મુંબઇઃ અંબાણી પરિવારના નિવાસસ્થાન એન્ટિલિયા નજીકથી મળેલી વિસ્ફોટકો ભરેલી કારની તપાસનો રેલો કોઇએ કલ્પના પણ નહીં કરી હોય તેવા છેડે જઇ પહોંચ્યો છે.
કેસની તપાસ કરી રહેલી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ આ કારનામામાં મહારાષ્ટ્ર પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સચીન વાઝેની સંડોવણી ખુલ્લી પાડીને તેની ધરપકડ કરી છે ત્યારથી કેસની તપાસમાં એક પછી એક સનસનીખેજ ખુલાસા થઇ રહ્યા છે.
સૌથી પહેલાં તો આતંકી કનેક્શનની આશંકા, પછી કારમાલિક મનસુખ હિરેનનું શંકાસ્પદ મૃત્યુ, કથિત લાપરવાહી બદલ પોલીસ કમિશનર પરમબીરસિંહની ટ્રાન્સફર અને હવે રોષે ભરાયેલા પરમબીરસિંહ દ્વારા રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ.
રૂ. ૧૦૦ કરોડનો હપ્તો
પરમબીરસિંહે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ કોશિયારીને સંબોધીને લખેલા આઠ પાનાના પત્રમાં આક્ષેપ કર્યો છે કે સચીન વાઝેએ તેમને જણાવ્યું હતું કે ગૃહપ્રધાન અનિલ દેશમુખે તેને (વાઝેને) દર મહિને ૧૦૦ કરોડ રૂપિયાનો હપ્તો પહોંચાડવા જણાવ્યું હતું.
દેશમુખે સ્વાભાવિક જ આ આક્ષેપને નકાર્યો છે, પરંતુ આ લેટરબોમ્બે શિવસેના-એનસીપી-કોંગ્રેસના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારના પાયા હચમચાવી નાંખ્યા છે. ભાજપે ગૃહપ્રધાન દેશમુખનું રાજીમાનું માંગ્યું છે.
સરકારમાં એનસીપીનું પ્રતિનિધિત્વ કરતા દેશમુખનો બચાવ તેમના પક્ષના વડા શરદ પવારે કર્યો છે. પરંતુ પરમબીરસિંહે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને દેશમુખ સામેના તમામ આરોપોની તપાસ સીબીઆઇ પાસે કરાવવાની માગણી કરી છે.
પરમબીરસિંહે દાવો કર્યો છે કે તેમની તાત્કાલિક બદલી એટલા માટે કરવામાં આવી કેમ કે અનિલ દેશમુખના કહેવાતા ગેરકાનૂની કૃત્યો અંગે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને જાણ કરી હતી.
વિપક્ષનો કારસોઃ શિવસેના
એન્ટિલિયા કેસમાં મુંબઈ પોલીસના અધિકારી સચીન વાઝેની ધરપકડ બાદ મુંબઈના પોલીસ કમિશનર પદેથી પરમબીરસિંહની બદલી કરી દેવાઈ હતી. આ પછી તેમણે ગૃહ પ્રધાન સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.
શિવસેનાના મુખપત્ર ‘સામના’એ આરોપ મૂક્યો છે કે પરમબીરસિંહ ભાજપનું 'પ્યાદું' છે. વિરોધ પક્ષનો એક જ ગોલ છે કે મહારાષ્ટ્રમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે તેવું ચિત્ર ઉભું કરીને રાષ્ટ્રપતિનું શાસન લાગુ કરી દેવું.
તો ગૃહપ્રધાન દેશમુખનું કહેવું છે કે ‘પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે પોતાના બચાવ માટે આ ખોટા આરોપ કર્યા છે, કારણ કે મુકેશ અંબાણી અને મનસુખ હિરેનના કેસમાં અત્યાર સુધી થયેલી તપાસના આધારે સચીન વાઝેની સંલિપ્તતા સ્પષ્ટ થાય છે અને આના તાર પરમબીરસિંહ સાથે જોડાય છે.’
પવારની ભાજપ સાથે સાંઠગાંઠ?
આ ધમાલ વચ્ચે મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણો બદલાય એવી અટકળો તીવ્ર બની છે. એનસીપી-ભાજપનું ગઠબંધન થાય એવી પણ શક્યતા વ્યક્ત થાય છે. ભાજપ નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શિવસેના-કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. ઠાકરે સરકારની પણ ટીકા કરી છે, પરંતુ એનસીપીની ટીકા ટાળી છે. ભાજપે મધ્ય પ્રદેશની તર્જ પર મહારાષ્ટ્રમાં પણ નવા સમીકરણો રચવાનું આયોજન હાથ ધર્યું હોય તેવું લાગે છે.
એનસીપીના વડા શરદ પવારની લીલીઝંડીની રાહ ભાજપના નેતાઓ જોઈ રહ્યા છે. ભાજપના નજીકના સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં દાવો થયો હતો કે એનસીપી-ભાજપ વચ્ચે વાટાઘાટો ચાલે છે. એ વાટાઘાટોમાં અમુક શરતો પર સહમતી ન હોવાથી જાહેરાત કરાઇ નથી. એનસીપીનો રાજકીય રેકોર્ડ જોતાં આવી અટકળો અંગે ચર્ચા થાય તે સ્વાભાવિક છે.
ભાજપની માગણીઃ દેશમુખને હટાવો
પરમબીરસિંહના લેટર બોમ્બની વિગતો જાહેર થતાની સાથે વિપક્ષ ભાજપે શિવસેના સહિત સમગ્ર અઘાડી સરકાર પર હલ્લાબોલ કર્યું હતું. વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ કહ્યું મુંબઈના એક સમયના કમિશ્નરે લેખિતમાં કહ્યું છે કે મુંબઈમાં ધાકધમકીથી વસૂલીનો ખેલ ચાલી રહ્યો હતો તેમજ સચીન વાઝે ગૃહ પ્રધાનના એજન્ટ હતા. બીયર બાર સહિત અન્ય જગ્યાઓ પરથી પણ ઉઘરાણાં કરવામાં આવી રહ્યા હતા. અનિલ દેશમુખને હવે ગૃહપ્રધાન જેવા ગરિમાપૂર્ણ પદ પર ટકી રહેવાનો કોઈ અધિકાર નથી. તેમને પણ તુરત જ હટાવી દેવા જોઈએ. ભાજપના સાંસદ મનોજ કોટકે તો આ ખંડણીખોરોની સરકાર છે. દર માસે ૧૦૦ કરોડની વસૂલી કરવાના ટાર્ગેટરૂપી સત્ય સામે આવી ચૂક્યું છે, ત્યારે ગૃહપ્રધાન દેશમુખ, પરમબીરસિંહ અને સચીન વાઝે આ ત્રણેયના નાર્કો ટેસ્ટ થવા જોઈએ.
નેતા અને અધિકારીઓની મિલીભગત
મુંબઈના પૂર્વ કમિશનર પરમબીરસિંહના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર આક્ષેપથી રાજકીય સ્તરે હોબાળો મચી ગયો છે. જોકે, બોલીવૂડની ફિલ્મોના પ્લોટની જેમ નેતાઓના નિર્દેશો હેઠળ આઇપીએસ અધિકારીઓ ઊઘરાણા કરતાં હોવાની આ બાબત માત્ર મહારાષ્ટ્ર પૂરતી સિમિત નથી. દેશમાં અનેક વર્ષોથી કેન્દ્ર સરકાર હોય કે વિવિધ રાજ્યોની સરકારો બધી જ જગ્યાએ આ ખેલ ચાલી રહ્યો છે. નેતાઓ અધિકારીઓને મલાઈદાર જગ્યાએ પોસ્ટિંગની લાલચ આપીને વસૂલી કરવાના નિર્દેશો આપે છે અને અધિકારીઓ તેનું પાલન કરે છે. દેશમાં અનેક ઉદ્યોગપતિઓ હોય કે વેપારીઓ નેતાઓના કહેવાથી આઈએએસ-આઈપીએસ અધિકારીઓની આ કનડગતનો ભોગ બની ચૂક્યા છે. મુંબઈના પૂર્વ કમિશનર પરમબીરસિંહનો આરોપ તો માત્ર હિમશીલાની ટોચ છે તેમ સૂત્રોનું કહેવું છે.
ઠાકરેએ હાઈ લેવલ બેઠક બોલાવી
એન્ટિલિયા કેસમાં મહારાષ્ટ્ર સરકારની હાલત પણ કફોડી બનતી જઈ રહી છે. શનિવારે સાંજે મુંબઈના એક સમયના કમિશ્નર પરમબીરસિંહની મુખ્ય પ્રધાનને ચિઠ્ઠી લખ્યા બાદ ગૃહપ્રધાન અનિલ દેશમુખ પર રાજીનામું ધરી દેવાનું દબાણ વધતું જઈ રહ્યું છે. મુંબઈમાં તેમના સરકાર બંગલા આસપાસ સુરક્ષા પણ વધારી દેવાઈ છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પોતાના સરકારી આવાસ પર હાઈલેવલ બેઠક બોલાવી હતી.
મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ
મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ દ્વારા એન્ટિલિયા વિસ્ફોટક કેસના મુખ્ય આરોપી સચીન વાઝેને દર મહિને રૂ. ૧૦૦ કરોડની વસૂલી કરવા આદેશ અપાયો હતો તેવા સનસનાટીભર્યા આક્ષેપો મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહ દ્વારા કરવામાં આવ્યા પછી મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. એનસીપી નેતા શરદ પવારે દેશમુખ સામેના આક્ષેપોને ગંભીર ગણાવ્યા હતા. દેશમુખ સામેના આક્ષેપોની તપાસ કરવા તેમજ દેશમુખનું રાજીનામું માગી લેવું કે નહીં તે મુદ્દે સીએમ ઉદ્ધવ ઠાકરે યોગ્ય પગલાં લઈ શકે છે, દેશમુખનાં રાજીનામા મુદ્દે એક કે બે દિવસમાં નિર્ણય લેવાશે તેમ પવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
પવારે કહ્યું હતું કે પરમબીરસિંહે ફક્ત આક્ષેપો કર્યા છે પણ પૈસા કોણે લીધા અને પૈસાનું શું થયું તેના કોઈ પુરાવા રજૂ કર્યા નથી. પત્રમાં પરમબીરસિંહની સહી નથી. કોંગ્રેસે અઘાડીમાં સાથે હોવા છતાં પરમબીરના આરોપોને ગંભીર ગણાવી તપાસની તરફેણ કરી હતી.
‘દેશમુખ તો ત્યારે હોસ્પિટલમાં હતા’
પવારે કહ્યું કે પત્રમાં કરાયેલા આરોપો મુજબ ફેબ્રુઆરીનાં મધ્યમાં ગૃહ પ્રધાન સચીન વાઝેને મળ્યા હતા અને પૈસા વસૂલીની તેમના દ્વારા સૂચના આપવામાં આવી છે તેવી જાણ કેટલાક ઓફિસરોએ પરમબીરસિંહને કરી હતી. મહત્ત્વની વાત એ છે કે, ગૃહ પ્રધાન દેશમુખ કોરોના થવાથી ૫થી ૧૫ ફેબ્રુઆરી સુધી નાગપુર હોસ્પિટલમાં દાખલ હતા અને ત્યાર પછી ઘરે હતા. આથી ભાજપ દ્વારા દેશમુખનું રાજીનામું માગવાનાં મુદ્દામાં કોઈ દમ નથી.
પવારે કહ્યું હતું કે મુકેશ અંબાણીનાં નિવાસ એન્ટિલિયા નજીક વિસ્ફોટકો ભરેલી કાર પાર્ક કરવાના કેસથી લોકોનું ધ્યાન બીજે વાળવા અમારી પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર એટીએસ દ્વારા આ કેસમાં વધુ બે લોકોની ધરપકડ કરાઈ છે. એટીએસ દ્વારા સાચી દિશામાં તપાસ કરાઈ રહી છે. તપાસમાં સત્ય બહાર આવીને રહેશે.
દેશમુખનો વીડિયો અલગ કહે છે: ભાજપ
ભાજપના અમિત માલવીય દ્વારા દેશમુખે ૧૫ ફેબ્રુઆરીએ યોજેલી પ્રેસ કોન્ફરન્સની ટ્વિટ ફોટા સાથે મૂકાઇ હતી, જેમાં દેશમુખ પ્રેસ અને મીડિયા સાથે કિસાન આંદોલનને સમર્થન આપવાના મુદ્દે વાત કરતા જણાય છે. આમ પાંચથી ૧૫ સુધી દેશમુખ હોસ્પિટલમાં હતા અને ૧૬થી ૨૭ હોમ ક્વોરન્ટાઈન હતા આથી તેઓ આ ગાળામાં સચીન વાઝેને મળવાનો કોઈ સવાલ જ નથી તેવા પવારના દાવા સામે ભાજપએ સવાલો ઉઠાવ્યા હતા.
ગૃહ મંત્રાલયની પ્રતિષ્ઠા ખરડાઈ: શિવસેના
મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારના મુખ્ય પક્ષ શિવસેનાએ સોમવારે ‘સામના’માં આક્ષેપો કર્યા હતા કે પરમબીરસિંહના પત્રમાં મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દેશમુખ સામે કરાયેલા આક્ષેપોથી મહારાષ્ટ્રનાં ગૃહ મંત્રાલયની પ્રતિષ્ઠા ખરડાઈ છે. મહાવિકાસ અઘાડી સરકાર સ્પષ્ટ બહુમતી ધરાવે છે તેથી એક અધિકારીના આરોપોથી તેનું પતન થવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી.