યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેની યુગાન્ડાના મુન્યોન્યોસ્થિત સ્પેકે રિસોર્ટ ખાતે 20 માર્ચે લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવાના છે. લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) વિશ્વના 27થી વધુ દેશ અને 110થી વધુ શહેરોમાંથી બિઝનેસ ધરાવતા લોહાણા લોકોનો સૌપ્રથમ વૈશ્વિક બિઝનેસ મેળાવડો છે. રજિસ્ટ્રેશનની સંખ્યા મૂળ અંદાજો કરતાં ઘણું વધી ગઈ છે. મેળાવડામાં 700થી વધુ ડેલિગેટ્સ ભાગ લેશે અને 110થી વધુ પ્રદર્શકો હશે.
આ બિઝનેસ મેળાવડાનું થીમ ‘આફ્રિકા કોલિંગ’ છે અને તેમાં આફ્રિકા અને વિશેષતઃ ઈસ્ટ આફ્રિકાની મધ્યમ અને લાંબા ગાળાની ગર્ભિત ક્ષમતાઓને દર્શાવાશે. આફ્રિકાની 1.3 બિલિયન વસ્તીમાંથી 70 ટકાથી વધુ લોકોની વય 30 વર્ષ કરતાં પણ ઓછી છે. આ યુવા ડિજિટાઈઝ્ડ વસ્તી તેમજ મબલખ ખનિજ સ્રોતો આગામી વર્ષોમાં આફ્રિકાને આર્થિક સ્પોટલાઈટમાં મૂકી દેશે.
યુગાન્ડાની પસંદગી તેની અનોખી રાજકીય સ્થિરતા અને વધી રહેલા મૈત્રીપૂર્ણ બિઝનેસ વાતાવરણના કારણે થઈ છે. લોહાણાઓ 150 કરતાં વધુ વર્ષથી યુગાન્ડામાં બિઝનેસ કરતા આવ્યા છે અને લોહાણા કોમ્યુનિટી માટે તો આ ઘેર પાછા આવવાં જેવું જ છે!
સમગ્ર વિશ્વમાં લોહાણાની વસ્તી 25 લાખ કરતાં પણ ઓછી છે. તેઓ યોદ્ધા-ક્ષત્રિય વર્ગમાંથી આવે છે જેમણે નોર્થ વેસ્ટર્ન મોરચા પર પુરાણા ભારતની રક્ષા કરી હતી અને પાછળથી આજના પાકિસ્તાનના મુલતાન વિસ્તાર અને તે પછી ભારતના વર્તમાન ગુજરાત રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સ્થળાંતર કરી ગયા હતા. લોહાણાઓ આ પછી વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રોમાં પ્રવેશ સાથે વૈશ્ય વર્ગમાં સામેલ થઈ ગયા હતા. બિઝનેસ તો લોહાણાઓની રક્તવાહિનીઓમાં વસે છે અને આ જ મૂલ્યોને આ અનોખા ફોરમમાં પ્રકાશિત કરવામાં આવનાર છે.
યુગાન્ડા, કેન્યા, ટાન્ઝાનિયા, રવાન્ડા અને DRCના વરિષ્ઠ સરકારી મિનિસ્ટર્સ સહિત અનેક વક્તાઓને સાંભળવાનો લહાવો આ ફોરમમાં મળશે. અન્ય ડેલિગેટ્સ સાથે આમનેસામને વાતચીત કરી શકાય તેવા સંપર્ક માટે ડેલિગેટ્સને ખાસ ડિઝાઈન કરેલી એપ્સ મળશે. ઈસ્ટ આફ્રિકામાં વર્ષોથી સ્થાપિત લોહાણાબંધુઓ તેમના અનુભવોની રજૂઆત કરવા સાથે તેમના કોન્ટેક્ટ્સમાં બધાને સહભાગી બનાવશે. 19 માર્ચથી ચાર દિવસ સુધી ચાલનારા આ મેળાવડામાં વિવિધ ઈન્વેસ્ટમેન્ટ, વેપાર અને સલાહકારી તકોને હાઈલાઈટ કરવામાં આવશે.
આ સમગ્ર કાર્યક્રમનું યુટ્યૂબ- YouTube પર જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે.
મીડિયા સંપર્કઃ મિસ દિપ્તી કોટકનો સંપર્ક [email protected]. (+91 98202 12160) પર કરી શકાશે.