થો મળી રહ્યા છે. ચીન તેને પોતાના કબજામાં લઇને આ ખનીજનો ઉપયોગ વેપાર માટે કરશે જેને કારણે પણ લોકોમાં ગુસ્સો વધી રહ્યો છે.