લંડનઃ ડ્યૂક ઓફ એડિનબરાનું ફ્યુનરલ શનિવાર ૧૭ એપ્રિલે યોજાવાનું છે ત્યારે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય શોક પ્રવર્તી રહ્યો છે. પ્રિન્સ ઓફ વેલ્સે પોતાના ‘પ્રિય પાપા’ને લાગણીશીલ અંતિમ વિદાય પાઠવી હતી. વર્ષોના અંતર પછી પિતા-પુત્ર વચ્ચે સુમેળ સધાયો હોય તેમ પ્રિન્સ ચાર્લ્સે ડ્યૂકને ‘અતિ વિશિષ્ટ વ્યક્તિ’ તેમજ ક્વીનના ‘સૌથી વિલક્ષણ, સમર્પિત’ સાથીદાર ગણાવ્યા હતા. પ્રિન્સ ચાર્લ્સે જણાવ્યું હતું કે,‘મારા પિતા અન્યોથી ઊંચેરા અતિ વિશિષ્ટ વ્યક્તિ હતા. તેમના વિશે જે હૃદયસ્પર્શી વાતો કહેવાઈ છે અને જે પ્રત્યાઘાતો મળ્યા છે તેનાથી હું સ્તબ્ધ છું.’
જાણે મૃત્યુ નજીક હોવાનો પૂર્વાભાસ થયો હોય તેમ ૯૯ વર્ષના પ્રિન્સ ફિલિપે થોડા સપ્તાહ અગાઉ હોસ્પિટલના બિછાના પરથી તેમના સૌથી મોટા પુત્ર પ્રિન્સ ચાર્લ્સને મળવા બોલાવ્યા હતા. આમનેસામને વાતચીતમાં પિતા ફિલિપે તેમની ગેરહાજરીમાં ક્વીનની કાળજી રાખવા ભલામણ કરી હતી તેમજ આગામી વર્ષોમાં શાહી પરિવારનું વડપણ કેવી રીતે સંભાળવું તેની સલાહ પણ આપી હતી. હવે સાજા થવાની કોઈ જ સંભાવના નથી તેમ લાગતા પ્રિન્સ ફિલિપે હોસ્પિટલમાંથી ઘેર જવાની ઈચ્છા દર્શાવી હોવાનું પેલેસના સૂત્રે જણાવ્યું હતું. તેઓ વિન્ડસર કેસલની દીવાલો વચ્ચે પોતાના શયનખંડની પથારીમાં જ દેહત્યાગ કરવા માગતા હતા.
પ્રિન્સ ચાર્લ્સ ગત થોડા સપ્તાહોમાં રુબરુ અને ટેલીફોન મારફત પિતાના સંપર્કમાં રહેતા હતા. આ દિલથી દિલની વાતો માત્ર એક લાંબા અને સફળ યુગના અંત અને પરિવર્તનની જ નહિ, પિતા અને પુત્ર વચ્ચે બદલાયેલા સંબંધોની પણ વાત હતી. સમગ્ર જીવન દરમિયાન પિતા અને પુત્ર વચ્ચેના મતભેદો જાહેર રહેવા છતાં, ગત થોડાં વર્ષ અને છેલ્લે તો મહિનાઓમાં તેમના સંબંધોમાં પરસ્પર સ્નેહ અને આદર સહિત ભારે બદલાવ આવ્યો હતો. તેઓ બંને એકબીજાના દૃષ્ટિકોણને સમજતા અને સ્વીકારતા થયા હતા.
પ્રિન્સેસ ડાયેના સાથે લગ્ન બાબતે પ્રિન્સ ફિલિપ અને ચાર્લ્સ વચ્ચે ભારે મતભેદ હતા. ઘણા એમ માને છે કે ફિલિપે ડાયેના સાથે લગ્ન માટે ચાર્લ્સ પર દબાણ કર્યું હતું. હકીકત અલગ હતી અને ફિલિપે વેળાસર કોઈ પણ નિર્ણય લેવા અને રાજગાદીનો વારસ આપવા ચાર્લ્સને સલાહ આપી હતી અને ચાર્લ્સે પણ તેમના લગ્ન કે તેની નિષ્ફળતા બાબતે પ્રિન્સ ફિલિપને કદી દોષ આપ્યો નથી.