ઢાકાઃ બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિન્દુઓ સામે એક સપ્તાહથી ભભૂકી હિંસાની જ્વાળા હજી પણ લપકારા મારી રહી છે. કમિલ્લામાં દુર્ગાપૂજા વેળા મંદિરો અને પંડાલો પર હુમલા કરીને તોડફોડ કરવાની અનેક ઘટના બની હતી, જેનો સિલસિલો હજુ ચાલુ જ છે. તોફાની ટોળાએ રવિવારે રાત્રે હિંદુઓનાં ૬૫ જેટલાં ઘરો સળગાવી દેવામાં આવ્યા હતાં. પીરગંજના રામનાથપુર યુનિયનમાં આ ઘટના બની હતી.
બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયને નિશાન બનાવીને થઇ રહેલી હિંસાને ભારત સરકારે આકરા શબ્દોમાં વખોડી કાઢી છે અને બાંગ્લાદેશ સરકારને તોફાની તત્વોને સખત હાથે ડામી દેવા અનુરોધ કર્યો છે. હિંસક ઘટનાઓની નિંદા કરતા બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાએ પણ ખાતરી આપી હતી કે આરોપી કોઈ પણ ધર્મનો હોય તેને બક્ષવામાં આવશે નહીં. બીજી તરફ, સ્થાનિક સત્તાધીશોએ હિંસક હુમલાની ઘટનામાં સંડોવાયેલા મનાતા ૪૦૦ લોકોના ટોળા સામે ગુનો નોંધ્યો છે.
પોલીસે દાવો કર્યો હતો કે કોઈ હિન્દુ દ્વારા ઇશનિંદા કરતી પોસ્ટ ફેસબૂક પર મૂકવામાં આવ્યા પછી આ હિંસા ભડકી હતી. તોફાનીઓ અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ થયું હતું. આ અગાઉ ૧૩ ઓક્ટોબરે મુસ્લિમોના પવિત્ર ધર્મગ્રંથ કુર્રાનનું અપમાન કરાયું હોવાના અને ઈશનિંદા કરાઈ હોવાની અફવાને પગલે કમિલ્લામાં દૂર્ગાપૂજાનાં પંડાલો અને હિન્દુ મંદિરો પર મોટા પાટે શ્રેણીબદ્ધ હુમલા કરીને ભારે તોડફોડ કરાઈ હતી. આ હિંસક ઘટનામાં ૪થી વધુનાં મોત થયાં અને કેટલાકને ઈજા થઈ હતી.
૨૦ મકાનો સંપૂર્ણ ખાક
લોકલ યુનિયન પરિષદનાં ચેરમેન મોહમ્મદ સાદીક ઉલ ઇસ્લામનાં જણાવ્યા મુજબ રવિવારની રાતની આગચંપીની ઘટનામાં ૬૫ મકાનો સળગાવાયાં હતાં, જે પૈકી ૨૦ મકાનો સંપૂર્ણપણે ખાક થઈ ગયાં હતાં. હુમલાખોરો જમાત-એ-ઈસ્લામી (જેઇઆઇ) અને તેની સ્ટુડન્ટ વિંગ ઇસ્લામી છાત્ર શિબિરનાં કાર્યકરો હોવાનું જાણવા મળે છે. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાની કે કોઈને ઈજા થઈ હોવાની માહિતી મળી નથી.
પંડાલો પર હુમલો પૂર્વયોજિતઃ ગૃહપ્રધાન
બાંગ્લાદેશનાં ગૃહ પ્રધાન અસદુઝમાન ખાને કહ્યું હતું કે, દુર્ગાપુજાના પંડાલો પરનાં હુમલા પૂર્વયોજિત છે. આ હુમલા એક કાવતરાંના ભાગરૂપે કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં જેઓ સંડોવાયેલા હશે તેમને આકરામાં આકરી સજા કરાશે.
બાંગ્લાદેશનાં સૂચના રાજ્યપ્રધાન મુરાદ હસને કહ્યું હતું કે, ઇસ્લામ એ દેશનો ધર્મ નથી. બાંગ્લાદેશ એક સેક્યુલર રાષ્ટ્ર છે. આપણે રાષ્ટ્રપતિ શેખ મુજીબૂર રહેમાને ઘડેલા બંધારણનો અમલ કરવાનો છે.
હિન્દુ સમુદાયમાં પ્રચંડ આક્રોશ
બાંગ્લાદેશમાં દૂર્ગાપૂજા દરમિયાન ઢાકા સહિત અન્ય શહેરોમાં પંડાલો, હિન્દુ મંદિરો અને શ્રદ્વાળુઓ પર થયેલા જીવલેણ હુમલા સામે આક્રોશનું મોજું ફરી વળ્યું છે. પાટનગર ઢાકામાં સોમવારે સ્વામીબાગ આશ્રમ-ઇસ્કોનના નેતૃત્વમાં હિન્દુ સમુદાય, ધાર્મિક સંગઠનોના સભ્યો તેમજ ઢાકા યુનિવર્સિટીના સેંકડો વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન રેલી યોજી હતી. આશરે બે હજારથી વધુ લોકો આ રેલીમાં જોડાયા હતા, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. દેખાવકારોએ શાહબાગ ઇન્ટરસેક્શનને જામ કરી દીધો હતો અને ભારે સૂત્રોચ્ચાર કર્યા. તેમણે હુમલાની તપાસ માટે વિશેષ ટીમ બનાવવા તેમજ લઘુમતીઓ માટે અલાયદું મંત્રાલય, આયોગ બનાવવાની માગ કરી હતી. આ ઉપરાંત પીડિત પરિવારોને વળતરની સાથે ધરપકડ કરાયેલા તમામ હિન્દુઓને મુક્ત કરવાની તેમજ ક્ષતિગ્રસ્ત મંદિરો અને સંસ્થાનોના પુનનિર્માણ વગેરેની માંગ કરી હતી.
હિન્દુઓના ગામ નિશાન બનાવાયા
દેખાવો પહેલાં હિન્દુઓનાં ઘરોમાં આગચંપીની પણ અનેક ઘટનાઓ બની હતી. રંગપુર જિલ્લાના પીરગંજમાં સોશિયલ મીડિયા પોસ્ટના મુદ્દે કેટલાક લોકોએ હિન્દુઓનાં ઘરોમાં આગ ચાંપી દીધી હતી. જેમાં ૨૦ ઘર સાવ ખાક થઇ ગયાં છે. આ ઘટના પીરગંજમાં રામનાથપુર યુનિયનમાં રવિવારે સાંજે બની.
તો બાંગ્લાદેશ પર આક્રમણ કરોઃ સુબ્રમણ્યમ્ સ્વામી
ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, બાંગ્લાદેશમાં જો હુમલાનો સિલસિલો ના અટકે તો ભારતે આક્રમણ કરી દેવું જોઇએ. બાંગ્લાદેશમાં સોશિયલ મીડિયા પર કુર્રાનના કથિત અપમાનની અફવા ઊડી છે ત્યારથી મંદિરો પર હુમલા શરૂ થયા છે.
જેહાદીઓ ઘર બાળે છે ને...ઃ તસલીમા
બાંગ્લાદેશમાં લેખિકા તસલીમા નસરીને વડા પ્રધાન શેખ હસીના પર નિસાન સાધ્યું છે. કહ્યું કે, પીરગંજમાં જેહાદી હિન્દુઓનાં ઘર બાળીને રહ્યા છે. બીજી તરફ શેખ હસીના વાંસળી વગાડી રહ્યાં છે. હિન્દુઓ વિરુદ્વ અત્યાચાર, માનવતા વિરુદ્વ ગુનાખોરીના વિરોધમાં હિન્દુ અને ધર્મનિરપેક્ષ લોકો ચટગાંવના રસ્તા પર દેખાવો કરી રહ્યા છે.
હિન્દુઓ પર આઠ વર્ષમાં ૩૫૭૯ હુમલા
બાંગ્લાદેશના અગ્રણી અધિકારી જૂથ એનઓ સલીશ કેન્દ્રના રિપોર્ટ પ્રમાણે, જાન્યુઆરી ૨૦૧૩થી લઇને આ વર્ષ સપ્ટેમ્બર સુધી લઘુમતી હિન્દુ સમાજ પર ૩૫૭૯ હુમલા થયા છે. હિન્દુ મંદિરો, મૂર્તિઓ અને પૂજાસ્થળો પર તોડફાડ અને આગચંપીના પણ ઓછામાં ઓછા ૧૬૭૯ મામલા સામે આવ્યા છે. તેમાં કુલ ૧૧ હિન્દુ માર્યા ગયા છે.