ઢાકાઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની આઝાદીના સુવર્ણ જયંતી સમારોહમાં ભાગ લઈને સ્વદેશ પરત ફર્યા તે સાથે જ ધર્માંધ કટ્ટરવાદીઓ હિન્દુ સમુદાય અને ધર્મસ્થાનોને નિશાન બનાવીને ફરી વળ્યા હતા. ઢાકા, ચટગાંવ, બ્રાહ્મઢાકા, ચિત્તગોંગમાં છેલ્લા કેટલાય દિવસોથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તતી હતી. કટ્ટરવાદીઓ વડા પ્રધાન મોદીની મુલાકાત સામે વાંધો ઉઠાવીને ગુરુવારથી વિરોધ પ્રદર્શનો કરી રહ્યા હતા, જે રવિવારે હિંસક તોફાનોમાં પરિણમ્યા હતા.
રવિવારે કટ્ટરવાદીઓએ ઢાકા, ચટગાંવ અને બ્રાહ્મણબારિયા ખાતે મંદિરોને નિશાન બનાવીને હુમલા કર્યા હતા. અનેક મંદિરોમાં તોડફોડ કરી હતી. તે ઉપરાંત ઢાકા અને ચટગાંવમાં રસ્તા રોકીને વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. કેટલાક સ્થળોએ સરકારી સંપત્તિઓને પણ ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. બ્રાહ્મણબારિયામાં મંદિરોને, લઘુમતીઓની દુકાનોને, મકાનોને, સરકારી કચેરીઓનો ટાર્ગેટ કરીને તોડફોડ કરાઈ હતી. આ ઉપરાંત હિફાઝત - એ - ઈસ્લામ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા ટ્રેનને આગ ચાંપવામાં આવતા ૧૦ લોકો દાઝયા હતા. હાલમાં અનેક શહેરોમાં અજંપાભરી સ્થિતિ છે.
હસીના સરકારે દેશની આઝાદીમાં ભારતના યોગદાનને બિરદાવવા સુવર્ણ જયંતી સમારોહમાં વડા પ્રધાન મોદીને આમંત્રણ આપ્યું હતું. પરંતુ ધર્માંધ જૂથોના કટ્ટરવાદે સરકારના પ્રયાસો પર પાણી ફેરવી દેવા પ્રયાસ કર્યો હતો.
પોલીસે ગોળીબાર કરવો પડયો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કટ્ટરવાદીઓ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો હતો કે, ભારતમાં એક તરફ લઘુમતીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે અને બીજી તરફ, આ જ દેશના નેતાને બાંગ્લાદેશની આઝાદીના ૫૦ વર્ષની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા હતા. અનેક શહેરોમાં તોફાનીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસે તોફાનીઓને ભગાડવા ક્યાંક ટિયરગેસના સેલ છોડયા હતા તો ક્યાંક હવામાં ફાયરિંગ કરીને તોફાનીઓને ખદેડ્યા હતા. કેટલાક વિસ્તારોમાં તોફાનીઓ અને પોલીસ વચ્ચે સીધી અથડામણ થઈ હતી જેમાં ૧૧ લોકોનાં મોત થયાના અહેવાલ છે.
ભડકે બળી રહ્યો છે લઘુમતીઓનો વિસ્તાર
સ્થાનિક પત્રકારે પોતાનું નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે, કટ્ટરવાદીઓ દ્વારા કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડવામાં આવી રહ્યા છે. તેઓ ચિત્તાગોંગ અને ઢાકાના રસ્તાઓ ઉપર હિંસા ફેલાવી રહ્યા છે. લઘુમતીઓના વિસ્તારમાં ઘૂસીને તોડફોડ કરી રહ્યા છે. લઘુમતીઓના વિસ્તારો ભડકે બળી રહ્યા છે. પોલીસે તેમને કાબૂ કરવા ટિયરગેસ અને રબર બુલેટનો મારો ચલાવ્યો પણ સામે તેઓ પથ્થરબાજી કરી રહ્યા છે.
રવિવારે હિફાઝત-એ-ઈસ્લામ નામના એક કટ્ટરવાદી જૂથના કાર્યકર્તાઓએ બ્રાહ્મણબારિયામાં ટ્રેનને આગ ચાંપી હતી. તોફાનીઓએ એન્જિન રૂમમાં તોડફોડ કરી, ટ્રેનના તમામ કોચમાં તોડફોડ કરી અને કેટલાક કોચને આગ ચાંપી હતી. આ ઘટનામાં ૧૦ લોકોને ઈજા થઈ હતી. તે ઉપરાંત સરકારી કચેરીઓમાં તોડફોડ અને હિંસા કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત રાજશાહી અને નારાયણગંજ વિસ્તારમાં બે બસોને આગ ચાંપવામાં આવી હતી અને સરકારી વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી.
પ્રેસ ક્લબ ઉપર હુમલો
સ્થાનિક પત્રકાર જાવેદ રહિમે જણાવ્યું હતું કે, તોફાની ટોળાં નિરંકુશ થઈને રસ્તા ઉપર ફરતા હતા અને તોડફોડ કરતા હતા. બ્રાહ્મણબારિયામાં તોફાનીઓએ આતંક ફેલાવ્યો હતો. મંદિરો તોડવા ઉપરાંત સરકારી કચેરીઓમાં પણ આગચંપી કરી હતી. તે સિવાય પ્રેસ ક્લબમાં પણ વ્યાપક પ્રમાણમાં તોડફોડ કરી હતી. લોકો ખૂબ જ ડરી ગયા છે અને ભયમાં ઘરમાં પુરાઈ રહ્યા છે. પોલીસ અને તોફાની વચ્ચે ઘર્ષણ વધી ગયું છે અને ત્રણ દિવસથી ચાલી રહેલી આ હિંસામાં ઘણા લોકોને ઈજા થઈ છે.
ભારત-બાંગ્લાદેશ વચ્ચે પાંચ કરાર
બાંગ્લાદેશની બે દિવસની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બીજા દિવસે બાંગ્લાદેશના તેમના સમકક્ષ શેખ હસીના સાથે બેઠક યોજીને બંને દેશ વચ્ચે કનેક્ટિવિટી, એનર્જી, ટ્રેડ, હેલ્થ અને વિકાસમાં સધાયેલી પ્રગતિ પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દ્વિપક્ષીય સહકારના વિવિધ સેક્ટરમાં પાંચ સમજૂતી કરાર (એમઓયુ) કરાયાં હતાં.
પહેલાં વડા પ્રધાન મોદીએ શેખ હસીના સાથે વન-ટુ-વન મંત્રણા કરી હતી. ત્યારબાદ બંને દેશના પ્રતિનિધિ મંડળો વચ્ચે એક કલાકથી વધુ સમય સુધી બેઠક યોજાઇ હતી. બેઠકમાં બંને દેશ વચ્ચે કનેક્ટિવિટી, કોમર્સ, ઇન્ફર્મેશન ટેકનોલોજી અને સ્પોર્ટ્સ ક્ષેત્રમાં એમઓયુ કરાયાં હતાં.
પડોશી મિત્રને ભારતની ભેટ
આ પ્રસંગે વડા પ્રધાન મોદીએ બાંગ્લાદેશને ૧૦૯ એમ્બ્યુલન્સ વાન અને કોરોના વેક્સિનના ૧૨ લાખ ડોઝ ભેટમાં આપ્યાં હતાં. બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ વડા પ્રધાન મોદીને બંગબંધુ શેખ મુજીબૂર રહેમાનની ૧૦૦મી જન્મજયંતીની સ્મૃતિમાં જારી કરાયેલા સોના અને ચાંદીના સિકકા ભેટમાં આપ્યાં હતાં. બંને નેતાઓએ કેટલાંક પ્રોજેક્ટનું વર્ચ્યુઅલી ઉદ્દઘાટન કર્યું હતું.
ભારત-બાંગ્લાદેશ ઇચ્છે છે સ્થિરતા-પ્રેમ-શાંતિ
આ પહેલાં ગોપાલગંજના ઓરાકાન્ડી ખાતે આવેલા મતુઆ સમુદાયના આધ્યાત્મિક ગુરુ હરિચંદ ઠાકુરના જન્મ સ્થળ ખાતેના મંદિરની મુલાકાત લઇ સંબોધન કરતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને બાંગ્લાદેશ વિશ્વમાં અસ્થિરતા, આતંકવાદ અને અંધાધૂંધીના સ્થાને સ્થિરતા, પ્રેમ અને શાંતિ ઇચ્છે છે. બંને દેશ પોતાના વિકાસની સાથે સાથે વિશ્વનો વિકાસ પણ ઇચ્છે છે.
વડા પ્રધાને કહ્યું હતું કે ઓરાકાન્ડી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના આધ્યાત્મિક સંબંધનું યાત્રાધામ છે. હું ઘણા વર્ષોથી અહીં આવવા ઇચ્છતો હતો. ભારતમાંના મતુઆ સમુદાયના લોકો અહીં આવીને જે અનુભૂતિ કરે છે તે જ અનુભૂતિ મને થઇ રહી છે. વડા પ્રધાન મોદીએ અહીં એક ગર્લ્સ સ્કૂલ અને એક પ્રાયમરી સ્કૂલ ખોલવાની જાહેરાત કરી હતી.