પાકિસ્તાનનું બલૂચો પર દમનઃ 3 દસકામાં 6000થી વધુનાં અપહરણ

Sunday 22nd May 2022 06:02 EDT
 
 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં તાજેતરમાં ચીનના નાગરિકો પર આત્મઘાતી હુમલા બાદ બલૂચ સમુદાય પર દમનની ઝડપી કાર્યવાહી કરાઈ રહી છે. બલૂચ લોકોનું સુરક્ષા એજન્સીઓ અપહરણ કરી રહી છે. ગત દિવસોમાં લાહોર પોલીસે પંજાબ યુનિ.માં દરોડા પાડી હોસ્ટેલમાં રહેતા કેટલાક બલૂચ વિદ્યાર્થીઓનું અપહરણ કરી લીધું હતું.
3 દસકામાં 6 હજારથી વધુનાં અપહરણ
માનવાધિકાર સંગઠન વોઈસ ફોર બલૂચ મિસિંગ પર્સન્સના અનુમાન અનુસાર ૩ દાયકામાં ૬,૦૦૦થી વધુ લોકોનાં આ રીતે અપહરણ કરાયું છે. તેમની અત્યાર સુધી કોઈ ભાળ મળી નથી. ૨૦૦૯થી અત્યાર સુધી ૧૪૦૦ બલૂચ લોકોના શબ મળ્યા છે. અન્ય એક્ટિવિસ્ટ મામા કાદિર કહે છે કે ૨ વર્ષમાં ૨૮૭ બલૂચોના અપહરણ કરાયા. માનવાધિકાર કાર્યકરો, પરિવાર અને ગુમ વ્યક્તિઓના સંબંધીઓએ તેમના ગુમ થવા પાછળ પાક. સૈન્ય અને આઈએસઆઈને જવાબદાર ઠેરવી છે જે વિદ્રોહને બલૂચોને ફસાવી રહ્યા છે.
બલૂચિસ્તાન વિદ્યાર્થી પરિષદના એક આહવાન પર વિદ્યાર્થીઓ લાહોર, કરાચી, ફૈસલાબાદ અને ઈસ્લામાબાદ સહિત મોટા શહેરોમાં દેખાવો કરી રહ્યા છે. તે તમામ બલૂચ વિદ્યાર્થીઓ તેમના સમુદાય વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનને રોકવાની માગ કરી રહ્યા છે.
બલૂચ વિદ્યાર્થી યુનિયન સાથે સંકળાયેલા જહીર બલૂચ કહે છે કે અમારે આ ફિદાયીન હુમલા અને આતંકી પ્રવૃત્તિઓ સાથે કોઇ લેવાદેવા નથી. દમનની કાર્યવાહીને લીધે હજારો વિદ્યાર્થીઓ ઈદ પર પોતાના ઘરે પાછા ફરી ના શક્યા. સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક ધોરણે અપહરણ કરાયેલા વિદ્યાર્થીઓને મુક્ત કરી દેવા જોઈએ. તેમનું કહેવું છે કે ૧૯૮૦ બાદથી બલૂચો પર દમનની કાર્યવાહી થઇ રહી છે.
સિંગાપોરમાં આંતરરાષ્ટ્રીય અધ્યયન કેન્દ્ર એસ. રાજરત્નમ સ્કૂલના એક વરિષ્ઠ ફેલો રફેલો પંતુચી કહે છે કે તાજેતરની ઘટનામાં સામેલ મહિલા ફિદાયીન હુમલાખોરથી એ ખબર પડે છે કે બલૂચોમાં વિરોધ મહદઅંશે ફેલાઈ ચૂક્યો છે.
અપહૃત વિદ્યાર્થીઓની મુક્તિની માગ
કરાચી, ક્વેટા, ઈસ્લામાબાદ અને લાહોરમાં ગત અનેક મહિનાઓથી અપહરણ કરાયેલા વિદ્યાર્થીઓની મુક્તિ માટે બલૂચ વિદ્યાર્થી સંગઠન દેખાવ કરી રહ્યા છે. પણ પાક. સરકાર તરફથી કોઈ કાર્યવાહી કરાઈ નથી. એક કેસમાં તો ક્વેટાના ૨૪ વર્ષીય શાહીદ બલૂચ અને તેમનો દીકરો ઊંઘી રહ્યા હતા. સુરક્ષાકર્મી રાત્રે ઘરે આવ્યા અને શાહીદનું અપહરણ કરી ગયા હતા.
બલૂચોને આશંકા
બલૂચ લિબરેશન આર્મી (બીએલએ) ભાગલાવાદી વિદ્રોહને અંજામ આપી રહી છે પણ તે ચીનના લોકો પર હુમલા કેમ કરી રહી છે? તેના અનેક કારણ છે. બલૂચ ચીનને પંજાબી પ્રતિષ્ઠાનના વ્યાજખોર અને ઉશ્કેરનારા તરીકે જુએ છે, જેમના પર તે બલૂચ સંસ્કૃતિ, ભાષા અને ઓળખના અન્ય તત્વોને દબાવી બલૂચોની ઓળખને નષ્ટ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકે છે. તે ચીનના ૬૨ બિલિયન ડોલરના સીપેક રોકાણને એક દમનકારી ઔપનિવેશિક પરિયોજના તરીકે જુએ છે, જેનો ઉદ્દેશ્ય ન ફક્ત ખનીજો અને ગ્વાદર તટરેખા જેવા બલૂચ સંસાધનોને પોતાની સમૃદ્ધ ક્ષમતા સાથે જોડવાનો છે પણ ક્ષેત્રમાં લોકોની વસતીમાં પણ ફેરફાર કરી તેમને પોતાની જમીન પર લઘુમતી બનાવવાનો છે.
સીપેકના નામે ચીનની હાજરીને બલૂચ લોકો તેને તેમની જમીન પર કબજા તરીકે જુએ છે. ચીનના નાગરિકો પર બલૂચ હુમલાને લઈને પાકિસ્તાનની નવી શાહબાઝ શરીફની સરકાર પર સંકટની સ્થિતિ સર્જાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter