ફિર એક બાર મોદી સરકારઃ એક્ઝિટ પોલનું તારણ

Wednesday 22nd May 2019 05:56 EDT
 
 

નવી દિલ્હીઃ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી ફરી એક વખત વિશ્વના સૌથી મોટા લોકતંત્રનું સુકાન સંભાળવાની દિશામાં મક્કમ ડગલે આગળ વધી રહ્યા છે. ૧૭મી લોકસભાની રચના માટે રવિવારે સંપન્ન થયેલા સાતમા અને અંતિમ તબક્કાનાં મતદાન બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલના તારણ અનુસાર દેશમાં ફરી એક વાર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર રચાઈ રહી છે.
વિવિધ એક્ઝિટ પોલનો નિષ્કર્ષ દર્શાવે છે કે કુલ ૫૪૨ બેઠકોમાંથી ભાજપ અને સાથી પક્ષોનો મોરચો એનડીએ ૩૦૪ બેઠક સાથે ક્લીન સ્વીપ કરશે. જ્યારે કોંગ્રેસ અને તેનાં વડપણ હેઠળના યુપીએને ૧૧૮ બેઠકો મળી શકે છે. અન્ય પક્ષોને ૧૨૦ બેઠક મળી શકે છે. આમ કોઈ પણ જાતના અવરોધ વિના દેશમાં ફરી એક વાર ‘કમળ’ ખીલશે તેવું અનુમાન છે.

વિપક્ષની એકતા, શાહની સક્રિયતા

અલબત્ત, બહુમતીના સ્પષ્ટ સંકેતો છતાં ભાજપનું નેતૃત્વ કોઈ જોખમ લેવા માગતું નથી. ભાજપના એક્ઝિટ પોલમાં પક્ષને ૨૭૯થી ૩૦૮ બેઠકો મળવા અંદાજ છે. પણ વિપક્ષની એકતા વધતી જોઈને શાહ પણ સક્રિય થઈ ગયા છે. શાહે ઓડિશામાં બીજેડીના વડા નવીન પટનાયક સાથે ચર્ચા કરીને તેમને મનાવવા પ્રયાસ કર્યા છે. તો તેલંગણમાં ટીઆરએસના ચંદ્રશેખર રાવ અને આંધ્ર પ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસના જગનમોહન રેડ્ડીને એનડીએમાં સામેલ કરવા નજર દોડાવી છે.

અમિત શાહે સંઘ સાથે પણ તાલમેલ બેસાડવા પણ કવાયત હાથ ધરી છે. શાહ સંઘ મુખ્યાલયમાં દત્તાત્રેય હોસબોલે, કૃષ્ણ ગોપાલ અને અન્ય અધિકારીઓને મળશે. આ બેઠકમાં મોદી પણ હાજર રહી શકે છે.

વિરોધ પક્ષની ઇવીએમ સામે કાગારોળ

બીજી તરફ, એક્ઝિટ પોલમાં એનડીએને જંગી બહુમતી મળી રહ્યાના સંકેત મળ્યા બાદ ૭ વિરોધ પક્ષોએ રાબેતા મુજબ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) સામે સવાલ ઉઠાવ્યા છે. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુના નેતૃત્વમાં ૨૨ વિરોધ પક્ષના નેતાઓ મંગળવારે ચૂંટણી પંચને મળ્યા હતા અને ઇવીએમમાં પડેલા મતો અને વીવીપીએટી સ્લીપની સરખામણી બાદ જ પરિણામો જાહેર કરવા માગણી કરી હતી. નાયડુ ઉપરાંત મમતા બેનરજી, સંજય સિંહ, કુમાસ્વામી, રાશિદ અલ્વી, સીતારામ યેચૂરી, તેજસ્વી યાદવે પણ એક્ઝિટ પોલ અને ઇવીએમ સામે સવાલ ઉઠાવ્યા છે.
જોકે એક્ઝિટ પોલનાં પરિણામોથી ઉત્સાહિત ભાજપે તેના વડા મથકે ૨૩ મેના રોજ મોટા પાયે ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ, વિજય ગોયલ અને સંગઠન મહામંત્રી રામલાલે સોમવારે તૈયારીઓ માટે બેઠક પણ યોજી હતી. પક્ષના હેડ ક્વાર્ટરમાં ૪૦ ટીવી ચેનલો માટે અલગ અલગ કેબિન બનાવાઈ છે.

૨૩મીએ ચોંકાવનારા પરિણામઃ કોંગ્રેસ

ભાજપનાં નેતૃત્વમાં કેન્દ્રમાં ફરી એક વાર નરેન્દ્ર મોદી સત્તા સંભાળશે તેવા એક્ઝિટ પોલનાં તારણોને કોંગ્રેસે ફગાવ્યા છે. કોંગ્રેસે કહ્યું હતું કે, એક્ઝિટ પોલ પર બહુ ભરોસો કે વિશ્વાસ રાખશો નહીં, ૨૩મીએ આવનારા પરિણામો ચોંકાવનારા હશે. તમામ એક્ઝિટ પોલ એનડીએને જંગી બહુમતીનાં નિર્દેશો કરે છે પણ કોંગ્રેસનાં પ્રવક્તાએ કહ્યું હતું કે, ૨૩મી મે સુધી રાહ જુઓ અમે આપને ચોંકાવીશું. વોટ શેરને બેઠકમાં ફેરવવા એ અઘરું છે. લોકો પણ આ તારણોને સ્વીકારતા હોતા નથી. ૨૦૦૪માં આવા તમામ એક્ઝિટ પોલ ખોટા પડયા હતા. વાજપેયી હાર્યા હતા અને કોંગ્રેસે બીજી ટર્મ માટે સરકાર રચી હતી તેથી આ વખતે પણ આવો ચમત્કાર સર્જાઈ શકે તેવી તેમને આશા છે.

મતદારોમાં છવાયું મોદી મેજિક

એક્ઝિટ પોલના તારણ સૂચવે છે કે ભારતીય મતદારોએ ૨૦૧૯માં ફરી એક વખત મોદી સરકારમાં વિશ્વાસ દર્શાવ્યો છે. ભાજપને એકલા હાથે ૨૮૭ બેઠક મળવાની ધારણા છે. ૨૦૧૪ની જેમ આ વખતે પણ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગોવા, ગુજરાત. છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં ભાજપ ક્લીન સ્વીપ કરીને મોદીને સત્તાનાં સિંહાસને દોરી જશે તેમ મતદારોનો ઝોક કહે છે.
કાશ્મીરના વિકાસ માટે મોદી સરકારે કરેલા પ્રયાસો આ ચૂંટણીમાં ફળશે. રાજ્યની ૬માંથી ૨થી ૩ બેઠક ભાજપને મળશે જ્યારે નેશનલ કોન્ફરન્સ (એનસી)ના ફાળે ૨થી ૩ બેઠક જઈ શકે છે.
દિલ્હીની સાતે સાત બેઠક ભાજપનાં ખાતામાં જશે અને ત્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (‘આપ’)નાં સૂપડાં સાફ થઈ જશે. ‘આપ’ તો ત્યાં ખાતું પણ ખોલાવી શકશે નહીં તેવી ખરાબ રીતે હારી રહી છે.
એક્ઝિટ પોલ અનુસાર, એનડીએ સત્તામાં શાનદાર રીતે પાછું ફરી રહ્યું છે. મોદી લહેર સામે એન્ટિ-ઈમ્કમ્બન્સીનું ફેક્ટર ક્યાંય ગુમ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધન છતાં ભાજપનો દેખાવ સારો રહેવાની ધારણા છે.

બિહારમાં જ્વલંત દેખાવ

બિહારમાં એનડીએ માટે પરિણામો સુખદ આશ્ચર્યજનક હશે. રાજ્યમાં તેને ૪૦માંથી ૩૮ બેઠક જ્યારે યુપીએને માત્ર ૨ બેઠક મળશે. આમ રાજ્યમાંથી યુપીએના સુપડાં સાફ થઇ જવાનું નક્કી જણાય છે.
બિહારમાં ભાજપ અને જનતા દળ (યુ) સાથે મળીને ચૂંટણી લડ્યા છે. ઝારખંડમાં એનડીએને ૧૪માંથી ૧૨ અને યુપીએને ૨ બેઠક મળવાની શક્યતા છે. હરિયાણામાં ૧૦માંથી ભાજપને ૮ બેઠક મળશે જ્યારે કોંગ્રેસને ૨ બેઠક મળી શકે છે. પંજાબમાં કોંગ્રેસને ૧૩માંથી ૮થી ૯ બેઠક મળશે જ્યારે એનડીએને ૩થી ૫ બેઠક.

દક્ષિણમાં પ્રાદેશિક પક્ષોનો દબદબો

તામિલનાડુમાં યુપીએને ૩૯માંથી ૩૪થી ૩૮ બેઠક મળશે જ્યારે એનડીએને ફક્ત ૪ બેઠક મળી શકે છે. તેલંગણમાં કુલ ૧૭ બેઠકમાંથી ટીઆરએસ ૧૦થી ૧૨ બેઠક મેળવીને નંબર વન રહેશે. જ્યારે અસ્સઉદ્દીન ઓવૈસીને ફક્ત ૧, કોંગ્રેસને ૧થી ૩ અને ભાજપને ૧થી ૩ બેઠક મળશે. કર્ણાટકમાં ભાજપને કુલ ૨૮માંથી ૨૧થી ૨૫ બેઠક મળવાના ઉજળા સંજોગો છે.
જોકે કેરળમાં ૨૦માંથી એનડીએને ફક્ત ૧ બેઠક મળશે જ્યારે યુડીએફને ૧૫થી ૧૬ બેઠક મળશે. આંધ્રમાં જગન મોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસને ૧૮થી ૨૦ બેઠક મળશે.

મહાગઠબંધન છતાં ભાજપ ચમકશે

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનાં મહાગઠબંધન છતાં ભાજપનો દેખાવ સારો રહેશે. એવું મનાતું હતું કે ભાજપને અહીં લોઢાનાં ચણાં ચાવવા પડશે પણ ભાજપે સપા અને બસપા બંનેને હંફાવ્યા છે.
ટાઈમ્સ નાઉ અને વીએમઆરનાં એક અંદાજ મુજબ ઉત્તર પ્રદેશમાં ૮૦માંથી ભાજપને ૫૬ બેઠક મળી શકે છે. જ્યારે તેનાં સહયોગી દળોને ૨ બેઠક મળશે. આમ એનડીએને ૫૮ બેઠક મળશે. જયારે મહાગઠબંધનને ૨૦ બેઠક મળશે.
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે તેણે રાજ્યમાં ફક્ત ૨ બેઠકથી જ સંતોષ માનવો પડશે. ઉત્તર પ્રદેશમાં ભાજપનો વોટ શેર વધીને ૪૪.૮ ટકા થશે જ્યારે વિપક્ષના મહાગઠબંધનને ફક્ત ૪૦.૨ ટકા વોટ શેર પ્રાપ્ત થશે.

બંગાળમાં ભાજપ અપ, ટીએમસી ડાઉન

ઉત્તર પ્રદેશ પછી પશ્ચિમ બંગાળ ભાજપ માટે ઘણું મહત્ત્વનું રાજ્ય છે. અહીં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ને ફટકો પડી શકે છે. હિંસા છતાં અને ભારે મતદાન છતાં ૪૨ બેઠકવાળા આ રાજ્યમાં ભાજપને ૧૯થી ૨૩ , કોંગ્રેસને ૧, તૃણમૂલને ૧૯થી ૨૨ બેઠક મળશે. ડાબેરીઓને ખાતું ખોલવાના પણ ફાંફાં પડશે. ૨૦૧૪માં અહીં ભાજપને ફક્ત ૨ બેઠક મળી હતી. આમ ભાજપને ૩૧.૮૬ ટકા મત સાથે ૯ બેઠકનો ફાયદો થશે.

આસામમાં એનડીએ છવાઇ જશે

આસામ ભાજપ માટે લકી પુરવાર થશે. રાજ્યમાં એનડીએને ૧૪માંથી ૧૨થી ૧૪ બેઠક મળી શકે છે જ્યારે કોંગ્રેસને ફક્ત ૨ બેઠક મળવાની ધારણા છે. જ્યારે ઉત્તરાખંડમાં ભાજપને ફાળે પાંચે પાંચ બેઠકો જશે. રાજ્યમાં કોંગ્રેસના સૂપડા સાફ થઇ જશે તેવો વર્તારો છે.

મહારાષ્ટ્ર-ઓડિશામાં ભાજપ જોરમાં

મહારાષ્ટ્ર રાજ્યની ૪૮માંથી ૩૮ બેઠકો ભાજપને મળશે જ્યારે કોંગ્રેસને ૧૦ બેઠકો મળી શકે છે તેવું તારણ એક્ઝિટ પોલમાં રજૂ થયું છે. ૨૦૧૪માં અહીં ભાજપને ૪૨ અને કોંગ્રેસને ૬ બેઠક મળી હતી. બીજી તરફ, ઓડિશામાં ભાજપને ૨૧માંથી ૧૨ અને કોંગ્રેસને ૧ બેઠક મળશે. ઓડિશાની શાસનધુરા સંભાળતા બીજેડીને ૮ બેઠક મળી શકે છે.
કોંગ્રેસશાસિત મધ્ય પ્રદેશમાં ભાજપને ૨૧ અને કોંગ્રેસને ૮ બેઠક મળશે જ્યારે રાજસ્થાનમાં ભાજપને ૨૫માંથી ૨૦ અને કોંગ્રેસને ૫ બેઠક મળશે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આ રાજ્યમાં પણ અશોક ગેહલોતના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકાર જ શાસનધુરા સંભાળી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter