પ્રિન્સ ફિલિપના મામા માઉન્ટબેટનની હત્યા બદલ સિન ફિઈને દિલગીરી દર્શાવી

Wednesday 21st April 2021 06:55 EDT
 

લંડનઃ પ્રિન્સ ફિલિપના ફ્યુનરલ પછીના દિવસે આયર્લેન્ડની સિન ફેઈન પાર્ટીના નેતા મેરી લાઉ મેકડોનાલ્ડે IRA દ્વારા ૧૯૭૯માં બોમ્બહુમલામાં પ્રિન્સ ફિલિપના મામા લોર્ડ લૂઈ માઉન્ટબેટનની હત્યા વિશે કહ્યું હતું કે આ થવા બદલ તેઓ દિલગીર છે અને તે હૃદયદ્રાવક ઘટના હતી. આ ઘટનામાં લોર્ડ માઉન્ટબેટન ઉપરાંત, તેમનો ૧૪ વર્ષનો પૌત્ર અને એક નાવિક માર્યા ગયા હતા. સિન ફેઈન IRAની રાજકીય પાંખ હતી.

મેરી લાઉ મેકડોનાલ્ડે કહ્યું હતું કે ચોક્કસપણે આ ઘટના ઘટી તેનાથી હું દિલગીર છું અને તે આઘાતજનક હતી. તમારા ક્વીન તેમના પ્રેમાળ પતિને દફનાવ્યા છે ત્યારે હું આનો પુનરુચ્ચાર કરતા ખુશી અનુભવું છું.

આઈરિશ રિપબ્લિકન્સ અને ઉત્તર આયર્લેન્ડને બ્રિટિશ કબજામાં રાખવા માગનારાઓ વચ્ચે દાયકાઓથી ચાલી રહેલા જંગમાં પ્રિન્સ ફિલિપના મામા લોર્ડ લૂઈ માઉન્ટબેટને જાન ગુમાવ્યો હતો. પ્રિન્સ ચાર્લ્સના મેન્ટર લોર્ડ માઉન્ટબેટન ભારતના આખરી વાઈસરોય હતા અને તેમણે ભારત-પાકિસ્તાનના વિભાજનની પ્રક્રિયા પર દેખરેક રાખી હતી.

કોઈ આઈરિશ રિપબ્લિકન નેતાએ બોમ્બહુમલાની ઘટના વિશે માફી માગી હોવાની આ પ્રથમ ઘટના છે. મેરી લાઉના પુરોગામી ગેરી આડમ્સે ૨૦૧૫માં પ્રિન્સ ચાર્લ્સ સાથે મુલાકાત થઈ ત્યારે બોમ્બહુમલા મુદ્દે માફી માગવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter