આતંકવાદી હુમલાની આ ઘટના આમ તો દોઢ દસકા જૂની છે, પણ આજેય અમેરિકાવાસીઓના દિલોદિમાગમાંથી તેનો ખોફ ભૂંસાયો નથી. આ દિવસ એટલે ૯/૧૧ની ઘટના. ૨૦૦૧માં અલ-કાયદાના આતંકવાદીઓએ હાઇજેક કરેલાં બે વિમાન વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર સાથે અથડાયાં અને એને જમીનદોસ્ત કરી નાખ્યા. લગભગ ૨૭૦૦ લોકોનો ભોગ લેનારી આ દુર્ઘટનાએ સુપરપાવર અમેરિકાના ચહેરા પર આતંકવાદનો ક્રૂર પંજો માર્યો. એ પછી તો અમેરિકાએ ઇરાક, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ધમરોળી નાખ્યાં. આખરે ૨૦૧૧માં પાકિસ્તાનના એબોટાબાદમાંથી ઓસામા બિન-લાદેનને ઊંઘતો ઝડપ્યો અને ઠાર કર્યો. આ સાથે જ સત્તાવાર રીતે અમેરિકાની વોર ઓન ટેરરનો અંત આવ્યો.
જોકે આ સમય દરમિયાન ન્યૂ યોર્કની પ્રસિદ્ધ સ્કાયલાઇનમાંથી ગાયબ થયેલી બે ઇમારતોની ખાલી પડેલી જગ્યાએ પણ કશુંક ચાલી રહ્યું હતું. અમેરિકાને હુમલાની કળ વળી એ પછી તરત જ ગ્રાઉન્ડ ઝીરો બનેલી વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ૧૬ એકરની જગ્યાને ખાલી કરવામાં આવી. થોડા વિવાદ, એક ઓપન કોમ્પિટિશન અને અઢળક ચર્ચાઓ પછી નક્કી થયું કે ધ્વસ્ત વર્લ્ડ ટ્રેડ સેન્ટરની જગ્યા પર એક ફ્રીડમ ટાવર ઊભો કરવો. પાછળથી જોકે આ ટાવરનું નામ બદલીને વધુ આકર્ષક વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર કરી નંખાયું.
વન વર્લ્ડ ટ્રેડ સેન્ટરના પાયા પાસે રિફ્લેક્ટિંગ એબ્સન્સ નામનું એક મેમોરિયલ અને મ્યુઝિયમ બનાવવાનું પણ નક્કી થયું. સદ્ગત વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર્સની ફૂટપ્રિન્ટ અંકિત કરતા હોય એવા બે ચોરસ ખાડા અને એમાં ચારે બાજુએથી પાણી પડતું હોય એવું આ મેમોરિયલ ૯/૧૧ની ઘટનાની દસમી વરસી પહેલાં તૈયાર પણ કરી દેવામાં આવ્યું. મ્યુઝિયમની બાજુમાં એક પર્ફોર્મિંગ આર્ટ્સ સેન્ટર પણ તૈયાર થયું છે.
બે પાડ્યા, સાત નવા બનાવ્યા
૯/૧૧ની ઘટના બની એ પછી કાટમાળ ખસેડવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે તત્કાલીન પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યુ. બુશે ગ્રાઉન્ડ ઝીરોની મુલાકાત લીધેલી. ત્યાં કામ કરી રહેલા કર્મચારીઓને તેઓ મેગાફોનથી સંબોધી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર લોકોમાંથી કોઈએ જોરથી બૂમ પાડેલી કે તમે શું કહો છો એ અમને સંભળાતું જ નથી. ત્યારે બુશે મોટા અવાજે કહેલું, ‘પણ હું તમને સાંભળી શકું છું. આખું વિશ્વ તમને સાંભળે છે અને એ લોકો જેમણે આ ઇમારતો તોડી પાડી છે તેમના કાને પણ બહુ થોડા સમયમાં ઘણની જેમ આ બધું સંભળાશે.’
એક તરફ બુશે વોર ઓન ટેરર શરૂ કરીને આતંકવાદીઓની પિદૂડી કાઢવાનું શરૂ કર્યું અને બીજી બાજુ જૂના વર્લ્ડ ટ્રેડ સેન્ટર કોમ્પ્લેક્સની જગ્યાએ જૂનાં બિલ્ડિંગ્સનું રીડેવલપમેન્ટ કરીને નવી ઇમારતો બાંધવાનું ફાઇનલ થયું. એ તમામની જૂની ઓળખ જાળવી રાખવા માટે અને દહેશતવાદીઓને એક મેસેજ આપવાના ભાગરૂપે એવું નક્કી થયું કે આ નવી ઇમારતોની આગળ વન, ટૂ, થ્રી... એવા પૂર્વગ લગાડવા અને પાછળ વર્લ્ડ ટ્રેડ સેન્ટર એવું નામ યથાવત્ રાખવું. આથી મૂળ WTC (વર્લ્ડ ટ્રેડ સેન્ટર) કોમ્પ્લેક્સ ખાતે તૈયાર થઈ રહેલી નવી ઇમારતો 1 WTC, 2 WTC, 3 WTC એમ ઓળખાય છે. આ રીતે 7 WTC સુધીની ઇમારતો તૈયાર કરાશે. (હા, વર્લ્ડ ટ્રેડ સેન્ટરના માત્ર બે જ ટાવર નહોતા; નાના-મોટા મળીને કુલ સાત ટાવર હતા).
WTC મેમોરિયલ અને મ્યુઝિયમ બનાવવા માટે ઓરિજિનલ પ્લાનમાં થોડો ફેરફાર કરાયો છે. મૂળ WTC ટ્વિન ટાવર્સનાં પાદચિહનોને જાળવી રખાયા બાદ એની બાજુમાં 1 WTC તૈયાર થયું છે. આ 1 WTCને જગ્યા આપવા માટે અત્યારે 6 WTC નામની કોઈ ઇમારત બની જ નથી; પણ હા, 7 WTC નામની ઇમારત છે ખરી! જોકે જોરશોરથી ગુલબાંગો હાંક્યા બાદ પણ ૯/૧૧ના દાયકા પછી માત્ર એક જ ઇમારત (7 WTC) સંપૂર્ણપણે તૈયાર થઈ શકેલી. એ વાતને પણ હવે ત્રણ વર્ષ વીતી ગયાં છે અને ટ્રાન્સપોર્ટેશન હબ ઉપરાંત 1 WTC પણ એના નવા ભાડૂતોને આવકારવા માટે તૈયાર છે. હા, બાકીની ઇમારતો હજી ધીમી ગતિએ તૈયાર થઈ રહી છે.
વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર
અત્યારે ૧૭૭૬ ફીટ ઊંચું અને પાંચ બેઝમેન્ટ ઉપરાંત ૧૦૪ માળ ધરાવતું વન વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું બિલ્ડિંગ આખા અમેરિકાની સૌથી ઊંચી ઇમારત છે. એટલું જ નહીં, વિશ્વની સૌથી ઊંચી ઇમારતોના લિસ્ટમાં એ ચોથા નંબરે બિરાજે છે. શરૂઆતમાં આટલી ઊંચી ઇમારત બાંધવાની વાત થઈ ત્યારે એનો એવું કહીને વિરોધ થયેલો કે આટલી ઊંચી ઇમારત બાંધીશું ને ન કરે નારાયણ અને ફરી પાછો આવો કોઈ હુમલો થયો તો? પરંતુ આજે આ જ ઇમારત સમગ્ર અમેરિકાનું સૌથી સલામત ઓફિસ-બિલ્ડિંગ કહેવાય છે. ૨૦૦૪ની ૪ જુલાઈ એટલે કે અમેરિકાના સ્વતંત્રતા-દિવસે આ વન વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો પાયો નખાયો હતો.
વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ઇમારતોની લીઝ ત્યાંના જાણીતા બિલ્ડર લેરી સિલ્વરસ્ટીન પાસે છે એટલે તેણે અને પોર્ટ ઓથોરિટી ઓફ ન્યૂ યોર્ક એન્ડ ન્યૂ જર્સી બન્નેએ મળીને આ ઇમારતો બાંધવાનું નક્કી કર્યું. પ્રારંભિક અનુમાન પ્રમાણે 1 WTC બાંધવાની કિંમત લગભગ ચાર બિલિયન ડોલર જેટલી આંકવામાં આવી હતી. આટલો બધો ખર્ચ અર્વાચીન સમયમાં વિશ્વની એકેય ઇમારત બાંધવામાં થયો નથી. ૯/૧૧માંથી પાઠ શીખીને બિલ્ડર સિલ્વરસ્ટીને આ ઇમારતનો એક બિલિયન ડોલરનો વીમો પણ ઊતરાવી લીધો. આ ખર્ચમાં ૨૫૦ મિલિયન ડોલર ન્યૂ યોર્ક સ્ટેટે આપ્યા અને પોર્ટ ઓથોરિટીએ પણ બોન્ડ વગેરેનું વેચાણ કરીને એક અબજ ડોલર ભેગા કરી આપ્યા.
મૂળ WTC જેવો જ ૨૦૦ ફીટનો ચોરસ પાયો (જે ૪૦ હજાર સ્ક્વેર ફીટની જગ્યા રોકે છે) ધરાવતી આ ઇમારતને એટલી મજબૂત બનાવવામાં આવી છે કે જમીન પર ઇમારત સાથે આખેઆખી ટ્રક-બોમ્બ અથડાય તો પણ એને કશું ન થાય. નીચેથી ચોરસ એવું આ બિલ્ડિંગ વીસમા માળથી અષ્ટકોણીય આકાર ધારણ કરે છે. જાણે વચ્ચેથી કોઈએ ત્રાંસ મારી હોય એ રીતે ત્રિકોણાકાર ડિઝાઇન અપાઈ છે. એટલે આપણે જો આ 1 WTCની નીચે ઊભા રહીને ઉપરની તરફ જોતા હોઈએ તો આકાશને ચૂમતા કોઈ પિરામિડના પાયા પાસે ઊભા હોઈએ એવો જ ભાસ થાય. 1 WTCની બધી બાજુઓને બહાર ખૂલતી બારીઓ આપ્યા વિના કાચથી મઢી લેવામાં આવી છે. જોકે આર્કિટેક્ચરની દૃષ્ટિએ જોઈએ તો 1 WTCને ઝાકઝમાળવાળો બનાવવાને બદલે સિમ્પલ ઓપ જ અપાયો છે.
૧૦૪મો માળ 1 WTCનો ટોપ ફ્લોર છે, પરંતુ વાપરી શકાય એવા માળની સંખ્યા તો ૮૬ જેટલી જ છે. એમાંથી પણ ઓફિસ વગેરેને વાપરવા માટે તો ૭૮ માળ જ મળવાના છે. બાકીના માળ મિકેનિકલ સ્પેસ, પબ્લિક લોબી વગેરેમાં વપરાશે. ૧૦૦થી ૧૦૨મા માળને ઓબ્ઝર્વેશન ડેક તરીકે વિકસાવાયા છે. ૯/૧૧ પછી વધુ પડતા સાવચેત થઈ ગયેલા અમેરિકન સત્તાધીશોએ એવું નક્કી કરેલું કે નવા 1 WTCમાં ઓફિસના કર્મચારીઓ સિવાય કોઈને પ્રવેશ જ આપવો નહીં, પરંતુ પાછળથી આ નિર્ણયને અભેરાઈએ ચડાવી દેવાયો. હવે ત્રણ માળના આ ઓબ્ઝર્વેશન ડેકને ૩૨ ડોલરની ટિકિટ લઈને પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકાયો છે. ૨૯ મેથી ખુલ્લા મૂકાયેલા આ વર્લ્ડ ટ્રેડ સેન્ટરને નિહાળવા વર્ષેદહાડે ૩૫ લાખ જેટલા મુસાફરો જોવા આવશે તેવો પ્રાથમિક અંદાજ છે.
અમેરિકનોનું પ્લાનિંગ હોય એટલે સુવિધાઓમાં તો કશું કહેવાપણું હોય નહીં. 1 WTCના ઓફિસધારકો માટે અલગ એન્ટ્રી, જમીનની નીચેના એરિયામાં પૂરતી પાર્કિંગ અને સ્ટોરેજ-સ્પેસ, ત્યાંથી જ સબવે અને વિવિધ વિસ્તારોમાં જઈ શકાય એવી વ્યવસ્થા, શોપિંગ-એરિયા વગેરે પણ વિકસાવાયાં છે. દરેક જગ્યા સાથે કોઈ ને કોઈ પ્રકારની યાદગીરી જોડી દેવામાં પણ અમેરિકનોની માસ્ટરી છે. જેમ કે, WTCનો કાટમાળ ખસેડાતો હતો ત્યારે એમાંથી ઈશુ ખ્રિસ્તના ક્રોસ આકારનો એક બીમ નીકળેલો, જેને આશાનો સંકેત ગણીને ઘણા સમય સુધી ગ્રાઉન્ડ ઝીરો પર જ રખાયેલો. હવે એને સપ્ટેમ્બર ૧૧ મેમોરિયલ એન્ડ મ્યુઝિયમમાં શિફ્ટ કરાયો છે. અગાઉની WTC ઇમારત ૧૧૦ માળની હતી તો ઇમારતની ટોચે આવેલા ૧૬ સ્ક્વેર ફીટના વિન્ડો વોશિંગ ટ્રેકના એરિયાને એની યાદગીરીરૂપે ફ્લોર ૧૧૦ નામ અપાયું છે. અગાઉના WTC-૧ ટાવરના ૧૦૬-૧૦૭મા માળે વિન્ડોઝ ઓન ધ વર્લ્ડ નામની રેસ્ટોરાં હતી. એ જ તર્જ પર આ જ નામની રેસ્ટોરાં 1 WTCમાં પણ રાખવાનું શરૂઆતમાં આયોજન હતું, પરંતુ પાછળથી ગણતરી કરતાં એવી ખબર પડી કે આ રેસ્ટોરાંથી જેટલી આવક થશે એના કરતાં એના મેઇન્ટનન્સનો ખર્ચ ક્યાંય વધી જશે. આથી પછી આ રેસ્ટોરાંનો પ્લાન પડતો મુકાયો. અરે, આ 1 WTCની હાઇટ ૧૭૭૬ પણ સિમ્બોલિક છે. આમ તો 1 WTCના ટોપ ફ્લોરની ઊંચાઈ ૧૩૬૮ ફીટ જ થાય છે; પરંતુ એના પર સ્પાઇરલ સીડીઓ ધરાવતો બ્રોડકાસ્ટિંગ ટાવર પ્લસ એન્ટેના ફીટ કરીને એની ઊંચાઈ ૧૭૭૬ ફિટે પહોંચાડાઇ છે, કારણ કે ૧૭૭૬ એ અમેરિકાનું સ્વતંત્રતા વર્ષ છે!
સબ સલામત હૈ!
આ 1 WTC મૂળ ટ્વિન ટાવર્સથી માંડ ૨૫ ફીટના અંતરે છે, જે સલામતીની નિષ્ફળતાની સતત યાદ અપાવ્યા કરે છે. આથી રખેને ભવિષ્યમાં આવો કોઈ હુમલો થાય તો એટલી ખાનાખરાબી ન થાય એ માટે ચુસ્ત સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમ કે, બધી જ સીડીઓ, લિફ્ટ્સ, સ્પ્રિન્કલર (પાણી છાંટવાની) સિસ્ટમ્સ વગેરેની દીવાલો ત્રણ ફીટના સખત કોન્ક્રીટમાંથી બનાવવામાં આવી છે. કટોકટીની સ્થિતિમાં બે સીડીઓ ફાયર-બ્રિગેડ માટે અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત ઇમારતની વેન્ટિલેશન સિસ્ટમમાં પણ બાયોલોજિકલ અને કેમિકલ ફિલ્ટર્સ ગોઠવાયાં છે. 1 WTCમાં પ્રવેશતા દરેક વાહનની રેગ્યુલર તપાસ ઉપરાંત રેડિયો-એક્ટિવ જાંચ પણ થશે. આખી ઇમારતના ખૂણેખૂણા પર નજર રાખતા લગભગ ૪૦૦ સીસીટીવી કેમેરા ગોઠવાયા છે. જે ન્યૂ યોર્ક પોલીસને ચોવીસે કલાક લાઇવ ફીડ આપતા રહેશે.
કંપનીઓનો ‘ગૃહપ્રવેશ’
આપણે ત્યાં નવા ઘરમાં શિફ્ટ થતાં પહેલાં કુંભ મૂકવાની પ્રથા છે. અમેરિકામાં આવું કંઈ છે કે કેમ એ તો ખબર નથી, પરંતુ ધીમે-ધીમે વિવિધ કંપનીઓ આ નવા સરનામે શિફ્ટ થઈ રહી છે. એના પહેલા રહેવાસી છે જાયન્ટ અમેરિકન પબ્લિશિંગ કંપની કોન્ડે નાસ્ટ. ગત ત્રીજી નવેમ્બરથી જ શિફ્ટ થયેલી આ કંપનીએ 1 WTCના ૨૦થી લઈને ૪૪મા માળ સુધીની જગ્યા ૨૫ વર્ષના ભાડે લીધી છે. અત્યારે ન્યૂ યોર્ક ટાઇમ્સના પ્રસિદ્ધ બિલ્ડિંગમાં પોતાનું હેડ ક્વાર્ટર ધરાવતી આ પબ્લિશિંગ કંપની હવેથી 1 WTCમાંથી પોતાનાં ‘વોગ’ અને ‘વેનિટી ફેર’ જેવાં મેગેઝિન્સ બહાર પાડશે. પૂરેપૂરી શિફ્ટ થયા બાદ આ કંપનીના ત્રણ હજારથી પણ વધારે કર્મચારીઓ 1 WTCમાં દરરોજ નોકરીએ આવશે. અત્યારે 1 WTCની ૬૦ ટકા જગ્યા ભાડે અપાઈ ચૂકી છે. એક વખત એ પૂરેપૂરી ભરાઈ જશે પછી એમાં ૬૦ હજાર જેટલા લોકો કામ કરતા હશે. આ આંકડો મૂળ વર્લ્ડ ટ્રેડ સેન્ટર કરતાં પણ ત્રણ ગણો છે.
ટ્રાન્ઝિટ કોમ્પ્લેક્સ
વર્લ્ડ ટ્રેડ સેન્ટર બંધાયું એ સ્થળે છેક ઈસવી સન ૧૯૦૯થી સબવે ટ્રાન્સ માટેનું પાથ સ્ટેશન હતું. પાથ એટલે પોર્ટ ઓથોરિટી ટ્રાન્સ હડસન (વર્લ્ડ ટ્રેડ સેન્ટર જે જગ્યા રોકીને ઊભું હતું એ તમામ જગ્યા પોર્ટ ઓથોરિટી ઓફ ન્યૂ યોર્ક એન્ડ ન્યૂ જર્સીની માલિકીની છે). WTC બાંધવા માટે આ સ્ટેશનને વેતરીને નવેસરથી ડિઝાઇન કરાયું અને એને વર્લ્ડ ટ્રેડ સેન્ટર સ્ટેશન એવું જ નામ અપાયેલું, પરંતુ ૯/૧૧ના હુમલામાં એ સ્ટેશને પણ ખાનાખરાબી વેઠી. આથી WTCના રીડેવલપમેન્ટ પ્લાનમાં આ પાથ સ્ટેશનને પણ સામેલ કરાયું. હવે પૂરા ૧.૪ બિલિયન ડોલર ખર્ચીને ભવ્ય ટ્રાન્ઝિટ કોમ્પ્લેક્સ તૈયાર કરાયું છે.
ફુલ્ટન સેન્ટર નામાભિધાન કરાયેલા આ ટ્રાન્ઝિટ કોમ્પ્લેક્સમાં ન્યૂ યોર્કની અલગ-અલગ દિશાએ લઈ જતી નવ સબવે લાઇન્સ ભેગી થાય છે. કાચ અને સ્ટીલના સુંદર ડોમથી સજાવેલા આ ટ્રાન્ઝિટ કોમ્પ્લેક્સમાં ૬૬ હજાર સ્ક્વેર ફીટની તો શોપિંગ-ઓફિસોની જગ્યા ઊભી કરી દેવામાં આવી છે. એનું કારણ છે. આ સબવે કોમ્પ્લેક્સમાં રોજના ત્રણ લાખથી પણ વધારે મુસાફરો આવ-જા કરશે.
વિશ્વનું સૌથી મોટું ગ્રીન બિલ્ડિંગ
આ નવું 1 WTC સસ્ટેનેબિલિટી એટલે કે ટકાઉપણાનું પણ જ્વલંત ઉદાહરણ છે, કેમ કે એક તો એનું મોટા ભાગનું ઇન્ટીરિયર રીસાઇકલ કરેલા મટીરિયલમાંથી બનાવાયું છે. ઉપરથી એમાંથી નીકળતા ૮૦ ટકા કચરાનું પણ રીસાઇક્લિંગ કરાશે. આ ઇમારત વરસાદનું પાણી એકઠું કરીને એને કૂલિંગ સિસ્ટમ્સમાં વાપરશે. બિલ્ડિંગમાં બેસાડેલા ફોસ્ફરિક એસિડના ફ્યુઅલ સેલ ૪.૮ મેગાવોટની વીજળી પેદા કરશે. બાકીની વીજળી પણ પવનચક્કીઓ અને જળવિદ્યુતમાંથી પેદા કરેલી જ મગાવવાના છે. 1 WTCના કાચ મેક્સિમમ સૂર્યપ્રકાશ પસાર કરી શકે એવા બનાવાયા છે.
મજાની વાત એ છે કે આ ઇમારતમાં એવી સ્માર્ટ ઇલેક્ટ્રિક સિસ્ટમ બેસાડેલી છે જે સૂર્યપ્રકાશની ઉપલબ્ધતા પ્રમાણે લાઇટ્સ ડીમ-ફુલ કરે છે. એના બહારના કાચની પાછળ જડેલી એલઇડી લાઇટ્સ એને રાત્રે વિવિધ રંગોથી ઝળહળાવશે. જો એને સર્ટિફિકેટ મળી જશે તો આ ઇમારત આગામી દિવસોમાં પર્યાવરણ અને ઊર્જાની દૃષ્ટિએ વિશ્વનું સૌથી મોટું ગ્રીન બિલ્ડિંગ બની જશે.