નવી દિલ્હીઃ કોંગ્રેસે આખરે લોકસભા ચૂંટણી પૂર્વે પ્રિયંકા ગાંધી નામનું ટ્રમ્પકાર્ડ મેદાનમાં ઉતાર્યું છે. કોંગ્રેસના યુવા અધ્યક્ષ રાહુલ ગાંધીના બહેન અને સોનિયા ગાંધીના પુત્રી પ્રિયંકા ગાંધી-વાડરાના સક્રિય રાજકારણમાં પ્રવેશ સાથે જ આગામી લોકસભા ચૂંટણી જંગ વધુ રોમાંચક બની રહેશે તે નક્કી થઇ ગયું છે. કોંગ્રેસે ૨૩ જાન્યુઆરીએ જાહેર કર્યું હતું કે, પક્ષપ્રમુખ રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશ (પૂર્વ)ના કોંગ્રેસ મહાસચિવપદે પ્રિયંકા ગાંધી-વાડરાની નિયુક્તિ કરી છે. તેઓ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી કાર્યભાર સંભાળી લેશે.
અત્યાર સુધી પ્રિયંકા ગાંધી પડદા પાછળ રહીને અમેઠી અને રાયબરેલી લોકસભા મતવિસ્તારોમાં કામગીરી સંભાળતાં હતાં. હવે પહેલી વાર પ્રિયંકા ગાંધીને સત્તાવાર રીતે પક્ષની કામગીરી સોંપાઇ છે. પ્રિયંકા ગાંધીના સક્રિય રાજકારણમાં પ્રવેશથી ઉત્સાહિત કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોએ જણાવ્યું હતું કે, પ્રિયંકા ગાંધી ગેમચેન્જર બની રહેશે.
પ્રિયંકા ઉપરાંત રાહુલ ગાંધીએ તેમની નિકટના મનાતા જ્યોતિરાદિત્ય સિંધિયાની ઉત્તર પ્રદેશ (પશ્ચિમ)ના મહાસચિવપદે જ્યારે કે. વી. વેણુગોપાલની કોંગ્રેસ સંગઠનના મહાસચિવપદે નિયુક્તિ કરી છે. તેઓ કર્ણાટકના કોંગ્રેસ પ્રભારી તરીકેની કામગીરી પણ જારી રાખશે. વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદને હરિયાણાના મહાસચિવપદે તબદીલ કરાયા છે.
કોંગ્રેસનાં સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જણાવાયું હતું કે, નવી નિયુક્તિ માટે પ્રિયંકા ગાંધી, કે. સી. વેણુગોપાલ અને જ્યોતિરાદિત્ય સિંધિયાને અભિનંદન. અમે અતિઉત્સાહિત અને આગળ વધવા તૈયાર છીએ. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાએ જણાવ્યું હતું કે, પ્રિયંકા ગાંધીને મહત્ત્વની જવાબદારી સોંપાઈ છે. રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, પ્રિયંકા ગાંધીનાં આગમનથી સમગ્ર દેશમાં કોંગ્રેસ પુનર્જીવિત થશે. કેપ્ટન અમરિન્દર સિંહે જણાવ્યું હતું કે, પ્રિયંકા ગાંધીની નિયુક્તિથી દેશભરમાં કોંગ્રેસેને બેઠી કરવામાં મદદ મળશે. રેણુકા ચૈધરીએ જણાવ્યું હતું કે, ભાજપ વિચલિત થઈ ગયો છે. દિલ્હીનાં પૂર્વ મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતે જણાવ્યું હતું કે, પ્રિયંકાની એન્ટ્રી મોટું પગલું છે.
જ્યારે પતિ રોબર્ટ વાડરાએ ટ્વીટર પર જણાવ્યું હતું કે, ‘હું જીવનના દરેક તબક્કામાં તારી સાથે ઊભો છું. રાજકારણમાં પણ તારું શ્રેષ્ઠ યોગદાન આપજે.’
૨૦૧૬નો પ્લાન ૨૦૧૯માં?
જાણીતા ચૂંટણીવ્યૂહ રચનાકાર અને જનતા દળ (યુ)ના ઉપપ્રમુખ પ્રશાંત કિશોરે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, રાજકારણમાં જેની સૌથી વધુ રાહ જોવાતી હતી તેવી એન્ટ્રી થઈ ગઈ છે. ભલે લોકો સમય, ભૂમિકા અંગે વાતો કરી રહ્યાં હોય પરંતુ પ્રિયંકાએ આખરે રાજકારણમાં ઝુકાવવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે જે પ્લાન અને વ્યૂહરચના સાથે કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને રાજકીય મેદાનમાં ઉતાર્યાં છે તેની ચર્ચા ૨૦૧૬માં પ્રશાંત કિશોરે કરી હતી. પ્રશાંત કિશોરની વ્યૂરચના પ્રમાણે જ કોંગ્રેસ માટે ઉત્તર પ્રદેશમાં પ્રચાર શરૂ કરાયો હતો. જોકે સમાજવાદી પાર્ટી સાથેનાં ગઠબંધનની સાથે જ આ પ્લાન નિષ્ફળ રહ્યો હતો. ઉત્તર પ્રદેશ બેહાલના નારા સાથે પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવા પ્રશાંત કિશોરે યોજના બનાવી હતી અને તે સમયે પ્રિયંકા ગાંધી તૈયાર પણ હતાં.
અમેઠી કે રાયબરેલીથી ચૂંટણી લડશે?
પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રીની સાથે જ તેમના લોકસભા પ્રવેશ પર પણ અટકળો શરૂ થઈ ગઈ છે. પ્રિયંકા અમેઠી અથવા રાયબરેલી બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝંપલાવીને લોકસભામાં એન્ટ્રી કરે તેવી સંભાવના પ્રબળ બની રહી છે.
જોકે પ્રિયંકાનો રાહ આસાન નથી
૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ (પૂર્વ)ની ૩૦ બેઠકમાંથી એક પણ બેઠક કોંગ્રેસને મળી નહોતી. પૂર્વ ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીની ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને મુખ્ય પ્રદાન યોગી આદિત્યનાથ સાથે સીધી ટક્કર રહેશે.
પક્ષમાં સત્તાનાં બે કેન્દ્રો બનશે?
રાજકીય વિશ્લેષકોના એક વર્ગનું માનવું છે કે પ્રિયંકાની રાજકારણમાં એન્ટ્રીથી કોંગ્રેસમાં સત્તાનાં બે કેન્દ્રો બની રહેશે. પ્રિયંકા મહાસચિવ જેવા મહત્ત્વનાં પદ પર બિરાજમાન થતાં પાર્ટીમાં બેવડું નેતૃત્વ જોવા મળશે. બની શકે કે કોંગ્રેસમાં બે જૂથ આકાર પામે. જે પક્ષનાં હિતની વિરુદ્ધ જઈ શકે છે.
જ્યોતિરાદિત્ય કરિશ્મા બતાવશે?
રાહુલ ગાંધીએ પશ્ચિમ ઉત્તર પ્રદેશની જવાબદારી તેમના વિશ્વાસુ સાથીદાર અને યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને સોંપી છે. આગામી લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ માટે મતોની ફસલ ઉપજાવવાનો મોટો પડકાર તેમની સામે છે. છેલ્લાં ૨૦ વર્ષથી પશ્ચિમી ઉત્તર પ્રદેશના મોટા ભાગના જિલ્લામાં કોંગ્રેસનું નામોનિશાન નથી. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ ચોથા નંબરની પાર્ટી બની રહી છે. કોંગ્રેસની જૂની મતબેન્ક મનાતા બ્રાહ્મણ, મુસ્લિમ અને દલિતને સાધવામાં સિંધિયાને ઘણી મહેનત કરવી પડશે.
રાહુલનું નેતૃત્વ નિષ્ફળ: ભાજપ
સક્રિય રાજકારણમાં પ્રિયંકા ગાંધીના આગમન અંગે પ્રતિભાવ આપતા ભાજપે જણાવ્યું હતું કે, કોંગ્રેસે સ્વીકારી લીધું છે કે રાહુલ ગાંધીનું નેતૃત્વ નિષ્ફળ ગયું છે. આરોગ્યપ્રધાન જે. પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, પ્રિયંકા ગાંધીએ ગાંધી-કોંગ્રેસ પ્રાઇવેટ લિમિટેડના વારસાને આગળ ધપાવ્યો છે. કોંગ્રેસ દ્વારા પહેલી વાર સત્તાવાર રીતે સ્વીકારાયું છે કે, તેને રાહુલ ગાંધીનાં નેતૃત્વમાં વિશ્વાસ નથી.
પક્ષ પ્રવક્તા સમ્બિત પાત્રાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે પરિવારવાદને પ્રોત્સાહન આપ્યું છે. કોંગ્રેસ એક પરિવારને પાર્ટી ગણે છે જ્યારે ભાજપ પાર્ટીને પરિવાર ગણે છે. કોંગ્રેસે સ્વીકારી લીધું છે કે રાહુલ ગાંધી નિષ્ફળ ગયા છે. રવિશંકર પ્રસાદે સવાલ કર્યો હતો કે, પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તર પ્રદેશ પૂરતી મર્યાદિત ભૂમિકા શા માટે અપાઈ? પ્રિયંકા ગાંધીનું વ્યક્તિત્વ વ્યાપક ભૂમિકા માટે સર્જાયેલું છે.
... તો ભાજપને કારમો ફટકો
ટીવી ચેનલ આજ તકના સર્વે અનુસાર ઉત્તર પ્રદેશમાં સપા-બસપા-રાષ્ટ્રીય લોકદળનું ગઠબંધન ૮૦માંથી ૫૮ બેઠક જીતી શકે છે. ૨૦૧૪માં ૭૩ બેઠક જીતનારા ભાજપને ૧૮ બેઠકો સુધી સીમિત રાખી શકે છે. જો અખિલેશ અને માયાવતી તેમનાં ગઠબંધનમાં કોંગ્રેસને પણ સામેલ કરે તો ભાજપ માટે મોટી હોનારત સર્જાઇ શકે છે. ૨૦૧૪ના મતની ટકાવારી જોતાં ભાજપના મત ૩૬ ટકા જ રહી જશે તેનાં પરિણામે તેને મળનારી બેઠકનો આંકડો ૭૩માંથી પાંચ થઇ શકે છે. બાકીની ૭૫ બેઠક સપા, બસપા અને કોંગ્રેસ, રાલોદનાં ખાતામાં જતી રહેશે.