ઈન્દોર: પ્રવાસી ભારતીયો વિદેશની ધરતી પર ભારતનાં રાજદૂત છે. આખી દુનિયા આજકાલ ભારત તરફ જોઈ રહી છે તેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનને સંબોધતાં જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારત સ્કીલ કેપિટલ છે જે વિશ્વનાં વિકાસનું એન્જિન બની શકે છે. આ પ્રસંગે વડા પ્રધાને વિદેશવાસી ભારતીયોને એક વખત નર્મદા દર્શન કરવા તેમજ મહાકાલ લોકની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.
મધ્ય પ્રદેશના શાનદાર નગર ઈન્દોરના યજમાનપદે યોજાયેલા પ્રવાસી ભારતીય સંમેલનમાં 70 દેશમાંથી આવેલા 3800 જેટલા ભારતીયો સામેલ થયા હતા.
રવિવારથી શરૂ થયેલા ત્રણ દિવસીય સંમેલનનું મંગળવારે રાષ્ટ્રપતિ દૌપદી મૂર્મૂની ઉપસ્થિતિમાં સમાપન થયું હતું. આ પ્રસંગે 27 ભારતવંશી મહાનુભાવોને વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ રાષ્ટ્રપતિ દૌપદી મૂર્મૂના હસ્તે પ્રવાસી ભારતીય સન્માનથી નવાજવામાં આવ્યા હતા. સૂરીનામના ભારતવંશી પ્રમુખ ચંદ્રિકાપ્રસાદ સંતોખી અને ગુયાનાના પ્રમુખ મોહમ્મદ ઈરફાન અલી આ સંમેલનના મુખ્ય મહેમાન હતા.
એક ભારત - શ્રેષ્ઠ ભારતનો અહેસાસ
તેમણે કહ્યું હતું કે ભારતના જુદા જુદા પ્રાંતનાં લોકો જ્યારે એક સ્થળે એકઠા થાય ત્યારે એક ભારત - શ્રેષ્ઠ ભારતનો અહેસાસ થાય છે. વિશ્વમાં જ્યારે શિસ્તપાલન અને શાંતિની વાત થાય ત્યારે મધર ઓફ ડેમોક્રસી એટલે કે ભારતનું મહત્વ વધી જાય છે.
વિશ્વ જ્યારે આપણું આકલન કરે ત્યારે સશક્ત અને સમર્થ ભારતનો ગુંજારવ થાય છે. હું આપ સૌ પ્રવાસી ભારતીયોને વિદેશની ધરતી પર ભારતનાં રાજદૂત ગણું છું.
ભારતની સંસ્કૃતિ વસુધૈવ કુટુંબકમ્
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતીય મૂળના નાગરિકો જ્યાં રહે છે ત્યાં ભારતની સંસ્કૃતિને લઈ જાય છે. તેઓ ખરા અર્થમાં ભારતના પ્રતિનિધિઓ છે. મોદીએ કહ્યું હતુંઃ સ્વદેશો ભૂવનત્રયમ્. એટલે કે ભારતીયો માટે તો આખી દુનિયા જ સ્વદેશ છે. બધા જ માનવીઓ આપણાં માટે બાંધવ છે. આ વિચારના પાયા પર ભારતીય સંસ્કૃતિની ઈમારત ઉભી છે. વસુધૈવ કુટુમ્બકમ્ એ ભારતની સંસ્કૃતિ છે. એના આધારે આપણાં પૂર્વજોએ ભારતીય સંસ્કૃતિની ઈમારત બનાવી છે.
વૈશ્વિક વેપારની અસાધારણ પરંપરા
ભારતીયોએ જ સદીઓ પહેલાં વૈશ્વિક વેપારની અસાધારણ પરંપરા શરૂ કરી. આપણે દુનિયાના ખૂણે ખૂણે પહોંચ્યા અને દરેક સભ્યતા સાથે તાલ મિલાવ્યા. આથી જ પ્રવાસી ભારતીયોને હું રાષ્ટ્રદૂત કહું છું કારણ કે તેમની ભૂમિકા ખૂબ અગત્યની અને ચાવીરૂપ છે. તેઓ આપણા યોગ, આયુર્વેદને વિદેશમાં જીવંત રાખે છે. આપણી હાથ બનાવટની પરંપરાગત ચીજવસ્તુઓનું મૂલ્ય પારખે છે અને તેનો વિદેશમાં પરિચય કરાવે છે.
પ્રવાસી ભારતીયોની વિશેષ જવાબદારી
તેમણે કહ્યું કે ભારતનો જ્યારે અમૃતકાળમાં પ્રવેશ થયો છે ત્યારે આગામી 25 વર્ષમાં પ્રવાસી ભારતીયોની જવાબદારી વધી જશે. ભારત પાસે ગ્લોબલ વિઝન છે અને તેમને વિદેશમાં પહોંચાડવાનું કામ ભારતવંશીઓ કરે છે. ભારત જી-20ની યજમાની કરી રહ્યું છે તેનો ઉલ્લેખ કરીને મોદીએ કહ્યું હતું કે ભારત માટે જી-20 એક અવસર બનીને આવશે. આપણાં કામનો વિશ્વને પરિચય કરાવવાની આ તક છે. તેમણે કહ્યું કે ભારત G-20 ઈવેન્ટને ઐતિહાસિક બનાવવા માગે છે. આમાં લોકો ભારતની અતિથિ દેવો ભવઃની ભાવનાનો અનુભવ કરશે. ભારત પાસે નોલેજ સેન્ટર બનવા ઉપરાંત સ્કિલ કેપિટલ બનાવાની સમર્થતા છે. ભારતના યુવાનો સ્કીલ અને વેલ્યૂઝ ધરાવે તેમાં જોડાય અને ભારત દર્શન કરે.
આજે સમગ્ર દુનિયાની નજર ભારત પર
મોદીએ કહ્યું કે જાડું ધાન્ય તેમજ હેન્ડીક્રાફટનાં સંદર્ભમાં તમે સૌ ભારતનાં બ્રાન્ડ એમ્બેસેડર છો. ભારતે છેલ્લા કેટલાક વર્ષમાં જે સિદ્ધિ હાંસલ કરી તે પછી આજકાલ આખા વિશ્વની નજર ભારત તરફ છે. ભારતે ટૂંકા ગાળામાં વેક્સિન બનાવી લોકોને અચંબિત કર્યા છે. વિશ્વની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમ ભારતમાં છે. ભારત જ્યારે ફાઈટર જેટ અને સબમરીન બનાવે છે ત્યારે લોકોને એમ થાય છે કે ભારતે આ કેવી રીતે કર્યું?
ઈન્દોર એક શહેર નહીં, પણ એક દૌર છે
વડા પ્રધાન મોદીએ કહ્યું કે ઈન્દોર એક શહેર નહીં પણ એક દૌર છે. જે સમયથી આગળ ચાલે છે. ઈન્દોર માત્ર સ્વચ્છતાની નહીં, સ્વાદની પણ રાજધાની છે. અહીંના પૌહા, નમકીનનો સ્વાદ એક વખત માણવો જોઈએ. ખાણી-પીણી માટે ઈન્દોર દુનિયામાં લાજવાબ છે. વડા પ્રધાને ઈન્દોર પધારેલા પ્રવાસી ભારતીયોને ઈન્દોરની વાનગીઓનો સ્વાદ માણવાની ભલામણ પણ કરી હતી. મોદીએ આ પ્રસંગે મધ્ય પ્રદેશની નર્મદા નદી તેમજ મહાકાલ મંદિરને યાદ કર્યા હતા.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તેમ જ વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ આ સંમેલનમાં સંબોધન કર્યું હતું. ઈન્દોરના લોકોએ ભારતીય મૂળના મહેમાનોને પોતાના ઘરે રોકાવાનો આગ્રહ કરીને અનોખી મહેમાનગતિનો મેસેજ આપ્યો હતો.
ભારત વિશ્વસનીય ગ્લોબલ પાર્ટનરઃ સંતોખી
સંમેલનના મુખ્ય અતિથિ સુરીનામના પ્રમુખ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ ભારતને વિશ્વસનીય ગ્લોબલ પાર્ટનર ગણાવ્યું હતું. તેમણે દેશમાં હિન્દી ભાષાની ઈન્સ્ટિટયૂટ શરૂ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ગુયાનાના પ્રમુખ મોહમ્મદ ઈરફાન અલીએ કોરોનાકાળમાં ભારતે વિશ્વને કરેલી મદદની પ્રશંસા કરીને કહ્યું હતું કે ગ્લોબલાઈઝેશન દુનિયાભરમાં નિષ્ફળ નીવડયું હતું ત્યારે ભારતે બતાવ્યું હતું કે મહામારીમાં પણ વૈશ્વિકીકરણ શક્ય છે.