નવી દિલ્હીઃ છેલ્લા બે દસકામાં વૈશ્વિક સ્તરે અનેક સમીકરણો રચાયા છે, બદલાયા છે પરંતુ ભારત અને રશિયા વચ્ચેની મૈત્રી વધુને વધુ મજબૂત થતી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મિત્ર દેશ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને કહેલા આ શબ્દો ખોખલા નહોતા. બન્ને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો સમયની કસોટી પર સો ટચના સોના જેવા સાબિત થયા છે. આ જ કારણ હતું કે પુતિનનો ભારતપ્રવાસ માત્ર છ કલાકનો હતો, પરંતુ દુનિયાભરની નજર હતી. તો રશિયન પ્રમુખની આ મુલાકાતથી અમેરિકા, ચીન અને પાકિસ્તાનના પેટમાં તેલ રેડાવું પણ સ્વાભાવિક હતું.
કોરોના મહામારી અને યુક્રેન સાથે ઘર્ષણના કટોકટીના સમયમાં પણ રશિયન પ્રમુખ પુતિને સોમવારે ભારતપ્રવાસે પહોંચ્યા હતા અને વડા પ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા પછી સોમવારે રાત્રે જ રશિયા પરત ફર્યા હતા. તેમના આ પ્રવાસમાં ભારતે ચાર સંરક્ષણ સોદાઓ પર કરાર કર્યા છે.
કોરોના કાળના લગભગ બે વર્ષના સમયમાં પુતિને કોઈ પણ દેશ સાથે દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લીધો નહોતો. આ સંજોગોમાં ભારતનો પ્રવાસ બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધો માટે સંકેત છે.
પ્રમુખ પુતિન અને વડા પ્રધાન મોદીએ હૈદરાબાદ હાઉસમાં અનેક આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ, પ્રાદેશિક સમસ્યાઓ તેમજ દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાતચીત કરી હતી. મોદીએ પુતિનને આવકારતા કહ્યું હતું કે, કોરોનાના અનેક પડકારો છતાં ભારત અને રશિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો તેમજ વ્યૂહાત્મક ભાગીદારીમાં કોઈ ફરક પડયો નથી. બંને નેતાઓએ અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન સહિત પ્રાદેશિક પ્રશ્નોની ચર્ચા કરી હતી.
મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચે પરસ્પર સહયોગ મહત્ત્વનો રહ્યો છે. અફઘાનિસ્તાન સહિત અનેક પ્રાદેશિક મુદ્દા પર અમે એકબીજાનાં સંપર્કમાં છીએ. બંને દેશનાં પ્રધાનોએ ટુ-પ્લસ-ટુ મંત્રણામાં સહયોગ વધારવા પર ભાર મૂક્યો છે.
વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે રશિયન પ્રમુખના ભારત પ્રવાસે બતાવી દીધું છે કે ભારત સાથેની તેમની મિત્રતા સૌથી મહત્વની છે. તો રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતને એક ખૂબ જ મહાન શક્તિ, એક મિત્ર દેશ અને સમયની કસોટી પર સાથ આપનાર મિત્ર ગણાવ્યું છે. તેમણે વડા પ્રધાન મોદી સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી તથા આતંકવાદ, કેફી પદાથોની હેરાફેરી અને સંગઠિત અપરાધ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ભારત-રશિયાના નેતાઓ વચ્ચેની આ બેઠક ૨૧મી વાર્ષિક ભારત–રશિયા સમિટ અન્વયે યોજાઇ હતી. પુતિનની ટૂંકી મુલાકાતમાં કેટલાક મહત્વનાં કરારો કરાયા હતા. જોકે આખી દુનિયાની નજર એસ-૫૦૦ મિસાઈલ્સનાં સંભવિત સોદા પર હતી. આ અંગે કોઇ જાહેરાત તો થઇ નથી, પરંતુ નિષ્ણાતો માને છે કે આ મુદ્દા અંગે પણ ચર્ચા તો અવશ્ય થઇ જ હશે.
૮૦ બિલિયન ડોલરનો બૂસ્ટર ડોઝ
વડા પ્રધાન મોદીએ કહ્યું કે મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ કોર ડેવલપમેન્ટ તેમજ સંયુક્ત ઉત્પાદનને કારણે બંને દેશો વચ્ચેનો સંરક્ષણ સહયોગ વધુ મજબૂત બન્યો છે. આર્થિક સંબંધોને આગળ વધારવા દીર્ઘદૃષ્ટિ અપનાવી રહ્યા છીએ. અમે ૨૦૨૫ સુધીમાં ૩૦ બિલિયન ડોલરનો વેપાર વધારવા તેમજ ૫૦ બિલિયન ડોલરનાં રોકાણનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
ભારત મહાશક્તિ, વિશ્વાસુ મિત્ર
પ્રમુખ પુતિને કહ્યું હતું કે ભારત અમારું જૂનું અને વિશ્વાસુ મિત્ર છે. અમે તેને એક મહાન શક્તિ તરીકે જોઈએ છીએ. આ વર્ષે બંને દેશો વચ્ચેનો વેપાર વધ્યો છે. મને ભારત આવીને ઘણો આનંદ થયો છે. ભવિષ્યમાં પણ અમે અનેક ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરતા રહેશું. ગયા વર્ષે બંને દેશો વચ્ચે વેપારમાં ૧૭ ટકાનો ઘટાડો થયો હતો, પણ આ વર્ષે નવ જ મહિનામાં તેમાં ૩૮ ટકાનો વધારો થયો છે. ભારતનાં અંતરિક્ષ યાત્રીઓને તાલીમ સહિત અનેક મુદ્દે સહયોગ છે.
પુતિને કહ્યું કે હાલ રશિયામાંથી ભારતમાં થોડુંઘણું રોકાણ આવી રહ્યું છે. જેના કારણે પરસ્પર રોકાણ ૩૮ બિલિયન ડોલર પર પહોંચ્યું છે. અમે લશ્કર તેમજ ટેકનિકલ ક્ષેત્રોમાં જેટલો સહયોગ કરી રહ્યા છીએ તેટલો સહયોગ અન્ય કોઈ દેશ કરી શકે નહીં.
આતંકવાદ સામે જંગ માટે નજર
રશિયન પ્રમુખે કહ્યું કે બંને દેશો હવે આતંકવાદ સાથે સંબંધ છે તેવી બાબતો પર ખાસ નજર રાખી રહ્યા છે. આતંકવાદ સામેનો જંગ એટલે ડ્રગ્સનું સ્મગલિંગ રોકવું અને સામૂહિક અપરાધો સામે લડવું. પુતિને અફઘાનિસ્તાનના ઘટનાક્રમ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં ઉભા થનાર કોઇ પડકારનો સામનો ભારત અને રશિયા સાથે મળીને કરશે.