લંડનઃ પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી ખભા મિલાવીને દાદા પ્રિન્સ ફિલિપના કોફિનની પાછળ ચાલીને આખરી વિદાય આપશે. શાહી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આના પરિણામે, રાજપરિવારને તાજેતરના સમયમાં લાગેલા ઊંડા આઘાતમાંથી સાજા થવાની તક મળશે. પ્રિન્સ ફિલિપના અવસાથી શાહી પરિવાર ‘શોકમાં એકસંપ’ બની રહ્યો છે.
ચેટ શો હોસ્ટ ક્વીન ઓપ્રાહ વિન્ફ્રે સાથે સસેક્સ દંપતીના ચકચાર જગાવનાર સાત માર્ચના ઈન્ટરવ્યૂ પછી વિલિયમ અને હેરી પ્રથમ વખત સાથે દેખાશે. બીજા સંતાન સાથે સગર્ભા મેગન ડ્યૂક ઓફ એડિનબરાના શનિવારે યોજાનારા ફ્યુનરલમાં ઉપસ્થિત નહિ રહે. ડ્યૂકે જેની ડિઝાઈન કરવામાં મદદ કરી હતી તે લેન્ડ રોવર પર તેમના મૃતદેહને વિન્ડસર કેસલમાં સેન્ટ જ્યોર્જ ચેપલ ખાતે લઈ જવાશે. લેન્ડ રોવરની પાછળ પ્રિન્સ ઓફ વેલ્સ અને ડ્યૂકના અન્ય સંતાનો સહિતના પરિવારના સભ્યો તેમજ હેરી અને વિલિયમ સહિતના ગ્રાન્ડચિલ્ડ્રન પગપાળા જોડાશે.
ફ્યુનરલમાં હેરીની હાજરી વિન્ફ્રે ઈન્ટરવ્યૂથી થયેલા ગંભીર નુકસાનને હળવું કરવાની તક બની રહેશે. હેરીએ બ્રિટન આવવા અગાઉ, પિતા ચાર્લ્સ સહિત પરિવારના સીનિયર સભ્યો સાથે વાત પણ કરી હતી. શાહી પરિવારની આ એકતા માત્ર દેખાવ બની રહેશે કે દિલોને સાંધશે તે માત્ર સમય જ કહી શકશે. જોકે, કેટલાક શાહી સૂત્રોએ જણાવ્યું હતું કે એક વર્ષ કરતાં વધુ સમય પછી બે ભાઈઓની મુલાકાત કદાચ મનમેળ તરફ દોરી જઈ શકે છે.