COP26 પછી વિશ્વે પહેલી વખત અર્થ ડેની ઉજવણી કરી છે ત્યારે ‘એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર’ દ્વારા રોયલ એર ફોર્સના સહયોગમાં ક્લાઈમેટ ચેઈન્જ કટોકટીના જોખમો, પડકારો અને પરિણામો સંદર્ભે ‘Be The Change’ની ચર્ચાશ્રેણીના બીજા ભાગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે ‘ક્લાઈમેટ ચેઈન્જ અને સસ્ટેનેબિલિટી’ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. હાઉસ ઓફ લોર્ડ્સમાં લોર્ડ રાજ લૂમ્બા CBEના યજમાનપદ હેઠળ 20 એપ્રિલે આયોજિત ચર્ચાસભાના પેનલિસ્ટ્સમાં એસેટ મેનેજમેન્ટના CEO, મીડિયા કોમેન્ટેટર, ઈન્ટરનેશનલ બેસ્ટ સેલિંગ લેખક અને ફિલાન્થ્રોપિસ્ટ અલ્પેશ પટેલ OBE, સસ્ટેનેબિલિટી નિષ્ણાત અને બોર્ન ફ્રી ફાઉન્ડેશન ખાતે સસ્ટેનેબલ પાર્ટનરશિપના પૂર્વ વડા હિતેશ પટેલ અને ખ્યાતનામ સ્ક્રીનરાઈટર, નાટ્યલેખક અને નોવેલિસ્ટ લાલિન પૌલનો સમાવેશ થયો હતો. ચર્ચાના મોડરેટર તરીકેની કામગીરી એવોર્ડવિજેતા પબ્લિસિસ્ટ અને લેખિકા સંગીતા વોલ્ડ્રોને નિભાવી હતી.
ઉમરાવો, કોમ્યુનિટી અને બિઝનેસ અગ્રણીઓ, નીતિ ઘડવૈયાઓ, પ્રોફેશનલ્સ, ક્લાઈમેટ કર્મશીલો અને ભારતીય કમિશનના પ્રતિનિધિઓ સહિત આમંત્રિતોને આવકારતા લોર્ડ રાજ લૂમ્બા CBEએ જણાવ્યું હતું કે,‘ક્લાઈમેટની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે અને સમય હાથમાંથી વહી જઈ રહ્યો છે તેમ કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી. ક્લાઈમેટ ચેઈન્જ વૈશ્વિક ઘટના છે અને તેના માટે વૈશ્વિક સહકાર આવશ્યક છે. આપણે આ પ્રવાહને પાછો ધકેલવામાં થોડી પ્રગતિ સાધી શક્યા છીએ પરંતુ, આપણાં લક્ષ્યો પાર પાડી શકાય ત્યાં સુધી હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે. ક્લાઈમેટ ચેઈન્જ માનવીના કલ્યાણ-સ્વાસ્થ્ય અને પૃથ્વી ગ્રહની તંદુરસ્તી સામે ભારે જોખમ છે. આજે કાર્યવાહી કરીશું તો ભવિષ્ય સુરક્ષિત બનાવી શકાશે.’
‘એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર’ના એડિટર-ઈન-ચીફ સી.બી. પટેલે આપણી પૃથ્વીની જાળવણી કરવા અને આગામી પેઢીઓને ટકાઉ ભવિષ્ય પુરું પાડવા દેશને પ્રેરણા આપનારા મહાત્મા ગાંધી વિશે પોતાના વિચારોની સંક્ષિપ્તમાં રજૂઆત કરી હતી.
RAFની એસ્ટ્રા (અસ્ત્ર) કોર ટીમના હિસ્સા રહેલાં વોરન્ટ ઓફિસર કેરોલીન કૂપરે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે,‘નેક્સ્ટ જનરેશન રોયલ એર ફોર્સ તરફની આપણી યાત્રાને અસ્ત્ર નામ આપવામાં આવ્યું છે. તેના અનેક પાથવેઝ છે. તેમાં લોકો, તાલીમ, ઈક્વિપમેન્ટ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સપોર્ટ તેમજ ડિજિટલ, સ્પેસ અને સસ્ટેનેબિલિટીના કોર એસ્ટ્રા થીમ્સના મોટા પરિવર્તનકારી પ્રોગ્રામ્સનો સમાવેશ થાય છે. આ યાત્રામાં આપણે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાની જરૂર છે. અને ક્લાઈમેટ ચેઈન્જના નિરાકરણમાં આપણે આપણી ભૂમિકા ભજવવી જ જોઈશે. આપણે ભવિષ્યની ઓપરેટિંગ ક્લાઈમેટમાં કાર્યરત રહેવા અને યુદ્ધવિજયની ક્ષમતા પૂરી પાડવા રોયલ એર ફોર્સને અનુકૂળ બનાવી ઘડતર કરવું પડશે તેમજ 2040 સુધીમાં સૌપ્રથમ નેટ ઝીરો એર ફોર્સ બનવા સાથે ફોસિલ ફ્યૂલ્સ વિના જ કામ કરવાનું રહેશે.’
સંગીતા વાલ્ડ્રોને ‘એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર’ને એક સંદેશામાં જણાવ્યું હતું કે,‘એક મોડરેટર તરીકે, મેં ‘પૂર્વ અને અન્ય સંસ્કૃતિઓમાંથી પ્રાચીન વિજ્ઞાને આપણને સહુને માતા પ્રકૃતિ અને તેના સ્રોતો સાથે સામંજસ્યથી રહેવાંની ચેતવણી આપી હતી’ના વિચાર સાથે ચર્ચાનો આરંભ કરાવ્યો હતો. જોકે, આપણે પશ્ચિમમાં આ પ્રાચીન વિજ્ઞાનને વહેમ કે અંધશ્રદ્ધા ગણાવી નકારી કાઢ્યું હતું. હવે આધુનિક વિજ્ઞાન સાબિત કરી રહ્યું છે કે ક્લાઈમેટની કટોકટી સર્જાઈ છે અને કુદરતી સ્રોતો ઝડપથી ઘટી રહ્યા છે. આપણી ચર્ચા આ કેન્દ્રબિંદુ પર સંમત થઈ છે કે આ કટોકટીનો સામનો કરવા આપણે વર્તણૂકો અને માનસિકતામાં તાકીદે પરિવર્તન કરવાની જરૂર છે. આ પૃથ્વી તરફ આપણા દરેકની વ્યક્તિગત જવાબદારી છે અને જેઓ હજું જન્મ્યાં નથી તેમનાં પ્રત્યે સંભાળનું કર્તવ્ય છે.’
ક્લાઈમેટ ચેઈન્જ વિશે પોતાના મંતવ્યોને સંક્ષિપ્તમાં દર્શાવતા પેનલિસ્ટોએ ‘એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર’ને આ મુજબ જણાવ્યું હતું:
અલ્પેશ પટેલ OBEએ જણાવ્યું હતું કે,‘આપણે બધા જાણીએ છીએ કે ક્લાઈમેટ ચેઈન્જ વાસ્તવિક છે અને તે વધુ ખરાબ થઈ રહ્યું છે. આપણે તેનો સામનો કરવામાં મદદ થાય તેવી ઘણી બાબતો કરી શકીએ છીએ પરંતુ, આ બધામાંથી એક બાબત આપણે બધા કરી શકીએ તે બીફ-ગૌમાંસનો વપરાશ ઘટાડવાનું છે. દાખલા તરીકે, તમે માંસના વિકલ્પનો ઉપયોગ કરી શકો અથવા બીફનો વપરાશ ઘટાડી શકો છો. તમારે સંપૂર્ણપણે વપરાશ બંધ કરવાનો નથી. તમે કદાચ ‘મીટલેસ મન્ડે’ રાખી શકો છો.
બીફ, લેમ્બ અને પ્રાઉન્સ પ્રોટીનના પ્રતિ ગ્રામ સૌથી વધુ CO2 પેદા કરે છે. બીફના વપરાશની વાત બાજુએ મૂકો તો પણ ગાયોને ખવડાવવા જરૂર સ્ક્વેર ફીટ પાક અને સેંકડો ગેલન પાણીનો તો વિચાર કરી જુઓ. જ્યારે તમને સમજાશે કે તમે પહેરેલા વસ્ત્રોથી માંડી તમારા પ્રવાસ-અવરજવર સુધીની તમામ બાબતો ક્લાઈમેટ સાથે સંકળાયેલી છે ત્યારે તમને આંચકો લાગી જશે. પરંતુ, આના વિશે વધુ તણાવમાં આવી જશો નહિ! તમે જે પ્રવૃત્તિ કરો છો અને તેની અસરો વિશે જરા વધુ વિચારતા રહેજો.’
હિતેશ પટેલે જણાવ્યું હતું કે,‘વૈશ્વિક કંપનીઓ સંયુક્તપણે કાર્બન એમિશન્સમાં સૌથી મોટું યોગદાન કરતી હોવાથી બિઝનેસીસે વિશાળ ભૂમિકા ભજવવાની રહે છે. જવાબદારી અને તક, ઝડપી ડિકાર્બોનાઈઝેશન સાથે નફાને સાંકળવો અને પ્રાઈવેટ-પબ્લિક પાર્ટનરશિપના નિર્માણ થકી અસરકારક ક્લાઈમેટ નિયમનોને સપોર્ટ તેની ચાવી છે. આનું સારું ઉદાહરણ અગ્રણી બ્રાન્ડ સૂર્યા ફૂડ્સ છે જેણે યુકેમાં સર્વપ્રથમ કાર્બન-ન્યુટ્રલ રાઈસના સ્રોત વિકસાવ્યા છે.’
લેખક, નાટ્યલેખક અને વાર્તાકાર લાલિન પૌલે જણાવ્યું હતું કે,‘ બી ધ ચેઈન્જનો અર્થ માનવજાત દ્વારા જે નુકસાન કરાઈ રહ્યું છે તેની પીડા અને ગૂંચવાડાની લાગણી અનુભવવા છતાં, પ્રકૃતિની કાળજી-સંભાળ રાખવા અને તેના રક્ષણ માટે આગળ આવવાની હિંમત હોવાનો છે. ખુદ પરિવર્તિત થવાનો અર્થ એ છે કે કુદરતને લૂંટવાના બદલે આપણી જાતને કુદરતના હિસ્સા અને તેની સાથે સંકળાયેલી નિહાળવાની છે. આપણે માતા પ્રકૃતિને ઓવરડ્રાફ્ટની પુનઃચૂકવણી કરવાની છે અને કન્ઝ્યુમર્સ, બિઝનેસ અને સરકારમાં સભ્ય તરીકે આપણા અંગત જીવનમાં ક્લાઈમેટ ચેઈન્જ સામે લડવાના આપણા પ્રયાસોમાં એકસંપ થવાનું છે. કુદરતને એશિયન વોઈસની તાકાતની આવશ્યકતા છે અને તે અત્યારે જ જોઈએ છે.’
લાલિનનું લિટલ, બ્રાઉન દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ પુસ્તક POD ઓશન્સના આશ્ચર્યો અને જોખમોની શોધખોળ અને માનવજાતની ક્રુરતા અને અજ્ઞાનતાની દિલધડક કહાણી છે.
આભાર પ્રસ્તાવ રજૂ કરતા લોર્ડ ડોલર પોપટે સમાચાર સાપ્તાહિકો ‘એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર’ને બ્રિટિશ એશિયન કોમ્યુનિટીમાં ક્લાઈમેટ ચેઈન્જ વિશે જાગરૂકતા વધારવા વિશેષ પ્રયાસ કરવાનો અનુરોધ કર્યો હતો.