ઢાકાઃ બાંગ્લાદેશમાં શેખ હસીનાની અવામી લીગ સરકારના પતન પછી જાણે કટ્ટરવાદીઓએ સત્તા પર કબજો જમાવ્યો છે. છેલ્લા બે મહિનામાં હિન્દુઓ અને હિન્દુ મંદિરો પર 200થી વધુ હુમલા થયા છે. આ બધું ઓછું હોય તેમ હવે હિન્દુ ધર્મગુરુઓની ધરપકડનો સિલસિલો શરૂ થયો છે. વીતેલા સપ્તાહે ઇસ્કોનના બાંગ્લાદેશ ખાતેના વડા ચિન્મય ક્રિષ્ન દાસની ધરપકડ કરીને તેમની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધાયો છે. તો આ સપ્તાહે ઇસ્કોનના વધુ બે સાધુઓની વિનાકારણ ધરપકડ કરાઇ છે.
કાર્યવાહક યુનુસ સરકારે પણ જાણે કટ્ટરવાદીઓની શરણાગતિ સ્વીકારી લીધી હોય તેમ લઘુમતી સમુદાય પર થઇ રહેલા અત્યાચારો સામે આંખ આડા કાન કરી રહી છે.
પડોશી દેશમાં હિન્દુ સમુદાય પર થઇ રહેલા આ અત્યાચારો સામે માત્ર ભારત સરકારે જ નહીં, યુએસ, યુકે સહિતના દેશોએ પણ ચિંતાની લાગણી વ્યક્ત કરી છે.
બાંગ્લાદેશમાં ઇસ્કોનના 75થી વધુ મંદિર, 2 લાખથી વધુ સભ્ય
ઇસ્કોનના એક અનુયાયી સુજાને જણાવ્યું કે મંદિરમાં પૂજાઅર્ચના યથાવત્ છે પરંતુ બહુ નિયંત્રણો સાથે. તેમનું કહેવું છે કે ઇસ્કોનના અનુયાયીઓ તેમજ સંતોએ ભગવા કપડાંમાં મંદિરમાંથી બહાર નીકળવાનું બંધ કર્યું છે, હવે તેઓ સામાન્ય કપડાંમાં બહાર જઈ રહ્યા છે. ઈસ્કોન સાથે જોડાયેલા લોકો મંદિરની બહાર દૈનિક કાર્ય માટે સાધારણ કપડાંમાં બહાર નીકળી રહ્યાં છે કારણ કે તેમને ડર છે તેઓ ધાર્મિક પહેરીને બહાર નીકળશે તો તેઓને અનેકવિધ પ્રકારની ટિપ્પણીઓ અને હુમલાનો સામનો કરવો પડશે.
ઇસ્કોનના અનુયાયીઓનું કહેવું છે કે અમે ડરેલા છીએ અને એટલે જ કોઇ પણ સમસ્યાથી બચવા માટે અમે અમારી નિયમિત ગતિવિધિઓ સિવાય વધુ કઇ કરી રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં ઇસ્કોનના 75થી વધુ મંદિર છે. તેમના 60 હજાર ફૂલ ટાઇમ સભ્ય છે જ્યારે 2 લાખથી વધુ પ્રાઈમરી સભ્ય છે.
બીજી તરફ, છેલ્લા બે દિવસમાં બાંગ્લાદેશના ઇમિગ્રેશન અધિકારીઓએ જેસોર (પશ્ચિમી બાંગ્લાદેશ)માં બેનાપોલ ચેક પોસ્ટના માધ્યમથી ભારતમાં પ્રવેશ કરનારા ઈસ્કોનના 83 ભક્તોને પરત મોકલી દીધા છે.
1200થી વધુ પૂજારીઓ મંદિરમાં
બાંગ્લાદેશમાં જારી તણાવ વચ્ચે ઇસ્કોનના 1200થી વધુ પૂજારીઓ મંદિરમાં જ રહેવા માટે મજબૂર છે. બાંગ્લાદેશના ઇસ્કોનના હોદ્દેદારોએ કહ્યું કે અહીંની સ્થિતિથી સંગઠનના ટોચના નેતૃત્વને માહિતગાર કર્યા છે. તેમનું કહેવું છે કે કટ્ટરપંથી સંગઠનો દ્વારા પૂરા બાંગ્લાદેશમાં ઈસ્ક્રોન પર પ્રતિબંધની માંગ તેમજ મંદિરો પર થઇ રહેલા હુમલાને લઈને ચિંતા વધી છે. હુમલાની આશંકાને કારણે ઇસ્કોનના સંતોએ દેશમાં પોતાના કાર્યક્રમો સીમિત કર્યા છે.
ઇસ્કોનના વધુ બે સાધુની ધરપકડ
એક તરફ ચિન્મય ક્રિષ્ન દાસની મુક્તિના કોઇ અણસાર નથી ત્યાં ઇસ્કોનના વધુ બે સાધુની ધરપકડ થતાં હિન્દુઓમાં ભય સાથે ચિંતાનું મોજું ફરી વળ્યું છે તો કટ્ટરવાદીઓની હિંમત વધી છે. તેઓ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજીને ઇસ્કોન પર પ્રતિબંધની માગ કરી રહ્યા છે. ઈસ્કોન દ્વારા જણાવાયું છે કે શ્યામદાસ પ્રભુ તથા અન્ય એક સાધુની ધરપકડ કરાઇ છે. જ્યારે ચિન્મય પ્રભુ દાસના સેક્રેટરી પણ લાપતા હોવાના અહેવાલ છે. આ લોકોનો ગુનો ફક્ત એટલો જ હતો કે તેઓ જેલમાં કેદ આધ્યાત્મિક નેતા ચિન્મય કૃષ્ણદાસને મળવા ગયા હતા. શ્યામદાસ પ્રભુની ચટગાંવ પોલિસ દ્વારા કોઈપણ જાતને એરેસ્ટ વોરંટની બજવણી બાંગ્લાદેશમાં ઓગસ્ટે અવામી લીગની શેખ હસીના સરકારને ઉથલાવ્યા પછી થયેલા સત્તા પલટામાં કટ્ટરપંથીઓનાં હાથમાં સત્તાનું સૂકાન આવી ગયું છે તે પછી ત્યાં 50 જેટલા જિલ્લામાં હિન્દુ સમુદાય અને હિન્દુ મંદિરો પર 200 જેટલા હુમલા થયા છે.
17 લોકોના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ
બાંગ્લાદેશમાં હિન્દુઓ પરનો અત્યાચાર હજી બંધ થયો નથી. હવે બાંગ્લાદેશનાં નાણાકીય અધિકારીઓએ હિન્દુ સમુદાયને ટાર્ગેટ કર્યો છે અને ઈસ્કોન સાથે જોડાયેલા 17 લોકોનાં બેન્ક ખાતા ફ્રીઝ કરીને આર્થિક અત્યાચાર ગુજાર્યો છે. 17 લોકોનાં બેન્ક ખાતા હાલમાં એક મહિના માટે સ્થગિત કરાયા છે. જે ખાતાઓ ફ્રીઝ કરાયા છે તેમાં હિન્દુ સમુદાયનાં ચિન્મય કૃષ્ણ દાસનાં ખાતાનો પણ સમાવેશ થાય છે. બાંગ્લાદેશનાં નાણાકીય ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા 17 વ્યક્તિઓને તેમનાં બેન્ક ખાતાઓમાં લેવડદેવડ નહીં કરવા આદેશ આપ્યો હતો. અધિકારીઓએ 17 વ્યક્તિઓને ત્રણ દિવસમાં તેમનાં વ્યવસાયને લગતા બેન્ક ખાતાની વિગતો આપવા ફરમાન કર્યું છે.
ઉશ્કેરણી વિના મંદિરો પર હુમલા
શુક્રવારે બપોરની નમાજ પછી ચટગાંવમાં કોઈ જાતની ઉશ્કેરણી વિના 3 હિન્દુ મંદિરો પર હુમલા કરવામાં આવ્યા હતા અને મોટાપાયે તોડફોડ કરાઈ હતી. તોફાની ટોળા દ્વારા હિન્દુઓ વિરુદ્ધ તેમજ ઈસ્કોન વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા. હિન્દુઓને ટાર્ગેટ કરવા લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા.
હુમલાનો ભોગ બનેલા ત્રણ મંદિરોમાં શાંતનેશ્વરી માતૃ મંદિર, શોની મંદિર, તેમજ શાંતનેશ્વરી કાલીબાડી મંદિરનો સમાવેશ થાય છે. જે બાંગ્લાદેશનું સૌથી પ્રાચિન અને મોટું મંદિર છે. ભૈરવમાં પણ ઈસ્કોન મંદિર પર હુમલો કરાયો હતો. ખુલ્લેઆમ હિન્દુઓને રવાની અને કાપી નાંખવાની અપીલ કરાઈ હતી.
ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાની માગ
બાંગ્લાદેશ હાઈ કોર્ટે ભલે ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવાનો ઈન્કાર કર્યો, પણ કટ્ટરપંથીઓ તેમની માગ પડતી મૂકવા તૈયાર નથી. કટ્ટરપંથી જૂથોએ જુમ્માની નમાજ પછી ભારે ઉત્પાત મચાવ્યો હતો. શુક્રવારની નમાજ પછી લાખો મુસ્લિમોએ દેશભરની મસ્જિદોમાં દેખાવો કર્યા હતા. રાજધાની ઢાકા અને ચિત્તાગોંગમાં સૌથી મોટા દેખાવો થયા હતા. વિરોધીઓએ ઈસ્કોનને ‘હિન્દુ ઉગ્રવાદી સંગઠન’ અને ‘કટ્ટરવાદી અને રાષ્ટ્ર વિરોધી જૂથ’ ગણાવ્યું હતું અને સંગઠન પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી અને બાંગ્લાદેશની યુનુસ સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું. વિવાદ 26 નવેમ્બરે સર્જાયો હતો, ધાર્મિક કૃષ્ણદાસ બ્રહ્મચારીને કોર્ટમાં રજૂ કરાયા ત્યારે ચટગાંવમાં હિંસામાં વકીલ સૈફુલ ઈસ્લામ અલિફનું મોત થયું હતું. ધાર્મિક બાબતોના મંત્રી ખાલિદ હુસેને જણાવ્યું હતું કે વકીલની હત્યામાં સામેલ કોઈ પણને છોડવામાં આવશે નહીં.