ઢાકાઃ બાંગ્લાદેશ વિદ્યાર્થીઓને આગળ રાખીને કરાયેલા હુમલાઓમાં અનેક હિંદુ અને આદિવાસોને ટારગેટ કરવામાં આવ્યા છે. શનિવારે હિંદુ બંગાળી અને આદિવાસી સમાજે ઢાકા, શરીયતપુર અને અન્ય શહેરોમાં રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. શેખ હસીનાની હકાલપટ્ટી બાદ હિંદુઓના ઘર અને દુકાનો પર કટ્ટરપંથીઓએ હુમલા કર્યા હતા. હસીનાની આવામી લીગની વિરોધી પાર્ટી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીને બાંગ્લાદેશમાં હિંદુઓ, બૌદ્ધો, આદિવાસી સમુદાયો અને અન્ય લઘુમતી જૂથોની વિરોધી તરીકે જોવામાં આવે છે.
રાજધાની ઢાકામાં હિંદુ બંગાળી પ્રદર્શનકારીઓએ, ‘તમે કોણ છો? હિંદુ... હિંદુ...’ અને ‘તમે કોણ છો? બંગાળી.. બંગાળી..’ જેવા નારા લગાવ્યા હતા. મુંડા, સંથાલ અને ઓરાઓન સમુદાયોના આદિવાસી નેતાઓએ બાંગ્લાદેશી ન્યૂઝ ચેનલોને જણાવ્યું હતું કે, તેઓ ભયના વાતાવરણમાં જીવી રહ્યાં છે. વિરોધના પરિણામે સમુદાયના કેટલાક સભ્યોના ઘરો અને બિઝનેસ પર હુમલાઓની સાથે લૂંટફાટ કરવામાં આવી હતી.
શેખ હસીના સરકારના પતન પછી હિન્દુ સમાજ પર થઈ રહેલા હિંસક હુમલા, આંગ ચાપવાની અને લૂંટની ઘટનાઓ સામે હિન્દુઓ મોટાપાયે રાજધાની ઢાકામાં માર્ગો પર ઉતર્યા હતા. હિન્દુ સંગઠન હિંદુ જાગરણ મંચ સહિત અનેક સંગઠનો મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં હજારો હિન્દુઓએ એકત્ર થઈને હિંસા સામે અવાજ ઉઠાવ્યો છે.
હિન્દુઓની ચાર માગણી
મોટી સંખ્યામાં એકત્ર થયેલી ભીડે નવી રચાયેલી સરકાર સામે ચાર માંગણી કરી હતી. જેમાં લઘુમતી મંત્રાલયની સ્થાપના, લઘુમતી સુરક્ષા પંચની રચના, લઘુમતી સમાજ પરના હુમલા રોકવા માટે કડક કાયદો અને લઘુમતીઓ માટે સંસદમાં 10 ટકા બેઠક અનામત રાખવાનો સમાવેશ થતો હતો. લોકો એટલી મોટી સંખ્યામાં હતા કે શાહબાગ ચાર રસ્તા પર રસ્તો બિલકુલ બંધ થઈ ગયો હતો.
રેલીના આયોજકોએ તાજેતરમાં હિન્દુઓ પરના હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં દીનાજપુરમાં ચાર હિન્દુ ગામને આગ ચાંપવાનો મુદ્દો પણ સામેલ હતો. છેલ્લા કેટલાક મહિનાથી ચાલતી હિંસાને પગલે ઘણા હિન્દુઓ બેઘર બન્યા છે અને તેમણે સરહદી વિસ્તારોમાં આશરો લીધો છે
અને તેમની પર સતત હુમલાનો ભય સતાવી રહ્યો છે.
વિરોધ પ્રદર્શનમાં એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, ‘અમે આ જ દેશમાં જન્મ્યા છીએ. આ દેશ બધાંનો છે. હિન્દુઓ દેશ નહીં છોડે. અમારા પૂર્વજોની આ જન્મભૂમિ છે. અમે દેશ છોડીને નહીં જઈએ. ભલે અમે મરી જઈશું પણ પોતાની જન્મભૂમિ નહીં છોડીએ.’
હિન્દુઓની રેલીમાં આવેલા લોકોના હાથમાં સૂત્રો લખેલા કાગળ હતા. તેમાં જણાવ્યું હતું કે, ‘ધાર્મિક શિક્ષણની કોઈ જરૂર નથી. આપણે માનવતાનું શિક્ષણ મેળવવાનો પ્રયાસ કરીએ.’
અમેરિકામાં ભારતીય મૂળના અગ્રણી સાંસદોએ બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ સામેના સંકલિત હુમલાઓ રોકવા માટે યુએસના સીધા હસ્તક્ષેપની માંગણી કરીને જણાવ્યું હતું કે આ પ્રદેશમાં ધાર્મિક અસહિષ્ણુતા અને હિંસા દ્વારા ફેલાવવામાં આવતી અસ્થિરતા અમેરિકા કે તેના સાથી દેશોના હિતમાં નથી. હિંસાથી બચવા માટે હજારો બાંગ્લાદેશી હિન્દુઓ પાડોશી દેશ ભારતમાં હિજરત કરી રહ્યાં છે.
ભારતીય-અમેરિકન સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ કહ્યું હતું કે હિન્દુ વિરોધી હુમલાના વિશ્વસનીય પ્રત્યક્ષદર્શી અહેવાલો દર્શાવે છે કે મોટા પાયે હુમલા થઈ રહ્યાં છે, મિલકતોને નુકસાન પહોંચાડાઇ રહ્યું છે.