લંડનઃ ડ્યૂક ઓફ એડિનબરાના ફ્યુનરલ નિમિત્તે પ્રિન્સ ચાર્લ્સની તેમના બે પુત્રો પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી સાથે મુલાકાત થઈ હતી. આના પરિણામે તેમના વચ્ચે શાંતિ સ્થપાય તેવા ઉજળા સંજોગો ઉભા થયા છે. ઓપ્રાહ વિન્ફ્રે સાથે પરિવારને અલગ પાડી દેનારા ઈન્ટરવ્યૂના એક વર્ષ પછી પ્રથમ વખત બંને ભાઈઓ પિતાને મળ્યા હતા. પિતાના મૃત્યુથી દુઃખી પ્રિન્સ ચાર્લ્સે તેમના અણબનાવ ધરાવતા પુત્રો સાથે ખાનગીમાં લાંબી વાતચીત કરી હતી અને આંતરિક વર્તુળોના કહેવા મુજબ પ્રિન્સ ફિલિપે પણ આવી જ ઈચ્છા રાખી હોય.
શનિવારની ટેલિવાઈઝ્ડ સર્વિસ પછી કેમેરાથી દૂર વિન્ડસર કેસલમાં પ્રિન્સ ચાર્લ્સની તેમના બે પુત્રો પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી સાથે બે કલાક લાંબી વાતચીત થઈ હતી. આના પરિણામે, બે ભાઈઓ વચ્ચેની કટુતા દૂર થવાની આશા ઉભી થઈ છે. જોકે, સૂત્રોએ જણાવ્યા અનુસાર બંધ બારણા પાછળ શું કહેવાયું હશે તે જાણી શકાયું નથી પરંતુ, કેમેરાની ગેરહાજરીમાં મેક્ઝિટ અને ઓપ્રાહ ઈન્ટરવ્યૂનો ઉલ્લેખ થયો જ ન હોય તેમ માનવાને કારણ નથી. ફ્યુનરલ પછી કેમેરાની સામે વિલિયમ અને હેરી એકબીજા સાથે સારી રીતે વર્ત્યા હતા અને તેના પરિણામે કોઈ હાજર ન હોય ત્યારે ચાર્લ્સ તેમની સાથે જોડાય તેનો માર્ગ મોકળો થયો હતો. ફ્યુરલમાંથી પાછા ફરવામાં પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલાએ પરિવારની આગેવાની લીધી હતી. તેઓ ઘાસની હરિયાળીમાં ચાલતા ચાલતા બધાથી દૂર જઈ વિલિયમ અને હેરી સાથે જોડાયાં હતાં.
હેરી હવે કદાચ બુધવારે ક્વીનની ૯૫મી વર્ષગાંઠ માટે પણ હાજર રહી શકે છે. આ ઉપરાંત, હેરી કેન્સિંગ્ટન પેલેસ ખાતે ૧ જુલાઈએ પ્રિન્સેસ ડાયેનાની ૬૦મી વર્ષગાંઠ નિમિત્તે મેમોરિયલ સ્ટેચ્યુના અનાવરણમાં મોટા ભાઈ વિલિયમ સાથે જોડાઈ શકે છે.