પટનાઃ ભ્રષ્ટાચારના મુદ્દે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સાથે છેડો ફાડનાર મુખ્ય પ્રધાન નીતીશ કુમારની સરકારે અપેક્ષા મુજબ જ શુક્રવારે ગૃહમાં ભાજપના સમર્થનથી વિશ્વાસનો જીતી લીધો છે. આ સાથે જ લાલુ પ્રસાદ યાદવને વધુ એક ફટકો પડ્યો છે. નાટ્યાત્મક રાજકીય ઘટનાક્રમમાં એક તરફ જનતા દળ (યુ) અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) વચ્ચેના બિહારના મહાગઠબંધનનો ભોગ લેવાયો છે તો બીજી તરફ ભાજપ-જનતા દળ (યુ) યુતિએ નવેસરથી આકાર લીધો છે.
ઉલ્લેખનીય છે કે નીતીશ કુમારે આશ્ચર્યજનક પગલું ભરતાં બુધવારે સાંજે રાજ્યપાલને મળીને તેમની સરકારનું રાજીનામું આપી દીધું હતું. આ પછી તેમણે લાલુ પ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ સાથે છેડો ફાડીને ભાજપ સાથે જોડાણની જાહેરાત કરી હતી. અને બીજા દિવસે ગુરુવારે સવારે નવેસરથી રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. આ સમયે તેમની સાથે ભાજપના સુશીલ કુમાર મોદીએ નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. હવે નીતીશ-સુશીલની જોડીએ ગૃહમાં વિશ્વાસનો મત જીતી લીધો છે.