લાસ વેગાસઃ કેસિનો સિટીમાં શનિવારે ખેલાયેલો ફાઇટ ઓફ ધ સેન્ચુરી જંગ ‘મની મેન’ના હુલામણા નામે જાણીતા અમેરિકી બોક્સર ફ્લોઇડ મેવેદર જુનિયરે જીત્યો છે. વેલ્ટરવેઇટ વર્લ્ડ ચેમ્પિયનશીપ ફાઇટમાં અત્યાર સુધી એક પણ મુકાબલો ન હારનારા મેવેદર જુનિયરે જીતનો સિલસિલો જારી રાખતાં ફિલિપાઇન્સના મેન્ની પેક્વિઓને પરાજય આપ્યો હતો.
વિશ્વના સૌથી ધનાઢ્ય રમતવીરોની ‘ફોર્બ્સ’ની યાદીમાં ટોપ-૧૧માં સ્થાન ધરાવતા બંને બોક્સરો વચ્ચે ૧૨ રાઉન્ડનો દિલધડક મુકાબલો ખેલાયો હતો. લાસ વેગાસના એમજીએસ ગ્રાન્ડ ખાતે યોજાયેલા મુકાબલામાં મેવેદર જુનિયરને ત્રણેય જજીસના એકમત નિર્ણયથી વિજેતા જાહેર કરાયો હતો. વેલ્ટરવેઇટ ટાઇટલમાં ૬૭ કિ.ગ્રા. કેટેગરીમાં વર્લ્ડ બોક્સિંગ એસોસિયેશન (ડબલ્યુબીએ), વર્લ્ડ બોક્સિંગ કાઉન્સિલ (ડબલ્યુબીસી) અને વર્લ્ડ બોક્સિંગ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુબીઓ)ના ત્રણ ટાઇટલનો સમાવેશ થાય છે. આ મુકાબલાને વિશ્વના ૧૯૦થી વધુ દેશોના ચાહકોએ નિહાળ્યો હતો.
૩૮ વર્ષના મેવેદર જુનિયર આ ટાઇટલ જીતવાની સાથે પોતાના હુલામણા નામને સાર્થક કરતાં, અગાઉથી નક્કી થયા મુજબ, આશરે છ કરોડ રૂપિયાના ચેમ્પિયનશીપ બેલ્ટની સાથે ૧૧૪૨ કરોડ રૂપિયાની પ્રાઇસમની પણ જીત્યો હતો. જ્યારે ૩૬ વર્ષના પેક્વિઓએ પરાજય છતાં ૭૬૧ કરોડ રૂપિયા મેળવ્યા હતા.
મહત્ત્વની વાત એ છે કે મેવેદર જુનિયરને મેચપ્રાઈઝની ૬૦ ટકા રકમ જ્યારે પેક્વિઓને ૪૦ ટકા રકમ મળશે તે અંગે પહેલેથી જ કરાર કરાયા હતા. એટલું જ નહીં, કરારમાં એવી પણ પૂર્વશરત હતી કે જો મેવેદર જુનિયરનો પરાજય થશે તો ફરીથી મેચ યોજાશે.
ઇજાગ્રસ્ત ખભા સાથે ફાઇટમાં ઉતરેલા ફિલિપાઇન્સના બોક્સર પેક્વિઓને મુકાબલાની શરૂઆત આક્રમક અંદાજમાં કરી હતી. આથી એક તબક્કે લાગતું હતું કે, તે મેવેદર જુનિયરને હરાવીને મેજર અપસેટ સર્જશે. જોકે, પોતાના વૈભવનો દેખાડો કરવાના શોખના 'મની મેન' ઉપનામ ધરાવતા મેવેદર જુનિયરે ગણતરીપૂર્વક પુનરાગમન કરતાં મુકાબલા પર પકડ જમાવી હતી અને આસાન જીત મેળવી હતી.
બોક્સિંગ રિંગમાં ચાહકોને ખતરનાક મુકાબલાની અપેક્ષા હતી, પણ શનિવારનો મુકાબલો તેનાથી વિપરિત રહ્યો હતો. ત્રણ મિનિટનો એક એવા ૧૨ રાઉન્ડના મુકાબલામાં ગણતરીની પળો જ તનાવભરી જોવા મળી હતી. તે સિવાય મુકાબલો યંત્રવત્ લાગતો હતો.
એક દિવસમાં અધધધ કમાણી
મેવેદર જુનિયરને એક જ દિવસની એક જ ફાઇટમાં ૧૧૪૨ કરોડ રૂપિયા મળ્યા છે. આ રકમ કેટલી જંગી છે તેની સરખામણી કરવી હોય તો કહી શકાય કે ફૂટબોલ સ્ટાર ડેવિડ બેક્હેમની સમગ્ર જિંદગીની કમાણી સમાન આ આંકડો છે. મેવેદર જુનિયરની બોક્સિંગ રિંગમાં પાંચ મિનિટની કમાણી ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સીની એક વર્ષની કમાણી બરાબર છે.
સદીની સૌથી મોટી ફાઇટ
આ મુકાબલો સદીનો સૌથી મોટો મુકાબલો ગણવામાં આવે છે તેનું મુખ્ય કારણ તેની ઇનામી રકમ છે. મુકાબલામાં અંદાજિત ૧૯૦૩ કરોડ રૂપિયાની પ્રાઇઝ મની હતી, જે અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે.
ફાઈટ ઓફ ધ સેન્ચુરી કેમ?
આઠમી માર્ચ, ૧૯૭૧ના રોજ મોહમ્મદ અલી અને જો ફ્રેઝર વચ્ચે વિશેષ બોક્સિંગ મેચ યોજાઈ હતી. આ મેચને લેખકો અને ઈતિહાસકારો દ્વારા ‘ફાઈટ ઓફ ધ સેન્ચુરી’ નામ અપાયું હતું. તેને 'ધ ફાઈટ'ના નામે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને ચેમ્પિયન્સ વચ્ચે રમાતી મેચને આ નામ અપાય છે. ન્યૂ યોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે આ મેચ યોજાઈ હતી. મોહમ્મદ અલીએ આ મેચ જીતી લીધી હતી. ૧૯૭૧માં અલી અને ફ્રેઝર બંનેના નામે આ મેચ રહી હતી. ૧૯૬૭માં અલીએ આર્મ્ડ ફોર્સમાં જોડાવાનો ઇન્કાર કરતા તેની પાસેથી આ ટાઈટલ લઈ લેવાયા હતા. ત્યારબાદ ફ્રેઝરનાં નામે બે ટાઈટલ રહ્યાં હતાં. તેણે માથિસ અને એલિસને હરાવીને ટાઈટલ પોતાની પાસે રાખ્યા હતા. તે સમયે વર્લ્ડ બોક્સિંગ ઓથોરિટીએ તેને વર્લ્ડ ચેમ્પિયન પણ જાહેર કરવામાં આવ્યો હતો.
બન્ને બોક્સર બિલિયોનેર છે
મેવેદર જુનિયર અને મેની પેક્વિઓનો મુકાબલો કમાણીના મામલે તમામ રેકોર્ડ તોડનારો હતો. આ બંને બોક્સરો બિલોયોનેર છે અને ‘ફોર્બ્સ’ની યાદીમાં વિશ્વના સૌથી ધનાઢ્ય રમતવીરોમાં તેઓ ટોચના ૧૧મા સ્થાન ધરાવે છે. અમેરિકી બોક્સર મેવેદર જુનિયર વર્ષ ૨૦૧૪ના રેન્કિંગ પ્રમાણે વિશ્વનો સૌથી ધનાઢ્ય ખેલાડી છે. તેની અંદાજીત વાર્ષિક આવક આશરે ૬૭૦ કરોડ રૂપિયા હોવાનું મનાય છે. જ્યારે પેક્વિઓની વાર્ષિક આવક ‘ફોર્બ્સ’ના મતે અંદાજે ૨૬૭ કરોડ રૂપિયા છે. પેક્વિઓ યાદીમાં ૧૧મા ક્રમે છે. જોકે બોક્સિંગ જગતમાં તો હાઇએસ્ટ પેઇડ બોક્સર તરીકે મેવેદર જુનિયર નંબર વન અને પેક્વિઓ નંબર ટુ છે.
સેલિબ્રિટીસની હાજરી
આ હાઇપ્રોફાઇલ મુકાબલામાં હોલીવૂડ સુપરસ્ટાર્સથી માંડીને અન્ય સેલિબ્રિટીસ તેમ જ સ્પોર્ટસ સુપરસ્ટાર્સે હાજરી આપતાં વાતાવરણને રંગીન બનાવી દીધું હતું. બોક્સિંગ મુકાબલામાં હાજર રહેલી હોલીવૂડ સેલિબ્રિટીસમાં બિયોન્સે, જાય ઝેડ, જસ્ટીન બિબર, રેપ સ્ટાર નીકેલ મિનાજ, જેક ગાયલીનહલ, ડાયરેક્ટર એન્ટોની ફ્યુક્યુએ, પેરિસ હિલ્ટન, સેન્ડ કોમ્બસ અને તેની ગર્લફ્રેન્ડ સેસ્સી, અભિનેતા રોબર્ટ ડી નીરો, ગ્લેમરગર્લ ડીરેવ બેરીમોરની સાથે સ્પોર્ટસ સ્ટાર્સ આન્દ્રે અગાસી અને તેની પત્ની સ્ટેફી ગ્રાફ, ભૂતપૂર્વ હેવિવેઇટ ચેમ્પિયન માઇક ટાઇસન, બાસ્કેટબોલ લેજન્ડ માઇકલ જોર્ડન વિગેરે સામેલ હતા.