પોલીસ ફોર્સે લોકો પ્રત્યે સંવેદનશીલ બનવું જોઈએ

Wednesday 23rd December 2015 05:22 EST
 
 

ભુજઃ કચ્છનાં સફેદ રણમાં ધોરડો ખાતે ઉભા થયેલા ટેન્ટ સિટીમાં યોજાયેલી દેશભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ડીજી કોન્ફરન્સને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે પોલીસે લોકો પ્રત્યે સંવેદનશીલ બનવું જોઇએ. ત્રણ દિવસ ચાલેલી આ ડીજી કોન્ફરન્સના તમામ સત્રમાં વડા પ્રધાન હાજર રહ્યા હતા અને વિવિધ રાજ્યોના પોલીસ અધિકારીઓએ જુદા જુદા વિષયો પર રજૂ કરેલા વિચારો, મંતવ્યો, સૂચનોને સાંભળ્યા હતા.
ડીજી કોન્ફરન્સમાં હાજરી આપવા જમ્મુ-કાશ્મીર સિવાય દેશના તમામ રાજ્યોના ૪૦ ડીજીપી અને ૪૬ એડિશનલ ડીજી સહિત ૨૩૬ જેટલા પોલીસ ઓફિસરો ત્રણ દિવસ માટે કચ્છના મહેમાન બન્યા હતા. દેશના તમામ રાજ્યોના પોલીસ વડાઓની પ્રતિવર્ષે દિલ્હીમાં મળતી વાર્ષિક કોન્ફરન્સ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષથી દિલ્હીમાં બહાર યોજવાનો નવો ચીલો પાડ્યો છે. ગયા વર્ષે આસામાના ગુવાહાટીમાં કોન્ફરન્સ યોજ્યા બાદ આ વર્ષે કચ્છના ધોરડો એટલે કે સફેદ રણમાં ડીજી કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.
ભારતભરના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી)ની આ કોન્ફરન્સનો પ્રારંભ શુક્રવાર, ૧૮ ડિસેમ્બરથી થયો હતો. ત્રણ દિવસ માટે યોજાયેલી આ કોન્ફરન્સમાં દેશની આંતરિક સુરક્ષાથી માંડીને વૈશ્વિક આતંકવાદ વિશે ચર્ચા થઈ હતી. વડા પ્રધાને કોન્ફરન્સ દરમિયાન થયેલા વિચાર-વિમર્શની ગુણવત્તા અને ગંભીરતા પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ચર્ચા સૂચવે છે કે પોલીસ ફોર્સ સમર્પિત અને પ્રોફેશનલ છે. તેમણે આ કોન્ફરન્સ દરમિયાન ઊભરી આવેલા વિચારોને કાર્યાન્વિત કરવા માટે એક સ્પષ્ટ રોડમેપ બનાવવા આહવાન્ કર્યું હતું. મોદીએ કહ્યું કે, દેશભરમાંથી આવેલા સિનિયર અને જુનિયર બંને પ્રકારના અધિકારીઓ વિચાર-વિમર્શમાં સામેલ હતા અને તેના લીધે એક મજબૂત આધાર તૈયાર થયો છે, જે આ કોન્ફરન્સની સૌથી મોટી ઉપલબ્ધિ છે.
વડા પ્રધાને કહ્યું કે, સંવેદનશીલતા પોલીસ વિભાગનું એક મહત્ત્વપૂર્ણ અંગ હોવું જોઈએ. એક ફ્લેક્સિબલ સંસ્થાકીય માળખું પણ તૈયાર કરવું જોઈએ કે જેનાં માધ્યમથી પોલીસ દળમાં લોકો માટે સંવેદનશીલતાને પ્રોત્સાહન આપવામાં મદદ મળે. તેમણે એમ પણ કહ્યું કે, પોલીસ દળે સ્થાનિક સમુદાય સાથે સંપર્ક સ્થાપિત કરવો જોઈએ અને એવું કરવાની એક રીત એ છે કે લોકોની સફળતા અને ઉપલબ્ધિઓની ઉજવણીમાં તેમનો સાથ આપવો જોઈએ. મોદીએ એમ પણ કહ્યું કે, પોતાની સફળતા મનાવવા માટે લોકો પોલીસ સ્ટેશને આવશે તો તેમના મનમાં પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા કાર્ય પ્રત્યે સન્માન અને એક વ્યાપક સમજ ઊભી થશે. સમાજના લોકોની ઓળખ પોલીસ સ્ટેશન સાથે થવી જોઈએ.

ટેક્નોલોજીનો ઉપયોગ કરો

વડા પ્રધાને સાયબર સુરક્ષા, ડિજિટલ ટેક્નોલોજી અને સોશિયલ મીડિયા જેવા વિષયોનો ઉલ્લેખ કરીને કહ્યું કે, પોલીસ અધિકારીઓએ પોતાના રોજબરોજનાં કામકાજમાં ટેક્નોલોજીનો સારી એવી રીતે ઉપયોગ કરવો જોઈએ. તેમણે ઈન્ટર-સ્ટેટ સરહદે આવેલા પાડોશી જિલ્લાઓમાં પોલીસ દળો વચ્ચે વ્યાપક વાતચીત અને સહયોગ માટે પણ અપીલ કરી હતી.

પ્રતિબદ્ધતાની પ્રશંસા

વડા પ્રધાને પોલીસ અધિકારીઓ દ્વારા નિભાવવામાં આવતી સમર્પણ અને નિસ્વાર્થ ભાવ સાથેની કર્તવ્ય પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. તેમના કહેવા મુજબ, આ ભાવના રાષ્ટ્રની સુરક્ષાનું મૂળભૂત તત્ત્વ છે.
મોદીએ પ્રવાસન પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પોલીસ ટ્રેનિંગ જેવા વિષયો પર પણ પોતાના વિચારો ડીજી કોન્ફરન્સમાં વ્યક્ત કર્યા હતા. વડા પ્રધાને આઈબીના અધિકારીઓને તેમની વિશિષ્ટ સેવાઓ માટે રાષ્ટ્રપતિ પદક પણ એનાયત કર્યા હતા.
કોન્ફરન્સમાં આવેલા પોલીસ અધિકારીઓએ આ પૂર્વે પોલીસ યુનિવર્સિટી અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી જેવા વિષયો પર ચર્ચા કરી હતી. ડીજી કોન્ફરન્સ દરમિયાન ત્રણેય દિવસ વડા પ્રધાન સાથે ગૃહ પ્રધાન રાજનાથ સિંહ અને ગૃહ રાજ્યપ્રધાનો હરિભાઈ ચૌધરી તથા કિરણ રિજીજુ ઉપસ્થિત રહ્યા હતા.

સુધારા માટે પ્રતિબદ્ધ

દેશભરના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજી)ની કોન્ફરન્સનું વડા પ્રધાનની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરતાં ગૃહ પ્રધાન રાજનાથ સિંહે દેશનાં તમામ રાજ્યોને પોલીસને સ્માર્ટ અને સંવેદનશીલ બનાવવા માટે પહેલ કરવા સૂચન કર્યું હતું. ગૃહ પ્રધાને તમામ રાજ્યોના પોલીસ વડાઓને સંબોધતા જણાવ્યું હતું કે, પોલીસ માળખામાં સુધારો કરવા અમે વચનબદ્ધ છીએ અને સમાર્ટ અને સંવેદનશીલ પોલીસ ફોર્સનું નિર્માણ કરવું છે. આ દિશામાં રાજ્યો પહેલ કરી શકે.
તેમણે કહ્યું હતું કે આપણા પોલીસ સ્ટેશનો ગરીબો અને અધકચડાયેલા લોક માટે ખુલ્લા રહેવા જોઈએ અને પોલીસ થાણા સુધી પહોંચવામાં તેમને ડર ના લાગવો જોઈએ. એ માટે પોલીસ સ્ટેશનનું વાતાવરણ લોકો પ્રત્યે મિત્રતાભર્યું હોવું જોઈએ. સંખ્યાની ચિંતા રાખ્યા વિના એફઆઈઆર નોંધાવી જોઈએ.
પ્રથમ દિવસે કોન્ફરન્સમાં પ્રધાનો તેમ જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ વચ્ચે ગ્રૂપ ચર્ચા થયા બાદ કોન્ફરન્સમાં વૈશ્વિક આતંકવાદથી માંડી દેશની આંતરિક સુરક્ષા મુદ્દે ચર્ચા થઈ હતી. જેમાં આંતરરાજ્ય ગુનાઓ, ટ્રાન્સપોર્ટ, સાઈબર ક્રાઈમ, પોલીસ અધિકારીઓ વચ્ચે કોમ્યુનિકેશન, સીસીટીવી, ટ્રાન્સપોર્ટ ગુના, ટેકેનોલોજી સહિત દેશમાં વધતા જતા ગુનાઓ અંગેની ચર્ચાઓ થઇ હતી. ઉપરાંત સરહદ ઉપર થતો ગોળીબાર, ઘૂસણખોરી તેમ જ વૈશ્વિક આંતકવાદના મુદ્દાને કોન્ફરન્સમાં આવરી લેવામાં આવ્યા હતા.
શનિવારે સાંજે ઝાકઝમાળભર્યો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સારી કામગીરી કરનારા પોલીસ અધિકારીઓને મેડલ એનાયત કરીને સન્માનિત કરાયા હતા.

લોખંડી સુરક્ષા બંદોબસ્ત

કોન્ફરન્સમાં વડા પ્રધાન, ગૃહ પ્રધાન, ગૃહ રાજ્યપ્રધાન અને દેશના ટોચના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહેવાના હોવાથી તેમ જ ધોરડોથી પાકિસ્તાન સરહદ માત્ર ૧૭૦ કિલોમીટરના અંતરે આવેલી હોવાથી ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ હતી. જેમાં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (એસપીજી) કમાન્ડો, ઈન્ટેલિજન્સ એજન્સીના ૧૦૦ જેટલા અધિકારીઓ, છ આઈપીએસ, ૧૨ ડીવાયએસપી વગેરે મળી ગુજરાતના ૧ હજાર જેટલા પોલીસ જવાન ખડેપગે રહ્યા હતા.
આ ઉપરાંત રણમાં સુરક્ષા વ્યવસ્થા માટે ઊંટ, વોચ ટાવર અને બલૂનથી એરિયલ સર્વેલન્સ કરાયું હતું. ઊંટથી પાકિસ્તાન સરહદે ઉપરાંત ટેન્ટ સિટીની ફરતે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ટેન્ટ સિટીમાં ૨૦૦ નાઈટ વિઝન સીસીટીવી, ચાર વોચ ટાવર ગોઠવવામાં આવ્યા હતા. વીવીઆઈપીઓની સુરક્ષા માટે સેન્ટ્રલ આઈબીના વડા દિનેશ શર્માની રાહબરી હેઠળ ગુજરાતના ડીજીપી પી. સી. ઠાકુરે સમગ્ર આયોજન ગોઠવ્યું હતું.

નોન-વેજ, દારૂ નહીં

ડીજી કોન્ફરન્સમાં માંસાહાર અને દારૂ પીરસવા પર મનાઈ ફરમાવાઇ હોવાથી ખમણ, ઢોકળા, બાજરાનો રોટલો, રિંગણ ઓળો સહિતની ગુજરાતી વાનગીઓ પીરસાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter