બેંગ્લૂરુઃ પોરબંદરના વતની અને તેજીલા તોખાર જેવા ડાબોડી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ ભારતનો સૌથી મોંઘો ભારતીય ક્રિકેટર બન્યો છે. ઇંડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૧મી સિઝન માટે રવિવારે યોજાયેલા ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સે તેને ૧૧.૫ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. બે દિવસની હરાજીમાં આઠ ફ્રેન્ચાઇઝીએ કુલ ૪૩૧ કરોડ રૂપિયા ખર્ચીને ૧૬૯ ખેલાડીઓ ખરીદ્યા છે. તેમાં ૧૧૩ ભારતીય તથા ૫૬ વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. આઈપીએલની આ સિઝન માટે ૨૭ અને ૨૮ જાન્યુઆરીના રોજ હરાજી યોજાઇ હતી. જેમાં ૫૭૮ ખેલાડી હરાજી માટે ઉપલબ્ધ હતા. આ ખેલાડીઓમાંથી ૩૬૦ ભારતીય ખેલાડીઓ હતા.
ઉનડકટને રાજસ્થાન રોયલ ફ્રેન્ચાઈઝીએ ૧૧.૫૦ કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો તે સાથે જ તેણે હરાજીમાં પહેલા દિવસે ૧૧-૧૧ કરોડમાં કરારબદ્ધ થયેલા લોકેશ રાહુલ અને મનીષ પાંડેને પાછળ રાખીને મોસ્ટ વેલ્યુએબલ ઈન્ડિયન પ્લેયર તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. આ સાથે જયદેવ ઉનડકટે ગુજરાત રાજ્યના સૌથી મોંઘા ખેલાડી તરીકે પણ ટોચનું સ્થાન મેળવ્યું હતું.
સ્ટોક્સ મોસ્ટ વેલ્યુએબલ
ઓક્શન દરમિયાન ઈંગ્લેન્ડનો બેન સ્ટોક્સ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર બન્યો છે. તેને પણ રાજસ્થાન રોયલ્સે અધધધ કહી શકાય તેવા ૧૨.૫૦ કરોડ રૂપિયાના કરાર સાથે પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
યોગાનુયોગ આઇપીએલની હરાજીના મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર્સ સ્ટોક્સ અને જયદેવ ઉનડકટ ગત સિઝનમાં પૂણે સુપરજાયન્ટ્સ તરફથી રમ્યા હતા અને હવે આગામી સિઝનમાં પણ તેઓ એક જ ટીમ - રાજસ્થાન રોયલ્સ-તરફથી રમશે.
કૃણાલને લોટરી લાગી
હાર્દિક પંડયાના ભાઈ કૃણાલ પંડયાને પણ આઇપીએલમાં લોટરી લાગી છે. કૃણાલને મુંબઈ ઇન્ડિયન્સે રાઇટ ટુ મેચ કાર્ડ દ્વારા ટીમમાં સામેલ કર્યો છે. કૃણાલ પંડયાની બેઝ પ્રાઇઝ ૪૦ લાખ રૂપિયા હતી. તેને ખરીદવા રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે હોડ જામી હતી. જેને કારણે ૫.૨૦ કરોડ સુધી બોલી પહોંચી હતી. આ સમયે રાજસ્થાન રોયલ્સ ટીમ ખસી ગઈ હતી ત્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે ઝંપલાવ્યું હતું. બંનેએ બોલી લગાવતાં રકમ ૮.૮૦ કરોડ સુધી પહોંચી હતી. બેંગ્લોરે ૮.૮૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો પરંતુ મુંબઈ ઇન્ડિયન્સે રાઇટ ટુ મેચ કાર્ડ દ્વારા ફરી પોતાની ટીમમાં લઇ લીધો હતો.
ગેઇલનું કોઇ લેવાલ નહોતું
બીજી તરફ ટ્વેન્ટી૨૦ ફોર્મેટમાં વિશ્વના સૌથી સફળ બેટ્સમેન ક્રિસ ગેઇલને લગભગ છેલ્લી ઘડી સુધી કોઇ ખરીદનાર નહોતું. છેવટે ઓક્શનના બીજા દિવસે બીજા સેશનમાં કિંગ્સ ઇલેવન પંજાબે તેને ખરીદ્યો હતો. ગેઇલને તેની બે કરોડ રૂપિયાની બેસ પ્રાઇસમાં જ પંજાબે તેની સાથે કરારબદ્ધ કરી લીધો હતો.
ગેઇલની જેમ બીજા દિવસની હરાજીનો ફાયદો મુરલી વિજયને પણ મળ્યો હતો. તેને ચેન્નઇ સુપર કિંગ્સે બે કરોડમાં, વિકેટકીપર પાર્થિવ પટેલને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ૧.૭ કરોડમાં તથા ઓસ્ટ્રેલિયાના મિચેલ જ્હોન્સનને કોલકતા નાઇટ રાઇડર્સે બે કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. આ તમામ ખેલાડીમાં પહેલા દિવસે કોઇ ફ્રેન્ચાઇઝીએ રસ લીધો નહોતો.
શ્રીલંકાના લસિત મલિંગા, ઓસ્ટ્રેલિયાના શોન માર્શ, ઇંગ્લેન્ડના ઇયોન મોર્ગન, વેસ્ટ ઇન્ડીઝના લેન્ડલ સિમન્સન, સાઉથ આફ્રિકાના ડેલ સ્ટેઇન તથા ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલને ખરીદવામાં કોઇએ રસ દાખવ્યો નહોતો.
ફિન્ચ સાતમી ટીમ સાથે
ઓસ્ટ્રેલિયાનો ધરખમ ઓપનર એરોન ફિન્ચને ૧૧મી સિઝનમાં સાતમી ટીમમાંથી રમવાની તક મળી છે. આઈપીએલના ઈતિહાસમાં કોઈ એક ખેલાડી અલગ-અલગ આટલી બધી ફ્રેન્ચાઈઝી તરફથી રમ્યો હોય તેવી આ ઘટના પહેલી છે.