બજેટના કેન્દ્રમાં ગામ, ગરીબ ને કિસાનઃ મધ્યમ વર્ગને મોંઘવારીનો ડોઝ

Wednesday 10th July 2019 06:32 EDT
 
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બજેટ રજૂ કરતાં દસકાઓ જૂનો ચીલો ચાતર્યો હતો. તેઓ બ્રિફકેસમાં નહીં, પણ રેશમી વસ્ત્રમાં બજેટ લઇને ગૃહમાં ગયા હતા. 
 

નવી દિલ્હીઃ પ્રચંડ બહુમતી સાથે ફરી કેન્દ્રમાં સત્તાના સૂત્રો સંભાળનાર મોદી સરકારે તેના પહેલા બજેટમાં ગામ, ગરીબ અને ખેડૂતોને સરકારી નીતિઓના કેન્દ્રમાં રાખ્યાં છે, પણ આમ આદમીને થોડીક વધુ મોંઘવારીનો ડોઝ આપી દીધો છે.
દેશના પહેલા પૂર્ણ સમયનાં મહિલા નાણાં પ્રધાન નિર્મલા સીતારામને પાંચમી જુલાઇએ સંસદમાં મોદી સરકાર ૨.૦નું પહેલું બજેટ રજૂ કરતાં ભારતના નક્કર આર્થિક વિકાસનું વિઝન રજૂ કર્યું હતું. બજેટમાં સમાજના વિવિધ વર્ગોને થોડી થોડી રાહતો આપવાની સાથે તમામ વર્ગ પાસેથી સરકારની તિજોરીમાં યોગદાન પણ અંકે કરી લીધું હતું.
દેશમાં સૌથી મહત્ત્વની અને વપરાશમાં લેવાતી કોમોડિટી પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટર એક રૂપિયાની એક્સાઇઝ ડયૂટી, સોનાની આયાત પર કસ્ટમ ડયૂટી ૧૦ ટકાથી વધારીને ૧૨.૫ ટકા, અમીરો પર આવકવેરામાં ૩થી ૭ ટકાનો સરચાર્જ લાદીને નાણાંપ્રધાને એક તરફ મોદી સરકારની મહાકાય અને મહત્ત્વાકાંક્ષી યોજનાઓ માટે ભંડોળ એકઠું કરવાનો પ્રયાસ કર્યો તો બીજી તરફ ગ્રામીણ ભારત, ખેડૂતો, યુવાઓ, મહિલાઓ, મધ્યમ વર્ગ અને કોર્પોરેટ જગતને થોડી રાહતો આપી રિઝવવાનો પ્રયાસ પણ કર્યો છે.
જોકે નાણાં પ્રધાને આવકવેરા સ્લેબમાં રાહત ન આપતાં નોકરિયાત અને નાના વેપારીઓ નારાજ થયા છે, જ્યારે અમીરો પર રૂપિયા બેથી પાંચ કરોડની આવક પર ૩ ટકા અને પાંચ કરોડથી વધુની આવક પર ૭ ટકાનો સરચાર્જ લગાવી અમીરો પાસેથી એક પ્રકારે વેલ્થ ટેક્સ ઉઘરાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. દરમિયાન બજેટમાં આવકવેરા રિટર્ન ભરવાના નિયમોમાં બદલાવ કરીને થોડી રાહત આપવાનો પ્રયાસ જરૂર કરાયો છે. હવે પાનકાર્ડ નહીં ધરાવનાર આધાર નંબર ટાંકીને આઇટી રિટર્ન ભરી શકશે. તે ઉપરાંત સરકારે હવે ફેસલેસ એસેસમેન્ટ દાખલ કરીને કરદાતાઓને લાલફિતાશાહીની પરેશાનીમાંથી મુક્તિ અપાવી છે. રૂપિયા બે લાખથી વધુ ખર્ચીને વિદેશ પ્રવાસ કરનાર અને બેન્ક ખાતામાં રૂપિયા એક કરોડ કરતાં વધુનું બેલેન્સ ધરાવનાર માટે આઇટી રિટર્ન ફરજિયાત કરાયું છે. નિર્મલા સીતારામને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા અને રોકડ વ્યવહારો ઘટાડવા બેન્ક ખાતામાંથી વાર્ષિક રૂપિયા એક કરોડના ઉપાડ પર બે ટકા ટીડીએસ લાગુ કર્યો છે. આ ઉપરાંત ખાતાધારકની પરવાનગી વિના અન્ય વ્યક્તિ તે ખાતામાં રોકડ જમા કરાવી શકશે નહીં.

હોમલોન વ્યાજમાં કરરાહત

મોદી સરકારે તેના બીજા કાર્યકાળના પહેલા બજેટમાં ઘરનું ઘર વસાવવાનું સ્વપ્ન જોતાં મધ્યમ વર્ગને હોમલોનના વ્યાજ પર ૩.૫ લાખ રૂપિયા સુધીની કર રાહત આપવાની ઘોષણા કરી છે. રૂપિયા ૪૫ લાખ સુધીના મકાનની ખરીદીની લોન પર રૂપિયા ૩.૫ લાખના વ્યાજ પર કોઇ ટેક્સ લાગુ થશે નહીં.

પેન્શન યોજના 

વૃદ્ધાવસ્થામાં નોકરિયાત અને નાના વેપારીને નેશનલ પેન્શન સ્કીમમાંથી ૬૦ ટકા સુધીના ઉપાડ પર હવે કોઇ ટેક્સ લાગુ થશે નહીં. તે ઉપરાંત ૩ કરોડ જેટલા નાના વેપારીઓ અને દુકાનદારો માટે પેન્શન યોજનાનો પ્રારંભ કરાયો છે.

વધુ આવક, વધુ ટેક્સ

જે લોકોની વાર્ષિક આવક રૂ. ૨થી રૂ. ૫ કરોડ સુધીની હશે તેવા સુપર રીચ લોકોએ હવે ૩ ટકા વધારાનો સરચાર્જ ચૂકવવો પડશે. જ્યારે રૂ. ૫ કરોડથી વધુ આવક કરનારાએ ૭ ટકા વધારાનો સરચાર્જ ચૂકવવવો પડશે. કોઈ વ્યક્તિ એક વર્ષમાં બેન્કમાંથી રૂ. ૧ કરોડથી વધુ રકમ ઉપાડશે તો ૨ ટકા ટીડીએસ કપાશે. આમ વર્ષમાં રૂ. ૧ કરોડનો ઉપાડ કરનારે રૂ. ૨ લાખનો ટેક્સ ચૂકવવો પડશે.

સોનાની ડયુટીમાં વધારો

બજેટમાં સોના-ચાંદી તેમજ અન્ય કિંમતી ધાતુઓ પરની કસ્ટમ્સ ડયૂટીમાં નાણાં પ્રધાને ૨.૫ ટકાનો વધારો કર્યો હતો. આમ મહિલાઓ માટે સોનાનાં દાગીના અને જરઝવેરાત ખરીદવાનું મોંઘું થયું છે. સોના પરની કસ્ટમ્સ ડયૂટી ૧૦ ટકાથી વધારીને ૧૨.૫ ટકા કરાઇ છે. પરિણામે સોનાનાં ભાવમાં તરત ઉછાળો આવ્યો હતો.

ભારતીય પાસપોર્ટધારક NRIને રાહત: ઝડપથી બનશે આધાર કાર્ડ

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બજેટ ૨૦૧૯-૨૦માં જાહેરાત કરી છે કે ભારતીય પાસપોર્ટ ધરાવતા બિનનિવાસી ભારતીયો (NRI)ને ભારત આવે ત્યારે આધાર કાર્ડ પૂરું પડાશે. હાલમાં ભારતીય પાસપોર્ટ ધરાવતા NRIએ આધાર મેળવવા ૧૮૦ દિવસ સુધી રાહ જોવી પડતી હતી.
નિર્મલા સીતારામને બજેટ પ્રવચનમાં જણાવ્યું હતું કે, ‘ભારતીય પાસપોર્ટધારક NRIને હવે ૧૮૦ દિવસની ફરજિયાત પ્રતિક્ષા કરાવ્યા વિના આધાર કાર્ડ પૂરું પાડવામાં આવશે.’ નાણાં પ્રધાને આ જાહેરાત કર્યા પછી NRIને ખુબ લાભ થશે. તેઓ સરળતાથી પોતાનું કેવાયસી પ્રોસીજર પૂરી કરી શકશે અને દેશની અંદર સરળતાથી અને ઝડપભેર આર્થિક વ્યવહારો કરી શકશે.
NRIને ઝડપથી આધારકાર્ડ મળી જતાં ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં પણ મદદ મળશે. વર્તમાન આધાર કાર્ડ નિયમો મુજબ દેશના પ્રત્યેક નાગરિક આધાર કાર્ડ મેળવવાનો હકદાર છે.

બજેટમાં ક્યા વર્ગને, ક્યા ક્ષેત્રને શું મળ્યું?

યુવાઃ વિશ્વકક્ષાની શિક્ષણ સંસ્થાઓ સ્થાપવા રૂપિયા ૪૦૦ કરોડની ફાળવણી. નવી શિક્ષણનીતિ અમલી બનાવાશે. ખેલો ઇન્ડિયા યોજનાનું વિસ્તરણ કરાશે. નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન સ્થાપીને રિસર્ચને પ્રોત્સાહન અપાશે. ભાષાની તાલીમને પ્રાધાન્ય.
મહિલાઃ દેશના વિકાસમાં મહિલાની ભાગીદારીનાં સૂચનો માટે એક સમિતિની રચના કરાશે. વિમેન સેલ્ફ હેલ્પ ગ્રૂપને મળતી વ્યાજ રાહતો દેશના તમામ જિલ્લામાં લાગુ થશે. જનધન યોજનામાં ૫૦૦૦ના ઓવરડ્રાફ્ટની સુવિધા. દરેક સેલ્ફ હેલ્પ ગ્રૂપની એક મહિલાને મુદ્રા યોજના અંતર્ગત એક લાખ સુધીની લોન અપાશે.
જળ સંરક્ષણઃ દેશમાં પાણીના મેનેજમેન્ટ માટે નવા જળશક્તિ મંત્રાલયની રચના. મંત્રાલય જળ સ્ત્રોતોનું મેનેજમેન્ટ કરશે. ૨૦૨૨ સુધીમાં તમામને પીવાનું પાણી પાઇપલાઇન દ્વારા પૂરું પાડવા જલજીવન મિશન. વરસાદી પાણીના સંગ્રહ અને ભૂજળ રિચાર્જ તથા વેડફાયેલાં પાણીનું મેનેજમેન્ટ.
ગ્રામીણ ભારતઃ ૧૦,૦૦૦ નવા કૃષિ ઉત્પાદન સંગઠનોની રચના કરાશે. ક્લસ્ટર વિકાસ માટે કોમન ફેસિલિટી સેન્ટરો સ્થપાશે. ઝીરો બજેટ ફાર્મિંગ. પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનામાં ૧,૨૫,૦૦૦ કિમી રસ્તા. ૨૦૨૨ સુધીમાં તમામ માટે ઘરના ઘરની સુવિધા. તમામ ગ્રામીણ ઘરોમાં વીજળી અને કૂકિંગ ગેસ
સ્ટાર્ટઅપઃ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન માટે ટેલિવિઝન ચેનલ શરૂ કરાશે. સ્ટાર્ટઅપ ઈન્ડિયા યોજના ૨૦૨૦-૨૦૨૫ દરમિયાન પણ જારી રહેશે. જરૂરી કાર્યવાહી કરી હશે તો સ્ટાર્ટઅપે ઊભા કરેલા ભંડોળની ચકાસણી નહીં થાય. સ્ટાર્ટઅપમાં રોકાણ માટે મકાન વેચાણમાંથી મૂડીલાભને ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી લંબાવાયો.
કોર્પોરેટ ક્ષેત્રઃ અગાઉ જે કંપનીઓનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૨૫૦ કરોડ હતું તેમણે માત્ર ૨૫ ટકા કોર્પોરેટ ટેક્સ ભરવો પડતો હતો. હવે જે કંપનીઓનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૪૦૦ કરોડ હશે તેમણે ૨૫ ટકા કોર્પોરેટ ટેક્સ ચૂકવવાનો રહેશે. આમ હવે ૯૯.૩ ટકા કંપનીઓ ૨૫ ટકા કોર્પોરેટ ટેક્સનાં દાયરામાં આવી જશે અને આમ તેમને ઘણી રાહત મળશે. જે કંપનીનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૪૦૦ કરોડથી વધુ હશે તેમણે ૩૦ ટકાનાં દરે કોર્પોરેટ ટેક્સ ચૂકવવો પડશે. આમ ફક્ત ૦.૭ ટકા કંપનીઓ જ ૨૫ ટકાથી વધુનાં ટેક્સમાં આવશે.
બેન્ક-એનબીએફસીઃ બેન્કોને બેઠી કરવા સરકાર રૂપિયા ૭૦,૦૦૦ કરોડની મૂડી આપશે. એનબીએફસી (નોન-બેન્કીંગ ફાઇનાન્સ કંપનીઓ) પાસેથી સંપત્તિઓ ખરીદવા બેન્કોને સૂચના. બેન્કોની એનપીએમાં એક લાખ કરોડ રૂપિયાના ઘટાડાનો દાવો. ટૂંક સમયમાં રૂપિયા ૧, ૨, પ, ૧૦ અને ૨૦ના નવી ડિઝાઇનના સિક્કા જારી કરાશે.
રેલવેઃ આદર્શ રેલભાડા માટે કાયદો ઘડાશે. રેલવેમાં વિકાસ માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કરાશે. ૨૦૩૦ સુધીમાં રેલવેમાં રૂપિયા ૫૦ લાખ કરોડના રોકાણની આવશ્યકતા. મેટ્રોની ૩૦૦ કિલોમીટરની પરિયોજનાઓને મંજૂરી. જાહેર પરિવહન માટે રાષ્ટ્રીય પરિવહન કાર્ડનું એલાન.

મોંઘું શું થયું?ઃ પેટ્રોલ-ડીઝલ ૨.૫૦ રૂપિયા મોંઘા • સિગારેટ, હુક્કા, ચાવવાની તમાકુ • સોનું-ચાંદી • આયાતી કાર • સ્પ્લિટ એરકન્ડિશનર • લાઉડ સ્પીકર • ડિજિટલ વીડિયો રેકોર્ડર • સીસીટીવી કેમેરા • આયાતી પ્લાસ્ટિક • સાબુ બનાવવાનું રો મટીરિયલ • વિનાઇલ ફ્લોરિંગ • સ્ટેનલેસ સ્ટીલનાં આયાતી ઉત્પાદન • આયાતી ઓટો પાર્ટ્સ • માર્બલ સ્લેબ • ફર્નિચરના માઉન્ટિંગ • ઇમ્પોર્ટેડ પુસ્તકો • ન્યૂઝપ્રિન્ટ અને અખબારો તથા મેગેઝિન માટેના કાગળ

સસ્તું શું થયું?ઃ ઇલેક્ટ્રિક વાહનના સ્પેરપાર્ટ્સ • કેમેરા મોડયૂલ અને મોબાઇલ ફોનના ચાર્જર • સેટટોપ બોક્સ • ભારતમાં ઉત્પાદન ન થતું હોય તેવાં સંરક્ષણ સાધનો • ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સિઝ • ઇલેક્ટ્રિક વાહનો

બજેટ ન્યૂ ઇન્ડિયાના નિર્માણનો દસ્તાવેજઃ વડા પ્રધાન

નાણાં પ્રધાન નિર્મલા સીતારમને જારી કરેલા બજેટને ન્યૂ ઇંડિયાના નિર્માણનો દસ્તાવેજ ગણાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે આ બજેટથી ગરીબ અને યુવાઓ વધુ સશક્ત બનશે. આ બજેટ નાગરિકોનું જીવન બહેતર બનાવવાની સાથે સાથે ગામડાના ગરીબોના કલ્યાણમાં પણ મદદ કરશે. તો ટેક્સ વ્યવસ્થામાં પણ સરળતા આવશે. આજે લોકોના જીવનમાં નવી આશાઓ અને અપેક્ષાઓ છે. આ બજેટ દેશને વિશ્વાસ અપાવનારું છે કે તેમની જે પણ આશાઓ છે તેને પૂરી કરાશે. મોદીએ દાવો કર્યો હતો કે આ એક ગ્રીન બજેટ છે જેમાં પર્યાવરણ, ઇલેક્ટ્રિક મોબિલિટી અને સૌર ક્ષેત્ર પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. વડા પ્રધાને કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં દેશ નિરાશાને પાછળ છોડી ચૂક્યો છે. આજે દેશ આશાઓ અને આત્મવિશ્વાસથી ભરેલો છે. સરકાર ગરીબો, ખેડૂતો, દલિતો, વંચીતો, શોષિતો, પીડિતોને સશક્ત કરવા માટે આ બજેટ લઇને આવી છે, ચારેય તરફથી આ અંગે પગલા લેવામાં આવી રહ્યા છે. વડા પ્રધાને કહ્યું કે આગામી પાંચ વર્ષમાં આ જ સશક્તિકરણ વિકાસનું પાવર હાઉસ બનશે. ૫૦૦૦ બિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના સપનાને સાકાર કરવાની ઉર્જા દેશના આ જ પાવરહાઉસથી મળશે. આ બજેટ દેશના વિકાસમાં મહિલાઓને વધુ ભાગીદાર બનાવનારું છે. આ બજેટ નવા ભારતનું નિર્માણ કરવાનો દસ્તાવેજ છે.

રૂપિયો ક્યાંથી આવશે?
૧૯ જીએસટી
૮ એક્સાઈઝ ડ્યૂટી
૪ કસ્ટમ ડ્યૂટી
૧૬ ઇન્કમ ટેક્સ
૯ નોન ટેક્સ રેવન્યુ
૩ નોન ડેબ્ટ કેપિટલ રીસિપ્ટ
૨૦ ઉધાર અને અન્ય દેણા
૨૧ કોર્પોરેશન ટેક્સ

રૂપિયા ક્યાં જશે?
૧૮ વ્યાજની ચૂકવણી
૯ સંરક્ષણ
૮ સબસીડી
૭ ફાયનાન્સ કંપની
૧૩ સેન્ટ્રલ સ્કિમ
૯ કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ
૮ અન્ય ખર્ચા
૫ પેન્શન
૨૩ ટેક્સ ડ્યુટીમાં રાજ્યનો હિસ્સો


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter