લંડન, નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસના અવસરે ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા ડો. વિજય જૌલી દ્વારા કોરોના વાઈરસ મહામારી સંદર્ભે બિનનિવાસી ભારતીય અગ્રણીઓના ઐતિહાસિક વીડિયો સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ૩૨ દેશના મૂળ ભારતીય અગ્રણીઓએ ૩ કલાક ૨૦ મિનિટ ચાલેલી દીર્ઘ વીડિયો કોન્ફરન્સ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકનો આરંભ ભારતીય સમય અનુસાર સવારના ૯.૦૦ કલાકે થયો હતો અને બપોરના ૧૨.૩૦ કલાકે તેનું સમાપન થયું હતું. આ લાઈવ શોનું સફળ આયોજન ભાજપ ઓવરસીઝ એફેર્સના પૂર્વ વૈશ્વિક કન્વીનર, દિલ્હી સ્ટડી ગ્રૂપના અધ્યક્ષ અને દિલ્હીના પૂર્વ વિધાયક ડો. વિજય જૌલી દ્વારા ભારતના તેમના દક્ષિણ દિલ્હીના નિવાસ ખાતેથી કરવામાં આવ્યું હતું.
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ પ્રકારના અનોખા પ્રથમ NRI (ભારતવંશી સંવાદ) ઐતિહાસિક આયોજનમાં ડો. જોલી ઉપરાંત, ભારતના રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના વરિષ્ઠ પ્રચારક રામ લાલજી, લંડનના વરિષ્ઠ પત્રકાર અને ગુજરાત સમાચાર- એશિયન વોઈસના તંત્રી સી.બી. પટેલ, નાઈરોબી-કેન્યાથી પૂર્વ સાંસદ સુશ્રી સોનિયા કોર બિર્ડી અને દુબઈથી પ્રવાસી ભારતીય સમ્માનના વિજેતા ગિરિશ પંત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના આરંભે ડો. જોલીએ તમામ આમંત્રિતોનું સ્વાગત કર્યું હતું અને કોરોના વાઈરસ મહામારીમાં સમગ્ર વિશ્વમાં ૨,૩૩,૮૩૦ લોકોના મૃત્યુ થવાથી એક મિનિટનું મૌન પાળીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ડો. જોલીએ કોરોના કટોકટીના કપરા કાળમાં ૧૩૫ કરોડની ગીચ વસ્તી ધરાવતા ભારતને સફળતાપૂર્વક માર્ગદર્શન આપવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ પ્રેરણા આપી કર્મશીલતા દાખવી તે બદલ તેઓને બિરદાવ્યા હતા.
ભાજપના નેતા ડો. જોલીએ કહ્યું હતું કે વર્તમાન આરોગ્ય કટોકટીમાં સાર્ક અને જી-૨૦ દેશોના નેતાઓ સાથે ચર્ચામાં વડા પ્રધાન મોદીએ સક્રિય ભૂમિકા ભજવી છે જેનાથી, ભારત અને ભારતવંશીઓ ગૌરવાન્વિત થયા છે. દેશમાં સંપૂર્ણ લોકડાઉન, તાળીઓના ગડગડાટ અને દીવડા પ્રગટાવી કોરોના વોરિયર્સ પ્રત્યે સન્માન અને આદર વ્યક્ત કરવા તેમજ ગરીબોને નિ-શુલ્ક ભોજન અને આર્થિક સહાયતા કરવાના પગલાંને બિનનિવાસી ભારતીયોએ વડા પ્રધાન મોદીને ‘થમ્સ અપ યુ પીએમ મોદી’ કહેવા સાથે વધાવી લીધા હતા અને સમર્થન વ્યક્ત કર્યું હતું.
આ કપરા સમયમાં ભારતે માનવતાના આધારે પહેલ કરી વિદેશમાં વસતા બિનનિવાસી ભારતીયોની સુરક્ષા અને સકુશલતાની ચિંતા દાખવી તેનાથી પણ તેઓ ખુશ થયા હતા.
RSSના વરિષ્ઠ પ્રચારક રામ લાલજીએ સર સંઘચાલક મોહન રાવ ભાગવતના તાજેતરના પ્રવચન તરફ ધ્યાન દોર્યું હતું જેમાં તેઓએ નકારાત્મક વલણ છોડવા, સમાજકલ્યાણના સેવાભાવી અભિગમ સાથે ગરીબો માટે અથાક કાર્ય કરવા તેમજ વિવિધ ધર્મો અને સંપ્રદાયોને માનતા ભારતના ૧૩૫ કરોડ નાગરિકો સાથે સમાનતા અને ભાઈચારાપૂર્ણ વ્યવહાર કરવા હાકલ કરી હતી.
સંઘ પ્રચારક રામ લાલે એમ પણ કહ્યું હતું કે કોરોના મહામારીના આરંભે જ ચીને અન્ય દેશોને મહત્ત્વપૂર્ણ માહિતીમાં સહભાગી ન બનાવ્યા તે ઘોર આપરાધિક કૃત્ય છે. આના પરિણામે, કોરોના સમગ્ર વિશ્વમાં અકલ્પનીય રીતે ફેલાઈ ગયો. પરંતુ, ભારતમાં જમાતના અસહકારના કારણે વધુ મુશ્કેલી સર્જાઈ અને કોરોના કેસીસનો વધુ પ્રસાર થયો. ખાસ કરીને તેના દ્વારા માનવ સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં લીધાં વિના મસ્જિદોમાં સામૂહિક નમાજ અદા કરવાનો દુરાગ્રહ ધરાવીને સેંકડો પરિવારોને જોખમમાં મૂકી દીધા હતા.
રામ લાલે વધુમાં જણાવ્યું હતું કે આવી મહામારીઓ ધર્મો અને ધર્મોના અવરોધો વિશે વિચારતી નથી. ગ્રામ્ય ભારતને સલામ કરતા તેમણે વિશેષતઃ નિરક્ષરતા, ગરીબી અને વિકસિત નહિ હોવા છતાં ભારતીય ગ્રામીણોએ કોરોના સામે લડવામાં અનુશાસન દર્શાવ્યું હોવાનું જણાવ્યું હતું. સંઘના પદાધિકારીએ તેમના ટુંકા પરંતુ, ચોટદાર સંબોધનમાં કોરોના સામે લડવામાં વડા પ્રધાન મોદી અને તેમના મજબૂત નિર્ધારની સરાહના કરી હતી.
રાજકીય વિશ્લેષક અને દિલ્હી સ્ટડી ગ્રૂપના પ્રમુખ ડો. વિજય જોલીએ કહ્યું હતું કે બધા નેતાએ વડા પ્રધાન મોદીનું અભિવાદન ‘જય હિંદ’ અને ‘નમસ્કાર’ સાથે કર્યું છે. ડો. જોલીએ યુએસએના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમજ બ્રિટિશ તાજના વારસદાર પ્રિન્સ ચાર્લ્સનું ઉદાહરણ આપ્યું હતું.
આ સંવાદમાં અનેક દેશોના અગ્રણીઓએ ભાગ લીધો હતો જેમાં, આયેશા અમજદ (ઓસ્ટ્રેલિયા), નવીન કોહલી (બેલારુસ), જામનુ (બ્રૂનેઈ), સરદાર જહાનદીપ ગુજરાલ (કેનેડા), ડો. સિરાજુદ્દીન (કમ્બોડિયા), સુશ્રી રિદ્ધિ દામોદર (ફિજી), અજય મિનોચા (જર્મની), સોહન ગોયેન્કા (હોંગ કોંગ), તેજપાલ જેશી (ઈટાલી), સુશ્રી સોનિયા કોર (ઈન્ડોનેશિયા), ડો. અરોન અબ્રાહમ (ઈઝરાયેલ), સંદીપ મૂડી (કઝાકિસ્તાન), વિમલ ચડ્ઢા, નારણ, અનીતા અને સોનિયા કોર બિર્ડી (કેન્યા), પ્રભાત ગુપ્તા (મલેશિયા), લાલજી કુરજી રામજી પટેલ (મોરેશિયસ), અરુણા ઝા (મકાઉ), પિયુષ વાજપેયી (માલ્ટા), અજય (નોર્વે), આકાશ રાવલ (ન્યૂ ઝીલેન્ડ), શર્મા (નાઈજિરિયા), રાજીવ ગુપ્તા (રશિયા), પુરુષોત્તમ ( સિંગાપોર), એ. બ્રહ્મભટ્ટ (સ્કોટલેન્ડ), શ્રીમતી શમા (દક્ષિણ આફ્રિકા), સુશ્રી સુનિતા (સુરિનામ), સી.બી. પટેલ અને આર. વ્યાસ (લંડન), પુનીત અહલુવાલિયા અને ડો. સંગીતા મલિક (યુએસએ), ગિરિશ પંત અને ઉમેશ અવત્રામણિ (દુબઈ), અશોક તેવારી (ઉઝબેકિસ્તાન), મુકેશ ગુપ્તા (યુક્રેન), અરવિંદ (યુગાન્ડા) અને તાજ મોહમ્મદ, (તાજિકીસ્તાન) તેમજ ભારતીય પત્રકારો, દિલ્હી સ્ટડી ગ્રૂપના સભ્યો, હિમાલયા પરિવાર, જેવીએમ અને એસોચેમના કારોબારી સભ્યોનો પણ સમાવેશ થયો હતો.
તમામ બિનનિવાસી ભારતીયોએ પોતાની કર્મભૂમિના દેશોને મજબૂત બનાવવાના તેમજ સમગ્ર વિશ્વમાં ભારતીય મૂલ્યો, ધરોહર, સંસ્કૃતિ અને મિત્રતાને પ્રોત્સાહન આપી મજબૂત બનાવવાના શપથ લીધા પછી વીડિયો સંવાદનું સમાપન કરાયું હતું.