મુંબઇઃ દેશના 13 રાજ્યોની 46 વિધાનસભા બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીમાં 26 બેઠકો પર ભાજપ અને તેના સાથી પક્ષોનો વિજય થયો છે, જે એનડીએને 9 બેઠકોનો ફાયદો દર્શાવે છે. બીજી તરફ કોંગ્રેસનો 7 બેઠકો પર વિજય થયો હતો, જે 6 બેઠકોનું નુકસાન દર્શાવે છે. પેટાચૂંટણીમાં મોટાભાગે સત્તારૂઢ પક્ષો હાવી રહ્યાં છે. ઉત્તરપ્રદેશ, બિહાર અને રાજસ્થાન, આસામમાં ભાજપ અને તેના સાથી પક્ષોએ બહુમતી બેઠકો જીતી છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં મમતાદીદીની તૃણમૂલ કોંગ્રેસે ક્લિન સ્વીપ કરી હતી.
પેટા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસને 6, આમ આદમી પાર્ટીને 3 અને સમાજવાદી પાર્ટીને 2 બેઠકો મળી હતી. કેરળમાં એલડીએફ અને રાજસ્થાનમાં બીએપીને એક-એક બેઠક મળી હતી. સિક્કિમની બે બેઠકો સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)ના ઉમેદવારોએ બિનહરીફ જીતી હતી.
ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ઉલટફેર પછી સત્તારૂઢ ભાજપની આગેવાની હેઠળના ગઠબંધને નવમાંથી સાત બેઠકો જીતી હતી. રાજસ્થાનમાં 7માંથી 5 બેઠકો સત્તારૂઢ ભાજપે જીતી હતી. પંજાબની 4માંથી 3 બેઠકો આમ આદમી પાર્ટીએ જીતી હતી અને એક પર કોંગ્રેસનો વિજય થયો હતો. બિહારમાં શાસક એનડીએએ તમામ 4 વિધાનસભા બેઠકો પર વિજય થયો હતો.
પ્રિયંકાનો જંગી સરસાઇથી વિજયઃ
લોકસભાની બન્ને બેઠક કોંગ્રેસને
કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરાએ શનિવારે વાયનાડ લોકસભાની બેઠક ભવ્ય માર્જિનથી જીતીને રાજકીય કારકિર્દીની ધમાકેદાર શરૂઆત કરી છે. તેમણે નજીકના હરીફ સીપીઆઇ(એમ) ની આગેવાની હેઠળ એલડીએફના ઉમેદવાર સથ્યાન મોકેરીને 4.10 લાખ મતોથી પરાજય આપ્યો હતો. તેમનું જીતનું માર્જિન તેમના માટે આ સીટ ખાલી કરનાર ભાઇ રાહુલ ગાંધી 3,64,422 મતોના માર્જિનથી પણ વધુ છે. ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નાવ્યા હરિદાસને 1,09,939 મતો મળ્યા હતા. પ્રિયંકાની જીત સાથે જ નેહરુ-ગાંધી પરિવારમાંથી સોનિયા, રાહુલ અને પ્રિયંકા હવે સંસદમાં પહોંચ્યા છે.
જ્યારે મહારાષ્ટ્રના નાંદેડ લોકસભા બેઠક પર કોંગ્રેસનો ભાજપ સામે નજીવી સરસાઇ સાથે વિજય થયો હતો. કોંગ્રેસના ઉમેદવાર રવિન્દ્ર ચવાણે તેમના નજીકના હરીફ ભાજપના ઉમેદવાર સંતુકરાવ હંબારડેને માત્ર 1,457 મતોથી હરાવીને નાંદેડ લોકસભા જીતી હતી. ચવાણને 5,86,788 મતો મળ્યા હતા જ્યારે હંબારડેને 5,85,331 મતો મળ્યા હતા. કોંગ્રેસ સાંસદ વસંત ચવાણના નિધનને કારણે આ સીટ ખાલી પડી હતી. રવિન્દ્ર ચવાણ તેમના પુત્ર છે.
પેટા ચૂંટણીનું પરિણામ
ઉત્તરપ્રદેશ (9 બેઠક)
• ભાજપ 7 • સપા 2
રાજસ્થાન (7 બેઠક)
• ભાજપ 5 • કોંગ્રેસ 1 • ભાઆપા 1
મધ્યપ્રદેશ (2 બેઠક)
• ભાજપ 1 • કોંગ્રેસ 1
બિહાર (4 બેઠક)
• ભાજપ 2 • હમ 1 • જેડીયુ 1
કર્ણાટક (3 બેઠક)
• કોંગ્રેસ (3 બેઠક) • ભાજપ 0
આસામ (5 બેઠક)
• ભાજપ 3 • યુપીપી-એલ 1 • અગપ 1
પંજાબ (4 બેઠક)
• આપ 3 •કોંગ્રેસ 1
કેરળ (2 બેઠક)
• માકપા 1 • કોંગ્રેસ 1
પશ્ચિમ બંગાળ (6 બેઠક)
• ટીએમસી 6 • ભાજપ 0
આ ઉપરાંત, છત્તીસગઢ, ગુજરાત રાજ્યની એક-એક વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપની જીત. ઉત્તરાખંડની કેદારનાથ બેઠક પણ ભાજપે જીતી. મેઘાલયની એક બેઠક એનપીપીને ફાળે ગઈ. સિક્કિમની 2 બેઠક પર સિક્કિમ ક્રાંતિકારી મોરચાના ઉમેદવાર વિનાવિરોધે ચૂંટાયા. આથી અહીં પેટા ચૂંટણી થઈ નહોતી.