બજેટ ૨૦૧૭માં નાણાં પ્રધાનનો વાયદોઃ ગરીબી ઘટશે, રોજગારી વધશે

Wednesday 08th February 2017 05:02 EST
 
 

નવી દિલ્હીઃ નોટબંધીથી પરેશાન દેશવાસીઓને રાહત આપવાનો પ્રયાસ કરતા નાણાં પ્રધાન અરુણ જેટલીએ ૨૦૧૭-૧૮ના બજેટમાં પાંચ લાખ રૂપિયા સુધીની આવક પરનો ટેક્સ દસ ટકાથી અડધોઅડધ ઘટાડીને પાંચ ટકા કરી નાંખ્યો છે. જ્યારે ત્રણ લાખ રૂપિયા સુધીની આવકને સંપૂર્ણ કરમુક્ત કરી છે. બજેટમાં એક તરફ મધ્યમ વર્ગને રાહત અપાઇ છે તો બીજી તરફ બેનામી આર્થિક વ્યવહારોને નાથવાના ઇરાદે ત્રણ લાખ રૂપિયાથી વધુના રોકડ વ્યવહારો પર પ્રતિબંધ લદાયો છે. બજેટમાં ગ્રામીણ વિકાસ અને કૃષિ ક્ષેત્ર પર ખાસ ભાર મૂકાયો છે. કૃષિ ધિરાણ માટે ૧૦ લાખ કરોડ રૂપિયા ફાળવાયા છે તો ખેડૂતોનું ૬૦ દિવસનું વ્યાજ માફ કરાયું છે. ગુજરાત અને ઝારખંડમાં નવા ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઇમ્સ) શરૂ કરવાની પણ જાહેરાત થઇ છે. 

નાણાં પ્રધાને બજેટને ‘ટેક’ (T-ટ્રાન્સફોર્મ, E-એનર્જાઇઝ અને C-ક્લીન)ટોનિક ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ બજેટ ડિજિટલ અને સ્ટાર્ટઅપના માધ્યમથી દેશના અર્થતંત્રમાં પરિવર્તનનો પવન ફૂંકશે. તો આ બજેટ માળખાગત વિકાસ અને ગ્રામીણ અર્થતંત્રમાં ચેતનાનો સંચાર કરશે. એટલું જ નહીં, નાણાંકીય વ્યવહારો પર નિયંત્રણ લાદીને આર્થિક ગુનેગારોને આકરા પગલાંનો સ્પષ્ટ સંદેશ અપાયો છે.
નાણાં પ્રધાન જેટલીએ સંસદમાં બજેટ રજૂ કર્યા પછી ચીફ ઇકોનોમિક એડવાઇઝર અરવિંદ સુબ્રમણ્યમ્ સાથે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, ‘ગરીબી ઘટાડવા અને માળખાકીય સુવિધાઓ વધારવા બજેટમાં મોટી ફાળવણી કરવામાં આવી છે. રોજગારવૃદ્ધિ માટે આ બજેટમાં પગલાં લેવામાં આવ્યાં છે.’ તેમણે કહ્યું હતું કે અમારી સરકાર કાળા નાણાં અને ભ્રષ્ટાચાર રોકવા પણ પ્રતિબદ્ધ છે.
જેટલીએ કહ્યું હતું કે બજેટના તમામ સેકટરમાં સફળતાની કથા છુપાયેલી છે. લઘુઉદ્યોગ સેકટરને પ્રોત્સાહન આપવાનો વિશેષ પ્રયાસ થયો છે. કરચોરોના ભાગના વેરા પ્રમાણિક કરદાતાએ ચૂકવવા ન પડે તે હેતુસર ટેક્સનેટ વિસ્તારવા પ્રયાસ થયો છે કે જેથી પ્રમાણિક લોકોને રાહત મળે. કરવેરો બચાવનારાને ટેક્સનેટમાં લાવવા માટે ઇન્કમટેક્સના સ્લેબમાં પાંચ ટકાનો ઘટાડો કરાયો છે.
તેમણે કહ્યું કે રૂ. ત્રણ લાખથી વધુ રકમના આર્થિક વ્યવહારો હવે રોકડમાં થઇ શકશે નહીં. તો રાજકીય પક્ષોને દાનમાં મળતી રોકડ પર પણ અંકુશ મૂકવામાં આવ્યો છે. રાજકીય પક્ષો હવેથી રૂ. ૨૦૦૦થી વધુનું દાન રોકડમાં સ્વીકારી શકશે નહીં, અત્યાર સુધી આ મર્યાદા રૂ. ૨૦ હજાર હતી.

વસંતપંચમીના વધામણા

જેટલીએ બજેટ રજૂ કર્યું તે દિવસે વસંતપંચમી હોવાથી તેમના સંબોધનના પ્રારંભે આ પર્વને આશા અને નવપલ્લવિત થવાનો અવસર ગણાવી તેની શુભ અસરને યાદ કરી હતી. આ વખતથી રેલવે બજેટ પણ મુખ્ય બજેટ જોડે સામેલ હોવાથી નાણાં પ્રધાન જેટલીની બજેટ સ્પિચ બે કલાક ચાલી હતી. પૂર્ણ બજેટની રીતે જોવામાં આવે તો જેટલીનું આ ત્રીજું બજેટ હતું.
વિશેષ કરીને આવકવેરા, રાજકીય પક્ષના ફંડિંગની દરખાસ્તો વખતે તેમને સાંસદો તરફથી વિશેષ દાદ મળી હતી. જેટલીએ રાષ્ટ્રીય પક્ષો માટે ભંડોળ બાબતે નિયંત્રણો જાહેર કરતા જ ભાજપના સાંસદોએ વિરોધ પક્ષોને પણ બેન્ચ થપથપાવવાનું મજાક સાથે કહ્યું હતું. જેનો રાહુલ ગાંધીએ સહર્ષ સ્વીકાર કરીને બેન્ચને હાથથી થપથપાવી હતી.

સિનિયર સિટીઝન્સને મળશે હેલ્થ કાર્ડ

હવે સિનિયર સિટીઝન્સને આધાર બેઝ્ડ હેલ્થ કાર્ડ અપાશે. દેશભરમાં લાખો સિનિયર સિટીઝન્સને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો હલ આવી શકે અને તેઓના પ્રશ્નો, મૂંઝવણોનું નિરાકરણ થાય એ માટે હેલ્થ કાર્ડ મળશે. હેલ્થ કાર્ડ આધાર કાર્ડની સાથે લિંક હશે. સિનિયર સિટીઝન વિવિધ પ્રશ્ને હેલ્થ કાર્ડનો સરળતાથી ઉપયોગ કરી શકાશે. દેશના લાખો સિનિયર સિટીઝન્સ માટે આ બહુ મહત્ત્વની યોજના છે.

પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ મળશે

સામાન્ય નાગરિકને પાસપોર્ટ મેળવવા માટે પાસપોર્ટ ઓફિસને અવારનવાર ધક્કા ખાવા પડે છે. જોકે તે સામે બજેટમાં ખાસ જોગવાઈ કરાઇ છે. જે મુજબ હવે મુખ્ય પોસ્ટ ઓફિસમાંથી જ પાસપોર્ટ ઇશ્યુ કરાશે. પાસપોર્ટ ઇશ્યૂ કરવા માટે જે તે શહેરની હેડ પોસ્ટ ઓફિસનો ફ્રન્ટ ઓફિસ તરીકે ઉપયોગ કરાશે. પ્રથમ તબક્કામાં ૧૫ જિલ્લામાં પ્રયોગ કરાશે. આમ હવે ટૂંકમાં લોકોને પોસ્ટ ઓફિસમાંથી પણ પાસપોર્ટ મળતા થઇ જશે.

ઉત્તમ બજેટઃ વડા પ્રધાન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઉત્તમ બજેટ’ રજૂ કરવા બદલ નાણા પ્રધાન જેટલીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે બજેટ ગરીબોના હાથ મજબૂત કરશે. તેમણે કહ્યું હતું કે, ‘કેન્દ્રીય બજેટ ૨૦૧૭ એક વાર ફરી ગામડાં, ખેડૂતો અને ગરીબલક્ષી છે. બજેટ દેશમાં અનેક પરિવર્તન લાવશે. તેમણે કહ્યું કે બજેટમાં કાળા નાણાં અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની નેમ વ્યક્ત થઈ છે. હાઉસિંગ ક્ષેત્રને મહત્તમ લાભ થવાનો છે. રેલવે બજેટમાં સુરક્ષા પર મહત્તમ ધ્યાન અપાયું છે. સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની નેમ ધરાવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મક વેપારને વેગ આપનારું બજેટ છે. બજેટ વીતેલાં અઢી વર્ષમાં લેવાયેલાં પગલાં અને ભાવિમાં થનારા વિકાસને જોડતી કડી છે. બજેટ બધાનાં સપનાં સાકાર કરશે.

વિપક્ષનો વિરોધ

આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી વાર સંસદમાં બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ થવાનું હતું. તે પૂર્વે એક તબક્કે બજેટ મુલત્વી રખાય તેવું દબાણ નાણાં પ્રધાન પર સર્જાયું હતું. તેનું કારણ એ હતું કે સાંસદ ઇ. અહેમદનું નિધન થયું હતું અને કોંગ્રેસ, ડાબેરીઓ તેમજ રાષ્ટ્રીય જનતા દળના સાંસદો શોક ઠરાવ પસાર કરીને બજેટ મુલત્વી રાખવું જોઇએ તેવી માંગણી કરી રહ્યા હતા. આગલા દિવસે સંસદમાં જેટલી આર્થિક સર્વેક્ષણ રજૂ કરી રહ્યા હતા ત્યારે જ સાંસદ અહેમદને હૃદયરોગનો હુમલો આવતા તેમને ચાલુ બેઠકે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં બાદમાં તેમનું નિધન થયું હતું. તેઓ ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના સ્થાપક હતા. જોકે, સ્પિકર સુમિત્રા મહાજને બજેટ રજૂ કરવું તે બંધારણીય જવાબદારી છે તેમ જણાવી વિપક્ષોની માંગ સ્વીકારી નહોતી.

દિગ્ગજોની ગેરહાજરી

તૃણમૂલ કોંગ્રેસ પક્ષ તેના બે સાંસદોની સીબીઆઇએ આર્થિક કૌભાંડમાં ધરપકડ કરી હોઈ વિરોધ દર્શાવવા બજેટ વખતે ગેરહાજર રહ્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી, સમાજવાદી પાર્ટીના મુલાયમ સિંહ, પ્રધાનો મનોહર પાર્રિકર, હરસિમરન કૌર અને મેનકા ગાંધી પણ હાજર નહોતા.

જેટલીનું વાકચાતુર્ય

જેટલીએ સંબોધનમાં ગાંધીજી, સ્વામી વિવેકાનંદ તેમજ હિન્દી પંક્તિઓ ટાંકી હતી. પ્રવચન વેળા જેટલીએ નવો ચીલો પાડતા ૨૦ મિનિટ બેસીને બજેટ રજૂ કર્યું હતું. જેટલીએ ગાંધીજીનું એ વાક્ય ક્વોટ કર્યું હતું કે, ‘સારા હેતુથી કરેલું શુભ નિષ્ઠાપૂર્વકનું કાર્ય ક્યારેય નિષ્ફળ નથી જતું’. તેમણે હળવું વાતાવરણ સર્જતા કહ્યું હતું કે, 'કાલે ધન કો ભી બદલના પડા આજ અપના રંગ'.
બજેટ વેળા જેટલી ટેક્સ શબ્દ સૌથી વધારે ૧૦૨ વાર બોલ્યા છે. ઇન્ફલેશન શબ્દ માત્ર ૪ વાર બોલ્યા હતા. તે ઉપરાંત જીડીપી ૧૨, ડિમોનેટાઇઝેશન ૧૩, ગ્રોથ ૨૧, પુઅર ૧૫, જીએસટી ૨૦, બ્લેક મની ૮ અને ઇકોનોમી શબ્દ ૨૭ વખત બોલ્યા હતા.

•••

બજેટની સાથે સાથે...

• સાબરમતી આશ્રમનાં ૧૦૦ વર્ષની ઉજવણી

મહાત્મા ગાંધીજીએ સ્થાપેલા અમદાવાદના સાબરમતી આશ્રમને ૧૭ જૂન ૨૦૧૭ના રોજ ૧૦૦ વર્ષ પૂરાં થશે. આ શતાબ્દી વર્ષની ઉજવણી માટે ૨૦૧૭-૧૮ના વર્ષ કેન્દ્રીય બજેટમાંથી નાણાંકીય સહાય આપવાની જાહેરાત કેન્દ્રીય નાણા પ્રધાને કરી છે. શરૂઆતમાં કોચરબ ખાતે ખાનગી બંગલો ભાડે રાખી આશ્રમ શરૂ કરાયો હતો. બાદમાં વર્તમાન સ્થળે આશ્રમ શિફ્ટ થયો હતો. આશ્રમ ટ્રસ્ટને અત્યારે કેન્દ્ર તરફથી નિભાવ માટે કોઈ સહાય મળતી નથી.

મધ્યમ વર્ગને આવકવેરામાં રાહત

નોટબંધી બાદ પહેલું બજેટ હતું. રાહતનાં નામે નાણાં પ્રધાન જેટલીએ ત્રણ લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરી નાખી. પાંચ ટકાનો નવો સ્લેબ લાવીને ૧૦ ટકાનો સ્લેબ ખતમ કરી દીધો. એટલે કે હવે પાંચ ટકા બાદ સીધો ૨૦ ટકાનો સ્લેબ. આવકવેરામાં આ સીધી રાહતથી લોકો કર ચૂકવવા પ્રેરાશે તેવું આર્થિક નિષ્ણાતોનું માનવું છે.
રિટર્ન મોડું ભરાયું તો દંડ થશે
વર્ષ ૨૦૧૭-૧૮નું બજેટ કરચોરો સામે કડકાઈ દાખવનારી જોગવાઓથી ભરપુર રહ્યું છે. ઓડિટવાળા કેસોમાં સપ્ટેમ્બર અને નોન ઓડિટવાળા, પગરા, ભાડાં વ્યાજની આવક બતાવનારા કરદાતાઓએ સપ્ટેમ્બર-જુલાઈમાં આવકવેરા પત્ર અચૂક ભરી દેવું પડશે. અન્યથા ડિસેમ્બર સુધીમાં મોડું રિટર્ન ફાઇલ કરનારાઓ ઉપર ૫૦૦૦ અને ત્યાર બાદ ૧૦,૦૦૦ સુધીની ભારે પેનલ્ટી વસૂલવામાં આવશે. સરકારે સ્ક્રિટીનીના એસેસમેન્ટ પૂર્ણ કરવાની સમયમર્યાદા ૨૧ મહિનાથી ઘટાડીને ૧૮ મહિના કરાઇ છે.
લાંબા ગાળાનાં મૂડીરોકાણમાં ફેરફાર
તમામ પ્રકારની મિલકતોના કેસમાં લાંબા ગાળાના સમયની ગણતરી માટે હવે ૩૬ મહિના બદલે ૨૪ મહિનાનો સમયગાળો ધ્યાને લેવાશે. લોંગ ટર્મ ગેઇન ટેક્સની ગણતરી માટે આધાર વર્ષ ૧૯૮૧થી બદલીને ૨૦૦૧ કરાયું છે. આમ હવે કરદાતા ૧ એપ્રિલ, ૨૦૦૧ની બજારકિંમત ધ્યાનમાં લઈ શકાશે. જેના કારણે સ્થાવર મિલકતમાં રોકાણ કરનારને ફાયદો થશે.
GSTના કારણે હાલ વધારા ટળ્યા
આગામી તા. ૧ જુલાઈ ૨૦૧૭થી ભારતમાં ગુડ્ઝ એન્ડ સર્વીસ ટેક્સ (જીએસટી)નો અમલ કરવામાં આવનાર છે. આ સંજોગોમાં પહેલી ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવેલા બજેટમાં નાણાં પ્રધાન દ્વારા તેને ટાંકીને ઇન-ડાયરેક્ટ ટેક્સમાં કોઈ વધારા ન કર્યા હોવાનું પોતાનાં ભાષણમાં જણાવ્યું હતું. જોકે, એનેક્શ્ચર અનુસાર કસ્ટમ ટેક્સમાં થોડાઘણા અંશે કેટલાક ફેરફારો કરાયા છે. જેમાં વધારો અને ઘટાડો બન્નેનો સમાવેશ થાય છે. હાલમાં નાણાં પ્રધાન દ્વારા તમામ ટેક્સને એક સરખા કરવાની ગણતરી કરી છે.
સ્ટાર્ટઅપને ૫ વર્ષ વધારે ફાયદો
સ્ટાર્ટઅપ દ્વારા મિનીમમ ઓલ્ટરનેટિવ ટેક્સ (એમએટી) દૂર કરવા વિનંતી થઈ હતી. જોકે તેમ કરવાનો ઇનકાર કરતાં નાણાં પ્રધાને એમએટીને કેરીફોરવર્ડ કરવાની વર્તમાન પાંચ વર્ષની મર્યાદાને વધારીને ૧૫ વર્ષની કરવા નિર્ણય લીધો છે. તે નિર્ણય લેવાતાં ટેક્સ જવાબદારી ઊભી થવાની મુદતમાં પાંચ વર્ષનો વધારો થયો છે. જેનાથી સ્ટાર્ટઅપને ઘણો મોટો ફાયદો આગામી વર્ષોમાં થાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.
સ્પોર્ટસ માટે સારું બજેટ
અરુણ જેટલીએ રમતગમત મંત્રાલય માટે ૧,૯૪૩ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જે ગત વર્ષના ૧૫૯૨ કરોડ કરતાં ૩૫૦ કરોડ વધારે છે. ભારતીય ખેલાડીઓએ રિયો ઓલિમ્પિકમાં બે ગોલ્ડ મેડલ જીત્યા બાદ આ નિર્ણય લેવાતાં કોમનવેલ્થ ગેમ તેમજ ૨૦૧૮ની એશિયન ગેમ્સની તૈયારી કરી રહેલા ખેલાડીઓને મદદ મળશે. નેશનલ કેમ્પ માટે ૪૬૧ કરોડની ફાળવણી કરાઈ છે. ખેલો ઇન્ડિયા માટે ૧૪૦ વધારીને ૩૫૦ કરોડ ફાળવાયા છે.
ડેરી યુનિટ્સ કરાશે અપગ્રેડ
ડેરી ઉદ્યોગ ખેડૂતો માટે ઘણો મહત્ત્વનો આવકનો સ્રોત છે. દૂધનું તેમજ તેના ઉત્પાદનોનું મહત્તમ વેચાણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોટા ભાગના મિલ્ક પ્રોસેસિંગ યુનિટ વર્ષો પહેલાંની યોજનામાં ઊભાં કરવામાં આવ્યાં હતાં. જે હવે જૂના અને બિનકાર્યક્ષમ થઈ રહ્યું છે. ડેરી પ્રોસેસિંગના લેટેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર માટે નાબાર્ડ હેઠળ ૮,૦૦૦ કરોડ ત્રણ વર્ષ માટે ફાળવાયા છે. પ્રથમ વર્ષ સરકાર ૨,૦૦૦ કરોડ અપગ્રેડેશન માટે આપશે.
ગરીબીમુક્ત ગ્રામ પંચાયત
મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી ૨૦૧૯માં આવી રહી છે. તે સુધીમાં ૫૦ હજાર જેટલી ગ્રામ પંચાયતને ગરીબીમાંથી મુક્ત કરવાનો પ્રોજેક્ટ સરકાર હાથ લેશે. જેટલીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં ૩ લાખ કરોડથી વધારે રૂપિયા ખર્ચવામાં આવે છે. જે સ્ત્રોત છે તેમાં વધારો કરી માઇક્રોપ્લાનિંગ કરવામાં આવશે. ગરીબીમુક્ત ગ્રામપંચાયત માટે સતત મોનિટરિંગ કરવામાં આવશે.
પાંચ નવા ટૂરિઝમ ઝોન
ટૂરિઝમ ક્ષેત્રની મદદથી નવી રોજગારી ઊભી કરવાના હેતુસર સરકાર પાંચ નવા સ્પેશિયલ ટૂરિઝમ ઝોન ઊભા કરશે. આ માટે જુદા-જુદા રાજ્યો સાથે ભાગીદારી કરવામાં આવશે. ઇન્ક્રેડિબલ ઇન્ડિયાનું નવું કેમ્પેઇન શરૂ કરીને આ કેમ્પેઇન વિશ્વભરમાં એકસાથે લોન્ચ કરવામાં આવશે. આ સિવાય ટૂરિઝમ સેકટર માટે ખાસ કોઈ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હોવાથી ટૂરિઝમ સેક્ટરને નિરાશા સાંપડી છે.
રેકોર્ડ ફાળવણી
કૃષિ, ગ્રામ્ય ક્ષેત્રને સંબંધિત સેક્ટરમાંથી મળીને કુલ ૩.૯૬ લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે ગત વર્ષ કરતાં ૨૪ ટકા વધારે છે. બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત અત્યાર સુધીમાં સેક્ટરમાં કરાયેલા રોકાણમાં પણ સૌથી વધારે છે. નાણાં પ્રધાને ગત વર્ષની ફાળવણી કરતાં આ વર્ષે સૌથી વધુ ફાળવણી ગ્રામ્ય અને કૃષિમાં કરી છે. નવા વર્ષનું બજેટ કૃષિ તરફી પણ રહ્યું છે.
૯૨ વર્ષ બાદ રેલ બજેટ મર્જ થયું
વિશ્વમાં ભારત એક માત્ર એક એવો દેશ હતો કે જે રેલ બજેટ અલગથી બહાર પાડતો હતો. ૧૯૨૪થી અલગ રેલ બજેટ તૈયાર કરવાની એક પરંપરા હતી, જે આ વર્ષે તૂટી છે. હવે રેલવે માટે પણ એક મંત્રાલયની જેમ ફાળવણી કરવામાં આવશે. ૯૨ વર્ષ બાદ યુનિયન બજેટમાં તેનું ફરી મર્જર કરવામાં આવ્યું છે. આ સાથે જ વર્તમાન રેલવે પ્રધાન સુરેશ પ્રભુ રેલ બજેટ રજૂ કરનારા છેલ્લા રેલવે પ્રધાન બન્યા છે.
સોલર પાર્ક વિકસાવાશે
ઇલેક્ટ્રિસિટી માટે સૂર્ય આધારિત ઊર્જાનો મહત્તમ ઉપયોગી કરવા માટે સોલર પાવર પાર્ક બનાવવામાં આવ્યા છે. સોલર પાર્ક બનાવવાના પ્રથમ ફેઝ બાદ હવે બીજા ફેઝ તરીકે ૨૦,૦૦૦ મેગાવોટની કેપેસિટી ધરાવતા સોલર પાર્કનો વિકાસ કરવામાં આવશે. આ ઉપરાંત રેલવે સ્ટેશનો પર પણ ૧,૦૦૦ મેગાવોટની કેપેસિટી ધરાવતા સોલર પ્લાન્ટ ઊભા કરવામાં આવશે.

•••

બજેટમાં ક્યા સેક્ટરને શું મળ્યું?

કૃષિજગત અને ખેડૂત
• ખેડૂતોને રૂ. ૧૦ લાખ કરોડનું ધિરાણ ૬૦ દિવસનું વ્યાજ માફ
• પાક વીમા યોજના માટે રૂ. ૯,૦૦૦ કરોડની ફાળવણી
• સોઇલ હેલ્થકાર્ડ માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં મિની લેબ્સ બનાવાશે.
• માઇક્રો ઇરિગેશન અને ડેરીપ્રોસેસિંગ માટે રૂ. ૧૩,૦૦૦ કરોડ
ગ્રામીણ વિકાસ
• રૂ. ૧.૮૭ લાખ કરોડ રૂપિયા ગ્રામીણ ક્ષેત્રમાં ફાળવાયા છે.
• મનરેગા માટે રૂ. ૪૮,૦૦૦ કરોડનું બજેટ
• ૨૦૧૭-૧૮માં ૫ લાખ તળાવો બનાવાશે.
• મનરેગામાં મહિલાઓની ૫૫ ટકા ભાગીદારી
• પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે દરરજો ૧૩૩ કિ.મી. સડક બનાવાશે
• સ્ટાર્ટઅપ સેકટર માટે ટેક્સમાં માફી ૩ વર્ષ માટે હતી જે વધારીને ૭ વર્ષની કરાઈ
આરોગ્ય
• ગુજરાત અને ઝારખંડમાં ૨ નવા ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઇમ્સ)ની રચાશે
• ડોક્ટરોની અછત નિવારવા પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ૫,૦૦૦ સીટો વધારાશે
• સિનિયર સિટીઝનને આધારબેઝ્ડ સ્માર્ટકાર્ડ અપાશે. જેમાં હેલ્થનો રેકોર્ડ રખાશે
• મહિલા અને બાળકલ્યાણ માટે રૂ. ૧.૮૪ લાખ કરોડ
ઇન્ફ્રાસ્ટ્રકચર – ટેલિકોમ
• રૂ. ૩.૯૬ લાખ કરોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે ફાળવાયા છે. ગત વર્ષ કરતાં તે ૧૬ ટકા વધારે છે.
• હાઇ-વે નિર્માણ માટે ૬૪,૯૦૦ કરોડ રૂપિયા ફાળવાયા છે.
• નવી નોકરીઓ અને સસ્તાં ઘર માટે રૂ. ૩,૯૬,૧૩૫ કરોડ ફાળવાયા
• ટ્રાન્સપોર્ટ માટે રૂ. ૨,૪૧,૩૮૭ કરોડની ફાળવણી
• એફોર્ડેબલ હાઉસિંગને ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રનો દરજ્જો
• ૧.૫૦ લાખ ગ્રામ પંચાયતોને હાઇસ્પીડ બ્રોડબેન્ડ સર્વિસ અપાશે
સંરક્ષણ
• રૂ. ૨.૭૪ લાખ કરોડ રૂપિયા સંરક્ષણ ક્ષેત્ર માટે ફાળવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત નાણાંકીય વર્ષમાં આ બજેટ રૂ. ૨.૪૯ લાખ કરોડ હતું.
• પૂર્વ સૈનિકો માટે વેબઆધારિત પેન્શન વિતરણ સિસ્ટમ
• સૈનિકોની મુસાફરી માટે ડિફેન્સ ટ્રાવેલ સિસ્ટમ
શિક્ષણ – યુવાનો
• હાયર એજ્યુકેશન માટે તમામ એન્ટ્રન્સ ટેસ્ટ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી રચાશે
• સરકાર દ્વારા SWAYAM પ્લેટફોર્મ રચાશે. જેમાં ૩૫૦ કોર્સ રખાશે અને તેને ઓનલાઈન એકસેસ કરી શકાશે
• સીબીએસઈ જેવી સંસ્થાઓનું ફોક્સ વધારાશે
• સ્પોર્ટસ બજેટમાં રૂ. ૩૫૦ કરોડનો વધારો કરાયો
મહિલા-બાળવિકાસ
• રૂ. ૧.૮૪ લાખ કરોડ સરકારે મહિલા અને બાળવિકાસ માટે આપ્યા છે. તેમાં રૂ. ૫૦૦ કરોડ મહિલા શક્તિ કેન્દ્રની સ્થાપના માટે આપવામાં આવ્યા છે
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ
• રૂ. ૬૪૮૨ કરોડ મળ્યા છે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયને. જે ગત બજેટ કરતાં ૮૭.૦૭ ટકા વધારે છે. વીતેલા નાણાંકીય વર્ષમાં આ ક્ષેત્રોને રૂ. ૩૪૬૫ કરોડ રૂપિયા ફાળવાયા હતા.
સામાજિક ન્યાય
• રૂ. ૭૩૫૩ કરોડ સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયને મળ્યા છે. જે ગત બજેટના માત્ર ૫.૬૨ ટકા વધારે છે. ગત નાણાંકીય વર્ષમાં રૂ. ૭૩૫૦ કરોડનું બજેટ ફાળવાયું હતું, તેમાં સૌથી ઓછી વૃદ્ધિ થઇ છે.

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter