લંડનઃ પ્રિન્સ ફિલિપના ફ્યુનરલ પ્રોસેશનમાં નવાઈની વાત જોવા એ મળી કે પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી ફ્યુનરલમાં ચાલીને ગયા ત્યારે તેમની વચ્ચે પીટર ફિલિપ્સ ગોઠવાયેલા હતા પરંતુ, ચેપલથી વિન્ડસર કેસલ પાછા ફરતી વખતે તેઓ બાજુમાં બાજુમાં ચાલતા અને વાતો કરતા જોવા મળ્યા હતા. આ માસ્ટરસ્ટ્રોક પ્રિન્સ ચાર્લ્સ અને ડચેસ ઓફ કેમ્બ્રિજ કેટ મિડલટનનો હોવાનું કહેવાય છે.
બૂલેટપ્રૂફ કાર્સમાં છુપાઈને જવાના બદલે પ્રિન્સ ચાર્લ્સે બધી કારને રવાના કરાવી દીધી હતી અને પરિવારજનોએ પોતાના માસ્ક કાઢી, વાતો કરતા કરતા ચાલતા જવા માંડ્યું હતું. પ્રિન્સ ચાર્લ્સને અત્યારે પોતાના બંને પુત્રોની જરુર છે ત્યારે કેટ મિડલટને શાંતિદૂતની ભૂમિકા ભજવી હતી. ડચેસ ઓફ કેમ્બ્રિજે તક ઝડપી પ્રિન્સ હેરી સાથે વાતો કરવા માડી હતી. થોડી જ વારમાં પ્રિન્સ વિલિયમ પણ તેમની સાથે જોડાયા હતા. બંનેને સાથે જોઈને કેટ ત્યાંથી ચાલી ગઈ અને બંને ભાઈ ચાલતા ચાલતા વાતે વળગ્યા હતા.
પ્રિન્સ ફિલિપની સ્મશાનયાત્રા- ફ્યુનરલ પ્રોસેશનની વ્યવસ્થા કરવાનું લોર્ડ ચેમ્બરલેઈનની ઓફિસ અને શાહી સહાયકો માટે શિરદર્દ બની ગયું હતું. પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી વચ્ચે અણબનાવ તેમજ પ્રિન્સ ફિલિપના પુત્ર પ્રિન્સ એન્ડ્રયુએ એડમિરલનો મિલિટરી યુનિફોર્મ પહેરવા રાખેલા આગ્રહના કારણે ક્વીન એલિઝાબેથે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. સામાન્યપણે શાહી ફ્યુનરલમાં ઓનરરી મિલિટરી ગણવેશ ધારણ કરે છે પરંતુ, પ્રિન્સ ફિલિપના ફ્યુનરલમાં ડ્રેસ કોડ બાબતે શાહી પરિવારમાં તણાવ સર્જાયો હતો.
એક સમયે ફ્યુનરલ પ્રોસેશનમાં પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી સાથે સાથે ચાલશે તેમ કહેવાયું હતું પરંતુ, ક્વીને તે બંને ભાઈની વચ્ચે ડ્યૂક ઓફ એડિનબરાના સૌથી મોટા ગ્રાન્ડચાઈલ્ડ- પ્રિન્સેસ એનના પુત્ર પીટર ફિલિપ્સને સ્થાન આપવા તેમજ શાહી પરિવારના કોઈ સભ્ય ઓનરરી મિલિટરી યુનિફોર્મ ધારણ નહિ કરે તેવો નિર્ણય લીધો હતો. આના કારણે પ્રિન્સ હેરી પરિવારના અન્ય સભ્યોથી અલગ પડતા બચી ગયો હતો કારણકે તેણે ફ્રન્ટલાઈન સીનિયર શાહી સભ્ય તરીકે ફરજો છોડી હોવાથી ક્વીને તેના મિલિટરી ટાઈટલ્સ પાછા ખેંચી લીધા હતા.
જોકે, શાહી સહાયકોનું કહેવું છે કે પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરીએ તેઓ સાથે નહિ ચાલે તેમ કહ્યું ન હતું. બંને ભાઈએ સ્પષ્ટ કર્યું હતું કે તેમના માટે તેમના દાદાનું ફ્યુનરલ મહત્ત્વનું છે.