નવી દિલ્હીઃ ભારતમાં લોકસભા ચૂંટણી જંગ આખરી તબક્કામાં પહોંચ્યો છે ત્યારે જ પાકિસ્તાનના બાલાકોટમાં થયેલી ભારતીય એર સ્ટ્રાઇક અંગે એક મહત્ત્વપૂર્ણ ખુલાસો થયો છે. એક વિદેશી મહિલા પત્રકારે આ એર સ્ટ્રાઇકમાં જૈશ-એ-મોહમ્મદના માર્યા ગયેલા આતંકીઓનો આંકડો જાહેર કર્યો છે. ઈટાલિયન પત્રકાર ફ્રેંસેસા મેરિનોના દાવા અનુસાર ૨૬ ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં ઇંડિયન એરફોર્સની એર સ્ટ્રાઇકમાં જૈશના ૧૭૦ આતંકીઓ માર્યા ગયા હતા જ્યારે ૪૫ આતંકીઓ ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્ત આતંકીઓને મુજાહિદ્દીન કેમ્પમાં લવાયા હતા અને હજુ પણ તેમની સારવાર ચાલી રહી છે. સારવાર દરમિયાન ૨૦ આતંકીઓના મૃત્યુ થયાં છે. મેરિનોના અહેવાલ અનુસાર, ભારતીય એર સ્ટ્રાઇકમાં માત્ર આતંકીઓ જ નહીં, પાકિસ્તાની સેનાના જવાનો પણ માર્યા ગયા હતા.
મેરિનોએ વેબસાઈટ સ્ટ્રિંગર પર પ્રસિદ્ધ કરેલા અહેવાલમાં દાવો કર્યો છે કે પાકિસ્તાને ઇંડિયન એરફોર્સની એર સ્ટ્રાઇક પર ઢાંકપિછોડો કરવા માટે આકાશપાતાળ એક કર્યા હતા, પરંતુ પાકિસ્તાનની કોઈ કારી ફાવી નહોતી. બાલાકોટમાં તે દિવસે જે કંઈ પણ બન્યું હતું તેની માહિતી મારા સૂત્રોએ મને પહોંચાડી હતી. વેબ-રિપોર્ટમાં મેરિનોએ લખ્યું છે કે બધાને ખબર છે કે ઇંડિયન એરફોર્સે મળસ્કે ૩.૩૦ કલાકે હુમલો કર્યો હતો. પાકિસ્તાની સેનાના સૌથી નજીકના કેમ્પ શિનકારીથી એક ટુકડી છેક સવારે ૬ વાગ્યે ત્યાં પહોંચી હતી. શિનકારી બાલાકોટથી ૨૦ કિલોમીટરના અંતરે આવેલું છે. શિનકારીમાં પાકિસ્તાની સેનાનો કેમ્પ આવેલો છે. પાકિસ્તાની સેનાની ટુકડીએ ત્યાં પહોંચીને ઘાયલ આતંકીઓને હરકત-ઉલ-મુજાહિદ્દીન કેમ્પમાં પહોંચાડયા હતા અને ત્યાં આર્મીના ડોક્ટરોએ તેમની સારવાર ચાલુ કરી હતી.
મીડિયા પર પ્રતિબંધ
મેરિનોએ એવો પણ દાવો કર્યો કે ભારતીય વાયુસેનાના હુમલાની ખબર લીક ન થઈ જાય તે માટે મીડિયા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પાકિસ્તાની આર્મીએ ઘાયલોને કેમ્પ બહાર લઇ જવાની પણ મનાઈ ફરમાવી દીધી હતી. માર્યા ગયેલા કેટલાક આતંકીઓ બોંબ બનાવવામા માહેર હતા અને આતંકીઓને ટ્રેનિંગ આપતા હતા.
ઇજાગ્રસ્તો આર્મીના કબજામાં
ઈટાલિયન પત્રકારે વધુમાં જણાવ્યું છે કે જે આતંકવાદીઓની સારવાર ચાલી રહી છે તે તમામ પાકિસ્તાન આર્મીના કબજામાં છે. સ્થાનિક સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે હજુ પણ હરકત-ઉલ-મુજાહિદ્દીનના કેમ્પમાં ૪૫ આતંકીઓની સારવાર ચાલી રહી છે. સારવાર દરમિયાન ૨૦ આતંકીઓના મોત થયા છે. ભારતીય વાયુસેનાના હુમલામાં ૧૩૦થી ૧૭૦ આતંકીઓ માર્યા ગયા હતા તેમ કહેવાનું જરા પણ ખોટું નથી. આ હુમલામાં માર્યા ગયેલાઓમાં ૧૧ ટ્રેનર પણ હતા. આમાંથી બે ટ્રેનર અફઘાનિસ્તાનના હતા.
મૃતકોના પરિવારને વળતર
મેરિનોએ અહેવાલમાં એવો પણ દાવો કર્યો કે હુમલા બાદ જીવિત બચેલા આતંકીઓ મૃત આતંકીઓના ઘેર પહોંચ્યા હતા અને તેમના પરિવારજનોને રોકડ સહાય આપી હતી. બાલાકોટ કેમ્પના નીચલા ભાગે બ્લૂ પાઈન હોટલ છે. તેની નજીક એક નવું બોર્ડ લગાડવામાં આવ્યું છે અને તેના પર તાલીમ-ઉલ-કુરાન એમ લખેલું છે. જૈશ-એ-મોહમ્મદના કેમ્પ પર હજુ પણ પાકિસ્તાની આર્મીનો કબજો છે. કેપ્ટન રેન્કના એક અધિકારીને અહીંની જવાબદારી સોંપાઇ છે.
પોલીસને પણ મંજૂરી નથી
મેરિનોએ લખ્યું છે કે ભારતીય હુમલા બાદ સ્થાનિક નાગરિકોની વાત તો બાજુએ રહી, પરંતુ પોલીસને પણ કેમ્પમાં જવાની મંજૂરી નહોતી. લોકો એવી ચર્ચા કરી રહ્યાં છે કે હુમલા બાદ કેમ્પમાંથી માલસામાન કાઢીને કુન્હાર નદીમાં ફેંકી દેવાયો હતો. જૈશના આતંકીઓ હુમલાનો બદલો લેવાની પણ વાત કરતા હતા.