ભાજપની પીડીપીને ફારગતી

મહેબૂબા મુફ્તી સરકારનું રાજીનામુંઃ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન

Wednesday 20th June 2018 06:17 EDT
 
 

નવી દિલ્હી: ભારતીય જનતા પક્ષે મંગળવારે સાંજે એક અણધાર્યું પગલું ભરતાં જમ્મુ અને કાશ્મીરમાં પીડીપી સરકારને આપેલો ટેકો પરત ખેંચી લીધો છે.
ત્રણ વર્ષ જૂની યુતિ તૂટતાં જ લઘુમતીમાં મૂકાયેલી સરકારના વડા મહેબૂબા મુફ્તીએ રાજ્યપાલને મળીને મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું ધરી દીધું હતું. બાદમાં ગવર્નર એન. એન. વ્હોરાએ રાજ્યમાં રાજ્યપાલ શાસન લાદવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં સતત વકરી રહેલા અલગતાવાદને ડામીને શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં મુફ્તી સરકારની નિષ્ફળતાને નજરમાં રાખીને ભાજપ મોવડીઓએ આ નિર્ણય લીધો છે.
આ પૂર્વે ભાજપના સેક્રેટરી જનરલ રામ માધવે પક્ષના નિર્ણયની જાહેરાત કરતા કહ્યું હતું કે આજે અમે ત્રણ વર્ષ જૂના ગઠબંધનનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની જાણ ગવર્નરને કરીને રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ કરવાની માંગ કરાઇ છે. ભાજપે યુતિ તોડવાની જાહેર કરતાં જ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી ગવર્નર એન. એન. વ્હોરાને મળ્યા હતા અને સરકારના રાજીનામાનો પત્ર સુપ્રત કર્યો હતો. જોકે આ સાથે જ મહેબૂબા મુફ્તીએ એવી આશા પણ વ્યક્ત કરી હતી કે ભાજપ આ નિર્ણય અંગે પુર્નવિચારણા કરશે. મંત્રણાના દ્વાર ખુલ્લા જ છે એમ તેમણે કહ્યું હતું. બીજી તરફ, રાજ્ય વિધાનસભા ગૃહમાં ત્રીજા નંબરે સૌથી વધુ બેઠકો ધરાવતા નેશનલ કોન્ફરન્સ (એનસી)ના વરિષ્ઠ નેતા ઓમર અબ્દુલ્લાએ રાજ્યમાં સરકાર રચવાનો દાવો કરવાની શક્યતા નકારી દીધી છે.
કુલ ૮૭ સભ્યો ધરાવતા વિધાનસભા ગૃહની ૪૬ બેઠકો ખીણ પ્રદેશમાં અને ૩૭ બેઠકો જમ્મુ પ્રાંતમાં છે. જ્યારે ચાર બેઠકો લદાખ પ્રાંતમાં છે. રાજ્યમાં ૨૮ બેઠકો સાથે પીડીપી સૌથી મોખરે છે.
આ પછીના સ્થાને રહેલો ભાજપ ૨૫ બેઠકો ધરાવે છે જ્યારે ઓમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ ૧૫ બેઠકો સાથે ત્રીજા ક્રમે અને ૧૨ બેઠકો સાથે કોંગ્રેસ ચોથા સ્થાને છે. આ ઉપરાંત સીપીઆઇ અને પીડીએફ એક-એક બેઠકો ધરાવે છે. ગૃહમાં ત્રણ સભ્યો અપક્ષ છે.

સીઝફાયર કર્યું તો અલગતાવાદીઓ નિરંકુશ

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રમઝાન મહિના દરમિયાન ભારત સરકારે મુફ્તી સરકારના આગ્રહથી એક માસ સુધી સીઝફાયરનો નિર્ણય લીધો હતો. જોકે તેનો કોઈ હકારાત્મક પ્રતિસાદ મળ્યો નહોતો. રાજ્યમાં આતંકવાદે માઝા મૂકી હતી. એક તરફ આતંકવાદી હુમલાની ઘટનામાં વધારો થયો હતો તો બીજી તરફ સુરક્ષા દળો પણ પથ્થરમારાની ઘટનામાં પણ તીવ્ર ઉછાળો નોંધાયો હતો. અલગતાવાદીઓને નાથવામાં રાજ્ય સરકારના ઢીલા વલણના પગલે ભાજપે ત્રણ વર્ષ જૂના ગઠબંધનનો અંત લાવવાનો નિર્ણય કર્યો હતો.
અલગતાવાદીઓ સામે સીઝફાયરના મુદ્દે બન્ને પક્ષો - પીડીપી અને ભાજપ વચ્ચે મતભેદ પ્રવર્તતો હતો. જોકે આખરે ભારત સરકારે મુફ્તી સરકારના આગ્રહને વશ થઇને એકતરફી સીઝફાયરની જાહેરાત કરી હતી. એક માસના સીઝફાયર દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં આતંકી હિંસાએ માઝા મૂકી હતી. સેનાના જવાન ઔરંગઝેબ અને નામાંકિત અખબારના તંત્રી સુજાત બુખારીની હત્યા ચરમસીમારૂપ ઘટના હતી. ઉલ્લેખનીય છે કે આ બન્ને ઘટના બાદ દેશભરમાં અલગતાવાદીઓ સામે આક્રોશનું મોજું ફરી વળ્યું છે.

હવે જોડાણ ટકાવવું મુશ્કેલઃ રામ માધવ

ભાજપના મહાસચિવ રામ માધવે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે પીડીપી સરકારને ટેકો પરત લેવાનો ભાજપે નિર્ણય કરી લીધો છે. અમે જનાદેશ બાદ પીડીપી સાથે સરકાર ચલાવવાનો નિર્ણય લીધો હતો. હવે આગળ આ ગઠબંધન સરકાર ચલાવવાનું મુશ્કેલ બની ગયું છે.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં આતંકવાદ વકર્યો છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની સહમતિ બાદ આ નિર્ણય લેવાયો છે.

અમે સાથી પક્ષના નિર્ણયથી અજાણઃ પીડીપી

ભારત સરકારે જમ્મુ-કાશ્મીર સરકારને તમામ પ્રકારે મદદ કરી છે. આમ કહીને તેમણે ઉમેર્યું હતું કે ત્રણ વર્ષ કાશ્મીરમાં સરકાર ચલાવ્યા બાદ જે સ્થિતિ ઉદ્ભવી છે તેના પર નિયંત્રણ મેળવવા અમે અલગ થઈ રહ્યા છીએ. પીડીપીએ અવરોધો ઉભા કરવાનું કામ કર્યું છે. પોતાની જવાબદારી નિભાવવામાં મહેબૂબા મુફ્તી નિષ્ફળ ગયા છે. મહેબૂબા મુફ્તી અને પીડીપી કાશ્મીરમાં સ્થિતિ અંકુશમાં લેવામાં નિષ્ફળ ગયા છે.
બીજી તરફ રાજ્ય સરકારનું પતન થયા બાદ પક્ષના પ્રવક્તા અહેમદ મીરે જણાવ્યું કે, ‘અમે સરકાર ચલાવવા માટે ભરપૂર પ્રયત્નો કર્યા. આ થવાનું જ હતું. અમારા માટે આ ચોંકાવનારી બાબત હતી કે અમને ગઠબંધન પક્ષના નિર્ણયની જાણકારી નહોતી.’

અમે સત્તા માટે ગઠબંધન નહોતું કર્યુંઃ મહેબૂબા

મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ શ્રીનગરમાં પીડીપી નેતા મહેબૂબા મુફ્તીએ પત્રકાર પરિષદ સંબોધીને પ્રથમવાર ચૂપકિદી તોડી હતી. તેમણે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે, મુફ્તી (મોહમ્મદ સઇદ) સાહેબે મોટા વિઝનના કારણે ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. હું ભાજપના આ નિર્ણયથી અચંબિત છું. અમે સત્તા માટે ગઠબંધન નહોતુ કર્યું.
દેશમાં વડાપ્રધાનને ખુબ સમર્થન મળ્યું છે, આ સ્થિતિમાં તેઓ જમ્મુ-કાશ્મીરના લોકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે. એક વાત તો સ્પષ્ટ થઈ ચુકી છે કે, જમ્મુ-કાશ્મીરમાં કડકાઈની નીતિ અમલી ના બની શકે. એ સમજવું પડશે કે, જમ્મુ-કાશ્મીર દુશ્મન નથી. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને સાથે રાખવાના પ્રયાસ કરવા જોઈએ.
મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે, આ ગઠબંધનના અનેક હેતુ હતાં. જેમ કે, સીઝફાયર, વડા પ્રધાનનો પાકિસ્તાન પ્રવાસ, ૧૧ હજાર યુવાનો વિરુદ્ધ કેસ પાછા ખેંચવા, કલમ ૩૭૦ સાથે છેડછાડ ન કરવા દેવી વગેરેનો સમાવેશ થાય છે. સાથોસાથ મુફ્તીએ સ્પષ્ટ કર્યું હતું કે, અમે અન્ય કોઈ ગઠબંધન તરફ આગળ નથી વધી રહ્યાં. મુફ્તીએ કહ્યું હતું કે, ભાજપ અને પીડીપી એમ બંને પક્ષોને સાથે મળી કામ કરવાનો માહોલ ઉભો કરવામાં ઘણો સમય લાગી ગયો.

દિલ્હીમાં ભાજપ હાઇ કમાન્ડની ઈમર્જન્સી બેઠક

રાજધાની દિલ્હીમાં ભાજપની કોર કમિટીની બેઠકમાં પીડીપી સરકારમાંથી સમર્થન પાછુ ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો. ભાજપના અધ્યક્ષ અમિત શાહે જમ્મુ-કાશ્મીર મામલે નિર્ણય લઈને સૌ કોઈને ચોંકાવી દીધા હતાં. ભાજપના મહાસચિવ રામ માધવ, કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહ અને જમ્મુ-કાશ્મીર પ્રદેશ ભાજપના બીજા નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને સમર્થન પાછુ ખેંચવાની જાહેરાત કરી હતી. ભાજપના નેતાઓએ મુફ્તી પર આતંકવાદને રોકવામાં નિષ્ફળ રહ્યાનો આરોપ લગાવ્યો હતો.
પીડીપી સાથે રાજકીય યુતિ તોડવાની જાહેરાત કરી તે પૂર્વે મંગળવારે સવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટોચના નેતાઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી. તેમણે જમ્મુ અને કાશ્મીરના ભાજપના પ્રધાનો અને ટોચના નેતાઓ સાથે દિલ્હીમાં ઈમર્જન્સી બેઠક યોજી હતી, જેમાં પક્ષના સંભવિત નિર્ણયના સારાનરસાં પાસાં ચર્ચાયા હતા.
ભાજપનું મોવડીમંડળ આગામી ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીને નજરમાં રાખીને પોતાના એજન્ડા માટે મક્કમ છે અને આથી જ રાજ્યની રાજકીય સ્થિતિની સમીક્ષા કરવા બેઠક યોજાઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જમ્મુ અને કાશ્મીરના ભાજપના તમામ પ્રધાનો નવી દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીરના પ્રદેશ ભાજપ પ્રમુખ રવિન્દ્ર રૈના અને સંગઠનના મહા મંત્રી અશોક કૌલને પણ દિલ્હી બેઠક માટે બોલાવાયા હતા. શાહે તમામના મંતવ્યો જાણ્યા બાદ યુતિ તોડવાના નિર્ણયને બહાલી આપી હતી.

કાશ્મીરની સ્થિતિ અંગે શાહ-ડોભાલ વચ્ચે ચર્ચા

અહેવાલ અનુસાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વચ્ચે મંગળવારે નવી દિલ્હી સ્થિત અમિત શાહના નિવાસસ્થાને મુલાકાત થઈ હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ખીણ વિસ્તારમાં સુરક્ષાને ધ્યાનમાં લઈને આ મુલાકાત થઈ હોવાની ચર્ચા છે.

વહેલી ચૂંટણી થવી જોઇએઃ ઓમર અબ્દુલ્લા

જમ્મુ-કાશ્મીરમાં મુફ્તી સરકારના પતન બાદ રાજ્યના મુખ્ય વિપક્ષ નેશનલ કોન્ફરન્સના નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ રાજ્યપાલ એન. એન. વ્હોરાની મુલાકાત લીધી હતી. ઓમરે જણાવ્યું હતું કે, ‘મેં રાજ્પાલ સાથે મુલાકાત કરી છે. મેં તેમને જણાવ્યું છે કે અમને ૨૦૧૪માં મેન્ડેટ મળ્યો નથી અને હાલ અમારી પાસે મેન્ડેટ પણ નથી. (સરકાર રચવા માટે) અમારો કોઈએ સંપર્ક કર્યો નથી તેમજ અમે કોઈનો સંપર્ક સાધ્યો નથી.’
‘કોઈ પક્ષ પાસે બહુમત ન હોવાથી રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ કરી દેવું જોઈએ. મેં મારા પક્ષ વતી રાજ્યપાલને વિશ્વાસ અપાવ્યો હતો કે અમે ગમે તે સ્થિતિમાં તેમનું સમર્થન કરીશું. સાથે જ તેમને ભલામણ કરી હતી કે રાજ્યમાં વધુ સમય સુધી રાજ્યપાલ શાસન ના રહે, લોકોને તેમણે ચૂંટેલી સરકાર સાથે આગળ વધવાની તક મળવી જોઈએ.’ એમ તેમણે કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભાજપે પણ ટેકો ખેંચ્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાદવાની માંગણી કરી હતી.

ભાજપનો ‘તકવાદી’ નિર્ણય: કોંગ્રેસ

ભાજપે જમ્મુ-કાશ્મીરમાં પીડીપી સાથે મળીને રચેલી ગઠબંધન સરકારમાંથી સમર્થન પાછું ખેચી લીધું છે. હવે બંને પક્ષો એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. જોકે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ભાજપ અને પીડીપી પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે પીડીપી અને ભાજપના તકવાદી ગઠબંધને જમ્મુ-કાશ્મીરમાં આગ લગાવી દીધી છે. જેમાં સેંકડો નિર્દોષ લોકો અને બહાદુર જવાનો માર્યા ગયા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબલે આ સમગ્ર ઘટનાને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી સાથે જોડીને કહ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે પીડીપી સાથે છેડો ફાડવાનો તકવાદી નિર્ણય લીધો છે.
ભાજપે પીડીપીને આપેલું સમર્થન પાછું ખેંચવાનો નિર્ણય જાહેર કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું, પીડીપી અને ભાજપના તકવાદી ગઠબંધન જમ્મુ-કાશ્મીરમાં આગ લગાવી દીધી છે. જેમાં સેંકડો નિર્દોષ લોકો અને જવાનો માર્યા ગયા છે. આ ગઠબંધનથી યુપીએ સરકારની વર્ષોની આકરી મહેનત નકામી ગઈ છે. અહંકાર અને ઘૃણા હંમેશા નિષ્ફળ રહે છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું છે કે ભાજપની સત્તાની ભૂખે જમ્મુ-કાશ્મીરને આતંકવાદની આગમાં હોમી દીધું છે. ૪ વર્ષમાં ૩૭૩ જવાનો શહીદ થયા અને ૨૩૯ નાગરિકો મોતને ભેટ્યા છે. આમાં દેશને શું મળ્યું? બધું લૂંટાવી દીધા પછી હોંશ આવે તેનાથી શું ફાયદો, પોતે જ આગ લગાવીને હવે તમાશો જોવા લાગ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter