ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ અને મુખ્ય પ્રધાન વચ્ચે સોમવારે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. મુખ્ય પ્રધાન નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં આંદોલનના યુવા નેતા હાર્દિક પટેલને મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે ૧૦ દિવસમાં પોલીસ દમનનાં તમામ મુદ્દે નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. સરકારના વલણ બાદ હવે પછીની બેઠકમાં અનામતનાં મુદ્દે ચર્ચા થશે.
સરકાર સમક્ષ મુકેલી માગણીઓ અને તેની સામે સરકારે રજૂ કરેલા જવાબોમાં હાર્દિક પટેલે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, પાટીદારો આંદોલન તો ચાલુ જ રાખશે. તેણે આ બેઠકને સફળ પણ નહીં અને નિષ્ફળ પણ નહીં કહી હતી. દાંડીયાત્રા હવે એકતા યાત્રાના નામે શનિવાર, ૧૯ સપ્ટેમ્બરે ફરી યોજાશે. જેમાં ૭૮ પાટીદારો ભાગ લેશે. આ ઉપરાંત તેમણે પાંચ શહેરોમાં મહાસભા પણ યોજવાની જાહેરાત કરી હતી. જોકે, સરકારે એકતાયાત્રાને મંજૂરી આપી નથી. જેની સામે હાર્દિકે એકતાયાત્રાને મંજૂરી આપવા માટે સરકારને અપીલ કરી છે. ૨૫ ઓગસ્ટે જીએમડીસી ગ્રાઉન્ડમાં પોલીસના લાઠીચાર્જમાં ઘાયલ થયેલા પાટીદારોની સારવારનો તમામ ખર્ચ ભોગવવાનું સરકારે સ્વીકાર્યું છે. આ બેઠકમાં આનંદીબહેન ઉપરાંત વરિષ્ઠ પ્રધાનો ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, નીતિન પટેલ, સૌરભ પટેલ, સાંસદ મનસુખ માંડવીયા, પ્રદેશ ભાજપ પ્રમુખ આર. સી. ફળદુ અને વરિષ્ઠ અધિકારી કે. કૈલાસનાથન હાજર રહ્યા હતા. સાંજે ૭.૧૫ વાગે શરૂ થયેલી બેઠક રાત્રે ૯.૩૦ કલાકે પૂર્ણ થઇ હતી.
વિશ્વાસપાત્ર સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્ય પ્રધાન આનંદીબેને પાટીદાર નેતાઓ પાસે વિચારણા કરવા દસ દિવસનો સમય માંગતાં જણાવ્યું હતું કે હું સમગ્ર ઘટનાને જાણી લઇશ અને તમામ મુદ્દે નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરીશ.
કયા મુદ્દે ચર્ચા થઇ
• ૨૫ ઓગસ્ટે મહાક્રાંતિ રેલી દરમિયાન જીએમડીસી ગ્રાઉન્ડ પર લાઠીચાર્જ કરાયો હતો તે અંગે દોષિત પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેમની સામે પલગાં ભરવામાં આવે.
• આ રેલી બાદ જે યુવાનોના મોત થયા છે તે પીઆઈ, પીએસઆઈ, એએસઆઈ, કોન્સટેબલ સામે ૩૦૨ની કલમ હેઠળ કેસ ચાલવવો જોઈએ અને જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે.
• ઘરમાંથી ઉઠાવીને જે પાટીદાર યુવાનો સામે ૩૦૭ના ખોટા કેસ કરી તેમના પર કેસ ચલાવવામાં આવી રહ્યા છે તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. આ ઉપરાંત મહારેલી બાદ પોલીસે ઘરમાં ઘૂસીને કરેલાં દમનની તટસ્થ તપાસ કરવામાં આવે.
• જે લોકો ઉપર ગોળીબાર કરાયો છે તથા લાઠીચાર્જ કરાયો છે તેની પાછળ કોનો હાથ છે તે સરકાર જાહેર કરે.
• પોલીસે જે કેસ કરેલાં છે તેમાં હવે પછી નવી ધરપકડ ન થવી જોઈએ.
• ઈજાગ્રસ્તોને હોસ્પિટલની સહાય સરકાર કરે.
• પોલીસદમન બાદ કોઇ પણ પ્રકારની ઇજા થઇ નથી તેવા હોસ્પિટલના ડોકટરોએ આપેલા ખોટા સર્ટિફિકેટોની તપાસ કરવામાં આવે અને જવાબદાર ડોકટરો સામે પગલાં ભરવામાં આવે.
ચર્ચામાં કોણ જોડાયું
મુખ્ય પ્રધાન સાથેની ચર્ચામાં આંદોલનકારીઓ તરફથી હાર્દિક પટેલ તથા લાલજી પટેલ સહિત કુલ ૧૫ આગેવાનો જોડાયા હતા. જેમાં કેતન પટેલ, ચિરાગ પટેલ, દિનેશ પટેલ, મહેશ પટેલ (ધ્રાંગધ્રા), મહેશ પટેલ (વકીલ), નરેન્દ્ર પટેલ, અલ્પેશ પટેલ (સુરત), કેતન પટેલ (આણંદ) અને લલિત વસોયાનો સમાવેશ થાય છે.
દસ દિવસમાં નિર્ણય
આંદોલનકારીઓ સાથે લાંબી બેઠક પછી રાજ્ય સરકારના પ્રવકતા- પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, બેઠકમાં આંદોલન સમિતિના આગેવાનોએ રજૂ કરેલા તમામ પ્રશ્નો અંગે શાંતિપૂર્ણ મંત્રણા થઈ હતી. સમિતિએ રજૂ કરેલા પ્રશ્નો અંગે દસ દિવસમાં સરકાર નિર્ણય લેશે. હાઈ કોર્ટના આદેશથી સરકારે સીઆઈડી ક્રાઈમની કમિટી રચી છે, એટલે પોલીસે અતિરેક કર્યો હોવાની ફરિયાદ તે કમિટી સમક્ષ થઇ શકશે. આ કમિટી રજૂઆત બાદ યોગ્ય નિર્ણય કરશે. સરકારનાં આ જવાબથી આંદોલનકારીઓએ સંતોષ વ્યક્ત કર્યો છે. ચર્ચા ચાલી રહી છે ત્યારે હજુ બીજા તબક્કામાં પણ ચર્ચા વિચારણાનો દોર ચાલશે ત્યારે આંદોલન નરમ કરવાની પણ સમિતિએ હૈયાધારણા આપી હતી.
અન્ય પ્રધાનો પરેશાન
મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને સાંજે બેઠક શરૂ થઇ ત્યારે પાટીદાર આગેવાનો સાથે આવેલા ૪૦૦ પાટીદારો વગેરેને કારણે પોલીસની મુશ્કેલી વધી હતી. આગેવાનોની સાથે આવેલા પાટીદારો રોડ પર બેસી જતા પોલીસે તેમને પાછળથી સરકિટ હાઉસમાં ખસેડી દીધા હતા. બેઠક આગળ વધી તેમ તેમ પરિસ્થિતિ એટલી તંગ બનતી ગઇ કે પ્રધાનોના બંગલામાં રહેતા તેમના અંગત કર્મચારીઓ જેવા કે રસોઇયા વગેરે અને પ્રધાનોના પરિવારના સભ્યોને પણ તે વિસ્તારમાં પ્રવેશવાની મનાઇ ફરવામાં આવી હતી, જેને કારણે ઘણા પ્રધાનો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. મુખ્ય પ્રધાનના બંગલાની સામે આવેલા વિજય રૂપાણીના બંગલે ભાજપના નેતાઓનો જમાવડો રહ્યો હતો. જેમાં કૌશિક પટેલ, ભાજપના મહામંત્રી કે.સી.પટેલ અને સુરેન્દ્રભાઈ પટેલ સહિતના નેતાઓ હાજર હતા.
પાટીદારોના હક્ક માટે મક્કમ :
હાર્દિક પટેલે કહ્યું કે, અનામત આંદોલન સમિતિ પાટીદાર સમાજ સાથે ગદ્દારી નહી કરે. સરકાર પોલીસ દમન સામે કાર્યવાહી કરે તે પણ અમારી મુખ્ય માંગણી છે. પાટીદારોના હક્ક માટે મક્કમ હોવાનું તેણે જણાવ્યું હતું.
હાર્દિકે કેશુબાપાના આશીર્વાદ લીધા
નવસારીથી રવિવારે શરૂ થનારી રિર્વસ દાંડીયાત્રાને મોકૂફ રાખ્યા પછી મુખ્ય પ્રધાન સાથે ચર્ચા માટે રાજી થયેલા આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે સોમવારે સાંજે સરકાર સાથે વાતચીત શરૂ કરે તે પહેલા સવારે ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલના ગાંધીનગરના નિવાસસ્થાને પહોંચીને તેમના આશીર્વાદ લીધા હતા. કેશુભાઇ પટેલ અને હાર્દિકની કોર ટીમ વચ્ચે પંદર મિનિટ મુલાકાત યોજાયા પછી હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, કેશુભાઇ પટેલ સમાજના આગેવાન છે, મુખ્ય પ્રધાન રહી ચૂકયા છીએ અને સમાજે તેમની આગેવાની સ્વીકારી હોવાથી પરિવારભાવનાથી તેમના આશીર્વાદ લેવા માટે આવ્યો હતો અને કેશુબાપાએ અહિંસાના મુદા ઉપર અનામતના આંદોલનને સફળ બનાવવા આશીર્વાદ આપ્યા છે.
સરકાર વ્યસ્ત બની
પાટીદારોના આંદોલન વખતે ભાજપ સરકારે ૧૪૪ની કલમ લગાવીને ચારથી વધુ પાટીદારો ભેગા ન થાય તેવું ફરમાન કર્યું હતું. પરંતુ તે ફરમાનનો બદલો લેવા હાર્દિક પટેલે આનંદીબહેન સાથેની મંત્રણામાં ૧૪૪ કન્વીનરો જશે તેવી જીદ પકડીને આખી સરકારને દિવસભર વ્યસ્ત રાખી હતી. સરકાર દ્વારા ૧૧ કે ૧૫ જેટલા સભ્યો જ મુખ્ય પ્રધાનને મળે તેવું કહેવાયા બાદ પણ હાર્દિક દ્વારા તેમનો હઠાગ્રહ યથાવત રખાયો હતો તેના કારણે બપોરે થનારી મંત્રણા છેક સાંજે શરૂ થઇ હતી. હાર્દિકના સાથીદારો પણ અંદરખાને મુખ્ય પ્રધાન સાથે મળવાનું હોય ત્યારે આવું વલણ અયોગ્ય હોવાનું કહી રહ્યા હતા. આટલી મથામણ પછી પણ હાર્દિકની સાથે ૨૦ સભ્યોની જ આનંદીબેન સાથે મંત્રણા થઇ હતી.