રાજકોટ, ભૂજ, આણંદઃ મહાત્મા ગાંધી મ્યુઝિયમના લોકાર્પણ માટે રાજકોટ આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશાળ સભાને સંબોધતા કહ્યું હતું કે બીજી ઓક્ટોબરના રોજ એક વ્યક્તિનો નહીં, પણ એક યુગનો જન્મ થયો હતો. સમગ્ર વિશ્વમાં જો કોઈ એક વ્યક્તિ પાસે તમામ સમસ્યાના સમાધાન હોય તો તે વ્યક્તિ પૂજ્ય બાપુ - મહાત્મા ગાંધી છે. એ ગૌરવની વાત છે કે કાઠિયાવાડની આ ધરતી એક સુદર્શન ચક્રધારી મોહન (ભગવાન શ્રીકૃષ્ણ)ની છે તો અહીં જ 'ચરખાધારી મોહન' (ગાંધીજી) પણ જન્મ્યા છે.
ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલી સભાને સંબોધતા વડા પ્રધાને કહ્યું હતું કે આજનો પ્રસંગ રાજકોટ માટે જ નહીં, સમગ્ર વિશ્વ માટે મહત્વનો છે. ગાંધીજીએ અહીંની માટી ખુંદતા, અહીંનું પાણી પીને જીવનની શરૂઆત કરી. કોઈ પણ મહાપુરુષને જાણવા હોય તો તેમનું બાળપણ જાણવું પડે અને એ માટે રાજકોટ આવવું પડશે. આમ કહીને તેમણે રાજકોટ વહીવટી તંત્ર તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની કામગીરી બિરદાવી હતી. તો બીજી તરફ વિપક્ષની ટીકા પણ કરી હતી. ‘એ તત્વોએ’ ગાંધી અને રાજકોટને આટલા વર્ષો જુદા કરી નાંખ્યા હતા આમ કહીને તેમણે ઉમેર્યું હતું કે ગાંધીજીને ‘એ લોકો’એ પ્રાસંગિક બનાવી માત્ર પુષ્પાંજલિ અર્પવા પૂરતા સીમિત કરી દીધા હતા.
ગુજરાતની એક દિવસની ઉડતી મુલાકાતે આવેલા વડા પ્રધાને આણંદમાં અમૂલ ડેરીના ચોકલેટ પ્લાન્ટનું અને અંજાર તાલુકામાં સતાપર ગામે રૂ. ૬૦૦૦ કરોડના ખર્ચે સાકાર થયેલા ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ સહિતના એકમોનું ઉદ્ઘાટન કર્યું હતું.
યુવા પેઢી ઇતિહાસ રચવા સક્ષમ
મહાપુરુષોના સ્મારકોની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે દેશના ઈતિહાસની સ્વર્ણિમ ઘટનાને ભુલી જાય તેનામાં ઈતિહાસ રચવાનું સામર્થ્ય ખતમ થઈ જાય છે. દેશના યુવાનો, લોકોમાં આજે પણ ઈતિહાસ રચવાનું સામર્થ્ય છે અને તેમને પ્રેરણા જોઈએ. આ સાથે તેમણે શ્યામજી કૃષ્ણવર્મા, બાબાસાહેબ આંબેડકર, ડો. અબ્દુલ કલામના પ્રેરક સ્થાન બનાવ્યાનો ઉલ્લેખ કર્યો હતો અને આમ કહીને તેમણે ‘અમે એક પરિવાર માટે કામ કરતા નથી’ એવો મમરો પણ મુક્યો હતો.
વડા પ્રધાને કહ્યું આગામી ૩૧ ઓક્ટોબરે ગુજરાતમાં સરદાર પટેલના વિશ્વનું સૌથી મોટી પ્રતિમાનું લોકાર્પણ કરવા હું આવવાનો છું. પ્રતિમા માટે છ લાખ ગામોમાંથી લોખંડ, પાણી, માટી ભેગા કર્યા હતા.
ખરા હકદાર ગાંધીજી
મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી થવાની છે તેવા પ્રસંગે પોતે યુનાઇટેડ નેશન્સ દ્વારા ‘ચેમ્પિયન ઓફ અર્થ’ તરીકે પસંદ થયા છે તેના ખરા હકદાર ગાંધીજી છે. આમ કહીને તેમણે ઉમેર્યું હતું કે આપણા દેશમાં પર્યાવરણના સંસ્કાર બાળપણથી મળે છે, સૂરજને દાદા, ચંદ્રના મામા કહીએ, ધરતી પર પગ મુકતા (સમુદ્ર વસતે દેવી.. કહી) ક્ષમાપના માંગીએ.
છેવાડાના માણસ સુધી વિકાસ
ગાંધીજીના વિચારોને પોતાની સરકાર ચરિતાર્થ કરી રહ્યાનું જણાવી ઉમેર્યું કે ગાંધીજી છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે તેના પર ભાર દેતા, અમે ગરીબોને ઘરના ઘર આપ્યા, ગરીબો માટે અનેક યોજના અમલી કરી છે. આ પહેલા તેમણે રાજકોટના મવડી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ પણ કર્યું હતું. ગાંધીજી આઝાદીથી પણ વધુ મહત્ત્વ સ્વચ્છતાને આપતાં હતાં તેવો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે અમે સ્વચ્છ ભારત અભિયાન ચલાવ્યું છે. જોકે આ બધા પૂણ્ય કાર્યોનો જશ તેમણે ઈમાનદાર કરદાતાઓને આપ્યો હતો. તેમણે કહ્યું કે તેઓએ ટેક્સ ભર્યો અને અમે તો અગાઉની જેમ તે નાણાં સગેવગે થતાં તેને બદલે લોકકલ્યાણમાં વાપર્યા.
સીત્તેર વર્ષમાં દેશને સ્વચ્છ ન બનાવી શક્યા તે હવે બનાવી રહ્યા છીએ તેમ કહીને વડા પ્રધાન મોદીએ ઉમેર્યું કે સ્વચ્છતા માટે દરેકે આગળ આવવું પડશે. દેશમાં રાજકોટને સૌથી વધુ સ્વચ્છ બનાવવા તેમણે ઉપસ્થિતોને હાકલ કરીને કહ્યું હતું કે ૨૦૧૪ પહેલા દેશમાં સેનિટેશન કવરેજ ૩૫ ટકા હતું તે છેલ્લા ચાર વર્ષમાં વધીને ૯૫ ટકા થઈ ગયું છે. સ્વચ્છતા પર ભાર મુકીને ૩ લાખ બાળકોને મોતના મુખમાં ધકેલાતા બચાવાયા છે.
સભા બાદ વડા પ્રધાને જ્યુબિલી ચોકમાં આવેલી ઐતહાસિક આલ્ફ્રેડ હાઈસ્કૂલ (મોહનદાસ ગાંધી વિદ્યાલય)માં રૂ. ૨૬ કરોડના સાકાર થયેલા હાઇ-ટેક મહાત્મા ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું. આ મ્યુઝિયમમાં ગાંધીજીના જીવન-કવનની અત્યાધુનિક થ્રી-ડી ટેક્નોલોજી વડે બહુ રસપ્રદ રજૂઆત કરવામાં આવી છે.
આ પ્રસંગે તેમની સાથે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. મોદી રાજકોટથી જ સીધા દિલ્હી જવા રવાના થયા હતા.
‘ગાળો જ આપવી હોય તો મને આપો...’
ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા વિશે રાહુલ ગાંધીની ટિપ્પણીનો રાજકોટમાં ધારદાર જવાબ આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વાંકદેખા લોકોને સરદારના સ્ટેચ્યૂમાં પણ ચૂંટણી દેખાય છે. મહાપુરુષોના જીવન અને તેની ઊંચાઈને સમજી શકવામાં નિષ્ફળ લોકોને મારે એટલું જ કહેવાનું કે તમારે ગાળો જ આપવી હોય તો ૨૪ કલાક મને આપો, ૨૪ કલાક ઓછા પડે તો ૨૬ કલાક ગાળો આપો, પરંતુ સરદારનું અપમાન બંધ કરો.
મોદીએ જણાવ્યું કે, વિરાટ કદના સરદારને તમે જ્ઞાતિ અને રાજ્ય પૂરતા સીમિત રાખવાની ચેષ્ટા કરી. હવે અમે તેના વિરાટ કદને અનુરૂપ વિશ્વના સર્વાધિક ઊંચા સ્ટેચ્યૂ કરતાં પણ બમણી ઊંચાઈનું સ્ટેચ્યૂ બનાવી રહ્યા છીએ ત્યારે તમને એવું લાગે છે કે અમે તો સરદારને ભુલાવી દીધા હતા ત્યારે આ ચાવાળો શીદને મંડી પડયો છે. સરદારની આ પ્રતિમા ૬ લાખ ગામોના ખેત ઓજારો, માટી અને જળથી બની છે. ગાંધી, સરદાર કે કલામ આ મહાપુરુષોના સ્મારકો નવી પેઢી માટે પ્રેરણારૂપ હોય છે.