વોશિંગ્ટનઃ બે મહાન રાષ્ટ્ર, બે મહાન મિત્ર. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ જો બાઇડેનની ઐતિહાસિક મુલાકાતનો આ સાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક યુએસ પ્રવાસ પૂરો કર્યાને કલાકો વીતી ગયા છે, પણ આંતરરાષ્ટ્રીય રાજકારણથી માંડીને મીડિયામાં ચર્ચાના વમળો શાંત પડ્યા નથી. ચર્ચાના કેન્દ્રમાં છે ભારત દેશનું વિશ્વસ્તરે વધેલું મહત્ત્વ અને એક ભારતીય વડા પ્રધાનનું, નરેન્દ્ર મોદીનું વિશ્વતખતે ઉભરેલું વ્યક્તિત્વ.
મોદીના બહુચર્ચિત અમેરિકા પ્રવાસના સમાપન બાદ પ્રમુખ બાઇડેનનું નિવેદન થોડામાં ઘણું કહી જાય છેઃ ભારત-અમેરિકા વચ્ચેની મિત્રતા સમગ્ર વિશ્વ માટે ફળદાયી છે, અને હવે આ સંબંધ અગાઉ ક્યારેય નહોતો એટલો મજબૂત છે. વડા પ્રધાન મોદીની ઐતિહાસિક વિઝીટમાં બંને દેશો સ્ટ્રેટેજિક ટેકનોલોજી પાર્ટનરશિપને નવી ઊંચાઈએ લઈ જવા માટે સંમત થયા છે.
વિશ્વની એકમાત્ર મહાસત્તાના વડાના મુખેથી બોલાયેલા આ શબ્દોનું આગવું મહત્ત્વ છે. મોદીની ઐતિહાસિક મુલાકાત શુક્રવારે પૂરી થઈ હતી. તેમાં પ્રમુખ બાઇડેન સાથે ટેક્નોલોજી ટ્રાન્સફરથી માંડીને વેપારવણજ, આર્થિક સહયોગથી લઇ આતંકવાદ અને વૈશ્વિક રાજકારણ સહિતના મુદ્દા ચર્ચાયા. ત્રણ બિલિયન ડોલરનો 30 પ્રિડેટર ડ્રોનનો સોદો, જીઇ એરોસ્પેસ દ્વારા ભારતમાં ફાઇટર જેટ એન્જિનનું ઉત્પાદન, ગુજરાતના સાણંદમાં માઇક્રોન કંપનીના ચીપ પ્રોડક્શન પ્લાન્ટની સ્થાપના સહિત અનેક સમજૂતી કરારો થયા. તો વડા પ્રધાન મોદીએ યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને પણ સંબોધ્યું, આવું બહુમાન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય રાજનેતા છે, એટલું જ નહીં તેમણે 14 વખત સ્ટેન્ડીંગ ઓવેશન મેળવ્યું!
અમેરિકાએ મોદીનું લાલ જાજમ બિછાવીને સ્વાગત કર્યું, અને ભારતીય-અમેરિકનો માટે વ્હાઇટ હાઉસના દરવાજા ખુલ્લા મૂક્યા કે જેથી તેઓ તેમના નેતાના સ્વાગત સમારંભમાં સામેલ થઇ શકે. દિગ્ગજ ટેક્નોલોજી કંપનીના વડાથી લઇ કોર્પોરેટ હાઉસના સીઇઓ સાથે વડા પ્રધાનની મંત્રણા અને ભારતમાં કામ કરવાની તેમની તત્પરતા. આ બાબતો વિશ્વક્ષિતિજે ઉભરતા ભારતની તાકાત દર્શાવે છે.