લંડનઃ બ્રિટિશ ભારતના આખરી વાઈસરોય અને આઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટન ક્વીન વિક્ટોરિયાના દોહિત્ર હતા અને તેઓ પ્રિન્સ ફિલિપના મામા થતા હતા. પ્રિન્સ ફિલિપે ક્વીનની સાથે ૧૯૫૯, ૧૯૬૧, ૧૯૮૩ અને ૧૯૯૭માં ભારતની મુલાકાતો લીધી હતી.
પ્રિન્સ ફિલિપે ૧૯૫૯માં ભારતની મુલાકાત લીધી ત્યારે પ્રસિદ્ધ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હીનો શિલાન્યાસ કર્યો હતો. આ પછી, પ્રિન્સ ફિલિપ અને ક્વીન એલિઝાબેથ ૧૯૬૧માં ભારતની મુલાકાતે આવ્યા ત્યારે રાજવી પરિવારની આગતાસ્વાગતા માટે રામલીલા મેદાનમાં કામચલાઉ ચબૂતરાનું નિર્માણ કરાયું હતું. ક્વીને આ સ્થળેથી જ પ્રવચન કર્યુ હતું અને રાજપરિવારને નિહાળવા લાખો લોકો રામલીલા મેદાનમાં એકત્ર થયા હતા. રાજદંપતીની ઉપસ્થિતિમાં જ બીટિંગ રીટ્રિટ સેરેમનીનું આયોજન કરાયું હતું અને દંપતીએ રાજઘાટની મુલાકાત લઈ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પણ અર્પી હતી.
જયપુરના રાજવી પરિવાર સાથે સારા સંબંધો
પ્રિન્સ ફિલિપ અને ક્વીન એલિઝાબેથને જયપુરના રાજવી પરિવાર સાથે ખૂબ જ સારા પારિવારિક સંબંધો હતા. ૧૯૬૧માં પ્રિન્સ ફિલિપ અને ક્વીન એલિઝાબેથે જયપુરના પૂર્વ રાજવી પરિવારની મુલાકાત લીધી હતી. માનસિંહ દ્વિતીય અને તેમના પત્ની ગાયત્રીદેવી સાથે તેમને ઘનિષ્ઠ સંબંધ અને મિત્રતાનો ઉલ્લેખ ઘણા દસ્તાવેજો અને પુસ્તકોમાં થયો છે. જયપુરના રાજપરિવાર દ્વારા ઘણા વર્ષો સુધી પ્રિન્સના જન્મદિવસે આફૂસ કેરીઓ ભેટ સ્વરૂપે મોકલાતી હતી. આ ઉપરાંત, જયપુરના રાજપરિવારના સભ્યો પણ બ્રિટનમાં પોલો મેચ જોવા જતા અને પ્રિન્સ તથા ક્વીનની મુલાકાત અવશ્ય લેતા હતા. ફિલિપ ત્રણ વખત ભારતના પ્રવાસે આવ્યા હતા. પ્રિન્સ ફિલિપે ૧૯૬૧માં પરિવાર સાથે જયપુરનો પ્રવાસ કર્યો ત્યારે વાઘનો શિકાર પણ કર્યો હતો.