દેશના અગ્રણી બુકમેકર્સનો મત અલગ છે તેઓ કહે છે કે કન્ઝર્વેટિવ્ઝને હરાવવા જેરેમી કોર્બીનની લેબર પાર્ટીને ચમત્કારની જરૂર પડશે. બેટફેર એક્સચેન્જની આગાહી છે કે ટોરીઝ અભૂતપૂર્વ વિજય મેળવશે અને બહુમતી મેળવવાની તક ૭૯ અને સંપૂર્ણ બહુમતી ન મળવાની શક્યતા ૧૯ ટકા છે. લેબર પાર્ટીના શેડો ચાન્સેલર જ્હોન મેક્ડોવલે બહુમતી લેબર સરકારનો વિશ્વાસ વ્યક્ત કર્યો હોવા છતાં લેબર બહુમતીની શક્યતા બે ટકા જેવી ધૂંધળી બતાવાઈ છે. બેટફેરના પ્રવક્તા કહે છે કે વીકએન્ડની શરૂઆતે ટોરી પાર્ટીના વિજયની સંભાવના ૨/૫ હતી તે વધીને ૧/૪ થઈ છે. લેબરના વિજયની શક્યતા ૫૪/૧ની છે.
સામાન્ય ચૂંટણીમાં કોનો વિજય થશે તેની આગાહી કરતા બુકમેકર વિલિયમ હિલના આંકડા દર્શાવે છે કે કન્ઝર્વેટિવ પાર્ટી વિજય તરફ આગળ વધી રહી છે. તેની બહુમતીની સંભાવના ૨/૫, સંપૂર્ણ બહુમતી નહિની સંભાવના ૨/૧ તેમજ લેબર બહુમતીની સંભાવના ૧૬/૧ તથા લિબરલ ડેમોક્રેટ્સની બહુમતીની સંભાવના ૨૫૦/૧ની દર્શાવાઈ હતી. સૌથી વધુ બેઠકો મળવાની સંભાવનાઓમાં કન્ઝર્વેટિવ્ઝને ૧/૨૫, લેબર પાર્ટીને ૧૨/૧, લિબરલ ડેમોક્રેટ્સને ૧૦૦/૧, બ્રેક્ઝિટ પાર્ટીને ૫૦૦/૧ અને ગ્રીન પાર્ટીને ૫૦૦/૧નો સમાવેશ કરાયો હતો.
બુકમેકર્સ કોરલ અનુસાર સૌથી વધુ બેઠકો માટે કન્ઝર્વેટિવ્ઝને ૧/૩૩, લેબર પાર્ટીને ૧૬/૧, લિબરલ ડેમોક્રેટ્સને ૨૦૦/૧, બ્રેક્ઝિટ પાર્ટીને ૫૦૦/૧ અને ગ્રીન પાર્ટીને ૧૦૦૦/૧નો આંક મૂકાયો હતો. તેમણે ટોરી બહુમતીનો આંક ૪/૧૧ તેમજ લેબર પાર્ટીને ૧૬/૧નો મૂક્યો હતો.
બુકમેકર્સ લેડબ્રોક્સ મુજબ ટોરી બહુમતીનો આંક ૪/૧૧ તેમજ લેબર પાર્ટીને ૨૦/૧નો મૂકાયો હતો જ્યારે સૌથી વધુ બેઠકો માટે કન્ઝર્વેટિવ્ઝને ૧/૩૩, લેબર પાર્ટીને ૧૬/૧, લિબરલ ડેમોક્રેટ્સને ૨૦૦/૧, બ્રેક્ઝિટ પાર્ટીને ૫૦૦/૧ અને ગ્રીન પાર્ટીને ૧૦૦૦/૧નો આંક મૂકાયો હતો.
ટોરી પાર્ટીનો સરસાઈ ગ્રાફ સતત નીચે
વિવિધ ઓપિનિયન પોલ્સ ટોરી પાર્ટીની સરસાઈ દર્શાવતા રહે છે પરંતુ, ‘Sevanta ComResના તાજા પોલમાં જ્હોન્સનની પાર્ટીને માત્ર આઠ પોઈન્ટની સરસાઈ મળતી હોવાનું જણાવાયું છે, જે સ્પષ્ટ બહુમતી માટે પૂરતી ન ગણાય. આ પરિસ્થિતિ ત્રિશંકુ પાર્લામેન્ટ સૂચવે છે જેમાં લેબર પાર્ટી અને સ્કોટિશ નેશનલ પાર્ટી સરકાર બનાવવા ગઠબંધન રચી શકે છે, જેનો સંકેત નિકોલા સ્ટર્જને પણ આપ્યો છે. જોકે, ઓપિનિયમ પોલ ટોરી પાર્ટીને ૪૬ ટકા અને લેબર પાર્ટીને ૩૧ ટકા મળ્યાનું દર્શાવે છે. તેના મુજબ ટોરી પાર્ટી ૧૫ પોઈન્ટની સરસાઈ ધરાવે છે.
ગત છ સપ્તાહમાં કન્ઝર્વેટિવ પાર્ટી ૪૦ ટકા પરથી માત્ર ચાર પોઈન્ટ વધીને છેલ્લે ૪૪ ટકાએ પહોંચી છે તેનાથી વિપરીત લેબર પાર્ટી ૨૮ ટકા પરથી છ પોઈન્ટ વધીને ૩૪ ટકાએ પહોંચી છે. આમ લેબર પાર્ટીનો દેખાવ સતત સુધરી રહ્યો છે. આવી જ રીતે લિહરલ ડેમોક્રેટ્સ અને બ્રેક્ઝિટ પાર્ટીનો ગ્રાફ સતત નીચે આવતો રહ્યો છે.
‘Britain Elects’ અને ‘New Statesman’ દ્વારા કરાયેલા અન્ય ટ્રેકર પોલમાં લેબર પાર્ટી પર ટોરીની સરસાઈ ઘટીને ૯.૬ ટકા થયાનું જણાવાયું હતું. લેબર પાર્ટીએ અન્ય નાના પક્ષો પાસેથી મતદાતાઓ આંચકી લીધા હતા. ટોરી અને લેબર વચ્ચે ગત દિવસોમાં આશરે ૧૦ ટકાની ખાઈ રહેવા પામી છે. લેબર પાર્ટી ૧.૪ પોઈન્ટના વધારા સાથે ૩૨.૮ ટકાએ પહોંચી હતી જ્યારે કન્ઝર્વેટિવ્ઝ ૪૨.૪ ટકાએ રહી હતી. જો સ્વિન્સનના લિબરલ ડેમોક્રેટ્સ એક પોઈન્ટ ઘટીને ૧૩.૧ ટકા તેમજ નાઈજેલ ફરાજની બ્રેક્ઝિટ પાર્ટી ૦.૪ પોઈન્ટના ઘટાડા સાથે ૩.૪ ટકા અને ગ્રીન પાર્ટી ૦.૨ પોઈન્ટના ઘટાડા સાથે ૩ પોઈન્ટ પર રહ્યા હતા.